અખંડ આનંદ અને પરમ કલ્યાણના દાતા દેવાધિદેવ મહાદેવ

શ્રાવણ માસ (17 ઓગસ્ટ - 15 સપ્ટેમ્બર)

Tuesday 15th August 2023 11:37 EDT
 
 

ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને છે કે શિવ શબ્દની ઉત્પત્તિ જોતાં તેનો એક અર્થ થાય છે બધાને પ્રેમ કરનાર અને જેને બધાં જ પ્રેમ કરે છે. શિવ શબ્દનું ધ્યાનમાત્ર પણ સૌને અખંડ આનંદ, પરમ મંગળ, પરમ કલ્યાણ આપે છે.
પુરાણો, વેદો અને શાસ્ત્રોમાં ભગવાન શિવનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ આપનારા દેવ છે.
શિવજીનાં અનેક નામ છે તેમને કોઈ પણ નામથી ભજો તે પ્રસન્ન જરૂર થશે. પુરાણોમાં ભોળાનાથનાં 108 નામોનો ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવ, ભોળાનાથ, નીલકંઠ, શંકર, ગંગાધર, આદિદેવ, મહાદેવ, નટરાજ, ત્રિનેત્ર, પશુપતિનાથ, જગદીશ, જટાશંકર, વિશ્વેશ્વર, હર, શિવશંભુ, ભૂતનાથ અને રુદ્ર વધારે જાણીતાં છે.
ભારતમાં ભોળાનાથ શિવજીને સંબંધી અનેક પર્વ અને ઉત્સવ ઉજવવામાં આવે છે તેમાં શ્રાવણ માસનું આગવું મહત્ત્વ છે. મહિનામાં ચાર સોમવાર, એક પ્રદોષ તથા શિવરાત્રી આ ત્રણે યોગ એક સાથે માત્ર શ્રાવણ મહિનામાં જોવા મળે છે. તેથી શ્રાવણ મહિનો વધારે શુભ ફળ આપનારો માનવામાં આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્ર હોવાને કારણે આ માસનું નામ શ્રાવણ માસ પડયું.
ભોળાનાથની પૂજા-અર્ચના ક્યાંય તેમની મૂર્તિ સ્વરૂપે થતી નથી, પરંતુ લિંગરૂપે શિવજીની પૂજા થાય છે. વાયુપુરાણ અનુસાર પ્રલયકાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે. આ રીતે વિશ્વની સંપૂર્ણ ઊર્જા જ લિંગનું પ્રતીક છે. તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ-નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. બિંદુ તથા નાદ અર્થાત્ શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અવસ્થિત છે. બિંદુ એટલે ઊર્જા અને નાદ એટલે ધ્વનિ. આ જ બંને સંપૂર્ણ બ્રહ્માંડનાં આધાર છે. આ જ કારણે પ્રતીક સ્વરૂપ શિવલિંગની પૂજા અર્ચના કરાય છે.
મોટાભાગનાં હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી-દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી, પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમના લિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત, તવંગર-ગરીબ, ઊંચ-નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે. શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્વપત્રનું વિશેષ મહત્ત્વ છે.
અખંડ બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ‘ઓમ્ નમઃ શિવાય’ મંત્રજાપ કરતાં કરતાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે છે તે સમસ્ત પાપમાંથી મુક્ત થઈ જાય છે અને શિવજીના પરમધામમાં સ્થાન પામે છે. ભોળાનાથ શંકરને આકડો-ધતૂરો અને ભાંગ પણ અતિ પ્રિય છે. શ્રાવણ માસમાં પાર્થેશ્વર લિંગ (માટીમાંથી બનાવેલા શિવલિંગ)ની પૂજાનો વિશેષ મહિમા છે. શિવજીની સાથે ગણેશજી, માતા પાર્વતી, નંદી, કાચબો તથા શિવ ચિહ્નો જેમ કે, રુદ્રાક્ષ, ત્રિશૂળ, ડમરું વગેરેની પૂજા પણ કરાય છે.
સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર મંત્ર, શિવપંચાક્ષર સ્તોત્ર, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરાય છે. જેનાથી અનેક ગણાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રાવણ માસના દરેક સોમવારે શિવલિંગ પર શિવામૂઠ ચઢાવવામાં આવે છે. પહેલા સોમવારના દિવસે એક મૂઠી ચોખા, બીજા સોમવારે એક મૂઠી સફેદ તલ, ત્રીજા સોમવારે એક મૂઠી આખા મગ, ચોથા સોમવારે એક મૂઠી જવ અને જો પાંચમો સોમવાર આવતો હોય તો એક મૂઠી સત્તુ (સાથવો) ચઢાવવામાં આવે છે.
મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચના તથા વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. બધાં જ વ્રતોમાં સોળ સોમવારનું વ્રત શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક અને માઘ માસના કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે અને સત્તરમા સોમવારે સોળ દંપતીને ભોજન કરાવી તથા દાન આપી તેનું સમાપન કરાય છે. આ વ્રતની શરૂઆત કરવા શ્રાવણ મહિનો સર્વોત્તમ છે.
ભોળાનાથના ભક્તો
શિવજીના ભક્તોમાં મનુષ્યો તો ઠીક દેવતાઓ અને દાનવોનો પણ સમાવેશ થાય છે. સર્પશય્યા પર સૂતા શ્રીહરિ વિષ્ણુ, બ્રહ્માજી, અસુર રાજ રાવણ, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ શિવજીના પરમ ભક્ત હતા. હરિવંશ પુરાણમાં દર્શાવાયું છે કે શ્રીકૃષ્ણે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પર જઈને તપસ્યા કરી હતી. ભગવાન શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરી હતી. જ્યારે રાવણે શિવજીને પ્રસન્ન કરવા માટે દસ વાર પોતાનું મસ્તક કાપીને તેમનાં ચરણોમાં ચઢાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter