લગભગ ૩૪ વર્ષ પહેલા આ સમયગાળામાં અમે કેનેડાથી ઈંગ્લેન્ડના હેઈસ ખાતે અમારા ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પહેલાના ફ્રી સમયમાં અમે તાજ ટુર ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આયોજીત પાંચ યુરોપિયન દેશોના દસ દિવસના બસ પ્રવાસે ગયા હતા. હવામાન ખુશનુમા હતું. અમારી બસમાં ઘણાં ટુરિસ્ટ ભારતીય મૂળના હતા. જોકે, તેઓ દુનિયાના અલગ અલગ ભાગોથી જેમ કે અમેરિકા, દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, ભારત અને ઈંગ્લેન્ડના હતા તેમજ બાળકો, મધ્યમ વય તેમજ વડીલ સહિત વિવિધ વયજૂથના હતા. થોડા દિવસ બાદ ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો, બોર્ડર ક્રોસ કરવામાં વિલંબને લીધે ટુરનું સમયપત્રક જળવાતું ન હતું. તેથી કેટલાંક જોવાલાયક સ્થળો જોવાનું રહી જતું હતું. રેસ્ટોરન્ટ પર પણ મોડા પહોંચાતું હતું. તેથી કેટલાંક પ્રવાસીઓએ ટુર મેનેજર વિરુદ્ધ પિટીશન કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે અમારા સહિત અન્ય પ્રવાસીઓનો સંપર્ક સાધ્યો.
પ્રવાસમાં અમે ઈંગ્લેન્ડના મહેતા અને નાઈરોબીના શાહ પરિવારના સંપર્કમાં આવ્યા. તેમણે કહ્યું કે હાલ અમારું પવિત્ર પર્વ પર્યૂષણ ચાલી રહ્યું છે. પર્યૂષણનો મુખ્ય સંદેશ ક્ષમા આપવાનો અને જાણ અજાણે આપણા પરિવારના સભ્યો, સગાંસંબંધી, મિત્રો અને અન્યો સાથે ગેરસમજ ઉભી થઈ હોય તો તેની માફી માગવાનો છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે. તેનું પાલન કરતાં તે પરિવારોએ અને અમે પિટીશનમાં જોડાવાનો ઈન્કાર કર્યો અને અન્ય પ્રવાસીઓને પણ સમજાવ્યા. છેલ્લે તેમણે પિટિશનનો વિચાર પડતો મૂક્યો. પર્યૂષણનો સાચો અર્થ પોતાની જાતનું વિશ્લેષણ અને આત્મશોધનનો છે. આ સંદેશ માત્ર જૈનો અને પર્યૂષણ પૂરતો નથી. કોઈ પણ ધર્મના હોય તે સૌએ તેનું પાલન આખું વર્ષ કરવું જોઈએ.