વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગદ્રિતાય
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તુતે
અર્થાત્ હે ભગવાન સિદ્ધ ગણેશ, વિઘ્નોના સ્વામી, વરદાન આપનાર, દેવતાઓના પ્રિય, વિશાળ ઉદરવાળા, ગજાનન-નાગાનન પ્રભુ, યજ્ઞોમાં શોભાયમાન એવા હૈ ગૌરીપુત્ર - પાર્વતીપુત્ર ગણપતિજી આપને વારંવાર નમન કરું છું.
ગણપતિ એટલે ગણ+પતિ, પતિ એટલે પાલન કરનાર. મહર્ષિ પાણિનિના મતે ‘ગણ’ એટલે અષ્ટ વસુઓનો સંગ્રહ, વસુ એટલે દિશ, દિકપાલ તથા દિકદેવ. ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇ પણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલા માટે જ કોઇ પણ મંગલકાર્ય કે દેવતાની પૂજા કરતાં પહેલાં ગણપતિ પૂજન કરવામાં આવે છે. ગણેશ દિશાઓ ખોલી આપે પછી જે દેવતાની આપણે પૂજા કરવાની હોય તે પ્રવેશ કરી શકે છે. એને જ મહાગણપતિ પૂજન પણ કહેવાય છે. એમનાં કેટલાંક નામો અહીં આપવામાં આવ્યા છે.
તેઓ ‘વક્રતુંડ’ કહેવાય છે એટલે વાંકી સૂંઢ એવો અર્થ કર્યો છે. વક્ર એટલે આડે માર્ગે ચાલનારને સજા કરી સીધા માર્ગે લાવે છે માટે વક્રતુંડ. ‘એકદંત’ - એક શૂળ (લાંબો) અખંડ હોવાથી કહેવાય છે. બીજો દંત તૂટેલો છે. ‘લંબોદર’ એટલે મોટું પેટ, તે આનંદસૂચક છે. ‘ભાલચંદ્ર’ - ભાલ એટલે ભાલની ઉપરનું માથું.
પ્રજાપતિ બ્રહ્મા, શિવ, વિષ્ણુ અને મીનાક્ષી એમનામાંથી નીકળેલાં તરંગો એકમેકમાં મળીને હજારો ગુણમય તરંગોનું નિર્માણ કરે છે. જેમાંથી મમતા, ક્ષમા અને વાત્સલ્ય જેવા તરંગો નીકળે છે તે ચંદ્ર કહેવાય છે. અને એવો ચંદ્ર જેમણે ભાલ પર ધારણ કર્યો છે તે ભાલચંદ્ર. આમ તો આ નામ શિવનું છે પણ ગણેશ તેમના પુત્ર હોવાથી તેમને તે નામ આપવામાં આવ્યું છે. ‘વિનાયક’- આ શબ્દ ‘વિશેષ રૂપેણ નાયક’ એટલે નેતાની બધી વિશિષ્ટતા ધરાવનાર.
માનવ ગૃહસૂત્ર અને બોધાયન ગૃહસૂત્રમાં વિનાયકોની માહિતી આપવામાં આવી છે. ‘મંગલમૂર્તિ’ એટલે શાંત અને પવિત્ર કરવું, જે બહારથી અને અંદરથી પવિત્ર કરે છે એટલે મંગળ કરનાર. મહારાષ્ટ્રમાં ‘મંગલમૂર્તિ મોરયા’ બોલી તેમનો જયઘોષ કરાય છે. ‘ચિંતામણિ’ આ પણ તેમનું એક નામ છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એવી ચિત્તની પાંચ ભૂમિકાઓ છે તેને પ્રકાશિત કરનાર અને પૂર્ણ શાંતિનો લાભ દેનાર તે ચિંતામણિ.
ગણેશજીએ ચારે યુગમાં અવતાર ધારણ કરેલ છે: ‘મહોષ્ટક વિનાયક’, એ જન્મ કૃતયુગમાં (સત્યુગ) કશ્યપ અને અદિતિના ઘરે થયો. આ અવતારમાં તેઓએ દેવાન્તક અને નરાન્તક રાક્ષસોને મારી ધર્મપરિત્રાણ કર્યું અને અવતાર સમાપ્ત કર્યો. ગણેશજીએ ત્રેતાયુગમાં ઉમાના પેટે ભાદરવા સુદ ચોથ (આ વર્ષે 27 ઓગસ્ટ)ની તિથિએ ‘ગણેશ’ના નામે જન્મ લીધો. આ અવતારમાં તેમણે સિંધુ નામના દૈત્યને ઠાર કર્યો અને બ્રહ્મદેવની કન્યાઓ ‘સિદ્ધિ અને રિદ્ધિ’ સાથે વિવાહ કર્યા.
દ્વાપર યુગમાં ગણેશજીએ ફરીથી પાર્વતીના પેટે જ ગણેશ નામે જન્મ લીધો પણ જન્મ સાથે કદરૂપા હોવાથી પાર્વતીએ તેમને વનમાં મૂકી દીધા અને પરાશર મુનિએ તેમનો ઉછેર કર્યો. આ ગણેશે સિંદરાસુરનો વધ કરી તેને બંદીવાન બનાવેલા અનેક રાજાઓ અને વીરોને મુક્ત કર્યા. આ અવતારમાં તેઓએ ‘વરેણ્ય’ નામના પોતાના ભક્તને ગણેશ ગીતાના રૂપમાં શાશ્વત તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. કળિયુગમાં ધૂમ્રકેતુ અથવા ધૂમ્રવર્ણ નામના ગણપતિના નામનો ચોથો અવતાર થવાનો છે અને તેઓ દુર્જનોનો નાશ કરશે એવું ભવિષ્યપુરાણમાં વર્ણન છે.
તેમના ચારે યુગોમાં અલગ અલગ વાહનો છે. સત્યુગમાં સિંહ અને દસ હાથી છે. ત્રેતાયુગમાં મયૂર અને છ હાથ, દ્વાપર અને કળિયુગમાં ઉંદર છે. શ્રી ગણેશજીના સ્વતંત્ર રચેલા ગ્રંથો જે ‘ગણેશ પુરાણ’ અને ‘મુદગ પુરાણ’ કહેવાય છે. મહાભારત આદિ પર્વ 1/74-83માં ઉલ્લેખ છે કે બ્રહ્માજીના કહેવાથી મહર્ષિ વેદવ્યાસે શ્રી ગણેશજીને મહાભારત ગ્રંથના લેખક બનવાની પ્રાર્થના કરી. અને ભગવાન વ્યાસ રચિત ‘પાંચમો વેદ - મહાભારત’ જેવો ગ્રંથ આપણને મળ્યો. ગણેશજી ઓમકારનું સાક્ષાત્ સ્વરૂપ છે.
મેધાશક્તિ વધારવા માટે પણ તેમની ઉપાસના કરાય છે. હિન્દુ સમાજ પ્રથમ ગણેશજીને વંદન કરી શુભ કાર્યનો આરંભ કરે છે. તેમની કૃપા વિના કોઇ કામ સિદ્ધ થતું નથી. એવા શ્રીગણેશજીને વારંવાર વંદન કરીએ અને નીચે પ્રમાણે સ્તુતિ કરી આશીર્વાદ મેળવીએ.
પ્રાત: સ્મરામિ ગણનાથમનાથબન્ધુમ્
શિન્દ્રરપુર પરિશોભિતગણ્ડયુગ્મમ્
ઉર્દણ્ડવિઘ્નપરિખણ્ડન ચણ્ડદંડમ્
આ ખંડલાદિસુર નાયક વૃન્ધ્યમ્
ગણેશ ઉપાસનાના મંત્રો
‘ઓમ ગં ગણપતયે નમ:’ આ મંત્ર ગણપતિજીનો મુખ્ય મંત્ર છે. આ મંત્રનો સતત જાપ કરવાથી મનુષ્ય ખૂબ જ રિદ્ધિ-સિદ્ધિ પામે છે.
‘ઓમ શ્રીં હ્રિ કલીં ગ્લૌં ગં ગણપતયે
વરદવરદ સર્વ જનં મે વશમાનય નમ:’
આ મંત્રના જાપથી સર્વ પ્રકારનાં વિઘ્નો દૂર થાય છે અને સુખ-સંપત્તિનું આગમન થાય છે.