કાશ્મીરઃ નવો વાયરો નવો સંકેત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 02nd July 2019 02:21 EDT
 
 

ગૃહ પ્રધાન અમિત શાહે તો તેના પ્રવચનને આનુસંગે જ લોકસભામાં કહ્યું કે કાશ્મીર વિશેની ધારા-૩૭૦ બિનકાયમી છે. પણ, આટલું વિધાન દેશમાં ખળભળાટ પેદા કરી ગયું છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ અને કાયમ ૩૭૦નાં પરિણામોના મધપૂડાથી વળગેલા કાશ્મીરી પક્ષો, આતંકવાદી મજહબી (૬૦ જેટલા) સંગઠનો, કોંગ્રેસ અને બીજે વેરાયેલા ‘કાશ્મીરીપ્રેમી’ઓ, કાયમ વિભાજનનો ખેલ કરનારા ‘બૌદ્ધિક લિબરલો...’ આ બધાને તો જાણે ધરતીકંપ આવ્યાનો અનુભવ થયો છે. તર્કના રાફડા ફાટ્યા છે. ‘કાશ્મીર ગુમાવી બેસીશું’નો ફફડાટ ચાલુ કરાયો છે.

કાશ્મીરના સવાલ વિશે હમણાં એક પ્રબુદ્ધ ચિંતક પાસેથી નવી વાત મળી. તેમણે કહ્યું કે ‘કાશ્મીરી મુસલમાન મૂળભૂત રીતે બાકી ભારતના મુસલમાનો કરતાં સાવ અલગ પહેચાન ધરાવે છે. તેનો મિજાજ અલગ છે. તેનાં મૂળિયાં અલગ સંસ્કૃતિનાં છે. કાશ્મીરી મુસ્લિમ સાહિત્ય પર સૂફી અને શૈવ સાહિત્યનો પ્રભાવ છે. ભારતવર્ષના છેવાડે આવેલા બર્ફિલા પ્રદેશે તેના આગવાં લક્ષણોને જીવંત રાખ્યાં છે. કાશ્મીરી મુસ્લિમની સાથે પાકિસ્તાનના સિંધ કે પંજાબી મુસલમાનની યે કોઈ એકસરખી ભાત નથી. હવે, આપણે તો ૧૯૪૭થી એવું કરતા રહ્યાં કે ભારતના મુસ્લિમ વર્ગનો જ એક પ્રવાહ સમજીને તેની સાથે વર્તન કરતાં રહ્યાં અને કાશ્મીરને ભારતના ‘સેક્યુલારિઝમ’નું પ્રતીક માનતાં રહ્યાં!’

ઇતિહાસનો આ મુદ્દો ભૂગોળની સાથે જોડાઈ ચૂકેલો છે અને તેનું વિસ્મરણ કરીને ભારતનું રાજકારણ કાશ્મીરના કોકડાં તરફ અવાસ્તવિક વલણ અપનાવતું રહ્યું તેથી આ સમસ્યા વકરી છે. આમાં પંડિત જવાહરલાલ નેહરુથી સ્વ. રાજીવ ગાંધી સુધીની એ જ બેઢંગી રફતાર રહી. પરિણામ એ આવ્યું કે ખુદ કાશ્મીરને પણ શેખ અબ્દુલ્લા જેવા અતિ મહત્ત્વાકાંક્ષી, બક્ષી ગુલામ મોહમ્મદ જેવા ભ્રષ્ટ અને ફારુક અબ્દુલ્લા જેવા નિરર્થક રાજકીય નેતાઓ મળતા રહ્યા. પ્રજા રહેંસાતી રહી. દિગ્ભ્રમિત થતી રહી અને નેતાઓ પોતાની હાંડી ગરમ કરતા રહ્યા!

એટલે વાત ત્યાં સુધી આવીને પહોંચી છે કે શ્રીનગરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના મુદ્દે પણ ઢોલનગારાં વગાડવાં પડે છે.

હું માનું છું કે આમ કરવામાં ડો. મુરલી મનોહર જોશીને તેમના પુરોગામી ડો. શ્યામાપ્રસાદ મુખરજી જેટલું જ દુઃખ અને કણસાટ હશે. ૧૪ જુલાઈ ૧૯૫૧ના દિલ્હી-કાશ્મીર કરાર થયા અને કાશ્મીરનો ‘વિશેષ દરજ્જો’ ભારતને મંજૂર રાખ્યો. કાશ્મીરે ‘રાષ્ટ્રધ્વજ’, ‘વડા પ્રધાન’ અને ‘બંધારણ’ અલગ રીતે પોતાનાં રચ્યાં અને ૧૫ નવેમ્બર ૧૯૫૧ના કાશ્મીરનું અલગ રાષ્ટ્રીય ચિહ્ન (અશોકચક્ર નહીં) પસંદ કર્યું ત્યારે ડો. મુખરજીને લાગ્યું કે પંડિત નેહરુ કાશ્મીરમાં અલગાવના વિષવૃક્ષને પોતાના કુસુમકોમળ હૃદયથી ઉછેરવાનો ખતરનાક પ્રયોગ કરી રહ્યા છે ત્યારે તેમણે ‘કાશ્મીર બચાવ’ અભિયાન છેડ્યું.

ડો. મુખરજી સંસદના વિપક્ષના સર્વમાન્ય નેતા હતા. કેન્દ્રીય કેબિનેટના ભૂતપૂર્વ પ્રધાન હતા. તેમણે સંઘર્ષ સમિતિ રચી. કાશ્મીરમાં પ્રજા પરિષદમાં મુખ્યત્વે જમ્મુના પંડિતો કામ કરતા હતા. તેમણે પંડિત પ્રેમનાથ ડોગરાના પ્રમુખપદે સત્યાગ્રહ શરૂ કર્યો. ૧૯૫૩ના જૂનમાં ડો. મુખરજીએ રાષ્ટ્રધ્વજ સાથે કાશ્મીરમાં પ્રવેશ કરીને સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો તો સરહદ પર લખીમપુરમાં તેમની ધરપકડ થઈ અને તેમને શ્રીનગરની જેલમાં લઈ જવાયા.

...પછી, દેશને એક દિવસ અચાનક જાણ થઈ કે ડો. મુખરજી જેલમાં મૃત્યુ પામ્યા છે!

૨૩ જૂન ૧૯૫૩ની એ અંધારી રાત્રે શ્રીનગર જેલની કોટડીમાં તેમના પર શું વીત્યું હતું તેની વિગતો એટલી જ અંધારગ્રસ્ત રહી છે. જયપ્રકાશ નારાયણ સહિતના આગેવાનોએ આ મૃત્યુની તપાસની માગણી કરેલી, પણ પંડિત નેહરુએ તે ન સ્વીકારી, તેનું એક કારણ પંડિતજીની શેખ અબ્દુલ્લા પ્રત્યેની પ્રીતિને માનવામાં આવે છે. વાસ્તવિકતા એ હતી કે પંડિતજી આવી તપાસ સ્વીકારે તો યે કાશ્મીર તો ત્યાં સુધીમાં અલગ દરજ્જો મેળવી ચૂક્યું હતું, તેના શાસકો ખુદ જ ક્યાં માનવાના હતા?

આમ લોકશાહી ભારતના પહેલા જ વિપક્ષી નેતાના અકુદરતી મૃત્યુથી ભારતના સંસદીય લોકતંત્રની શરૂઆત થઈ હતી તે સ્મરણમાં રાખવા જેવું છે!

શેખ અબદુલ્લાની ‘કાશ્મીરી-રાજનીતિ’ વિરોધાભાસી હતી. ૧૯૩૨માં તેમણે ‘મુસ્લિમ’ કોન્ફરન્સ સ્થાપી. તેનાં બંધારણમાં ‘કાશ્મીરી મુસ્લિમ રાજ્યની સ્થાપના’નો હેતુ લખાયેલો હતો. મુસ્લિમ લીગે ઝટ દઈને તેને ટેકો આપ્યો. દરમિયાન કાશ્મીરના હિન્દુ રાજાના સામંતવાદ સામે લડત ચાલી એમાં આ પ્રશ્નની ભેળસેળ થઈ ગઈ. શેખે ‘નેશનલ કોન્ફરન્સ’ સ્થાપી પણ તેનો હેતુ ‘સત્તાના રાજકારણ’ સુધી પહોંચવાનો જ હતો. ૧૯૪૬માં કોંગ્રેસ મુસ્લિમ લીગે કેબિનેટ મિશન યોજનાનો સ્વીકાર કર્યો અને પાકિસ્તાનની રચના લગભગ નિશ્ચિત થઈ ગઈ એટલે આ નેશનલ કોન્ફરન્સે આબાદ ખેલ ખેલ્યો. તેણે ‘કાશ્મીરમાં હિન્દુ પંડિતો, ડોગરાઓનું વર્ચસ્વ ન રહેવું જોઈએ’ તેના પર ભાર મૂક્યો. આ માગણીને દબાવવા રાજા હરિસિંહે શેખને જેલમાં પૂર્યા. જેલમુક્તિના પહેલા જ દિવસે શેખે એક ફણગો મૂક્યો કે કાશ્મીરે ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે તેનો અધિકાર પ્રજાનો છે.

૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું. કાશ્મીરમાં રાજા હરિસિંહને શેખ અબ્દુલ્લાનાં વધતા જતાં પ્રભાવનો ભય હતો અને રાજવી પ્રકૃતિને લીધે અવઢવમાં રહ્યા. ત્યાં સુધીમાં પાકિસ્તાને કાશ્મીર પર કબજો જમાવવા કબાઇલી આક્રમણ શરૂ કરી દીધું. ૨૧ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પહેલો હુમલો થયો. મુઝફ્ફરાબાદ પાર કરીને શ્રીનગર તરફ આગળ વધતી આ સેનાને શ્રીનગર-કાશ્મીરમાંની પાકિસ્તાન કાઉન્સિલનો ટેકો મળ્યો એને પહેલી સાંકેતિક ઘટના ગણવી જોઈએ.

રાજા હરિસિંહના ડોગરા સૈનિકો મર્યાદિત સંખ્યા છતાં કબાઈલીઓ સામે લડ્યા અને દિલ્હીને ‘લશ્કરી મદદ’ની વિનંતી કરી. સાથોસાથ જણાવ્યું કે રિયાસતે ભારતની સાથે જોડાવવાનો નિર્ણય લીધો છે.

આ તકે ભારત સરકારે ત્વરિત નિર્ણય લઈને કાશ્મીરમાં સેના મોકલીને સંપૂર્ણ કાશ્મીરને પાકિસ્તાની કબાઇલીઓથી મુક્ત કરી દીધું હોત તો આજે જે શિરદર્દ પેદા થયું છે તેનું અસ્તિત્વ ન હોત એમ ઘણા ખરા લશ્કરી નિષ્ણાતોની દૃઢ માન્યતા છે. પણ નેહરુ અને દિલ્હી - બન્ને ત્રણ દિવસ નિષ્ક્રિય રહ્યા. મહેરચંદ મહાજને નોંધ્યું છે કે કાશ્મીરની સ્થિતિ વણસેલી રહી. હરિસિંહના સાથીદાર મુસ્લિમ નેતાઓ પણ ફરી ગયા. કાશ્મીર સરહદ પારના, ૨૫૦ માઇલ વિસ્તાર ધરાવતા ગામડાંઓ લોહિયાળ રમખાણોનો ભોગ બન્યાં. મોહમ્મદ અલી ઝીણાએ તો ૨૭ ઓક્ટોબર પાક. સેનાની બે બ્રિગેડને રિયાસતમાં ‘ઇદના જશ્ન’ને મનાવવાની શુભેચ્છા સાથે મોકલી.

દિલ્હીને હરિસિંહ નડતા હતા. નેહરુના ચિત્તમાં સામંતવાદ સામેનો પ્રકોપ હતો. તેમને શેખમાં જન-નેતાનાં દર્શન થતાં હતાં. ૨૬ ઓક્ટોબરે નવી દિલ્હીમાં મહારાજા અને શેખની હાજરીમાં જે રીતે ભારત સાથેનું કાશ્મીર જોડાણ થયું તેનું ચતુરાઈપૂર્વક શેખે નિરીક્ષણ કરી લીધું અને પછીના દિવસોની પેંતરાબાજીમાં નિષ્ણાત થયા.

ભારતીય સૈન્યે ૨૫ નવેમ્બર સુધીમાં કાશ્મીરમાં આક્રમણને હટાવ્યું. પણ કેટલોક ભાગ બાકી રહી ગયો. નેહરુના આદર્શવાદ અને સરદારના ‘વાસ્તવવાદ’ વચ્ચેની આ પહેલી વહેલી ભેદરેખા! બીજી નવેમ્બરે તો પંડિતજીએ બાંયધરી આપી દીધી કે કાશ્મીરનો છેવટનો નિર્ણય કાશ્મીરી પ્રજા પોતે જ નક્કી કરશે.

૩૦ ઓક્ટોબરે, શેખ સાહેબ કાશ્મીરી વડા પ્રધાન બન્યા. તેમની પહેલી શરતોમાં અલગ ધ્વજ, અલગ બંધારણ, અલગ પ્રમુખ તેમજ જનમત (પ્લેબિસાઇટ) હતાં.

૧૭ ઓક્ટોબર ૧૯૪૯ના વિવાદાસ્પદ ૩૭૦મી કલમ પ્રસ્તુત થઈ. તેને મંજૂર કરવાની પ્રક્રિયા ૧૩ જુલાઈ, ૧૯૫૨ સુધી ચાલી.

૧૭ ઓક્ટોબરે આ ધારા-૩૭૦ પેશ કરાઇ ત્યારે તેમાં પ્રયોજાયેલા શબ્દો હતાઃ ટેમ્પરરી એન્ડ ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન. ડો. આંબેડકરે આ બારી રાખીને ૩૭૦મી કલમ કાયમી ન બની જાય તેની દરકાર રાખી હતી પણ ૧૯૬૨માં આને ‘વિશેષ જોગવાઈ’માં પલટી નાખવા ૧૩મા બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે કાશ્મીરમાં ભારતીય નાગરિકના મૂળભૂત અધિકારો સુદ્ધાં પર તરાપ મારતી આ જોગવાઈનો અમલ શેખ અબદુલ્લાએ મનફાવે તે રીતે કર્યો.

કાશ્મીરની પહેલી ચૂંટણીની ઘટનાઓ તપાસો. મોટા પાયે તેમાં ગોલમાલ અને હેરાફેરી થઈ હતી. સામેના બધા ઉમેદવારોને ગેરલાયક ઠેરવાયા હતા. પણ આની તપાસ કરવાનો અધિકાર ભારતના ચૂંટણી પંચને કે સુપ્રીમ કોર્ટને નહોતો! કારણ, ૩૭૦મી કલમ હેઠળની વિશેષ જોગવાઈ!

એક ઓર કિસ્સો નોંધવા જેવો છે.

૧૯૬૮માં ન્યાયમૂર્તિ પી. બી. ગજેન્દ્રગડકરની આગેવાનીમાં એક તપાસ પંચ નિયુક્ત થયેલું. તેમનો અહેવાલ ‘ધ રિપોર્ટ ઓફ ધી જમ્મુ એન્ડ કાશ્મીર ઇન્કવાયરી’ નામે બહાર પડેલો છે. આ તપાસ પંચને જાણવા મળ્યું કે કાશ્મીરના લડાખ પ્રદેશના રહેવાસીઓએ એવું સૂચવ્યું હતું કે જો ‘જમ્મુ એન્ડ કાશ્મીર સ્ટેટ’ કહેવાતું હોય તો પછી જમ્મુ-કાશ્મીર એન્ડ લડાખ સ્ટેટ કેમ નહીં? તેનાથી અમારી બૌદ્ધ લડાખ પ્રજાની પહેચાન પણ રહેશે. શેખ અબ્દુલ્લાએ સાફ ના પાડી દીધી. તેમના મનમાં અલગ પહેચાનનો મુદ્દો માત્ર કાશ્મીરી મુસ્લિમો પૂરતો મર્યાદિત હતો.

એ પછી પણ કાશ્મીરની ભારત સાથેની એકાત્મતાના કોઈ ઇલાજો થયા નહીં. ૧૩ જુલાઈથી ૨૦ ઓક્ટોબર સુધીમાં કાશ્મીરમાં ધરખમ ‘જમીન સુધારા’ કરાયા. પંડિત નેહરુ સહિત બધા હરખાયા કે વાહ, અબદુલ્લાએ પ્રગતિશીલ સુધારા કર્યાં. વાસ્તવમાં તે પોતાની ‘વોટ બેન્ક’ સ્થાપિત કરવા પૂરતા હતા.

૩૧ ઓક્ટોબર ૧૯૫૧ના કાશ્મીરની બંધારણ સભા મળી. ૨૦ નવેમ્બરે કાશ્મીરનું ‘અલગ બંધારણ’ અમલમાં મૂકાયું જેવું બંધારણ અમલમાં આવ્યું કે ૨૯ માર્ચ ૧૯૫૨ના શેખે ધડાકો કર્યોઃ ‘આપણે કાશ્મીરીઓ ૧૦૦ ટકા સાર્વભૌમ રાજ્ય ધરાવીએ છીએ!’

૭ જૂન ૧૯૫૧ કાશ્મીરનો અલગ ધ્વજ થયો.

૧૪ જુલાઈએ દિલ્હી-કાશ્મીર કરાર થયા. એ પછી ડો. મુખરજીનો સત્યાગ્રહ થયો અને શેખ અબદુલ્લાનું પહેલું અલગતાવાદી પોત બહાર આવ્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. નેહરુજીને ઓગસ્ટ ૧૯૫૩માં શેખ અબદુલ્લાની ધરપકડ તો કરવી પડી, પણ કાશ્મીરની બાજી હાથમાંથી જતી રહી હતી.

એ પછીની વિચિત્ર અને વિરોધાભાસી તવારીખ પણ દર્શાવે છે કે અગાઉ કાશ્મીરમાં કેન્દ્ર સરિયામ નિષ્ફળતાથી વિશેષ કશું કરી શક્યું નથી અને આજે આ પ્રદેશ અલગાવની આંધીની ચરમસીમાએ પહોંચી ગયો છે.

શું ઇતિહાસનાં પાણી પાછાં વાળી શકાશે? હા. જો રાષ્ટ્રીય ઇચ્છાશક્તિનું સામર્થ્ય હશે તો.

આજે તો તેવાં એંધાણ દેખાય છે.


comments powered by Disqus