સૃષ્ટિમાં સૌંદર્ય રેલાવતું પર્વઃ વસંત પંચમી

વસંત પંચમી (13 ફેબ્રુઆરી)

Wednesday 07th February 2024 09:10 EST
 
 

ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી પ્રગટ થયેલ, સર્જનહાર દેવ શ્રી બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની આજ્ઞા મેળવીને સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ નિર્માણને નીરખવા માટે ભગવાન વિષ્ણુ જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમણે પૃથ્વીને ઉજ્જડ અને વેરાન નિહાળી. પૃથ્વીપટલ પર સન્નાટો જોઈને તેમનું હૃદય ખિન્ન થઈ ગયું અને ભગવાન વિષ્ણુએ તેમના કમંડળમાંથી દિવ્ય ઓજસમય જળ વરસાવ્યું. આ દિવ્ય ઓજસમય જળનાં છંટકાવ સાથે એક દિવ્ય મૂર્તિનું અવતરણ થયું, જે શ્વેત વસ્ત્ર ધારણ કરેલી હતી. આ દિવ્ય મૂર્તિ (સરસ્વતી)ના એક હાથમાં પુસ્તક અને બીજા હાથમાં વીણા હતી. આ મૂર્તિએ ભગવાન વિષ્ણુની આજ્ઞા વડે પુસ્તકના અભ્યાસ અને વીણાવાદન વડે સમગ્ર સૃષ્ટિની મૌનતા ભંગ કરી નાખી. પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઊઠી. ચારે તરફ આનંદ લહેરાવા લાગ્યો. સર્વત્ર ઉલ્લાસ છવાઈ ગયો અને વસંત પંચમી (આ વર્ષે 13 ફેબ્રુઆરી)ના શ્રીગણેશ થયાં.

ગુલાબી પુષ્પોના હોઠોથી મુસ્કુરાતા ગુલાબ, આંખોને હરી લેતાં પંચરંગી ફૂલો, સૂર્યને નીરખી રહેલાં મશગૂલ સૂર્યમુખી, સરોવરની શોભા વધારી પોતાનાં પુષ્પનેત્રો વડે પ્રકૃતિનું સૌંદર્ય નિહાળતાં કમનીય કમળ, આંબાની ડાળ પર શોભતાં – મહકતાં મોર, કુક-કુક કરીને બાવરી બની મધુર ટહુકા કરતી કાળી પણ કામણગારી કોયલ વસંતની શોભા છે. લીલાછમ ઘાસની ચાદર બિછાવી હોય અને ચારે બાજુ માઈલો સુધી છવાયેલાં પીળાં પીળાં ફૂલોથી રંગાયેલી પૃથ્વી મનને હરી લે છે. વિવિધ વૃક્ષો પર જાતભાતનાં રંગીન ફૂલો તથા પક્ષીઓનાં કર્ણપ્રિય ગીતો ઉત્સાહમાં વધારો કરે છે. ખેતરોમાં પરિશ્રમના ફળને દૃષ્ટિગોચર થતું જોઈ ખેડૂતનું હૃદય ઉમંગથી છલાકાઈ જાય છે.

સ્વયં રચેલા ગીતો સ્વયં પ્રકૃતિ જ ગાતી હોય તેમ પ્રકૃતિ, પક્ષી અને માનવી એક સ્વરમાં વસંતઋતુના આગમનનાં ગીતો ગાવા લાગે છે. રત્નાકરનાં સર્વે રત્નો અને આકાશની તમામ મુક્તાઓ નિસર્ગે ધરતીમાંની ગોદમાં વરસાવી દીધાં હોય તેવા વાતાવરણમાં પ્રભાતના પીળાં પીળાં કિરણોથી હિમગીરી સુવર્ણમય ભાસે છે. પવન ભૈરવી સ્વરમાં આંદોલન કરે છે. સરિતાની સપાટી પર નાચતાં ચમકતાં પ્રકાશ અને પવનથી ડોલતાં ફૂલોના શૃંગારને જોઈ જગત અવાક બની જાય છે.

તમામેતમામ - છએ છ ઋતુઓમાં વસંતનો વૈભવ આગવો અને અનેરો હોય છે. આથી જ તો ઉર્દૂમાં વસંતને ‘મૌસમ-એ-બહાર’ અને હિન્દીમાં ‘ઋતુરાજ’ તરીકે ઓળખાવવામાં આવી છે. વસંત એ ઋતુનો યૌવનકાળ છે, આ કાળમાં પ્રકૃતિ સોળે કળાએ પ્રફુલ્લ બને છે. વૃક્ષો જૂનાં પર્ણોનો ત્યાગ કરી નવાં પર્ણો અને પુષ્પો ધારણ ખરે છે. જ્યાં દૃષ્ટિ દોડાવો ત્યાં ખીલી ઊઠેલાં પુષ્પોથી ભરપૂર હરિયાળી નેત્રોનું આતિથ્ય કરે છે. મંદ મંદ સુગંધની ખુશીઓથી છલકાતી જાસૂદનાં ફૂલોની જુદી જ ઝલક જણાય છે.
નિસર્ગના આ ઉદાર અવસર પર એટલાં બધાં ફૂલો ખીલે છે કે વાયુદેવ પણ નવપવલ્લિત વૃક્ષો પર ખીલેલાં ફૂલોની રજથી સુગંધિત થયેલાં પુષ્પોની શોભા આંખોને આનંદ અને ઠંડક આપે છે. દેવ મંદિરોનાં દ્વારો પર મંગલ સૂચનાર્થે વાદ્ય ધ્વનિ વડે સૂર્યના આગમનનો ઉલ્લાસ છલકે છે અને વસંતના નામ સ્મરણ સાથે જ યુવાન હૈયાંઓનાં મનમાં ઉલ્લાસ ભરી લાગણીઓ છલકાવા લાગે છે અને ગાવા લાગે છે... મેરા રંગ દે બસંતી ચોલા.

સૌંદર્યથી તરબતર નિસર્ગના સાંનિધ્યથી માનવીનાં તન, મન અને હૃદય અને બુદ્ધિમાં વસંતઋતુમાં સ્ફૂર્તિ, ઉલ્લાસ, પ્રસન્નતા અને ચેતના પ્રકટે છે. સમગ્ર સૃષ્ટિ સુમધુર લાગે છે. વનસ્પતિઓમાં નવીન રસનો સંચાર ઉપર તરફ રહેતો હોય છે અને લોકોને ઠંડીથી રાહત થયેલી હોય છે ત્યારે શરીર અને મનની તાજગી આપવા માટે આ અવસર પર ઉદાર ઋતુનો આનંદ મનાવવા માટે વસંત પંચમીના પર્વની રચના થઈ છે.

વસંત પંચમી એટલે આનંદ-ઉત્સાહ-ઉમંગ-મિલનમુલાકાતનો આનંદ લૂંટવાનો દિવસ. વસંત પંચમીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે અને ઘઉં તથા જવની વાનગી ભગવાનને અર્પણ કરી ગુણગાન ગાવામાં આવે છે. વૈષ્ણવભક્તો પીળા વસ્ત્રો ધારણ કરી શાસ્ત્રીય રાગથી વસંતના ગીતો, ભજનો અને કીર્તનમાં મશગૂલ જણાય છે. ગોરખનાથે તેમના ગુરુ દ્વારા નિર્દેશિત સાધના વસંત પંચમીના પર્વ પર કરી હતી, જેના પ્રતાપે તેમનાં કંઠ અને જીભ પર સરસ્વતીએ સ્થાન ગ્રહણ કર્યું અને તેઓ વેદ-ઉપનિષદ કંઠસ્થ કરી તેના શ્રેષ્ઠતમ પ્રવચન દ્વારા સમર્થ બન્યા અને તેઓ સમગ્ર સંસારમાં ગુરુ ગોરખનાથ તરીકે પ્રસિદ્ધ થયાં.

ભારતના શ્રેષ્ઠ યોગી મહાત્માઓ તથા જગદગુરુ શંકરાચાર્યે પણ આજના દિવસે સરસ્વતી સાધના સંપન્ન કરી જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી હતી. વ્યાસ, વાલ્મિકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ઋષ્યશૃંગ, ભારદ્વાજ, દેવલ, જૈગીશવ્ય આદિ મહર્ષિઓ આ દિવસે સાધના દ્વારા કૃતાર્થ થયા હતા તથા વિશ્વવિજય અદભુત કવચ ધારણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અમિત તેજસ્વિની, અનંત ગુણ શાલિની, સત્ત્વગુણ સંપન્ન વસુ- રૂદ્રાદિત્યાદિ તમામ દેવતાઓની રક્ષિકા, સમગ્ર સંસારની નિર્માત્રી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી સર્વદા જ્ઞાન આપનારાં ગિરા - ભાષા - વાચા - ધીશ્વરી - બ્રાહ્મી - ગૌ - ભારતી - હંસવાહિની - જગતી - વાગીશ્રી - કુમુદી - બ્રહ્મચારિણી - બુદ્ધિદાત્રી - વરદાયિની - બ્રહ્મરૂપા - સૌમ્યગુણોનાં દાત્રી સરસ્વતી દેવીનો આવિર્ભાવ દિવસ પણ વસંત પંચમીનો દિવસ હોવાથી દેવી સરસ્વતીની પૂજા તથા આરાધના કરી સારસ્વતોત્વસ પણ મનાવવાની પરંપરા છે. વિદ્યાર્થીઓ માટે તો સારસ્વત વ્રતનું પાલન વિશેષ લાભદાયી છે.

આપણી4 પ્રત્યેક મોસમ શિક્ષા અને સંદેશ આપે છે. પ્રકૃતિ અને મોસમમાં તેનું સ્વરૂપ બદલે છે, આપણને નવીનીકરણ અને આશાનો સંદેશ આપે છે. જૂનાં પાંદડાંઓ ખરી જાય છે અને તેની જગ્યાએ શાખાઓ પર નવો સંદેશો લઈને આવતાં નવાં પર્ણો આપણને અર્થ વગર ઝઘડા કરે – ગેરમસજૂતી કરે તેવા દૂષિત વિચારોથી દૂર રહી, જૂનીપુરાણી કુટેવોને બદલી જીવનને નવી દિશા - નવો માર્ગે ચીંધે છે. વસંતમાં સંયમ કેળવવાથી ઓજ તત્ત્વ જળવાય છે. આપણી પ્રગતિ થાય છે અને ઇશ્વર પણ રાજી થાય છે. પાયા સો અપના, બાકી સબ સપના. વસંતમાં વિકારગ્રસ્ત મનથી સાવધ રહી, વિકૃત માનસને જીતી મનની અશ્લીલતા અને સંકુચિતતા બહાર કાઢી અનન્ય લગન અને મન - કર્મ - વચનથી સર્વ પ્રત્યે શુભભાવના, શુભવિચાર, શુભવચન અને શુભકૃતિત્વની સુગંધ ફેલાવતાં રહીએ એ જ વસંતનો સંદેશ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter