૨૬ ડિસેમ્બરના રોજ વિદાયમાન વર્ષના અંતે દક્ષિણ આફ્રિકાએ આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂને ગુમાવ્યા. દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવામાં તેમણે ભજવેલી ભૂમિકા માટે તેઓ જાણીતા હતા. રંગભેદ સામેના તેમના અહિંસક વિરોધ માટે ૧૯૮૩માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧ જાન્યુઆરીએ નવા વર્ષના દિવસે કેપ ટાઉનના એંગ્લિકન કેથેડ્રલ સેન્ટ જ્યોર્જ કેથેડ્રલ ખાતે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ ટૂટૂને "આપણા નવા રાષ્ટ્રના આધ્યાત્મિક પિતા" તરીકે વર્ણવ્યા હતા.
મહાત્મા ગાંધીના મહાન શિષ્ય, ટૂટૂએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો વિરોધ કરવા માટે અહિંસક સંઘર્ષ અપનાવ્યો હતો. પાછળથી તેમણે ટ્રૂથ એન્ડ રિકન્સિલિએશન કમિટીનું અધ્યક્ષપદ સંભાળ્યુ હતું. પછી રંગભેદને લીધે દક્ષિણ આફ્રિકાને પહોંચેલા નુક્સાનમાંથી તેને બહાર લાવવામાં મદદ કરી.
દક્ષિણ આફ્રિકન લોકોએ આ લોકપ્રિય નેતાને ગુમાવ્યાનો શોક પણ પૂરો કર્યો ન હતો, તેના એક દિવસ પછી કેપ ટાઉનમાં સંસદભવનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેમાં સંસદના ગૃહોને ભારે નુકસાન થયું હતું. એક દિવસ પહેલા જ જે સ્થળે આર્ચબિશપ ટૂટૂના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેનાથી તે ખૂબ નજીક છે.
પ્રમુખ સીરિલ રામાફોસાએ આગને કારણે થયેલા નુકસાન અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને આગને "ભયંકર અને વિનાશક ઘટના" ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે આર્ચબિશપ ટૂટૂ પણ તેનો ભોગ બન્યા હોત.
ડઝનબંધ ફાયરફાઈટર્સે આગ બુઝાવવા ભારે જહેમત લીધી હતી. ફાયર અને રેસ્ક્યૂ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાં કાર્પેટ અને વુડન ફ્લોર્સને કારણે આગને સંપૂર્ણપણે ઓલવવાનું ખૂબ મુશ્કેલ બન્યું હતું.
કેપટાઉન મેયરલ કમિટિ ફોર સેફ્ટી એન્ડ સિક્યુરિટીના એક મેમ્બરે પત્રકારોને જણાવ્યું હતું કે જૂના એસેમ્બલી હોલની ઉપરની છત સંપૂર્ણપણે નાશ પામી હતી અને કેટલાંક કલાક પછી પણ ઓલ્ડ ચેમ્બરમાં રખાયેલી કિંમતી ઐતિહાસિક કલાકૃતિઓ સુધી પહોંચવાનું શક્ય બન્યું ન હતું.
ફાયરફાઈટર્સ આગને સંપૂર્ણપણે કાબુમાં લે તે અગાઉ રુફના ધૂંધવાતા લાકડામાંથી ભારે પવનને લીધે એક દિવસ પછી ફરી છતમાં આગ લાગી હતી. સંસદનું સત્ર ચાલુ ન હતું અને આ આગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
એક વર્ષથી ઓછા સમયમાં સંસદમાં આ બીજી આગ લાગી હતી. માર્ચમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે આગ લાગી હતી. ગયા વર્ષે લાગેલી આગમાં યુનિવર્સિટી ઓફ કેપ ટાઉનની લાઇબ્રેરીનો એક ભાગ પણ નાશ પામ્યો હતો. ત્યાં આફ્રિકન આર્કાઇવ્સનું અજોડ કલેક્શન રખાયું હતું.
અહેવાલો પ્રમાણે સંસદ ભવનમાં ફાયર સેફ્ટીના કેટલાક પગલાં લેવાયા ન હતા. આગ લાગી ત્યારે ફાયર સ્પ્રિંક્લર્સ ચાલુ કરવામાં આવ્યા ન હતા. એલાર્મ સિસ્ટમ પણ ચાલુ ન હતી અને આગને ફેલાતી અટકાવવામાં મદદરૂપ થાય તે દરવાજા લૅચ દ્વારા ખુલ્લા રખાયા હતા.
કેપટાઉનમાં બનાવાયેલું પાર્લામેન્ટ હાઉસ ત્રણ વિભાગોનું હતું. તેમાં સૌથી જૂનું ૧૮૮૪નું છે, જ્યારે ૧૯૨૦ અને ૧૯૮૦ ના દાયકામાં બનેલા નવા વિભાગોમાં નેશનલ એસેમ્બલી બેસે છે. સરકારની બેઠક પ્રિટોરિયામાં છે પણ દક્ષિણ આફ્રિકાની સંસદ કેપટાઉનમાં બેસે છે.
આ અનોખી અને બિનપરંપરાગત વ્યવસ્થા યુનિયન ઓફ સાઉથ આફ્રિકાની સ્થાપના થઈ ત્યારની છે. જે અત્યારના રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના ઐતિહાસિક પુરોગામી છે. કેપ, નાતાલ, ટ્રાન્સવાલ અને ઓરેન્જ રિવર વસાહતોના એકીકરણ સાથે તે ૩૧ મે ૧૯૧૦ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું.
સાઉથ આફ્રિકા યુનિયનની રાજધાનીના સ્થળને લઈને ચાર પ્રાંત વચ્ચેના મતભેદને પગલે એક સમાધાન કરાયું હતું. તે મુજબ દરેક પ્રાંતને પાટનગરના લાભોનો હિસ્સો આપવામાં આવ્યો હતો. વહીવટીતંત્રને પ્રિટોરિયા (ટ્રાન્સવાલ)માં, સંસદને કેપ ટાઉન (કેપ પ્રાંત)માં, બ્લોમ્ફોન્ટેન (ઓરેન્જ ફ્રી સ્ટેટ) માં એપેલેટ ડિવિઝન અને પીટરમેરિત્ઝબર્ગ (નાતાલ)માં આર્કાઇવ્સને સ્થાન અપાયું હતું..
આ સમાધાન પ્રમાણે કેપ ટાઉન કાયદાકીય પાટનગર, બ્લોમ્ફોન્ટેન ન્યાયિક પાટનગર અને પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકાનું વહીવટી પાટનગર બન્યું હતું.
આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) સરકારે આ વ્યવસ્થા ભારરૂપ છે, સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે મિનિસ્ટર્સ, સિવિલ સર્વન્ટ્સ અને ડિપ્લોમેટ્સને આવવાની અને પાછા જવાની જરૂર પડે છે તેમ જણાવીને સંસદને પ્રિટોરિયામાં ખસેડવાનું વિચાર્યું. ઘણાં દેશો દક્ષિણ આફ્રિકા ખાતેના તેમના રાજદ્વારીઓ માટે બે નિવાસસ્થાન – એક પ્રિટોરિયામાં અને બીજું કેપ ટાઉનમાં - રાખે છે.
૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સરકારે સંસદને પ્રિટોરિયા ખસેડવા માટે અને નવા પાર્લામેન્ટ બિલ્ડીંગ માટે સંભવિત સ્થળો શોધી કાઢવા માટે ફિઝીબિલિટી સ્ટડી હાથ ધરવા પ્રોજેક્ટ સ્ટિયરિંગ કમિટિની રચના કરી.
એપ્રિલ ૨૦૧૯માં પબ્લિક વર્ક્સ મિનિસ્ટરે સંભવિત સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. પાર્લામેન્ટને પ્રિટોરિયા ખસેડવાથી દર વર્ષે R650 મિલિયન (૩૦ મિલિયન પાઉન્ડથી વધુ)ની બચત થશે તેમ ૨૦૨૦માં સૂચવાયું હતું.
કેટલાંક કેપ ટાઉનવાસીઓએ આ પગલાંનો વિરોધ કર્યો. ANC સત્તાનું કેન્દ્રીકરણ કરવા માગે છે તેવું તેમનું માનવું છે. આગને લીધે થયેલા ભારે નુક્સાનને લીધે પાર્લામેન્ટે અન્ય સ્થળે બેસવાની જોગવાઈનો અમલ કરવો પડશે. તેને લીધે પાર્લામેન્ટને પ્રિટોરિયા ખસેડવાની માગણી ફરી ઉઠશે તેમ લાગે છે.
દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટ રેઈનબો નેશનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. દેશે રંગભેદ યુગના શ્વેત લઘુમતી શાસનને બદલી નાંખ્યું હતું. દક્ષિણ આફ્રિકાના લોકો લોકશાહીના જોશ પર ગર્વ અનુભવે છે તેને વિનાશક આગ ઓછી કરે નહીં તેવી આશા રાખીએ.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)