પુષ્ટિભક્તિ માર્ગના પરમ આરાધ્ય શ્રી વલ્લભાચાર્યજી

પર્વવિશેષઃ વલ્લભાચાર્યજી જયંતી

Wednesday 20th April 2022 05:37 EDT
 
 

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દશ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે 18 વર્ષમાં ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી. આ પરિક્રમામાં શ્રી વલ્લભાચાર્ય જ્યાં જ્યાં પધારી ભાગવતજીનો પાઠ કરતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી કુલ ૮૪ બેઠકજી છે.
શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મતના સ્થાપક અને ભક્તિ માર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ પરંપરાના મૂર્ધન્ય આચાર્યશ્રી વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના સાક્ષાત્ અવતાર છે. ભારતીય દર્શન પરંપરાના આચાર્ય પણ છે. પુષ્ટિ ભક્તિમાર્ગના આદ્ય પ્રાક્ટયકર્તા પણ છે. તેમજ રાધાકૃષ્ણ યુગલ સ્વરૂપની મધુરાતિમધુર લીલાઓના સાક્ષી સ્વરૂપ પણ છે.
પ્રાક્ટયઃ શ્રી વલ્લભના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશના કાંકરવાડ ગામમાં હતી. તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન તૈલંગ બ્રાહ્મણ હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા. એમ કહેવાય છે કે સોમયજ્ઞની પૂર્ણાહુતિના સમયે સાક્ષાત્ જગતનિયંતા પરમેશ્વર પ્રગટ થઈને વરદાન આપ્યું હતું કે તમારા વંશમાં જ્યારે સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે તમારે ત્યાં હું જન્મ લઈશ. આમ પરંપરાગત લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ પૂરા થયા હતા.
કહેવાય છે કે ભગવાને આપેલું વચન કદી મિથ્યા થતું નથી અને તેથી સો સોમયજ્ઞ પરિપૂર્ણ થતાંની સાથે જ આર્યાવર્ત પર આવેલી ચંપારણ્ય ગામની પાવન ભૂમિ પર રહેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાજીને ત્યાં માતા-પિતાનું સદભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીનાથજીની સેવાના વિસ્તાર અર્થે વિક્રમ સંવત ૧૫૩૫ના ચૈત્ર વદ - ૧૧ના રોજ (આ વર્ષે 26 એપ્રિલ) શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાદુભાવ થયો હતો.
બાળપણઃ શ્રીવલ્લભનું બાળપણ કાશીમાં વીત્યું હતું. નાની વયમાં જ પિતા દ્વારા તેમને વિદ્યા, જ્ઞાન અને ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના પિતા સાથે ચર્ચા કરવા આવતા વિદ્વાનો શ્રીવલ્લભની કુશાગ્ર બુદ્ધિ જોઈ તેમને વાક્પતિ અને બાલ સરસ્વતી કહીને પ્રશંસા કરતા. સાત વર્ષની વયે તેમનો યજ્ઞપવિત સંસ્કાર થયા પછી તેમને વિદ્યાભ્યાસ માટે વિદ્વાન ગુરુઓ પાસે મૂકવામાં આવ્યા.
શ્રીવલ્લભે થોડાક મહિનાઓમાં સર્વશાસ્ત્રોનો ખૂબ જ ઝીણવટપૂર્વક વિદ્યાભ્યાસ પૂરો કર્યો. વિદ્યાભ્યાસ દરમિયાન જ તેમણે અદ્વૈતવાદ મતને પડકાર ફેંક્યો અને પોતાનો સ્વતંત્ર મત રજૂ કરવા માંડ્યો. વિ.સ. ૧૫૪૪માં પિતાનો ગોલોકવાસ થયા બાદ તેમણે માતાની આજ્ઞા લઈને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો.
દશ વર્ષની નાની વયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત કરી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં વર્ષો વ્યતિત થયાં છે.
સંવત ૧૫૪૯ના શ્રાવણ વદ ત્રીજે શ્રીવલ્લભે ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે આ ઠકુરાણીઘાટ ઉપર રાત્રિએ શ્રીજી બાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા કરી કે, આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ અને તેના બધા જ દોષો દૂર કરીશ. શ્રીવલ્લભ જ્યાં જ્યાં પધારી ભાગવતજીનો પાઠ કરતા તે ભૂમિ સમય જતાં મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રગટ થયેલી છે. સમગ્ર ભારતખંડમાં આવી ૮૪ બેઠકજી છે. જે વૈષ્ણવ સંપ્રદાય માટે છોટુ વ્રજ ગણાય છે.
પુષ્ટિ સાહિત્યસર્જનઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગના પ્રચાર-પ્રસાર માટે વિપુલ પ્રમાણમાં પુષ્ટિ સાહિત્યનું સર્જન કર્યું છે. વૈષ્ણવો રોજ તેમના નિત્યપાઠમાં ઉપયોગ કરે છે તે ષોડષગ્રંથ, બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય અને શ્રીમદ્ ભાગવતજી ઉપર લખેલી મહત્ત્વની ટિકા સુબોધિનીજી કે જે શ્રીવલ્લભની વાણીમાંથી પ્રગટતી તે વાણીસુધા માધવ ભટ્ટ પાસે આલેખન કરાવતાં. સુબોધિનીજીની ગણના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં અનન્ય ગ્રંથોમાં થાય છે. તેમજ ષોડષગ્રંથમાંથી વૈષ્ણવો દરરોજ શ્રીયમુનાષ્ટકનો પાઠ કરે છે. વિજયનગરમાં શાસ્ત્રોની ચર્ચા સમયે શ્રીમદ્ વલ્લભાર્યાજીએ સતત ૨૮ દિવસ સુધી ચર્ચા કરીને અંતે વિજયી થયા. વિજયનગરના રાજા કૃષ્ણદેવ રાયજીએ શ્રી વલ્લભાચાર્યજીને કનકાભિષેકથી સન્માનિત કર્યા હતા.
પ્રાગટ્ય-પધરામણીઃ શ્રીનાથજીનું પૂરું નામ ગોવર્ધનગિરી છે. સારસ્વત કલ્પમાં શ્રીનંદ યશોદાના પુત્ર તરીકે શ્રીકૃષ્ણ છે. તે જ શ્રી ગોવર્ધનગિરી શ્રીનાથજી છે. આ ગોવર્ધન પર્વત પર સંવત ૧૪૭૦માં એક વ્રજવાસીને શ્રીનાથજીના ઉદવભુજાનાં દર્શન થયાં અને સાધુ પાંડેની ગાય રોજ ત્યાં દૂધ સેવતી હતી અને તે જ દિવસે ચંપારણ્ય મુકામે શ્રીવલ્લભનું પ્રાગટ્ય થયું. આમ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન અને શ્રીવલ્લભનું પ્રાગટ્ય એક જ દિવસે થયું અને આ જ શ્રી ગોવર્ધનગિરિએ શ્રીવલ્લભને બ્રહ્મસંબંધની આજ્ઞા અને ત્યાર બાદ પાટે પધારવાની આજ્ઞા કરી.
આથી ગિરિરાજની કંદરામાં એક મંદિર સિદ્ધ કરીને શ્રીનાથજી બાવાને માટે પધરાવવા માટે પુર્ણમલને આજ્ઞા શ્રીવલ્લભે કરી હતી. ત્યાર બાદ વિશાળ મંદિર ગિરિરાજમાં સિદ્ધ થયું અને સારો એવો સમયે શ્રીનાથજી બાવા ત્યાં બિરાજ્યા. સમયના પ્રવાહો તેમજ અજબકુંવરીબાઈના મનોરથ સિદ્ધ કરવાને માટે દિલ્હીનો ઔરંગઝેબ તો માત્ર કારણ જ હતું. આથી શ્રીજી બાવાને સુરિક્ષત સ્થળે પધરાવવા માટે તે સમયના તિલકાપત ગો. શ્રી ગિરધરજી મહારાજે શ્રીજા બાવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને મેવાડમાં પધરાવવા માટે તૈયારી કરી. ‘વાલો વ્રજ છોડીને પધાર્યો’ અને આજે શ્રીજી બાવા શ્રીનાથદ્વારમાં બિરાજે છે.
પુષ્ટિમાર્ગઃ પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પર આ માર્ગની રચના વલ્લભાચાર્યજીએ કરેલી છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એટલે પરમાત્મા સત્ય છે, આનંદ સ્વરૂપ રસાત્મક છે. આ રસાત્મક સ્વરૂપ પરમાનંદ એટલે શ્રીકૃષ્ણ-શ્રીનાથજી. આથી જીવ પરમાનંદ-પરમાત્માનો અંશ છે. આ જીવ જ્યારે પરમાત્માથી છૂટો પડી ગયો હતો અને તે જીવને અહંતા, મમતા લાગી એટલે જ સાંસારિક ગણાયો અને સંસારમાં રહીને જ પ્રભુની ભક્તિ કરી શકાય તેવો સરળ માર્ગ બતાવ્યો.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ જે કાંઈ હોય તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરીને, જીવ પ્રસાદી રૂપે લઈ શકે છે અને જીવે પરમાત્માનો સંબંધ બાંધવો એટલે ‘બ્રહ્મસંબંધ’ અને ત્યાર બાદ આ જીવે શ્રી ઠાકોરજીમાં પૂર્ણ આસ્થા રાખીને સેવા કરવી અને આ માર્ગમાં કર્મજ્ઞાન અને દેહદમનને મહત્ત્વ આપવામાં આવેલ નથી. આ માર્ગમાં માત્ર પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા શ્રી ઠાકોરજીની પ્રસન્નતા સાથોસાથ ગુરુની પ્રસન્નતા, વૈષ્ણવ પ્રસન્નતા. આથી જ હરિગુરુ વૈષ્ણવની સેવા કરવામાં આવે
છે. શ્રી ઠાકોરજીને ઓછામાં ઓછો પરિશ્રમ પડે તે રીતે બાળભાવથી જ સેવા કરવાનો પ્રકાર છે. પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલિકાનો
પ્રારંભ શ્રીવલ્લભે કરાવેલ છે. જે પરંપરાગત આજ દિન સુધી ચાલતો આવ્યો છે.
જયશ્રી વલ્લભ... જયશ્રી કૃષ્ણ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter