ડો. દિનેશ ઓ. શાહઃ વ્યક્તિ એક, પણ ઓળખ અનેક

પુસ્તક પરિચય

Thursday 15th July 2021 04:10 EDT
 
 

ડો. દિનેશ શાહ. નામ ભલે એક છે, પણ ઓળખ અનેક છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ દિનેશભાઇને સંશોધન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો મોટા ગજાના વૈજ્ઞાનિક તરીકે ઓળખે છે, શિક્ષણ ક્ષેત્ર સાથે નાતો ધરાવતા લોકો ટોચના શિક્ષણવિદ્ તરીકે પરિચય આપે છે, સાહિત્યલેખન સાથે સંકળાયેલા સર્જકો તેમને સંવેદનશીલ કવિ ગણાવે છે, સમાજપરસ્ત લોકો તેમનો પરિચય ઉદાર સખાવતી તરીકે આપે છે, તો સ્વજનો દિનેશભાઇને નમ્ર - મિતભાષી અને પરિવારપ્રેમી વડીલ તરીકે ઓળખાવે છે. આ બધી અલગ અલગ ઓળખ સોળ આની સાચી, પણ સાચી વાત એ છે કે દિનેશભાઇ આ બધા ગુણોનો સરવાળો નહીં, ગુણાકાર છે. આવા ગુણિયલ ડો. દિનેશ ઓ. શાહનો સર્વાંગ સંપૂર્ણ પરિચય કરાવે છે પ્રા. ચંદ્રકાન્ત પટેલનું પુસ્તક ‘પરબ’. આત્મકથા કે જીવન ઝરમરમાં સૌથી મોટું જોખમ રહેતું હોય છે આત્મશ્લાઘા કે વ્યક્તિવિશેષના ગુણગાનની અતિશ્યોક્તિ થઇ જવાનું, પરંતુ આ જીવન સફર વાંચતા સમજાશે કે લેખક અને દિનેશભાઇ બન્ને આનાથી બચી શક્યા છે. કપડવંજના વતની ડો. દિનેશભાઇ ગુજરાત અને ભારતના પનોતા પુત્ર હોવાની સાથે સાથે જ વિશ્વ નાગરિક પણ છે. તેઓ સંખ્યાબંધ સંશોધન અને વિકાસના ક્ષેત્રે અગ્રણી છે. સંશોધન, પેટન્ટ અને કન્સલ્ટન્ટસી થકી તેઓ કરોડો રૂપિયા રળી શક્યા હોત, આના બદલે તેઓ વિદ્યાપ્રીતિથી સહુ કોઇને સહાયભૂત થતા રહ્યા. સામાન્યતઃ આત્મકથા કે જીવન ઝરમર રજૂ કરવાનો ઉદ્દેશ વ્યક્તિએ પોતાના જીવનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ, પોતાના જીવન મૂલ્યો વગેરેને બહુજન સમાજ સુધી પહોંચાડવાનો હોય છે, પરંતુ આ પુસ્તક રજૂ કરવા પાછળનો દિનેશભાઇનો ઉદ્દેશ ગમતાંનો ગુલાલ કરવાનો છે. ડો. દિનેશભાઇ લખે છેઃ જૂના સમયમાં લોકો એક ગામથી બીજે ગામ જતાં રસ્તામાં આવતી પરબનાં પાણીથી તેમની તરસ છીપાવતા અને આગળ વધવાની શક્તિ પામતા. પરબના પાણીના પૈસા લેવાતા નહીં. સૌને તે પ્રાપ્ય રહેતું. પરબ એ મારે મન જન્મ અને મૃત્યુ નામના બે ગામ વચ્ચેની મુસાફરીના માર્ગમાં આવતું પ્રતીક છે. જીવનના માર્ગે આગળ વધતાં દરેક વ્યક્તિ ઘણી પરબોનું પાણી પી પોતાની તૃષા છિપાવે છે. આ પાણી સંબંધીઓ, મિત્રો, શિક્ષકો કે અજાણી વ્યક્તિઓ દ્વારા મળેલી મદદ, માર્ગદર્શન કે પ્રેરણારૂપે હોઇ શકે. આ વિચાર પછી જ મને આ પુસ્તકનું શીર્ષક ‘પરબ’ યથાર્થ લાગ્યું.’ આ પુસ્તક થકી તેમણે પોતાની જીવનસફરમાં સાથ-સમર્થન આપનારા સહુ કોઇના પ્રદાનને નામજોગ બિરદાવ્યું છે, તો આજની યુવા પેઢીને માર્ગ પણ ચીંધ્યો છે. હૈયે જો હામ હોય તો સફળતાનું શીખર ભલેને ગમેતેટલું ઊંચું કેમ ન હોય તેને સર કરવું અશક્ય નથી. ખેડા જિલ્લાના ખોબા જેવડા કપડવંજની શાળામાં અભ્યાસ કરીને આજે તેમણે સરફેસ સાયન્સના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના વિજ્ઞાની તરીકે નામના મેળવી છે. તેમણે મેળવા માન-સન્માન-પારિતોષિકો અને નામાંકિત સંસ્થાનોમાં કરેલા પ્રવચનોની યાદી જ ચાર પાનામાં ફેલાયેલી છે, જે તેમના કાર્યફલક અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાનની આછેરી ઝલક રજૂ કરે છે.
આજે તેઓ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા સાથે પ્રોફેસર એમેરીટ્સ અને ફર્સ્ટ ચાર્લ્સ સ્ટોક્સ પ્રોફેસર ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ એનેસ્થેસિયોલોજી તરીકે જોડાયેલા છે, તો માદરે વતનની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટી-નડિયાદ સહિત ગુજરાત - ભારતના શિક્ષણ સંસ્થાનો સાથે પણ તેમનો જીવંત સંપર્ક છે. આ દર્શાવે છે કે મૂળિયા સાથેનો નેહનાતો જાળવીને પણ સફળતા ઊંચા આસમાને વિહરી શકાય છે. જીવનયાત્રાની યાદગાર તસવીરો અને આકર્ષક લેઆઉટથી ઓપતા પુસ્તક ‘પરબ’નું ઉત્કૃષ્ટ ફોર કલર પ્રિન્ટીંગ સોનામાં સુગંધ સમાન છે.
(પૃષ્ઠઃ ૨૭૨ • પ્રકાશકઃ અંકિત પ્રકાશન-આણંદ • ઇમેઇલઃ [email protected])


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter