ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારી એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાયલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં વિક્રમસર્જક સ્પેસવોક કરનાર પ્રથમ અવકાશયાત્રી છે અને સૌથી લાંબો સમય અંતરિક્ષમાં વિતાવનાર પ્રથમ અવકાશયાત્રી પણ એ જ છે.... કહો જોઉં, એ કોણ છે ?
સુનિતા વિલિયમ્સને મળો.... ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ. વર્ષ ૨૦૨૪માં બોઇંગના સીએસટી-૧૦૦ સ્ટારલાઇનર અંતરિક્ષયાનમાં સવાર થઈને એ ત્રીજી વાર અવકાશમાં ગઈ. આ અંતરિક્ષયાત્રાની વિશેષતા એ હતી કે સુનિતા અંતરિક્ષયાનની પાયલટ પણ હતી. જોકે આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલી સુનિતા અવકાશયાનમાં ખામી સર્જાતાં હજુ પૃથ્વી પર પછી ફરી શકી નથી. અંતરિક્ષયાનની પ્રથમ મહિલા પાયલટ બનીને પણ સુનિતાએ વિક્રમ સર્જ્યો હતો. અગાઉ સુનિતા ૨૦૦૬ અને ૨૦૧૨માં અંતરિક્ષની સફર કરી ચૂકી છે. ૨૦૦૬માં સુનીતાએ ૧૯૫ દિવસ અંતરિક્ષમાં રહીને તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ સર્જ્યો અને ૨૦૧૨માં ૧૨૭ દિવસ વિતાવ્યા હતા. ૨૦૧૨ના મિશનની ખાસ બાબત એ હતી કે સુનિતાએ ત્રણ વખત સ્પેસ વોક કર્યું હતું. પ્રથમ સફરમાં સુનિતાએ ચાર વખત સ્પેસ વોક કર્યું હતું. પચાસ કલાક ને ચાળીસ મિનિટ સુધી સ્પેસવોક કરનારી એ પ્રથમ અવકાશયાત્રી છે, દરમિયાન, ૧૬ એપ્રિલ ૨૦૦૭ના રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન દોડનારી પ્રથમ અવકાશયાત્રી બની,સૌથી લાંબો સમય અર્થાત કુલ ૩૨૨ દિવસ અંતરિક્ષમાં પસાર કરનાર એ પ્રથમ અવકાશયાત્રી છે !
સુનિતા વિલિયમ્સનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ ના રોજ યુએસએના ઓહિયો રાજ્યના યુક્લિડ શહેરમાં ક્લીવલેન્ડ ખાતે થયો. પૂરું નામ સુનિતા લિયન પંડ્યા વિલિયમ્સ.. પિતાનું નામ દીપક એન. પંડ્યા. માતાનું નામ બોન્ની જલોકર પંડ્યા. દીપક પંડ્યા ૧૯૫૮માં ભારતથી સ્થળાંતર કરીને અમેરિકા જઈ વસ્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં થયો.
સુનિતાએ મેસેચ્યુસેટ્સમાંથી હાઇસ્કૂલ પાસ કર્યા પછી ૧૯૮૭માં સંયુક્ત રાષ્ટ્રની નેવલ એકેડેમીમાંથી શારીરિક નૌસેનિક સ્નાતકની ડિગ્રી મેળવી. ૧૯૯૫માં તેણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં એમએસની ડિગ્રી મેળવી. જૂન ૧૯૯૮માં તેની પસંદગી યુએસ સ્પેસ એજન્સી નાસામાં કરવામાં આવી. સુનિતાએ યુએસ નેવીમાં નાવિક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૮૯માં, સુનિતા વિલિયમને ‘નેવલ એર ટ્રેનિંગ કમાન્ડ’માં મોકલવામાં આવ્યા, જ્યાં તેને ‘નેવલ એવિએટર’ તરીકે નિયુકત કરવામાં આવી.. ત્યારપછી તેણે ‘હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્ક્વોડ્રન’માં તાલીમ લીધી.
સુનીતા વિલિયમ્સને ૧૯૯૮માં નાસા મિશન માટે પસંદ કરવામાં આવી. જૂન ૧૯૯૮માં સુનિતા વિલિયમ્સની નાસા દ્વારા અવકાશયાત્રી કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી. અને અવકાશયાત્રી બનવાની તેમની તાલીમ તે જ વર્ષથી શરૂ થઈ ગઇ. તેઓને સઘન તાલીમ આપવામાં આવી હતી જેમાં બહુવિધ વૈજ્ઞાનિક અને તકનીકી બ્રીફિંગ્સ, શટલ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સિસ્ટમમાં સઘન સૂચના અને શારીરિક તાલીમનો સમાવેશ થતો હતો. સઘન તાલીમના સમયગાળા પછી, તેમને સ્પેસ સ્ટેશનમાં રશિયન સ્પેસ એજન્સી સાથે કામ કરવા માટે મોસ્કો મોકલવામાં આવ્યા.૯ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ, સુનિતાને સ્પેસક્રાફ્ટ ‘ડિસ્કવરી’માંથી ‘ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર’ પર મોકલવામાં આવેલી. સુનિતાએ અભિયાન-૧૪ અને અભિયાન-૧૫ દરમિયાન ત્રણ સ્પેસ વોક કર્યા. ૬ એપ્રિલ ૨૦૦૭ના રોજ, તેણે અવકાશમાં જ ‘બોસ્ટન મેરેથોન’માં ભાગ લીધો હતો. અવકાશમાં મેરેથોન દોડનારી તે પ્રથમ મહિલા બની હતી.તેણે પોતાની મેરેથોન દોડ ૪ કલાક ૨૪ મિનિટમાં પૂરી કરી હતી. ત્યારબાદ૨૨ જૂન ૨૦૦૭ના રોજ તે પૃથ્વી પર પછી ફરી. ૧૯૯૮થી નાસા સાથે જોડાયેલા સુનિતાએ અત્યાર સુધીમાં કુલ 30 અલગ-અલગ અવકાશયાનમાં ૨૭૭૦ ઉડાન ભરી છે.
અવકાશી સફરના અવનવા અનુભવોનો ખજાનો ધરાવતી સુનિતાએ અવકાશમાં જવાનું ક્યારેય વિચાર્યું નહોતું. પણ સુનિતા અવકાશયાત્રી બની એટલું જ નહીં, અનેક વિક્રમો સર્જીને અંતરિક્ષ પરી બની ગઈ છે !