વાહ રે... ફેશનેબલ જગત! ટીનેજર અને યુવતીઓમાં ફેસફીલરની ઘેલછા

અજબ દુનિયાની ગજબ વાતો

- કોકિલા પટેલ Wednesday 30th January 2019 06:45 EST
 
 

તાજેતરમાં બ્રિટનના "ધ ટાઇમ્સ" મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલ "ટીનેજર અને યુવતીઓમાં ફીલરની કેવી ઘેલછા પ્રવર્તે છે". એમાં રજૂ થયેલી કેટલીક અજબ ગજબની વાતો જાણવા જેવી છે. મોર્ડન યુગમાં વસ્ત્રપરિધાન, સૌદર્યવર્ધક સાધનો સાથે સાથે ચહેરાના ઘાટ બદલાવાની ઘેલછા જાગી છે. આધુનિક યુગનું આ જનરેશન કઇ તરફ જઇ રહ્યું છે એ સમજવું મુશ્કેલ છે. દરેક મા-બાપને એમનું સંતાન જન્મજાત દેખાવ કે ચહેરો ધરાવતું હોય એવું જ જોવું ગમે છે. પરંતુ આધુનિક યુગના મોબાઇલ ફોનમાં એવી ટેકનોલોજી છે કે એના વડે તમે તમારા ચહેરાને જાત જાતના ઘાટ અથવા દેખાવ ધરાવતી તસવીર બનાવી શકો. યુવતીઓ આ મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી એમના જન્મજાત ચહેરાને "ડર્મલ ફીલર" અથવા એસ્ટેથિક મેડિસીન" વડે મનગમતા ચહેરા બદલાવવાની હોડમાં ઉતરી છે.
ચેલસીના કોસ્મેટીક ક્લિનિકમાં મહિલાઓ ખાસ કરીને ટીનેજ યુવતીઓના ચહેરાને મનગમતા ઘાટ આપનાર ૩૬ વર્ષની ડો. સારાહ ટોન્કસ કહે છે કે, "મને લાગે છે કે ભગવાને મને સુંદર જીનેટીક્સથી વંચિત રાખી છે!! હું સ્કૂલે જતી ત્યારે મારી સાથે ભણતી બહેનપણીઓના રૂપાળા ચહેરા અને ઘાટીલાં નાક જોઇ હું ખૂબ નિરાશ અને દુ:ખી થતી. પોતાના કન્સલ્ટીંગ રૂમમાં ટીખળ સાથે ખુલ્લા દિલે વાત કરતી ડો. સારાહ કહે છે કે, "ટીનેજ હતી ત્યારથી મેં સતત ૧૦ વર્ષ સુધી પોતાના અસલી ચહેરાના હોઠ, ગાલ, જડબાની નીચેની લાઇન, કપાળ, લમણું એ ચહેરા પરના તમામ ભાગમાં આ "ડર્મલ ફીલર" કરાવી તદન મારી શકલ બદલી નાખી છે. પાંચેક વર્ષ પહેલાં તેને લાગ્યું કે ચહેરા પર એનું નાક બરોબર ઘાટમાં નથી એટલે નોન સર્જીકલ ડર્મલ ફીલર કરાવી નાકમાં ફેરફાર કરાવ્યો છે. સારાહ કહે છે આ નવી પધ્ધતિથી ચહેરાને મનગમતો ઘાટ ઉપસાવવો એ બહુ મોટી વાત નથી! આ તો જાણે મેકઅપ બેગમાં એક વધુ ઉમેરો કરવા જેવું લાગે છે!! ફેશન જગતમાં સોશ્યલ મિડિયા પણ બહુ મોટો ભાગ ભજવે છે. મોબાઇલ ફોનમાં એપ્સ દ્વારા પોતાનો ફોટો લઇ ટીનેજરો જાતજાતના મનગમતા ઘાટ ફેસબુક અને ઇનસ્ટાગ્રામમાં મૂકતા હોય છે. પાતળા હોઠ ધરાવતી કેટલીક યુવતીઓને પોતાના હોઠ અમેરિકન રીયાલીટી શો'ની સેલિબ્રિટી કાયલી જેનર જેવા ઉપસેલા, જાડા હોઠ હોય એવું પસંદ કરે છે.
લંડન અને પેરિસમાં લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા કોસ્મેટીક સર્જરી કરી વૈભવયુક્ત વૃધ્ધ મહિલાઓના ચહેરાને કરચલીમુક્ત બનાવી ચમકદાર-ચૂસ્ત બનાવનાર કોસ્મેટીક સર્જન ડો લૂઇ શેબાઘ કહે છે, “આજકાલ મારા ક્લિનિકમાં એજીંગ કોસ્મેટીક સર્જરીને બદલે ૧૮, ૧૯, ૨૦ વર્ષની યુવતીઓ એમના ચહેરાના ચીકબોન્સ (ગાલની સહેજ ઉપરનૌ ભાગ) કેટલા ઉપસાવવા અને હોઠ કેટલા જાડા કરવા છે એની ઇમેજ એમના ફોનમાં તૈયાર કરીને જ એમની માતા સાથે મારા ક્લિનિકમાં આવતી થઇ છે.”
આપણે આ ટીનેજરોની વાતો છોડી દઇએ પણ આપણા બોલીવુડના સિતારાઓ અને સિનેતારીકાઓમાં પણ બોટોક્સ, ડર્મલ ફિલર અને એસ્થેટીક મેડિસીન દ્વારા ચહેરા અને હોઠ બદલાવાની ઘેલછા જાગી છે. જંપીગ જેક જિતેન્દ્ર એક જમાનાનો હેન્ડસમ હીરો ગણાતો. ૭૦-૮૦ વટાવી વૃધ્ધત્વ તરફ જઇ રહેલા જિતેન્દ્રને હજુ હેન્ડસમ જ રહેવું હતું એટલે બોટોક્સ કે ડર્મલ ફીલરથી એટલી હદે ગાલ અને ચીકબોન ભરાવ્યા કે બિચારાથી દિલખોલીને હસાતું નથી અને આંખોય બરોબર ખુલતી નથી. બોલીવુડની બાર્બી ડોલ તરીકે ઓળખાતી કેટરીના કૈફે 'એક થા ટાઇગર" ફિલ્મમાં કામ કરતા પહેલાં એક વર્ષમાં કોસ્મેટીક ટ્રીટમેન્ટ લઇ જોલાઇન લીફટ કરાવી, હોઠમાં ફીલર ભરાવી જાડા કરાવ્યા હતા. “મનીકર્ણિકા" ફિલ્મમાં ઝાંસીની રાણીનો અભિનય કરનાર કંગના રાવતે ફેસ લીફટ કરાવી, હોઠ ભરાવદાર કરાવ્યા સાથે સાથે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરાવી ઇમેજ બદલી નાખી છે. પોતાની ઉંમર કરતાંય ફૂટડા અમેરિકન સાથે લગ્ન કરનાર પ્રિયંકા ચોપરાએ પણ નાક રીનોપ્લાસ્ટીક સર્જરી અને હોઠ ફિલરથી ભરાવદાર બનાવ્યા છે. ચપટુ-ચીબુક નાક ધરાવનાર શિલ્પા શેટ્ટી અને શ્રીદેવીએ પણ પ્લાસ્ટીક સર્જરી કરાવી ઘાટીલું બનાવડાવ્યું હતું. અનુસ્કા શર્માએ ફિલર વડે હોઠ એકદમ ભરાવદાર કરાવ્યા હતા એ ફિલ્મ "પી.કે."માં ચોખ્ખું દેખાઇ આવતું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter