દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

તસવીરે ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 02nd February 2021 06:57 EST
 
 

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું વર્ચસ્વ જાળવવા ઘણું કરવું પડે. લોકશાહીનો એ તકાજો છે અને તે વાત રાજકીય પક્ષોને પણ એટલી જ લાગુ પડે છે. આથી મોટા ભાગના વિપક્ષો પણ આ આંદોલનમાં જોતરાઈ ગયા. અને કેનેડામાં તાકાત ગુમાવી ચૂકેલી ખાલિસ્તાની લડતને પણ મોકો મળી ગયો. આપણે ત્યાં ‘લિબરલ’ અને ‘અર્બન નક્ષલ’ પણ આવી પહોંચ્યા. મેધા પાટકર, યોગેંદ્ર યાદવ અને તીસ્તા સેતલવાડ અને સીપીએમ તેમજ બીજા ડાબેરી પક્ષો પણ આ વિરોધમાં સામેલ થયા. કોંગ્રેસ અને એનસીપીએ ટેકો આપ્યો અને શરદ પવારે એવી ચેતવણી આપી કે ખેડૂત અસંતોષથી કોઈ પણ સત્તા ઉથલી પડે છે.

આ ખેડૂતો મોટા ભાગે પંજાબ અને હરિયાણાના હતા. પહેલાં પોતાના રાજ્યોમાં લડત આદરી. પછી દિલ્હી તરફ મોરચો માંડયો. દિલ્હી અને આ રાજયોની સરહદો લગોલગ છે એટલે ત્યાં છાવણી ઊભી થઈ. એવો પણ સમય આવ્યો કે દિલ્હીમાં જે રીતે શાહિન બાગમાં રસ્તા રોકોની સ્થિતિ પેદા થઈ હતી તેનું અહીં પુનરાવર્તન થયું. આ દેખાવો શાંતિપૂર્વક થયા અને તે દરમિયાન કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો શરૂ થઈ. સરકારે કેટલાક સુધારાની હા પડી અને સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું કે વાટાઘાટો સફળ થાય તે માટે આ કાયદો થોડા સમય માટે મુલતવી રાખવો તેમજ નિષ્ણાતોની સમિતિ મંત્રણા કરીને પોતાનો અહેવાલ આપે. કેન્દ્ર સરકારે તો બંને બાબતોને સ્વીકારી લીધી પણ આંદોલનકારીઓને કાનૂન વાપસ લેવા સિવાય કશું માન્ય નહોતું. છેવટે ૨૬ જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ આવ્યો અને આખી દુનિયાએ જોયું કે લોકશાહી દેશના પ્રજાસત્તાક પર્વે દેશના પાટનગરમાં કેવી અરાજકતા સર્જાઈ.
૨૬મીની ઘટનામાં આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે. સંસદનો ઘેરાવ વિવાદાસ્પદ બની ગયો તે દરમિયાન આંદોલનકારી સંગઠનોમાં પુનર્વિચાર શરૂ થઈ ચૂક્યો એ મહત્વની વાત છે. કોઈ પણ આંદોલન માત્ર જીદ અને હઠાગ્રહથી સારા પરિણામ પેદા કરી શકે નહિ. દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય છે એ વાત ગાંધીજી અને સરદાર પટેલ તેમની લડતમાં પણ હતી, તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.
ગાંધીજીએ તો સમગ્ર દેશમાં ૧૯૨૦ની અસહકાર લડત ચોરીચોરાના હિંસાચારને લીધે મુલતવી રાખી હતી. આંદોલનકારીઓ તેમના ખભે બંદૂક રાખીને પોતાના ઈરાદા પાર પાડવા માગતા પરિબળોને દૂર કરીને વિચારે તે જરૂરી છે અને તેવી શરૂઆત થઈ તે સારી નિશાની છે. સરકારમાં બેઠેલો પક્ષ અને તેના સાથી પક્ષો કિસાનને દુશ્મન બનાવીને સમર્થન ગુમાવવા માગે તેવું થોડું હોય? તેને પણ આંદોલન સમાપ્ત થાય તેવી ઇંતેજારી છે. હવે તેવું વલણ કિસાન સંગઠનોમાંથી કેટલાકનું દેખાય છે.
આવી ઘટનાઓની પ્રતિક્રિયા ઘણી બધી વાર ભારે ખતરનાક બની જતી હોય છે. ઓપરેશન બ્લૂ સ્ટાર, તેની પહેલાં અને પછી આવું બન્યું હતું. પંજાબમાં આતંકવાદ ચોતરફ પ્રસરી ગયો. ભિંડરાણવાલેએ તો સ્વર્ણ મંદિરમાં જ આવી પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે કેન્દ્ર સરકારે લશ્કર મોકલીને સ્વર્ણ મંદિર ખાલી કરાવ્યું તેમાં અસંખ્ય જાનહાનિ થઈ.
આનાથી ખરાબ પરિણામ એ આવ્યું કે બાકી દેશમાં જાણે કે આખું પંજાબ આતંકવાદી હોય તેવી માનસિકતા ફેલાઈ ગઈ. વાસ્તવમાં સામાન્ય શીખ આતંકવાદી નહોતો અને તેને સમર્થન પણ આપ્યું નહોતું. એ દિવસોમાં ઓપરેશન બ્લૂ સ્ટારની ઘટનાઓનો અભ્યાસ કરવા પંજાબની મુલાકાત લીધી ત્યારે અમૃતસર, ચોક મહેતા, લુધિયાણા અને બીજે અનુભવ એવો થયો કે સામાન્ય યુવાન પણ કશું બોલવા તૈયાર નહોતો! ૧૯૮૪ના એ સમયનું વધુ ભીષણ સંધાન ઈંદિરાજીની એક શીખે કરેલી હત્યા સુધી ગયું. ત્યારે તો દિલ્હી અને ઉત્તર ભારતમાં શીખવિરોધી રમખાણો ફેલાયા.
આ બંને ઘટનાઓ દર્શાવે છે કે કેટલીક વાર પ્રજાનો મોટો ભાગ એક વર્ગને ધિકકારતો થઈ જાય છે તેમાં પણ કેટલાંક તત્વો ભળી જઈને પોતાના ઈરાદા પાર પાડે છે. દિલ્હીમાં તટસ્થ ન્યાયમૂર્તિઓ અને બીજા મહાનુભાવોનું સિટિઝન ઇંક્વાયરી કમિશન બન્યું તેનો અહેવાલ જણાવે છે કે એક પક્ષના નેતા કાર્યકર્તા હિંસાચારમાં સામેલ હતા. તેમની સામે હજુ મુકદ્દમા ચાલે છે.
બીજાં બે ઉદાહરણ કાશ્મીર અને આસામના છે. કાશ્મીરમાં જે પ્રકારે આતંકવાદ ફેલાયો હતો, સરહદની પેલી પાર અને સ્થાનિક આતંકવાદીઓ અપહરણ, હત્યા, લૂંટફાટ કરતા હતા તેને લીધે બાકી દેશમાં કશ્મીર આખું જાણે કે આતંકી પ્રદેશ હોય અને બધા તેમાં સંડોવાયેલા છે તેવું માની લેવાયું. વાસ્તવમાં તો તેવું હતું જ નહિ. સામાન્ય કાશ્મીરી પ્રજાને તો આ હિંસા અને અલગાવથી મુક્તિ જોઈતી હતી.
૩૭૦ કલમની જોગવાઈ નાબૂદ થઈ તેનાથી કેટલાક રાજકીય પક્ષો સિવાય બાકી પ્રજા રાજી થઈ. હવે બાળકો શાળામાં જવા માંડ્યા છે. આતંકવાદીઓના સ્થાન સૈન્યને સ્થાનિક લોકો બતાવે છે, રોજગાર અને નોકરીનો માહોલ શરૂ થયો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હોંશે-હોંશે ભાગ લીધો.
આવું આસામ અને પૂર્વોત્તરનું પણ ઉદાહરણ છે. ૧૯૮૦ અને ૮૩માં ત્યાં બિદેશી અને બહિરાગત આંદોલન સમગ્ર આસામી નાગરિકોએ લાંબા સમય સુધી ચલાવ્યું તેની પરાકાષ્ઠાનો એ સમય હતો. ત્યારે પણ બીજે એવી હવા હતી કે આસામ આખું અલગાવ અને હિંસા તરફ જઈ રહ્યું છે. એ આંદોલનનો અભ્યાસ કરવા એ જ દિવસોમાં જવાનું થયું ત્યારે થોડો સમય વચ્ચે કોલકાતા રોકવાનું બન્યું હતું.
સાહિત્યકાર શિવકુમાર જોશી અને બીજા ગુજરાતી પરિચિતો ચિંતામાં હતા કે આવા દિવસોમાં ત્યાં જવું જોખમી છે, પણ એક મહિના સુધી આસામ અને બીજા પ્રદેશોમાં (જેને કોઈ સમયે જવાહરલાલ નેહરુએ સપ્તભગિની નામ આપ્યું હતું, ને તેમના અનુગામીઓ સામે હવે આસામની આ લાંબી લડત ચાલી રહી હતી) જોયું કે ગુસ્સો અને દુઃખ જરૂર હતા. ભય પણ હતો. ‘લાહે, લાહે...’ (ધીરે ધીરે)ની માનસિકતા ધરાવતો શાંત પ્રશાંત આસામી પોતાને થતા અન્યાયની સામે મેદાને પડ્યો હતો. તેમને લાગતું હતું કે આસામ વિશે બાકી દેશમાં ગલત પ્રચાર થઈ રહ્યો હતો કે તેઓ અલગાવવાદી છે. કોટન કોલેજમાં તે સમયના તરુણ નેતાને પૂછ્યું તો તેણે કહ્યું હતું: ‘અમારી ચિંતા એટલી જ છે કે બાકી દેશ અમારી કેવી અને કેટલી ચિંતા કરે છે...’
દરેક પ્રદેશ અને તેની પ્રજા વિષેની આપણી માન્યતામાં ક્યાંય ધિક્કાર અને ગેરસમજ ના આવે તે આજના સમયની આપણી કસોટી છે.


comments powered by Disqus