ગાંધી, ગુજરાત, ગોડસે, જામિયા મિલિયા...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 20th January 2020 05:23 EST
 
 

‘ગાંધી ચીંધ્યા માર્ગે...’ વાક્ય બજારમાં સૌથી સસ્તું મળે છે આજકાલ. હમણાં અમદાવાદમાં એક શાંતિયાત્રામાં ‘ગાંધી-ગાંધી’ થયું. અરે, હિંસાખોર જામિયા મિલિયાના બે વિદ્યાર્થી નેતાઓને પણ ‘ગાંધી-નેહરુ-બંધારણ’ની દુહાઈ આપવા આમંત્રિત કરાયા હતા. નાગરિક્તા સંશોધન સહિતના પ્રશ્નો પર ગુજરાતમાં એક ‘એલાયન્સ’ ઊભું કરવામાં આવ્યું છે. વહેતી ગંગામાં કોણ હાથ ના ઝબોળે? ૨૦૧૪ પછીનું કેટલાકનું ‘અ-સુખ’ હવે શાહીનબાગ સહિત સર્વત્ર પ્રગટ થવા માંડ્યું છે, તેમને માટે સત્તાધારીઓ ‘હિટલર’ છે, ‘કાતિલ’ છે અને પોતે ‘ગાંધી-પંથ’ના યાત્રિકો ‘બંધારણ પ્રેમીઓ’ છે.

ત્રીસમીએ ગાંધી-દેહાવસાનનો દિવસ છે. ગાંધી-વંશના તુષાર ગાંધીને લાગે છે કે સાબરમતી આશ્રમ જેવો છે તેવો જ રહેવા દેવો જોઈએ, તેને વધુ સુઘડ, સુવિધાયુક્ત કે શાનદાર કરવો ન જોઈએ. આ ૧૫૦મા વર્ષે ગાંધી વિશે ઘણુંબધું લખાયું તેમાંનું ઘણુંખરું ‘કટિંગ-પેસ્ટિંગ’ છે.

લખાયું તો છે અઢળક ગાંધી વિશે. તેમનું સ્વરાજ-આંદોલન, અસહકાર, અહિંસા, સત્યાગ્રહોની સફળતા-નિષ્ફળતા (જેમ કે, રાજકોટની સત્યાગ્રહની વિફળતા તેમણે જાતે સ્વીકારી હતી, ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળ અહિંસક રહી નહોતી વગેરે ઉદાહરણો છે.) ભારત-વિભાજનનો આઘાત, નોઆખલીની યાત્રા, સમાજ સુધારનો મોરચો, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, સ્વદેશી (લંડનથી ‘ગુજરાત સમાચાર’ના એક વાચકનો ફોન હતો કે ગાંધીના બ્રહ્મચર્ય-પ્રયોગો વિશે લેખ આપજો, મેં કહ્યું તે મારી શક્તિની બહારનું છે.) રાષ્ટ્રીય વિદ્યાપીઠની રચના, સાબરમતી, દક્ષિણ આફ્રિકા, વર્ધાના આશ્રમો, યરવડા જેલવાસ, પત્રકારત્વ, જનસભાઓ, દીર્ઘ પત્રવ્યવહાર અને રાષ્ટ્રીય નેતાઓને પ્રેરણા... આટલાં તેમના ઝળહળતાં જીવન પ્રકરણો છે.

ગુજરાતને તો તેમની દાંડીકૂચનું ભવ્ય સ્મરણ છે. હમણાં દાંડી જવાનો મને મોકો મળ્યો હતો. ૧૨ માર્ચ ૧૯૩૦ સવારે, ૬-૨૦ કલાકે, ૬૧ વર્ષીય ગાંધીએ કૂચનો પ્રારંભ કર્યો. રસ્તામાં ઠેર ઠેર આરતી, સામૈયાં, પ્રાર્થના અને રેંટિયો કાંતણ થયાં અને પછી ૩૫૦ કિમીની દીર્ઘ યાત્રા.

૮ ઓગસ્ટ ૧૯૪૨ મુંબઈના ગોવાલિયા ટેન્કનાં મેદાનમાં તેમણે પ્રચંડ સંકલ્પની ઘોષણા કરીઃ ‘મારે તો આજ મળતી હોય તો આજે જ મળસ્કું થાય તે પહેલાં જ આઝાદી જોઈએ છે. હિન્દુસ્તાનના ૪૦ કરોડ લોકોની આઝાદી અમને ખપે છે. ગુલામ જે ઘડીએ માને છે કે હું સ્વાધીન છું તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી. હું તમને એક ટૂંકો મંત્ર આપું છું, એને તમે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે જાપ ચાલવા દેજોઃ ‘કરેંગે યા મરેંગે!’ હિન્દને કાં તો આઝાદ કરીશ યા મરી ફીટીશ. જે માણસ ન્યોછાવર કરે છે તે જ પામે છે. કાયર અને ડરપોક માટે આઝાદી નથી.’

