આ સપ્તાહે મકરન્દ દવે
• જન્મઃ 13 નવેમ્બર 1922 • નિધનઃ 31 જાન્યુઆરી 2005
મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની વાચન અને વિવિધ સાધનાને તબક્કે થયેલા એમના નિજી અનુભવો - આ બધાથી એમનો કાવ્યપિંડ બંધાયો છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ ઈત્યાદિ સ્વરૂપો એમણે ખેડ્યાં છે. અનુવાદક તરીકે પણ ઉત્તમ છે. મકરન્દનો સમગ્ર પરિચય મેળવવો હોય તો ‘મકરન્દ-મુદ્રા’ એમનો વિશેષ છે.
•••
અદીઠો સંગાથ
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ.
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ.
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ.
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.