ગત વર્ષે બેંગલોરથી પરત ફરતી વેળાએ મને તે શહેરમાં પ્રાપ્ત વૈવિધ્યસભર સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ્સથી એટલી બધી પ્રેરણા મળી હતી કે મેં તે વિષય પર સમગ્ર કોલમ ફાળવી હતી. ખોરાક-ફૂડના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો બેંગલોર શાકાહારીઓ માટે તો ખરેખર સ્વર્ગ સમાન છે. જોકે, તે માંસાહારીઓને પણ ઘણું ઓફર કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન બેંગલોરના એકસરખાં ઉષ્ણતામાન અને ઉત્તર ભારતમાં દિલ્હી અને અન્ય શહેરોની સરખામણીએ ઘણું ઓછું પ્રદૂષણ હોવાથી બેંગલોર ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં એકાંત સેવવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. મેં બેંગલોરમાં આ શિયાળા દરમિયાન કઈ નવી શોધ કરી તેના વિશે લખવાનો મારો ઈરાદો હતો. અન્ય મુદ્દાઓ અને ઘટનાઓ પણ બેંગલોરને બહાર રાખવાની સરસાઈ ધરાવતા હતા. માત્ર અત્યાર સુધી!
બેંગલોરમાં વસતા અમારા મિત્ર રાજારામના કહેવા મુજબ બેંગલોર વિશે સૌથી વધુ લખાતા વિષયોમાં મુખ્ય બે જ વિષય, ડોસા અને ટ્રાફિક રહ્યા છે. બેંગલોરના ડોસા માટે તો મરી ફીટવાની ઈચ્છા થાય જ્યારે શહેરનો ટ્રાફિક તો તમે ગંતવ્ય સ્થળે પહોંચો તે પહેલા તમને ખતમ કરી નાખે છે. મને બેંગલોરનો ટ્રાફિક ઘણી વખત થકવી દેનારો લાગ્યો છે પરંતુ, સેન્ટ્રલ લંડનમાં કાર દ્વારા પ્રવાસ કરવાનું પણ એટલું જ ત્રાસજનક બની શકે છે! બેંગલોરના માર્ગોની હાલત તો વળી અલગ જ બાબત છે! રાજારામે તો મને ડોસા વિશે લખવાથી દૂર રહેવાની સલાહ આપી હતી છતાં, યુકે અને યુરોપમાં આ કોલમનો વાચકગણ કદાચ આ વિષયથી એટલો પરિચિત તો નહિ જ હોય અને તેમને વાંચનમાં થોડું વિષયાંતર ગમશે તેવી મારી આશા છે.
બેંગલોરમાં ડોસાના વફાદાર ચાહકોના મુખ્ય ત્રણ જૂથ છે. વ્યાપક અનુયાયીઓમાં લોકપ્રિય રીતે MTR નામે ઓળખાતું માવાલી ટિફિન રુમ પ્રતિષ્ઠિત રેસ્ટોરાં છે જે કર્ણાટકની બહારના લોકો માટે તેના રેડી ટુ કૂક (રાંધવા માટે તૈયાર) પેક્સ તેમજ સાંભાર, રસમ અને પુલિઓગારે પાવડર સહિત સાઉથ ઈન્ડિયન મસાલા માટે વધુ જાણીતું છે. આ પછી, ગાંધી બાજારમાં વિદ્યાવતી ભવન છે જેના કટ્ટર અનુયાયીઓની સંખ્યા પણ વિશાળ છે. અમે ત્યાં જમવાં ગયાં ત્યારે બેંગલોરના વિવિધ વિસ્તારોમાંથી લોકોના મોટાં ટોળાં ત્યાં જમા થયેલાં હતાં જેઓ માત્ર બ્રેકફાસ્ટ કરવા જ આવ્યા હતા અને પોતપોતાના ટોકન લઈ વારો આવે તેની રાહ જોતા ધીરજપૂર્વક બહાર ઉભા હતા. મોટો અનુયાયી વર્ગ ધરાવતી ત્રીજી બ્રાન્ડ મલ્લેશ્વરમ (બેંગલોરની પુરાણી અને પરંપરાગત કન્નડિગા લોકાલિટી)માં આવેલી CTR શ્રી સાગર છે.
અમારા મિત્રો પ્રભુ અને રાજારામે CTR શ્રી સાગરની અમારી મુલાકાતનું ચોકસાઈપૂર્વક આયોજન કર્યું હતું. તેમની પત્નીઓ શુભા અને પદ્મિની પણ આ સૈરસપાટામાં સામેલ થઈ હતી. અમે તે સવારના સ્થળ ખુલ્યું તે પછી તરત જ પરંતુ, લોકોના ટોળાં ત્યાં ઉમટી પડે તે પહેલા CTR પહોંચી ગયા હતા. સમગ્ર પહેલો માળ અમારા માટે ખુલ્લો હતો અને અમે શ્રેષ્ઠ બેઠકો શોધી લીધી અને આરામથી ઓર્ડર આપી દીધો. અમારી આ મુલાકાતથી મારો વોટ CTR માટે સ્થાપિત થઈ ગયો. મેં CTR સિવાય કોઈ સ્થળે કદી એવો ડોસા ખાધો નથી જે બહારથી સોનેરી કડકાઈ ધરાવતો હોય પરંતુ, અંદરથી મુલાયમ માખમ જેવો હોય. તેમના કેસરી બાથ (આપણા સૂજીના હલવા જેવી કર્ણાટકની મજેદાર વાનગી), ફિલ્ટર કોફી પણ લહેજતદાર રહી. આ બધી આઈટમ્સનો ઓર્ડર અમારા મિત્રોએ જ આપ્યો હતો.
ડોસા માટે વધુ એક પ્રખ્યાત સ્થળ વિદ્યાર્થી ભવનની મુલાકાત તો અનાયાસે જ, કોઈ પૂર્વતૈયારી વિના લેવાઈ હતી. અમે તેના નેબરહૂડમાં જ હતા અને એક સવારે કોઈ પ્રખ્યાત રેસ્ટોરાં શોધવા નિર્ણય કર્યો હતો. ભોજનાલયની સામે જ ફ્લાયઓવરનું બાંધકામ થઈ રહ્યું હતું અને બજાર વિસ્તારમાં ગરબડ ફેલાયેલી હતી. વિદ્યાર્થી ભવનમાં પણ વિસ્તરણ પ્રોજેક્ટ ચાલી રહ્યો હોવાના કારણે અવ્યવસ્થા સર્જાયેલી હતી. અમને અંદર બેસવાની સગવડ મળે તેને એક કલાકથી વધુ સમય લાગી જાય તેમ હતું. ઘનશ્યામને અમારા મિત્ર નવીન કુમાર યાદ આવી ગયા અને તેમને ફોન કરી દીધો. નવીન કુમારે ભોજનાલયની અંદર તેમના મિત્રને ફોન કર્યો અને આશ્ચર્ય! અમને ચાર વ્યક્તિના ટેબલ પર બે ખુરશી લગાવી આપી. અન્ય બે ખુરશી પર યુવક-યુવતી બેઠાં. તેઓ બંને પણ ઘણે દૂરથી આવ્યાં હતાં. એકેએક ખુરશી ભરેલી હતી. ભીડ તો જાણે માન્યામાં જ ન આવે. આ બાબત આ બ્રાન્ડની લોકપ્રિયતા વિશે ઘણું કહી જાય છે! કદાચ ભારે ભીડ અને બેસવાની ગીરદીપૂર્ણ વ્યવસ્થાના કારણે મને CTR માં ડોસા ખાવાની જે મઝા આવી હતી તેટલી મઝા અહીં ન આવી. ફરી એક વખત યોગ્ય પ્લાનિંગ સાથે અહીં આવીશ તેવું ખુદને વચન આપી દીધું!
મેં અગાઉ ઘણી વખત MTR ની મુલાકાત લીધી છે. સાઉથ ઈન્ડિયન ભોજન માણવાની આપણી પ્રબળ ઈચ્છાને સંતોષવાનો ઉત્તર તેના રેડી ટુ કૂક રવા ડોસા અને ઈડલીના પેક્સમાં મળી જાય છે. જોકે, જ્યારે ડોસાની વાત આવે ત્યારે મારો વોટ તો મલ્લેશ્વરમના CTR શ્રી સાગરને જ જાય છે.
મને આશા છે કે આ કોલમના ઓછામાં ઓછાં કેટલાક વાચકો બેંગલોરની મુલાકાત લેશે અને તે પછી કર્ણાટકના ઘણા મનમોહક સ્થળોનો પ્રવાસ પણ કરશે. જેઓ રસાસ્વાદના શોખીન છે તેમના માટે તો આ ત્રણ પ્રખ્યાત ડોસા સ્થળોની મુલાકાત વિના પ્રવાસ અધૂરો જ ગણાશે. આ ત્રણમાં તમને કયું સ્થળ શ્રેષ્ઠ લાગ્યું તે અંગે વાચકોના પ્રતિભાવ જાણવાનું મને ઘણું ગમશે!
મારો ઈરાદો તો કર્ણાટકની શ્રેષ્ઠ અને સુંદર હેરિટેજ સાઈટ્સ, જંગલો, જળધોધ અને વન્યજીવન વિશે થોડુંઘણું લખવાનો હતો પરંતુ, હવે તેના માટે થોડી રાહ જોવી પડશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)