બિરલા હાઉસ, માઉન્ટ પ્લેઝન્ટ રોડ પરનાં નિવાસસ્થાનેથી વહેલી સવારે ધરપકડ થઈ. એક ત્રીજા ગુજરાતી (સ્વામી આનંદ)એ આવીને ખબર આપી. પોલીસ અધિકારીએ ગાંધીજી, મીરાંબહેન, મહાદેવ દેસાઈ - ત્રણ નામના વોરંટ જણાવ્યાં. કસ્તુરબા અને પ્યારેલાલને સાથે આવવાની છૂટ અપાઈ.

જલિયાંવાલા બાગના હત્યાકાંડે તેમને હચમચાવી દીધા હતા. ત્યારથી સ્વ-રાજનો અગ્નિમંત્ર તેમણે અપનાવ્યો. ખૂલ્લું જલિયાંવાલા મેદાન, ચારેતરફ ઊંચાં મકાનો, ૧૦૦ ફૂટની ખાલી જગાએ ઊંચી દિવાલ બંધાયેલી હતી. ૫૦ રાયફલધારી સૈનિકોએ, જલિયાંવાલાંથી બહાર જવાનો રસ્તો જ બંધ કરી દીધો. વૈશાખીનો તહેવાર હતો. શીખ લોકો રોલેટ એક્ટના વિરોધમાં એકત્રિત થયા હતા. જસ્ટિસ રોલેટ ઉપરાંતના ચારે ૧૯૧૮માં અહેવાલ આપ્યો, કાયદો બન્યો. ક્રાંતિકારોને ફાંસી-ગોળી-આંદામાન માટેનો તેમાં તખતો તૈયાર હતો. બ્રિગેડિયર મેજર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે અહીં લોહીની હોળી ખેલી. જલિયાંવાલા પૂર્વે જ પંજાબમાં ૨૯૮ મુકદ્દમા ચાલ્યા. ૫૧ને ફાંસી અપાઈ. ૪૬ને કાળાપાણીની કેદ, બાકી બધાંને સખ્ત મજૂરી સાથેની જેલ.

જલિયાંવાલામાં ૨૦,૦૦૦ સ્ત્રી-પુરુષ બાળકો એકત્રિત થયાં હતાં. કોઈ જ ચેતવણી વિના એક-એકનું નિશાન લઈને ગોળીબાર થયો. ૧૬૫૦ ગોળી વછૂટી. ૧૫૦૦ લાશો ઢળી. અમૃતસર આખામાં વીજળી અને પાણી પૂરવઠો બંધ કરી દેવાયો હતો. ડાયરે હંટર કમિશનને ય કહ્યુંઃ ‘મારે ગોળી ચલાવવી જ હતી. મને જરીકેય સંકોચ નહોતો.’ મસુરીની અંગ્રેજ બાનુઓએ આ ખલનાયકને ‘નાયક’ તરીકે ૨૦,૦૦૦ પાઉન્ડ અને તલવાર ભેટ આપ્યાં હતાં! લંડનમાં હાઉસ ઓફ લોર્ડઝની સંસદમાં પણ ડાયરનો જ બચાવ કરાયો.

ડાયરનો વધ કરનાર ઉધમસિંહને લંડનની પેન્ટોવિલા જેલમાં ફાંસી અપાઈ હતી. ગાંધીજીએ પહેલી વાર બ્રિટિશ સરકારે આપેલા ‘કેસર-એ-હિન્દ’ ચંદ્રકને પરત કર્યો તે જલિયાંવાલા બાગ નિમિત્તે.

નોઆખલીના ધિક્કાર - હત્યા અને લોહીભર્યાં દિવસો દરમિયાન તેમણે બે વિધાનો અલગ અલગ રીતે કર્યાં તે નોંધવા જેવાં છે.

કદાચ, તેમને તત્કાલીન વર્તમાન રાજકારણ અને પોતે ઉછેરેલા પક્ષ પ્રત્યે ભરોસો રહ્યો નહોતો. ‘કોંગ્રેસનું વિસર્જન કરવાની’ સલાહ તેમણે આપી. ‘અહિંસાના મારા પ્રયોગો નિષ્ફળ ગયા છે’ તેવો એકરાર કર્યો. પાકિસ્તાનની યાત્રાનો પોતાનો નિર્ણય જણાવ્યો. ખ્યાત બંગાળી ઈતિહાસકાર અરવિંદ ઘોષને તેમણે કહ્યું હતુંઃ ‘કાશ, આ દિવસોમાં મારો પુત્ર સુભાષ અહીં મારી પાસે હોત!’

૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ તેમની હત્યા નથુરામ ગોડસેએ કરી. ગોડસેને પછીથી ફાંસી મળી. સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ગાંધી-હત્યામાં સામેલ હતાં તેવું આરોપનામું હતું, અદાલતે તે માનવાની ના પાડી અને નિર્દોષ જાહેર કર્યાં, પણ ૨૦૨૦નો કોંગ્રેસ પક્ષ સાવરકરનું નામસ્મરણ કરે એવી દેશભક્તિને પસંદ કરતો નથી!


comments powered by Disqus