ખળભળતા પર્વત શિખરો: સંઘર્ષમાં પ્રણયકથા?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 08th December 2020 03:37 EST
 
 

સાચુકલો સંઘર્ષ અને ભીતર સુધી ખળભળાટ મચાવતી યુવા પ્રણયની અદ્દભુત કથા? હા, પુસ્તક એક ચીની વિદ્રોહી યુવકે લખ્યું હતું. ‘મૂવિંગ માઉન્ટેઈન’. લેખકનું નામ લી લુ. ૧૯૮૯ના વર્ષમાં ખ્યાત ટીનાનમેન ચોકમાં યુવા છોકરા છોકરીઓએ ચીની સામ્યવાદી શાસનની ખિલાફ લોકશાહી માટે જંગ છેડ્યો હતો તેની દાસ્તાન છે. કોઈ નકલી ક્રાંતિકારી નહિ, કોઈ ઉછીના લાવવામાં આવેલા ટોળાં નહિ, કોઈ નકલી નારાબાજી નહિ અને કોઈ બેવડા કાટલાં ધરાવતા યુવા નેતાઓ પણ નહિ. સૌ સ્વયંભૂ અહીં એકઠા થયા હતા, અને પછી...

૧૯૮૯ના જૂન માહિનાનું પ્રથમ સપ્તાહ. ચોથી જૂનનો દિવસ. આટલાં વર્ષે પણ તેની અંગારભસ્મ જેવી યાદ ચીની સત્તાધીશોને ગભરાવે છે. એક સમયે આ ટીનાનમેન ચોક વિશ્વનું પ્રવાસન કેન્દ્ર હતું. આજે ભૂતિયું ખંડેર બની ગયું છે. તે દિવસે ચોથી તારીખે ચીનની દીવાલો જાણે કે ધસી પડી. અખબારોમાં એક તસવીર આવી હતી. ચીની લશ્કર (નામ પણ કેવું, પીપલ્સ આર્મી! રે, પીપલ્સ!!)ની ટેન્કો બધું ખેદાનમેદાન કરવા ધસી રહ્યું હતું. પણ ત્યાં હતું શું? માત્ર યુવકોના નાના મોટા તંબુઓ! ટેન્કની સામે એક યુવક લોકતંત્રની ઝંડી ફરકાવતો, છાતી કાઢીને ઊભો રહી ગયો હતો. તેના થોડાંક વર્ષ પૂર્વે ૧૯૭૪માં આવાં જ દૃશ્યો અમદાવાદના રસ્તા પર નવનિર્માણ આંદોલનના વિદ્યાર્થીઓના આપણે જોયાં હતા. ફરક એટલો જ કે અહીં લોકતંત્ર હતું એટલે એવા દેખાવોની સામે સરકારે રાજીનામું આપવું પડ્યું, પણ ચીનમાં એવું કશું હજુ સુધી બન્યું નથી!

પેલા યુવકનું શું થયું એ દુનિયા સમક્ષ આજ સુધી આવ્યું નથી. કદાચ બંદૂકની અણીએ તેને વીંધી નાખવામાં આવ્યો હશે. જેણે સોલઝેનિત્સિનને વાંચ્યો હોય તે જાણે છે કે ક્રાંતિના નામે રશિયા, ચીન, પોલેન્ડ, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, હંગેરીમાં કેટલાં ક્બ્રસ્તાનો ઉમેરાયાં હતા. પણ આપણે તો આજે પેલાં પુસ્તકની વાત કરવી છે. તેમાં મે મહિનાથી શરૂઆત થાય છે. ને જૂન સુધીમાં સમાપ્ત થાય છે. લેખકના જ શબ્દોમાં -

‘૨૧ મે. સવારનો સમય. ટીનાનમેન ચોકમાં ભૂખ હડતાળ પર યુવક - યુવતીઓ બેસી ગયાં છે (સવારે ભરપેટ નાસ્તો કરીને સાંજના ચાર વાગતા સુધીમાં ધરણાં સંકેલાઇ જાય તેવી ભૂખ હડતાળ નહિ!) લોકો પણ આ યુવકોને જોવા ટોળે મળ્યા. કોઈકને એવું લાગે છે કે આપણને વિજય મળશે! એક છોકરો ‘સામ્યવાદનો ઇતિહાસ’ પુસ્તક વાંચી રહ્યો છે. તે હસી પડે છે. અમારી ચર્ચા એ વાતની હતી કે સેના અત્યારે તો પરત થઈ છે પણ પાછી આવીને આ ચોકનો કબ્જો લઈ લે તો આપણે શું કરવું?

શક્ય છે કે પછી આપણે એક બીજાનો ચહેરો જોવા ન પામીએ. ચર્ચા આગળ ચાલતી હતી. પેલો પુસ્તકપ્રેમી ચશ્મા લૂછીને કહેતો હતો, ‘તમે ખોટી આશા ના રાખશો. તેઓ જલ્દીથી આવશે અને ખેદાનમેદાન કરી નાખશે. કેટલાક એવું માનતા નહોતા. ત્યાં નાન્જીંગથી દોડી આવેલી મારી મિત્ર શાઓ મિંગનો અવાજ સંભળાયો. ‘ઓહહ, છેવટે તમને બધાને જોઈ શકી!’ તેનો શ્વાસ ઊંચાનીચો થતો હતો. ‘પણ તું શા માટે અહીં આવી? તારે જલ્દીથી બૈજિંગ છોડીને બીજે ચાલ્યા જવું જોઈએ. કોને ખબર, આજ રાતે શું થશે?’ શાઓએ હસીને કહ્યું: ‘આટલો ગુસ્સો શાને કરે છે? હું તને મારી નજર સામે રાખવાની છું. તું આ સ્થાન છોડી દે તો તારી સાથે હું પણ પાછી વળું.’ મારું મન ખળભળી ઉઠ્યું. મારી યુવા જિંદગી અને સૌંદર્યની આ જ હતી નિયતિ! આસપાસની ભીડ ભૂલીને તેને ગળે વળગાડી અને એક ચુંબન આપ્યું. એક મિત્ર હસી પડ્યો, ‘અરે તું આટલો રોમાન્ટિક હોઈશ એ ખબર જ નહોતી...’ મેં કહ્યું: ‘મારી વય ત્રેવીસની છે. આટલી જિંદગીમાં માત્ર સેક્સ અને લગ્ન સિવાય બધી ધૂપછાંવ મેં જોઈ લીધી છે. હવે ગમે તે પળે હું મૃત્યુ પામું આ સામ્યવાદીઓની ગોળીથી, મને પરવા નથી.’

બીજા મિત્રે કહ્યું: ‘તો પછી આ ઘડી લગ્ન કેમ કરી નથી લેતો? તારા માટે અમે એક તંબુ ફાળવીશું... બધાએ આ વાત ગંભીરતાથી લીધી. પણ લગ્નની વિધિ..? તું કહીશ તે રીતે... શાઓ હસીને બોલી. પણ મુશ્કેલી તો હતી જ. લગ્નની મીઠાઇ અને વાઇન ના હોય તો લગ્ન વિધિસરના ના કહેવાય. કોઇકે રસ્તો કાઢ્યો. બ્રેડ તો હતી. દૂર સુદૂરના ગ્રામજનોએ મોકલી હતી. મીઠાઈને બદલે બ્રેડ. અને ખારું પાણી, તેને સમજીશું વાઇન!

આટલો ઉકેલ આવી ગયો. લગ્નનું પ્રમાણપત્ર તૈયાર કરાયું. પુરુષ ઉંમર ૨૩. નામ લિ લુ. સ્ત્રી શાઓ મિંગ, વય ૨૫. અમે તેના જામીન... તેઓ જિંદગીના છેલ્લા સમય સુધી પતિ-પત્ની રહેશે. દસ્તાવેજને રબ્બર સ્ટેમ્પ મારવામાં આવ્યો. બધે ખબર જંગલમાં આગની જેમ ફરી વળી. દૂર ઊભેલા ટોળાં પણ આવીને અભિનંદન આપી રહ્યા. ચોકના એક છેડાથી બીજા છેડા સુધી નવદંપતી ફરીને શુભેચ્છા મેળવતા રહ્યા.

૪ જૂન, ૧૯૮૯. પાંચ હજાર યુવકો ટીનાનમેન ચોકમાં વહેલી સવારે લાલ સેનાની ચેતવણી સાંભળતા રહ્યા. ‘ચોક ખાલી કરો, નહિતર...’ થોડી ક્ષણોમાં ‘નહિતર’ની પૂર્તિ થઈ. ટેન્કો ધસી આવી. ગોળીબાર શરૂ થયા. મશીનગનોનો ઉપયોગ શરૂ કરાયો. ગોળીબાર અને ઢળતી લાશો. ચારેતરફ દારૂગોળાનો ધુમાડો. આસપાસના મકાનો પર ગોળી ચાલી, અને આગ.

યુવા લેખકે લખ્યું છેઃ ‘અમે કેટલાક બચી ગયા. બીજિંગ યુનિવર્સિટીના પરિસર સુધી લપાતાછુપાતા પહોંચ્યા ત્યારે બપોર થઈ ગઈ હતી. મારી સામે હતો નૃશંસ હત્યાકાંડ. મેં મારી જાતને સવાલ પૂછ્યો: ‘મારે શું કરવું જોઈએ?’ જવાબ મળ્યો: ના... મરવું નથી. લોકશાહીની આ લડાઈનો દસ્તાવેજ હું દુનિયાને આપીશ, મારી પ્રિયા મારી તાકાત બનશે.’

આજે બ્રિટન પાસે હાઈડ પાર્ક છે, અમેરિકા પાસે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, આપણી પાસે આંદામાન, દાંડી, જલિયાવાલા બાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી છે... ચીનમાં તેવું જ સ્મારક ટીનાનમેન સ્ક્વેર છે.


comments powered by Disqus