ગુજરાતની અનોખી વિરાસતઃ વડનગર

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 09th September 2019 06:33 EDT
 
 

કવિ નર્મદે બીજા બધા કામ છોડીને, કુન્તેશ્વર મહાદેવની છાયામાં પ્રેરિત ‘જય જય ગરવી ગુજરાત’નું અમર-અજેય ગાન કેમ રચ્યું હતું?

તેના કારણમાં જ પડી છે ગુજરાતની અસ્મિતા! કેટકેટલા સ્થાન-વિશેષો અને વ્યક્તિઓ રૂપી તેજ નક્ષત્રોની આ ગૌરવભૂમિ છે. લોથલમાં, ચાર વાર ત્સુનામીમાં દરેક વખતે ઊભા થયેલા નગરના નિર્માણની કહાણી ખંડિયેરોમાં સંભળાશે. ભવ્ય સોમનાથ દેવાલય વારંવારના જીર્ણોદ્ધારમાં પડેલી સાંસ્કૃતિક આસ્થાની વાત કરશે. લખપતનું ગુરુદ્વારા ગુરુ નાનક દેવની સ્મૃતિને સાચવીને બેઠું છે. પોરબંદર સુદામાનગરી અને ગાંધીજીની જન્મભૂમિ, ગરવો ગિરનાર હિમાલય કરતાંયે પુરાતન કરોડ વર્ષના આયુષ્ય સાથે અડીખમ અવધૂત. જૂનાગઢમાં પ્રજાપ્રિય રાજવી રુદ્રદામન અને અહિંસા-પ્રેમી અશોકના શિલાલેખ. શિહોરના ડુંગરમાં સત્તાવનના (૧૯૫૭) ક્રાંતિકારી નાના સાહેબ પેશવાનો અંતિમ નિવાસ. વડોદરામાં ક્રાંતિકારી અરવિંદ અને ભગિની નિવેદિતાની મુલાકાત અને કરનાળીમાં દેશભક્તિનું ગંગનાથ વિદ્યાલય. સુરત, સોનાની મૂરત અને ‘મુનશીના ટેકરા’નું ભરૂચ. દાદાભાઈ નવરોજીનું નવસારી. ‘ભગવદ્ગોમંડલ’ના સ્વપ્નદૃષ્ટા રાજવી ભગવતસિંહથી ગોંડલ જગજાણીતું અને ક્રિકેટનાયક રણજીતસિંહથી જામનગર. ‘ના છડિયા હથિયાર’ના વીર મરદ મૂળુ માણેક - જોધા માણેકથી સુરક્ષિત દ્વારકાના દ્વારિકાધીશ.

શક્તિ-ભક્તિના સ્થાનકો આશાપુરા, બહુચરાજી, ચોટીલા, પાવાપુરી, અંબાજી અને ઉમિયા દેવીનું ઊંઝા. સ્વામી વિવેકાનંદજીનું નામ લઈએ અને લીંબડીના ‘આધ્યાત્મિક’ રાજવી જસવંતસિંહ યાદ આવે. જૂનાગઢ - બાબરિયાવાડ – માણાવદર એટલે સ્વાતંત્ર્યની છેલ્લી ‘આરઝી હકુમતની રણભૂમિ’... અને સરદાર વલ્લભભાઈ – વિઠ્ઠલભાઈની બાંધવબેલડીની ઐતિહાસિક યાદના તો કેટલા બધા સ્થાનો - કરમસદ, નડિયાદ, બોરસદ, બારડોલી.

દાંડીના સમુદ્રકિનારે એક સશક્ત વાક્ય સર્જાયુંઃ ‘નમક કા કાનૂન તોડ દિયા’. ટંકારાથી નીકળેલો બ્રહ્મ યુવક દયાનંદ સરસ્વતી બનીને વેદ તરફ વળવાની ગર્જના કરતો રહ્યો. ધૂળિયા, માંડવી, કચ્છમાં જન્મ્યો હતો ભૂલા ભણશાળીનો મહા-વિદ્વાન અને મહા-ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્મા...

ગુજરાતના આ સ્થાનવિશેષોની સમગ્ર વ્યથામાં એક વધુ ઉમેરો કરી શકાય તેવું પ્રાચીન-અર્વાચન વડનગર!

હા, વહાલું વડનગર.

જેવું તેનું ‘વડલા’ જેવું નામ એવી જ તેની તવારીખ. છેક સ્કંદપુરાણમાં તેનો ઉલ્લેખ છે. કેટકેટલા નામાંતરો સાથે આ નગર સૂતું છે, જાગે છે. ચમત્કારપુર, આનર્તપુર, આનંદપુર, સ્કંદપુર, અર્કસ્થલી અને વૃદ્ધનગર? ‘હા. સંસારના સૌથી વિદ્વાન, અનુભવી, શાણપણના પ્રતિક અને વિશ્વ-સમસ્યામાં દોરવણી આપનારા ‘વૃદ્ધો’ અહીં રહેતા એટલે નામ પડ્યું વૃદ્ધનગર! ચીની યાત્રિક હ્યુ-એન-ત્સાંગની યાત્રાકથામાં વડનગરની - કથા શોભે છે, સાતમી સદીના એ હસ્તાક્ષરો! બે હજાર વર્ષ પૂર્વેનું આ ‘ચમત્કારપુર’! ચમત્કાર શબ્દ આનર્ત-રાજાના નામ સાથે જોડાયેલો હતો, સમગ્ર પ્રદેશોને માટે ‘આનર્ત’ શબ્દ પ્રયોજાતો. તેનું મુખ્ય નગર એ સમયનું ‘ચમત્કારપુર’, કારણનું કારણ એ કે રાજવી ચમત્કાર દેવનો કોઢ શંખ તીર્થમાં ચૈત્ર માસે પવિત્ર સ્નાન અને પુજાથી નષ્ટ થયો હતો!

ફોર્બસે એવું નોંધ્યું છે કે અયોધ્યાના શાસક કનકસેને ઇસ પૂર્વે ૧૪૪-૪૫માં વડનગર બંધાવ્યું હતું. પ્રાચીન ભૂમિ પર અર્વાચીન નગર! અબુલ ફઝલે ‘આઈને અકબરી’માં અહોભાવથી લખ્યું (૧૫૯૦ AD) કે અહીં ૩૦૦૦ પેગોડા છે. દરેકનું સંચાલન બ્રાહ્મણો કરે છે. ૧૭૨૬ પછી આ નગર ગાયકવાડીનો ભાગ બન્યું. સંગીત, સાહિત્ય અને શિલ્પ એ વડનગરે જાળવેલા સંસ્કાર ક્ષેત્રો છે.

...અને ઓગણીસમીથી એકવીસમી સદીની વચ્ચે આ ઐતિહાસિક નગરે સ્વરાજ અને સુશાસન – બન્નેના તોરણ બાંધી આપ્યા છે.

એમાંના એક હતા ભગવતીચરણ વોરા. સરદાર ભગતસિંહના પ્રિય સાથીદાર, ક્રાંતિમંડળના ‘થિંક ટેન્ક’. જન્મ્યા હતા લાહોરમાં, પણ પિતામહનો નિવાસ વડનગરમાં રહ્યો, વડનગરા નાગર બ્રાહ્મણ. યુવા વયે ભગવતીચરણે લાહોરની નેશનલ કોલેજમાં અભ્યાસ કર્યો. ભારતીય સ્વતંત્રતા માટે રોમેરોમમાં જવાળા-શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના રસ્તે ભારતની આઝાદી પ્રાપ્ત થશે એવી દૃઢ માન્યતા. તેમાં ગૃહલક્ષ્મી દુર્ગાદેવીનો સંગાથ મળ્યો, તે પણ વડનગરા બ્રાહ્મણ – કન્યા. લગ્ન પછી તમામ ક્રાંતિકારીઓના આદરણીય અને લાડકાં ભાભી બનીને રહ્યા.

ભગતસિંહ – રાજગુરુ - સુખદેવને દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાથી માંડીને લાહોરમાં લાજપતરાય પર ઝુલુસમાં લાઠી વીંઝનારા સોંડર્સનો વધ કરવા સુધીના આરોપો માટે ફાંસીની સજા સંભળાવવામાં આવી. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’માં લખેલા લેખના જવાબમાં ભગવતીચરણે ‘ભારતીય આઝાદી માટેના બોમ્બની ફિલસૂફી’નો લાંબો લેખ લખ્યો હતો. ક્રાંતિની વેદી પર બલિદાન આપીને નવા ભારતની પરિકલ્પના કેવી હોય શકે તેની વાત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે હિંસા-અહિંસાના પ્રશ્ન કરતાં અધિક મહત્ત્વ આપણી ગુલામીને સમાપ્ત કરવાનું છે.

ભગવતીચરણે લાહોર જેલમાંથી બંદી ભગતસિંહને છોડાવવા માટે સશસ્ત્ર વિપ્લવનો પ્રયાસ કર્યો, પણ ૨૮ મે ૧૯૩૦ના રાવી નદીકિનારે બોમ્બની પરીક્ષા કરતાં વિસ્ફોટ થતાં તેમણે આહુતિ આપી. ‘ઇંકલાબ જિંદાબાદ’!નો નારો એ વર્ષોમાં દેશભરમાં ગાજ્યો, તેમાં ભગતસિંહ-ભગવતીચરણનું સૌથી મહત્ત્વનું પ્રદાન રહ્યું.

વડનગરની કઈ ગલીઓમાં ભગવતીચરણના પૂર્વજોનું મકાન હશે? આજે તો તે શોધી ભલે ન શકાય, પણ જમીન પર કાન માંડો તો આ વીર વિપ્લવીનો અવાજ સાંભળવા મળશે, ઇન્કલાબ ઝિંદાબાદ!

... અને નરેન્દ્ર મોદી?

દામોદરદાસ મોદીના સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર ‘સામાન્યથી અ-સામાન્ય’ કઈ રીતે બન્યા તે અર્વાચીન ગુજરાત અને ભારતની અદભૂત કહાણી છે. બાળપણમાં વડનગરમાં અભ્યાસ, પછી પરિભ્રમણ, અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો નિર્ણાયક પરિચય, પ્રચારક જીવન અને ભારતીય જનસંઘથી ભારતીય જનતા પક્ષનો રાજકીય પુરુષાર્થ, સંગઠન અને શાસન – બન્નેમાં નિષ્ણાંત નરેન્દ્રભાઈ મોદી આજે વૈશ્વિક સ્તરે લોકતંત્રના પ્રથિતયશ વડા પ્રધાન તરીકે આદર પામી ચૂક્યા છે. રાજનીતિ, સમાજ, શિક્ષણ અને સાહિત્યમાં તેમણે કેડી કંડારી. એમ.એ. સુધી અભ્યાસ કર્યો અને સંઘ-સંસ્કારોની પાઠશાળામાં ઘડાયા. પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન અને પછી ભારતના વડા પ્રધાન! આવા તેજ નક્ષત્રના ગૌરવની ભૂમિકા વડનગરમાં નિર્માણ પામી છે...

વડનગરની ભૂમિ પર પગલાં માંડશો અને કેટલા બધા સ્થાનોનો હૃદયસ્પર્શી અનુભવ થશે... આ જ છે નગરની વારસો-વૈભવની યાત્રા!

વડનગર, પ્રાચીન કાળથી જ દેવાલયોની નગરી હતું. ‘આઇને અકબરી’માં અબુલ ફઝલ નોંધે છે કે અહીં ૩૦૦૦ મંદિરો હતા! શિવ અને શક્તિના ભક્તિ કેન્દ્રો આજેય તેમાંથી સમય પ્રવાહમાં ટકી ગયેલા દેવાલયો પણ વડનગરના આત્માની પહેચાન કરાવે છે. અંજોરમાતા, શીતળા માતા, છત્રેશ્વરી માતા, આશાપુરી માતા, અંબાજી, સોમનાથ મહાદેવ, વિષ્ણુપુરી, ગૌરીકુંડ, ધૂણેશ્વર, મહાકાલેશ્વર, જલેશ્વર, છબીલા હનુમાન... આ યાદી પણ અધૂરી ગણાય, તેમાંનું એક ભવ્યદિવ્ય આસ્થા સ્થાન છે હાટકેશ્વર મહાદેવનું મંદિર.

તાના-રીરીની સમાધિ

સૂર, સ્વર અને સમર્પણ! ભારતીય ઇતિહાસની આ તો છે વિશેષતા. તાના અને રીરી ભગિની બેલડીથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજું શું હોય શકે? આ નાગર કન્યાઓની દરેક ક્ષણ સૂર સાધનાની હતી. ભારતીય શાસ્ત્રીય રાગ-રાગિણીમાં તે બન્ને બહેનો તન્મય રહેતી. એક વાર સુદૂર દિલ્હીથી રખડતો-રઝડતો આગમાં સળગતો એક ગાયક વડનગર આવી પડે છે. અરે, આ તો શહેનશાહ અકબરના નવ રત્નોમાંનો એક તાનસેન! તેના નામમાં જ ‘તાન’નો આવિષ્કાર હતો! બાદશાહી હઠાગ્રથી તેણે રાગ દીપક ગાયો, દીવડા તો ચોતરફ પ્રગટ્યા પણ તાનસેનનો દેહ પણ ભીતરની આગથી ગરમીથી દાઝવા લાગ્યો. હવે? ઇલાજ તો હતો કે કોઈ રાગ મલ્હાર ગાય, આકાશેથી વાદળો વરસે તો જ આ અજંપાનો અગ્નિ શાંત થાય! પણ કોણ ગાશે મેઘ મલ્હાર? તાનસેને ભ્રમણ આદર્યું બે હેતુ હતાઃ એક તો, પોતાને શાંતિ મળે અને બીજું, ભારતવર્ષના એ શાસ્ત્રીય રાગ-રત્નની શોધ થાય!

તાનસેન ગુજરાત આવે છે, વડનગરની તે કન્યાઓ વિષે વાત સાંભળી એટલે અહીં આવે છે... તાના અને રીરી એ મલ્હાર સૂરથી આરંભ કર્યો, ઉનાળે આકાશ ગોરંભાયુ, શ્યામ વાદળ ઉમટ્યા, મેઘનો ગડગડાટ થયો, વીજળી ચમકી, અનરાધાર વરસાદ... અને મલ્હારના સૂર! નગરજનોએ સ્તબ્ધ હતાઃ વૈશ્વિક ચૈતન્યથી આવી મોટી સમૃદ્ધિ ભારતીય સંગીતમાં પડી છે અને તેની પ્રસ્તૂતિ કરનારી સંગીત-સાધિકાઓ આપણા નગરમાં વસે છે? તાનસેનનો દેહાગ્નિ શાંત પ્રશાંત થયો. બળતરા નષ્ટ થઈ અને બે હાથ જોડીને તે આ સૂર સામ્રાજ્ઞીઓને ચરણવંદન કર્યા... તાના-રીરીએ કહ્યુંઃ બંધુ, આ સંગીત છેને એ દરબારી ચીજ નથી. ફરમાઇશ અને વાહ-વાહની મોહતાજ નથી. એ તો આધ્યાત્મનો આનંદ છે! હવે પછી કોઈ શહેનશાહ ઇચ્છે ત્યારે આપણે આપણી સ્વર સાધનાને ઠાલવવી, એવું કરીશ માં!

તાનસેનની પૂર્વ સ્થિતિ અકબરે જોઈ હતી, તેણે આશ્ચર્યચકિત થઈને તાના-રીરીનું ગાન સાંભળવાની ઇચ્છા જાગી. શહેનશાહે પોતાના દુતોને વડનગર મોકલ્યા. દિલ્હીના રાજ દરબારમાં આમંત્રણ એટલે કેવી મોટી પ્રતિષ્ઠા! તાના-રીરીએ સવિનય ના પાડી એટલે બળજબરીની દિશા શરૂ થઈ. પોતાના આત્મસન્માન અને સંગીતની ઊંચાઈને અજેય રાખવા માટે આ બહેનોએ આત્મ-વિસર્જન કર્યું તે બે સમાધિ વડનગરની જ નહીં, દેશ-કળાનીયે પ્રતિષ્ઠા-ગરિમા છે.

અને એક બીજી કથા પણ છે, વિધવા તનુમતિ અર્થાત તાનાની. કોણ હતી આ તાના?

દંતકથા - લોકકથામાં જળવાયેલી તાના અદભૂત શાસ્ત્રીય સંગીતા હતી!

દરેક ક્ષણ તેની સૂર સાધનામાં સમર્પિત રહેતી. કથા કહે છે કે આ વડનગરના નાગર બ્રાહ્મણની પુત્રી હતી. પતિના દેહાવસાન પછી વૈધવ્યને તેણે સંગીતની દુનિયા સાથે જોડી દીધું હતું. નામ તો હતું તનુમતિ પણ તેને સૌ તાના કહીને બોલાવતા અને બાળપણથી રાગ-રાગિણીની ઉપાસના એટલે ‘રીરી’ પણ કહેવાતી. વિધવા હોવાને લીધે સાર્વજનિક રીતે તે ગાઈ શકે તેમ નહોતી.

એક વાર, મુઘલ શહેનશાહ અકબરના શાસનમાં ‘નવરત્ન’માંનો એક ગાયક તાનસેન દીપક રાગ ગાવાથી શરીર-દાહમાં પીડાતો થયો અને લગભગ પાગલ બની ગયો, એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતો-રખડતો આવી ચડ્યો. વડનગરમાં તાના-રીરીના મકાન પાસે ઊભો હતો, ચિત્કારતો હતો, એટલે તાનાના પિતાને લાગ્યું કે આ બિચારો મુસાફર તરસ્યો થયો લાગે છે. તેણે આ મુસાફરને પાણી આપવા તાનાને કહ્યું. તાના દરવાજા બહાર આવી, તે પારખી ગઈ.

પિતાને કહ્યું, ‘આ મુસાફર પાણીનો તરસ્યો નથી, તેની દેહમાં અસીમ બળતરા થાય છે. જરૂર આ શાસ્ત્રીય રાગનો જાણકાર હશે અને દીપક રાગ ગાયો હશે. દીપક રાગથી દીવડા તો પ્રગટે પણ દેહની ભીતર ભયંકર બળતરા શરૂ થઈ જાય છે તેનો ઇલાજ માત્ર મેઘ-મલ્હાર રાગ જ હોય શકે.’

પિતાએ તાનાને સંમતિ આપી તેણે મલ્હારની સૂરાવલિનો આરંભ કર્યો. દિગ્મૂઢ તાનસેન જાણી ગયો હતો કે મારાથીયે શ્રેષ્ઠ સ્વરસાધિકા નજરની સામે છે. તેણે છેડેલો રાગ મેઘ-મલ્હાર છે... હા, આકાશ ગ્રીષ્મના તપતા દિવસે ઘેરાયું. શ્યામ વાદળાં ઉમટ્યા, વીજ ચમકાર થયો, મેઘાનો ગડગડાટ શરૂ થયો. અનારાધાર વરસાદ.

તાનસેને તાના-રીરીને કહ્યુંઃ બસ, હવે મારી આગ શાંતપ્રશાંત થઈ. થોભી જા હવે... મલ્હાર રાગનું અતિક્રમણ થશે તો...

અને થયું તેવું જ, વરસાદની સાથે બરફ વરસવા માંડ્યો. તન્મય તાના-રીરી તો મલ્હાર દુનિયામાં ઓતપ્રોત હતી. બરફની ચાદર પથરાઈ ગઈ અને તે હિમશીલા બની ગઈ!

મહાકાલેશ્વર મંદિરની પાસે તાના-રીરીની સમાધિ છે.

તાના-રીરીને એક લોકકથા નરસિંહ મહેતાની સાથે જોડે છે. નજીકના વાલમ ગામમાં કુંવરબાઈનું મામેરું થયાની કહાણી છે.

સમયના પ્રવાહમાં નામ અને સ્થાન ભુસાઈ જાય છે. ‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા... મેરી આવાઝ હી પહેચાન હૈ!’ વડનગરની આ સમાધિ એ જ સત્યને ઉચ્ચારે છે. તાના-રીરી કે તનુમતિઃ સ્વરની તેની સાધના અખંડ છે, સનાતન છે, આજે પણ તાના-રીરી ઉત્સવથી રાજ્ય સરકાર તેણે સમુચિત શ્રદ્ધાંજલિ અને આદરાંજલિ અર્પે છે. ખ્યાત સુખ્યાત શાસ્ત્રીય કલાકારો અહીં સંગીતસમૃદ્ધિ ઠાલવે છે.

પ્રાચીનતમ પુરાતત્વનું સ્થાન

વડનગરમાં પુરાતત્વીય ખોદકામે સાંસ્કૃતિક અને સભ્યતાના અનેક સત્યને ઉજાગર કર્યા. છઠ્ઠી - સાતમી સદીના ધાતુ પાત્રો દર્શાવે છે કે આ નગર આનર્તપુર અને આનંદપુર નામે વૈભવી નગર હતું. ‘જ્ઞાનની પરંપરા જાળવવી એ અહીંના બ્રાહ્મણોનો મુખ્ય આશય રહ્યો.’ (પુરાવિદ શ્રી આર. એન. મહેતા) ‘કુમારપાળ–પ્રશસ્તિ’માં તેનો સુંદર નિર્દેશ છે. હ્યુ-એન-ત્સાંગના વર્ણનથી નાગરબીડ (તીર્થ માહાત્મ્ય) સુધીનો નિર્દેશ નગરનું વર્ણન કરે છે. ઇ.સ. પૂર્વે બીજી-ત્રીજી સદીના અવશેષો પણ પ્રાપ્ત થયા, તેના પરથી પુરાવિદો અનુમાને છે કે મધ્યકાળ કરતાં પણ ઇ.સ.ની પ્રથમ સદીમાં વડનગરની જાહોજલાલી અધિક હશે. છઠ્ઠી સદીમાં તે ‘નાગરકા’ કહેવાયું.

વડનગરની પૌરાણિક ખ્યાતિ દેવાલયો અને સાહિત્યને લીધે પણ રહી. જૈન મહારાજ ભટ્ટબાહુ (ઇ.સ. પૂર્વે પાંચમી સદી)એ ‘કલ્પસૂત્ર’ જેવો પ્રખ્યાત ગ્રંથ અહીં બેસીને લખ્યો.

ગુજરાતની ખ્યાત પારંપારિક ભવાઈ માટે જાણીતી તરગાળા જ્ઞાતિના ૧૦૦ જેટલા ઘરો વડનગરના ‘ભાવસારવાસ’માં રહેતા હતા.

ઇતિહાસ અને સમાજજીવન અહીં અનેક કથા-ઉપકથા અને તેના સ્થાનોને વ્યક્ત કરે છે. એક સમયે વડનગરનો મજબૂત કિલ્લો હતો. ઇ.સ. ૧૫૨૦માં રાણા સાંગા અને મુઝફ્ફર બીજા વચ્ચે લડાઈ થઈ ત્યારે રાણાએ ‘વડનગર અને તેના નિવાસી બ્રાહ્મણો’ને સુરક્ષિત રાખ્યા અને આ શહેર પર આક્રમણ કર્યું નહીં. જોશી વેણીના પુત્ર વિષ્ણુજિકાએ ‘અર્જન-બારી પ્રશસ્તિ’ લખી તે મુઘલકાલીન રાજ્ય વ્યવસ્થાનો અંદાજ પૂરો પાડે છે.

ગાયકવાડની વિદ્યાપ્રીતિએ વડનગરને પણ ગ્રંથાલય – શાળા - મહાશાળા સાથે જોડ્યું. અહીંનું શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાવર્ધક પુસ્તકાલય છેક ૧૯૦૫ના વર્ષનું છે! મરાઠી, ઉર્દુ, હિન્દી અને ગુજરાતી પુસ્તકોનો તે ભંડાર છે. વિદ્યાપ્રીતિની આ મહેકથી વડનગર જીવંત રહ્યું છે.


comments powered by Disqus