મહાશિવરાત્રીઃ ભોળાનાથને રિઝવવાનો દિવસ

Wednesday 12th February 2020 06:21 EST
 
 

આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે તેને ભારતમાં ભગવાન, ઈશ્વર, પરમાત્મા કહેવાય છે. ભારતીય તત્વજ્ઞાન ઈશ્વરને પાલક, પોષક અને સંહારક તરીકે કલ્પે છે. પાલક બ્રહ્મા, પોષક વિષ્ણુ અને સંહારક શિવ છે.
ભગવાન શિવ સંહારક હોવા છતાં જીવોનું કલ્યાણ કરે છે. રૂદ્ર હોવા છતાં તે આશુતોષ છે. સર્વોચ્ચ જ્ઞાની હોવા છતાં કહેવાય છે ભોળાનાથ. ભાંગ, ધૂતરો બિલીપત્ર જેવી તુચ્છ વસ્તુઓ અર્પણ કરો તો પણ પ્રસન્ન થઈ જાય છે.
આદિદેવ ભગવાન શિવ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ-સ્વરૂપ છે. તેઓ સમસ્ત જગતની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરે છે. તેઓ સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અનંત, નિર્ગુણ, નિરાકાર, સગુણ, સાકાર તથા અવિનાશી છે. વેદ, ઉપનિષદ, પુરાણ વગેરે શિવજીના વિવિધ પ્રકારે ગુણગાન ગાય છે. તેમની ઉપાસના આદિકાળથી પ્રચલિત છે. તેઓ દેવ-દેવેશ્વર મહેશ્વર છે. જીવોનું કલ્યાણ કરે છે તેથી તેમને શંકર કહે છે. તેઓ બધાની મનોકામના પૂર્ણ કરે છે.
આવા શિવજીની પ્રસન્નતા પામવા માટે શ્રાવણ માસ પછીનો બીજો અવસર એટલે મહાશિવરાત્રી (૨૧ ફેબ્રુઆરી). મહા મહિનાની શુકલ પક્ષની ત્રયોદશી એટલે કે મહાશિવરાત્રીની મધ્ય રાત્રીએ શિવલિંગ પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે શિવાલયો ‘બમ બમ ભોલે...’ અને ‘ૐ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઉઠે છે. ભકતો નિર્જળા ઉપવાસ, અભિષેક, જપ-પૂજન કરીને શિવજીની કૃપા મેળવે છે.

ભગવાન શંકર જ્ઞાન, વૈરાગ્ય તથા સાધુતાના પરમ આદર્શ કહેવાય છે. તેઓ ભયંકર રુદ્રરૂપ છે, તો સાથે સ્વભાવે ભોળા પણ છે. દુષ્ટ દૈત્યોના સંહારમાં કાલરૂપ છે, તો દીન-દુઃખિયાની મદદ કરવામાં તેઓ એટલા જ દયાળુ છે. જો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે અને ભોળાનાથ પ્રસન્ન થાય તો માનવીનો બેડો પાર થઈ જાય. જેણે શંકરને પ્રસન્ન કર્યા તેને મનોવાંછિત ફળ મળે છે. તેમની દયાનો કોઈ પાર નથી, તેમનો ત્યાગ અનુપમ છે. અન્ય બધા જ દેવતા સમુદ્રમંથનમાંથી નીકળેલા લક્ષ્મી, કામધેનુ, કલ્પવૃક્ષ અને અમૃત લઈ ગયાં, પરંતુ તેમાંથી નીકળેલું વિષ તેઓ પી ગયા અને નીલકંઠ બની ગયા.
ભગવાન એક પત્નીવ્રતના અનુપમ આદર્શ છે. ભગવાન શંકર જ સંગીત અને નૃત્ય કલાના આદિ આચાર્ય છે. તાંડવ નૃત્ય કરતી વખતે તેમના ડમરુમાંથી સાત સ્વરોનો પ્રાદુર્ભાવ થયો. તેમના તાંડવ નૃત્યથી જ કલાનો પ્રારંભ થાય એવું કહેવામાં જરા પણ ખોટું નથી. ત્ર્યંબકમ્ યજામહે... શિવ ઉપાસનાનો વેદમંત્ર છે.
ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી પહેલા શિવ મંદિરોનો ઉલ્લેખ જ જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રીરામે લંકા પર ચઢાઈ કરી ત્યારે સૌથી પહેલાં રામેશ્વરમાં તેમણે ભગવાન શિવની સ્થાપના અને પૂજન કર્યું હતું.
મહાશિવરાત્રીની સાથે પારધીની કથા જોડાયેલી છે, જે ખૂબ જ પ્રચલિત છે. તે સિવાય એક કિવંદતી એવી છે કે એક વખત શિવલોકમાં ભક્તોથી ઘેરાયેલા શિવજીએ સર્વ ભક્તોને વરદાન માગવા કહ્યું. એક ભક્તે કહ્યું, ‘ભોળાનાથ, હું આપનાં દર્શન મૃત્યુલોકમાં થાય તેમ ઇચ્છું છું. આપ ક્યારે અને કેવી રીતે દર્શન આપશો?’ તેનો ઉત્તર આપતાં ભગવાન શંકરે કહ્યું, ‘મહા વદ ચૌદશની મધ્યરાત્રિએ હું મૃત્યુલોકમાંના પ્રત્યેક શિવલિંગમાં પ્રવેશ કરીશ. આ સમયે કોઈ પણ પ્રાણી મારી વિધિવત્ પૂજા કરે, ઉપવાસ કરે, જાગરણ કરે અને યેનકેન પ્રકારે મને પ્રસન્ન કરે, તો તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે.’

શિવલિંગ પૂજનનો મહિમા

શિવલિંગ મૂળભૂતરૂપે તો બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે. પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં શિવલિંગની પૂજા, ઉપાસના અને આરાધના પ્રચલિત છે. શિવલિંગ આકાશરૂપ બ્રહ્મ છે. તેની પીઠિકા પૃથ્વીરૂપિણી માતા જગદંબા છે. શિવલિંગ સમસ્ત દેવોનું સ્થાન છે. શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે. મધ્યમાં ભગવાન વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં ઓમકારરૂપ ભગવાન સદાશિવ બિરાજે છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબાનું પરમ પવિત્ર પ્રતીક ગણાય છે.
શિવલિંગની ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એક સાથે એટલે કે શંકર-પાર્વતીનું અર્ચન-પૂજન કર્યું હોવાનું માની લેવાય છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ ઉમા, લક્ષ્મી, શચિ વગેરે દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે.
શિવલિંગ વિશે કે શિવની પ્રતિમા વિશે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. જે વ્યક્તિ બ્રહ્મરૂપ થઈને શિવલિંગનું પૂજન કરે છે કે મહેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ વ્રતધારી છે. વ્યક્તિએ નવધા ભક્તિ દ્વારા મનને જીતી લેવું જોઈએ અને વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ - આ ચાર સાધનો દ્વારા ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ. વ્યક્તિએ શ્રાવણ માસ તથા શિવરાત્રિના વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવી પડે તો સદાશિવ ભોળાનાથની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા વગેરેમાંથી વિચલિત ન થવું જોઈએ. શિવજીના લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મુર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર ‘નમઃ શિવાય’ વડે કરવું જોઈએ.

કેવી રીતે કરવું શિવપૂજન?

બધાં જ ભોળાનાથને રિઝવવા ઇચ્છતાં હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો દિવસ મહાશિવરાત્રિ આવી રહ્યો છે. નીચે પ્રમાણે જણાવેલ પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.
શિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળા સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલ ન હોય તેવા કોમળ બિલ્વપત્ર
પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત એટલે કે ચોખાના દાણા લો.
સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ - જો શક્ય હોય તો ગંગાજળ - લો, દૂધ લો. ત્યાર બાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.
આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યાર બાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
ત્યાર બાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ૐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
ભોળાનાથ ખૂબ જ ભોળા છે, આથી તેમની સાચા મને પૂજા કરવામાં આવે તો પણ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. કોઈ વિશે, મંત્રોચ્ચાર ન જાણતા હો તો પણ સામાન્ય પૂજા કરીને પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો. ભગવાન ભોળાનાથે સ્વયં કહ્યું છે કે કોઈ પણ વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પૂરી શ્રદ્ધાથી જે મને પુષ્પ, ફળ કે જળ સર્મિપત કરે છે તેમના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે ભક્ત પણ ક્યારેય મારી દૃષ્ટિથી ઓઝલ નથી હોતો. મહાશિવરાત્રીની ઉજવણી દેશ-વિદેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભોળાનાથને ભાંગ ચઢાવીને પોતે પ્રસાદ લે છે. આખી રાત શિવપૂજન કરાય છે અને ભજન ગવાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter