પંચશીલના બે પુરસ્કર્તા રામ અને મહાવીર

પર્વવિશેષઃ રામનવમી - મહાવીર જયંતી

Wednesday 17th April 2019 07:52 EDT
 
 

ભારતીય પંચાંગમાં ચૈત્ર માસનું અનેરું સ્થાન છે. ભારતીય સમયગણના અનુસાર ચૈત્ર માસથી સંવત્સરથી શરૂઆત થાય છે. ચૈત્ર સુદ એકમના પાવન દિવસે યોગેશ્વર શ્રીકૃષ્ણે પ્રભાસતીર્થ (સોમનાથ)માં પોતાની લૌકિક લીલાનું સમાપન કર્યું. ચૈત્રી નવરાત્રિનું નવમું નોરતું એટલે રામનવમી (આ વર્ષે ૧૩ એપ્રિલ). ધોમધખતા ઉનાળા વચાળે પ્રેમ-કરુણાની શીળી છાંયડી સમો રણદ્વીપ એટલે રામનામ! રામનવમીના ચાર દિવસ બાદ એટલે ચૈત્ર સુદ તેરસ (આ વર્ષે ૧૭ એપ્રિલ)ના દિવસે સત્ય-અહિંસાના પુરસ્કર્તા મહાવીર સ્વામીનો પ્રાગટ્ય દિન આવે છે. કેવો સુભગ યોગાનુયોગ! વિશ્વના કોઇ પણ આધ્યાત્મિક દર્શનના પાયામાં ખાંખાંખોળા કરીશું તો પાંચ રત્નો જડી આવશે - અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્નચર્ય. યુગો-યુગોનાં મનોમંથન અને આચરણથી જે તત્વ ઘનીભૂત થાય તેને ઋત કહેવાય. ઉપરના પાંચેય ઋત એટલે કે દિવ્ય અચળ નિયમ અંગે વિશ્વના સઘળા ધર્મો વચ્ચે એકમત છે.

ભારતીય દર્શનના ચાર મહા ઐશ્વર્ય છેઃ રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર. ચૈત્રી પર્વવિશેષ નિમિત્તે આ દિવ્ય ચતુષ્કોણોની બે વિરાટ બાજુઓના દર્શન કરીશું. રામ સત્ય ધર્માચરણનો સહસ્રદીપ છે તો મહાવીર એટલે અહિંસા અને ક્ષમાનો દિવ્ય સમુચ્ચય. એકે રાજાનો કર્તવ્ય ધર્મ ઉજાળ્યો તો બીજાએ સંન્યાસનો ઉત્તમ માર્ગ દેખાડ્યો. પરસ્પરના વિરોધાભાસી દેખાતા આ જયોતિપૂંજો વચ્ચે કોઇ સામ્ય છે ખરું? અવશ્ય છે...

પંચ-શીલ પૈકીનું પ્રથમ ઋત છે, અહિંસા. ગીતામાં વિભૂતિ યોગમાં શ્રીરામને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ગણ્યા છે. (ગીતા ૧૦/૩૧). રામ અને મહાવીર બંનેનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો. એકે ધનુષ્ય ધરીને અસુરોનો સંહાર કર્યો, સત્યનો જય કર્યો. તો બીજાએ ક્ષમા અને કરુણાના પાયા પર અહિંસાનો મહામેરુ ખડો કર્યો. આ દેખીતા વિરોધાભાસ વચ્ચે બહુ મજાનો સમાસ પણ છે. સૌપ્રથમ તો આજના સંદર્ભમાં હિંસા અને અહિંસા શબ્દોને સુપેરે સમજવા પડશે.

ધારો કે કોઇ એક નિર્જન સ્થળે તમે જુઓ છો કે કોઇ સ્ત્રીની લાજ લૂંટાઇ રહી છે. તો તમે શું કરશો? અહિંસાના શબ્દાર્થમાં જેને અંધશ્રદ્ધા છે તે આંખે હાથ મૂકી ઝડપથી ડગલાં ભરી જશે. પેલી સ્ત્રી સાથે થઇ રહેલી હિંસા તરફની ઉપેક્ષાને શું ગણીશું? મૂકસંમતિ કે બીજું કંઇ? આનો જવાબ રામાયણકાર બહુ સુપેરે આપે છે. જ્યારે રામચંદ્ર વનવાસી ઋષિઓના પરિત્રાણ માટે અસુરોના વધનો સંકલ્પ કરે છે ત્યારે સીતાજી તેમને તાપસ ધર્મની દુહાઇ આપે છે. જેના જવાબમાં શ્રીરામ કહે છેઃ ‘ક્ષત્રિયૈઘાર્યતે ચાપો નાર્તશબ્દો ભવેદિતિ!’ દુ:ખ શબ્દનું નિર્મૂલન કરવા માટે ક્ષત્રિયો ધનુષ્ય-ચાપ ધારણ કરે છે! (અરણ્યકાંડ ૧૦/૩).

ક્ષમાનો અહિંસા સાથે લોહીનો સંબંધ છે. વળી ક્ષમા એ વીરનું આભૂષણ છે. રામ જ્યારે લંકા વિજય કરી પાછા ફરે છે ત્યારે સહુ પ્રથમ કોને વંદન કરે છે? પોતાના ન્યાયસંગત અધિકારને છીનવીને વનમાં ધકેલનાર માતા કૈકેયીને જ સ્તો. ક્ષમાની આ પરાકાષ્ઠા છે. તે જ રીતે પોતાની ધ્યાનાવસ્થામાં કાનમાં શૂળ ભોંકનાર ભરવાડને સહજ રીતે માફ કરનાર મહાવીર સ્વામી ખરા અર્થમાં ક્ષમાપના પર્વના પુરસ્કર્તા છે. નિર્દોષ અને નિષ્પાપ સહજીવીઓનું પરિત્રાણ એ બળવાનનું સૌથી પરમ કર્તવ્ય છે. વળી જેનું જીવન ફરજ-પાલનનો રાજમાર્ગ બની ગયું હોય તેવો વીર-પુરુષ પાપ-પુણ્યનો હિસાબ કરવા બેસે ખરો? જૈન શાસ્ત્રોમાં પ્રબોધેલા ‘સચ્ચ સુત્ત’ (સત્ય સૂત્ર)માં પણ હિંસાના પાયામાં રહેલી વેર-વૃત્તિના નિર્મૂલનની વાત કહી છે. ગીતા અને રામાયણમાં પ્રબોધેલા કર્તવ્ય-બોધમાં વેર-વૃત્તિનું નામોનિશાન નથી. હિંસા-અહિંસાની ખાડી વચ્ચેનો કર્તવ્ય ધર્મરૂપી સેતુબંધ બધા સંશયોને લાંઘી જવા પૂરતો છે.

રામ અને મહાવીર બંનેનું બીજું સામાન્ય તત્વ છે, સત્ય! ‘રઘુકુળ રીતી સદા ચલી આઇ, પ્રાણ જાયે પર વચન ન જાઇ’નું અનુકરણ આપણે સહુ ભારતીયો ધર્મ, જાતિ કે સંપ્રદાયના ભેદભાવ વિના કરતા આવ્યા છીએ. સત્ય બોલવું અને બોલેલું પાળવું એ રામના જીવનમંત્રો. જિન-દર્શનના ‘સચ્ચ સુત્ત’માં કહેવાયું છે કે સત્ય બોલવું અને મધુર સંયમિત વાણીમાં જરૂર પૂરતું બોલવું. સત્ય એ માત્ર વાણીનો ધર્મ નથી. તેમાં ભારોભાર આચાર-બોધ પણ છે. આપણા રાષ્ટ્રીય પ્રતીક બનેલા ‘સત્યમેવ જયતિ, નાનૃતં’ (મુંડકોપનિષદ) પાછળ રામથી ગાંધી સુધીની આચાર પરંપરાનું પૂરેપૂરું પીઠબળ છે તે કેમ ભુલાય?

પંચશીલનું ત્રીજું સૂત્ર એટલે અસ્તેય, જેને જૈન આગમોમાં અતેગણ સુત્ત કહે છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. વિશ્વમાં જે કંઇ સાધન-સંપદા છે તેમાંથી સહુ કોઇને પોતાનો ભાગ મળી રહે તેની કાળજી રાખવી એટલે અસ્તેય. પિતાના ધર્મસંકટને સમજીને સુખ-વૈભવનો ત્યાગ કરનાર રામચંદ્ર અસ્તેયના જીવંત પ્રતીક છે. તો માતાના પ્રપંચના પ્રતાપે પોતાને મળેલા રાજ-સિંહાસનને ત્યજીને નંદીગ્રામમાં વનવાસી પેઠે બેસીને રાજનો સુપેરે વહીવટ કરનાર ભરતજી માટે તો અસ્તેય ધર્મના કોઇ પણ વિશેષણો ટૂંકાં પડે.

શાસનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે માનવજાતે શોધી કાઢેલ લોકશાહી શાસન વ્યવસ્થાના પાયામાં ભરતજીનું પાદુકા શાસનનું ઋત છે તે રખે ભુલાય!

ચોથું શીલ એટલે બ્રહ્નચર્ય. બ્રહ્નચર્યનો શબ્દાર્થ છે, જાતીય વૃત્તિમાં સંયમ. તેનો ભાવાર્થ છેઃ શારીરિક અને માનસિક આવેગોનું રચનાત્મક ઊર્ધ્વીકરણ. બ્રહ્મચર્ય એ વિષય-ત્યાગનો શુષ્ક મરુ-પ્રદેશ નથી. તેમાં સમિષ્ટના વિશાળ સૌંદર્યરસમાં તરબોળ થવાની ઉત્કંઠા છે. સીતા-રામ, માંડવી-ભરત અને ઉર્મિલા-લક્ષ્મણ જેવા ત્રણ દિવ્ય યુગલો જે રીતે પોત-પોતાના સાંસારિક સુખોનું હસતા મોઢે બલિદાન આપે છે, તેમાં બ્રહ્નચર્યનું ખરું ઋત પ્રકટ થાય છે.

જૈન દર્શનના ‘બંભચરિય સુત્ત’માં કહેવાયું છે, ‘બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત અને જિનોપદિષ્ટ છે.’ આ મહાવ્રતનો માત્ર શબ્દાર્થ લઇને ઘણી જ ગેરસમજ ઊભી કરી છે. આપણે બ્રહ્મચર્યને સંપ્રદાય મૂલક સમૂહ-વિશેષના બાહ્ય દંભનું સ્વરૂપ આપીને તેની ક્રૂર મજાક ઉડાવી છે. જેનાથી તેનો મૂળ ઉદ્દેશ-વૃત્તિઓનું રચનાત્મક ઊર્ધ્વગમન - મરી પરવાર્યો છે. વળી કહેવાતા આધુનિક જાતીય વિજ્ઞાનીઓનો બ્રહ્મચર્ય માટેનો તિરસ્કારયુકત અભિગમ પણ તેટલો જ ઘાતક અને મૂર્ખતાપૂર્ણ છે. બ્રહ્મચર્યને તેના મૂળ અર્થમાં સમજીએ અને પ્રયોજીએ.

પંચશીલનું પાંચમું પગથિયું છે અપરિગ્રહ. આજે જેટલું જોઇએ તેટલું જ લેવું એટલે અપરિગ્રહ. ‘તેન ત્યકતેન ભુંજીથા:’ આપણો મંત્ર છે. સોનાની લંકાને જીતી લીધા પછી તે વિભિષણને સોંપી દેનાર રામચંદ્ર અપરિગ્રહનું શ્રેષ્ઠ પ્રતીક છે. અપરિગ્રહ સૂત્રમાં કહ્યું છે કે અપરિગ્રહ માત્ર બાહ્ય ત્યાગ નથી. તે પદાર્થ માત્ર પરની આસિકતનો સમજણપૂર્વકનો ત્યાગ છે. સાચો સંન્યાસી તો પોતાના દેહનો પરિગ્રહ પણ નહીં કરે! સંસારી માટે પણ તે તેટલું જ પ્રસ્તુત છે.

છેલ્લી બે સદીમાં માનવજાતે ધરતીના પેટાળને ચીરીને, જળના સ્ત્રોતોને બાંધીને, અવકાશના અયનોને ભેદીને ભ્રામક ભૌતિક સુખ-સગવડના ઓવારા બાંધ્યા છે. આ દરેક ઓવારો આજે આફતનું એક-એક પડીકું બનીને ઊભો છે. લાખો વરસોથી સચવાયેલા પર્યાવરણને છેલ્લી દસ પેઢીએ જે રીતે પ્રદૂષિત કરી મૂક્યું છે તેને માટે આવતી પેઢીના ગુનેગાર છીએ. યજ્ઞની મૂળ વિભાવના ‘જ્યાંથી જેટલું લઇએ, તેનાથી સવાયું પાછું વાળીએ’ વ્યવહારમાંથી વિસરાઇ તેનું આ ફળ! સામૂહિક સંસાધનો પરના એકાધિકારના વળગણે કંઇ કેટલાયે યુદ્ધો થયા છે. કોઇએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ ખનીજ તેલ માટે થશે અને ચોથું પીવાના પાણી માટે. જેમાં આગળ કહી શકાય કે પાંચમું (અને કદાચ છેલ્લું) મહાયુદ્ધ એક-એક શ્વાસભર પ્રાણવાયુ માટે થશે! અપરિગ્રહ ઋતનું કેવડું મોટું તાત્પર્ય છે! અવિરત વહી આવતી ભારતીય દર્શનની અલકનંદાના કિનારે રામ અને મહાવીર જેવી અનેક અસ્મિતાઓ ઉદ્ભવ પામતી રહેશે. આપણે એટલું તો કરીએ કે આધુનિકતાની દોડમાં ઘડીભર પોરો ખાઇને માનવ સભ્યતાની શરૂઆતમાં ભણેલા પાઠોને પાછા મમળાવીએ. આ પારોઠનાં પગલાં નથી પણ માનવસભ્યતાની આગેકૂચ જારી રાખવા માટેના અન્ન-જળ છે. જય શ્રીરામ, જય જિનેન્દ્ર!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter