ડો. અવધેશ કુમાર સિંઘઃ એક વિદ્યાપુરુષની વિદાય

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 25th November 2019 04:25 EST
 
 

ડો. અવધેશ કુમાર સિંઘ. આ નામ ક્યાંય મીડિયામાં તો ચમકતું - ઝળકતું ક્યાંથી હોય?

પણ ગુજરાતમાં વિદ્યાક્ષેત્રે જે થોડાંક નામોને સ્મરવા જેવાં છે તેમાં ડો. સિંઘ પણ અવશ્ય આવે.

ઓરો યુનિવર્સિટી સુરતમાં આવી છે. આપણા વિદ્યાપ્રેમી એનઆરજી રામભાઈના મોટા ગજાનાં સપનાનું એ પરિણામ છે. ચીલાચાલુ શિક્ષણને બદલે ત્યાં જીવનથી ધબકતા, અનુશાસનબદ્ધ, સજ્જ અને શ્રેષ્ઠ અભ્યાસને મહત્ત્વ આપવામાં આવે છે. રામભાઈની દેશવિદેશે હોટેલ મેરિયેટની ચેનલ છે, પણ તેના કરતાં યે વધુ ઉત્તમ કામ ઓરો યુનિવર્સિટીનું છે.

તેના પ્રથમ કુલપતિ હતા ડો. અવધેશ કુમાર સિંઘ. ‘હતા’ શબ્દ દુઃખદ ભાવે લખવો પડે છે કારણ, ૧૨ ઓગસ્ટે તેમને હૃદયરોગનો હુમલો થયો. છેક અસમમાં ગુવાહાટી નગરના એક બૌદ્ધિક પરિસંવાદમાં પોતાનો અભ્યાસપત્ર પ્રસ્તુત કર્યો અને પછી નિવાસે જતાં ઢળી પડ્યા. હજુ તો ૬૦ વર્ષ પણ નહોતાં થયાં, ને આપણે (ખરા અર્થમાં) એક વિદ્વાનને ગુમાવી દીધો!

જન્મ્યા હતા ૧૯૬૦માં. મધ્યપ્ર દેશમાં ‘સ્કૂલ ઓફ સ્ટડીઝ ઈન ઈંગ્લિશ’ના અધ્યાપક તરીકે શિક્ષકનો પ્રારંભ કર્યો. પછી રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી અને કંપેરેટીવ લિટરરી સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ બન્યા. તેમને અમદાવાદમાં ડો. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ પદે બોલાવીને સરકારે યોગ્ય સન્માન તો કર્યું, પણ ‘શિક્ષણનું રાજકારણ’ દિવાલો બનીને ઊભું રહ્યું.

ગુજરાતમાં એક અભિનવ સંસ્થાકીય પ્રયોગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતનો પ્રારંભ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો તેની વિદ્યાકીય ઈમારત ઊભી કરવાનું શ્રેય ડો. સિંઘને જાય છે. પછી ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં રહ્યા. છેલ્લાં બે વર્ષથી ઓરો યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ઉત્તમ કામ કર્યું.

સામાન્ય રીતે ગુજરાતની યુનિવર્સિટીઓમાં છેક શરૂઆતથી ગણીએ તો પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલાં નામો જ છે. મેં શરૂઆતમાં બી. આર. શિનોય જેવા મહા-રથીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે જોયા છે. અહીં ઉમાશંકર પણ કુલપતિ બન્યા હતા. અત્યારે પૂર્વજોના સ્મરણ સાથે ડો. હિમાંશુ પંડ્યા સજ્જતાનો અહેસાસ કરાવી રહ્યા છે. એમ તો યશવંત શુક્લ, સુરેશ દલાલ, સિતાંશુ યશશ્ચંદ્ર, ડોલરરાય માંકડ જેવા નામો પણ હોઠે ચડે, પણ તેમાંનાં ડોલરરાય જેવા એકાદ અપવાદ સિવાય કોઈએ મહત્ત્વનું કામ કર્યાંનું યાદ નથી. હા, ઘણી વાર યુનિવર્સિટીના તંત્રને સંભાળવાની સજ્જતા રાખનારા કુલપતિઓ આવ્યા છે. આંબેડકર યુનિવર્સિટીમાં પૂર્વે ડો. પંકજ જાની અને અત્યારે ડો. અમી ઉપાધ્યાય સુચારુ રીતે યુનિવર્સિટીને સંભાળી રહ્યા છે. બીજા પણ કોશિશ કરતા હશે જ.

પણ ડો. સિંઘ પ્રત્યેનો મારો સ્નેહાદર, તેમના અંગ્રેજી-ગુજરાતી-હિન્દીમાં સમગ્રપણે થયેલાં વિદ્યાકીય કાર્યને લીધે છે. આ વ્યક્તિ પાસે અખૂટ શક્તિ હતી, પણ સ્વભાવે સૌમ્ય. ખટપટથી દૂર ભાગે. તુલનાત્મક સાહિત્ય તેમનો પ્રિય વિષય. ભારતીય વિચાર પરંપરા, કાવ્યશાસ્ત્રની વિભાવના, સંસ્કૃત વિવેચન પરંપરા, છેક આધુનિક સાહિત્યનાં વલણ અને વહેણ વિશે તેમને સાંભળવામાં બોજો ન લાગે. તેમનું એક પુસ્તક ‘સમકાલીન વિચારવિમર્શ’ પૂર્વ-પશ્ચિમના સાહિત્ય ચિંતન વિચારોને પ્રસ્તુત કરે છે. મહત્ત્વ એ નથી કેમ કે વિદ્વાનો પશ્ચિમના વિચારોથી અભિભૂત થઈને ‘એ જ સત્ય’ એવું ઠોકી બેસાડે છે તેના બદલે ડો. સિંઘે ભારતીય પરંપરાની મહત્તા (અને શ્રેષ્ઠતા)ને સમજાવી છે, જે આજે બદલાતી માનસિકતામાં ખૂબ જરૂરી છે. વિદ્વાનોનો વ્યામોહ એટલું નુકસાન કરે છે કે આપણી શિક્ષણપ્રણાલીમાં તે મોટું સંકટ બની જાય છે. એક લેખમાં ડો. સિંઘે નોંધ્યું પણ છે કે વિવેચન સિદ્ધાંતોમાં પશ્ચિમી વિવેચકોમાં જુલિયા ક્રિસ્ટિવા કે મિશેલ ફૂકો જેવા નામોનો શુકપાઠ કરીને આપણા વિદ્વાનો ચાલતા રહ્યા.

તેમણે સાચુકલો ભારતીય મૂલ્યાંકન અને સંશોધનનો ચીલો પાડ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીની સાથે તેમણે એક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધર્યો હતો, પણ તે અધૂરો રહ્યો!

તેમની ઓરો યુનિવર્સિટીમાં વારંવાર જવાનું થતું ત્યારે વિદ્યાધામની અનુભૂતિ થતી. કુલપતિ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીનો માહોલ એકબીજામાં તદ્રૂપ થઈ ગયાં હોય તેવું લાગે.

એક ઉત્તમ શિક્ષકની ખોટ સાંસ્કૃતિક સમાજ માટે સૌથી મોટી દુર્ઘટના ગણાય. વિતેલા સપ્તાહના એક દિવસે ગાંધીનગરમાં તેમનાં વિદૂષી પુત્રી ડો. અનુપાએ થોડાક મિત્રોને બોલાવ્યા - તેમાં મુખ્યત્વે હિંદી કવિઓ અને વિદ્યાર્થીઓ હતા - ત્યારે ડો. સિંઘ ત્યાં આવીને બેઠા હોય તેવું અનુભવ્યું!

ગુજરાતમાં તેમણે ‘મૂંગા સાહિત્ય સૈનિક’ બનીને કામ કર્યું. સરસ વક્તા પણ હતા. મને આગ્રહ કર્યો કે ‘અમે ઓરો યુનિવર્સિટીમાં તમને માનદ્ અધ્યાપક તરીકે લેવા માગીએ છીએ, તમારી અનુકૂળતાએ આવો, અને પત્રકારત્વ-મીડિયા ભણાવો.’ પછી ઉમેર્યું કે, ‘હું જાણું છું કે મીડિયા વિશે આધિકારિક રીતે સજ્જ શિક્ષકજીવ તમારામાં છે!’ આવડા મોટા વિદ્વાનનું આવું પ્રમાણપત્ર મળે એ કોને ન ગમે?


comments powered by Disqus