અધ્યાત્મ મહાપુરુષ મહાત્મા ગાંધીજી

પર્વવિશેષઃ ગાંધીજયંતી (2 ઓક્ટોબર)

Wednesday 27th September 2023 06:33 EDT
 
 

‘ભારતમાં બે મહાન વ્યક્તિઓ છે, એક તો રમણ મહર્ષિ જે આપણને શાંતિ આપે છે. બીજા મહાત્મા ગાંધી જે આપણને એક ક્ષણ માટે પણ નિરાંતે જંપવા દેતા નથી, પરંતુ બંનેનું લક્ષ્ય એક જ છે જેનું નામ છે ભારતમાં આધ્યાત્મિક પુનરુદ્ધાર.’ સરોજિની નાયડુના આ શબ્દો આજે આપણને આ બંને મહાપુરુષોની યાદ અપાવે છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે તેમના આધ્યાત્મિક ગુણોને યાદ કરીને તેને આત્મસાત કરીએ એ જ તેમને સાચી હૃદયાંજલિ ગણાશે.
• આત્મસમર્પણઃ શ્રી રમણ મહર્ષિ અને ગાંધીજી બંને એકબીજાને ક્યારેય મળ્યા નહોતા, છતાં તેમની વચ્ચે સતત આત્મિક વ્યવહાર થતો હતો. 20 સપ્ટેમ્બર 1938ના રોજ કેટલાક કોંગ્રેસી કાર્યકરો શ્રી રમણ મહર્ષિની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓએ કેટલાક પ્રશ્નો દેશની આઝાદી અને ગાંધીજીની કામગીરી વિશે પૂછ્યા હતા. તેના ઉત્તરરૂપે શ્રી રમણ મહર્ષિએ કહ્યું હતું, ‘ગાંધીજીએ ઇશ્વરને આત્મસમર્પણ કર્યું છે તે મુજબ તેઓ નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે તેથી તેમની નજર પરિણામ પર સ્થિર થયેલી નથી, પણ જેમ જેમ એ પ્રગટ થાય છે તેમ તેમ સ્વીકારતા જાય છે. દેશ માટે કામ કરનારનું આવું વલણ હોવું જોઈએ.’
• ઇશ્વરની પ્રેરણાથી કર્મઃ ગાંધીજીએ સ્વયં એમ કહ્યું હતું કે ‘મેં મારા જીવનમાં મોટામાં મોટા કહેવાય છે તે અને નાનામાં નાનાં ગણાય તે કાર્યો કર્યા છે, તે તપાસતાં તે અંતર્યામીનાં પ્રેરાયેલાં થયાં છે એમ કહેવું મને અઘટિત નથી લાગ્યું.’
• અહિંસાઃ અહિંસા એટલે વિચાર, વાણી અને ક્રિયા દ્વારા બીજાને હાનિ ન પહોંચાડવી. ગાંધીજી અને પરમહંસ યોગાનંદ પરસ્પર એકબીજાની મુલાકાતે ગયા હતા. પરમહંસ યોગાનંદ લખે છે, ‘ગાંધીજીએ અહિંસક સાધનોની મદદથી - પોતાના દેશ માટે કોઈ પણ દેશના બીજા કોઈ પણ આગેવાને ગોળી (બુલેટ) સિવાય મેળવ્યા હોય તેના કરતાં - વિશેષ હક્કો મેળવ્યા છે.
1948માં 30મી જાન્યુઆરીને શુક્રવારે શ્રી શ્રીમા આનંદમયીએ પ્રયાગ ત્રિવેણી તટે અર્ધ કુંભમેળામાં ગાંધીજીની હત્યાના સમાચાર સાંભળીને કહ્યું હતું, ‘જિસસ ક્રાઇસ્ટના જેવું મૃત્યુ થયું. મહાત્માજીએ અંતિમ શ્વાસ સુધી અહિંસાનું પૂર્ણરૂપે પાલન કર્યું. હિંસાથી પણ હિંસા ન કરી, હિંસાવૃત્તિ પર અહિંસાવૃત્તિ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો. શાંત ભાવથી ‘રામ રામ’ કરતાં ચાલી ગયાં. ગાંધીજી સમતાપૂર્વક અહિંસાના ભાવથી રહ્યા અને અંતમાં પોતાના પ્રાણનું પણ બલિદાન આપ્યું.’ શ્રી મા આનંદમયીએ એમ પણ કહ્યું હતું, ‘જો દેશના માણસો હવે ગાંધીજીના મૃત્યુથી પાઠ શીખે તો કેવું સરસ!’ ગાંધીજીએ પોતે પણ એમ કહ્યું હતું, ‘જો સત્ય અને અહિંસાને આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી.’ મહાત્મા ગાંધીજીની અહિંસાત્મક સંગ્રામની દેન મોટી ભેટ છે.
• અધ્યાત્મ નિષ્ઠાઃ સુરતના મહાત્મા જ્ઞાનયોગી ચંદુભાઈને ત્યાં ગાંધીજી ગયા હતા. 1943માં બ્રહ્મલીન થનાર આ મહાત્માએ ગાંધીજી માટે કહ્યું હતું, ‘ધન, દોલત, રાજ્ય કે સત્તા માટે માણસ પરિશ્રમપૂર્વક નિર્ભય બને છે, પરંતુ આ નિર્ભયતા માત્ર એક જ ક્ષેત્ર પૂરતી સીમિત હોય છે. બીજા ક્ષેત્રમાં તે ભારે કાયર હોય છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં નિર્ભયતા હોવી જરૂરી છે, જે અધ્યાત્મક નિષ્ઠા વિના શક્ય નથી. આ પ્રકારની અધ્યાત્મક નિષ્ઠા ગાંધીજીમાં હતી.’ ગાંધીજીને બીજાથી ભય ન હતો, પરંતુ એ સાથે બીજાને પણ ગાંધીજીથી ભય નહોતો.
• રાગદ્વેષથી પરઃ ‘જેવી રીતે વસુધા ઉત્તમને આલિંગન નથી આપતી અને અધમનો તિરસ્કાર નથી કરતી એ જ રીતે જેના ચિત્તમાં શાંતિ પ્રતિષ્ટિત છે એનો વ્યવહાર બધાની સાથે સમાન હોય છે.’ ‘મધુર અદ્વૈતઃ ભક્તિયોગ’ નામના પુસ્તકમાં વિમળાબહેન ઠકાર ઉપરોક્ત અવતરણના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીનો આ જીવનપ્રસંગ ટાંકે છે. ‘બાપુ જ્યાં ઊતર્યા હતા ત્યાં જઈને જિન્હા વાતચીત કરતા માટે પણ તૈયાર નહોતા. ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે બંનેને વાતચીત કરવી છે. એ ન આવે તો હું જઈશ. ગાંધીજીના સાથીઓને તો એવો ગુસ્સો ચડ્યો કે જિન્હા અપમાન કરે છે તો અપમાનને સહન કરીને બાપુ ત્યાં શું કરવા જાય છે? બાપુ એમના સામે નાના કેમ બને છે? પરંતુ ગાંધીજીના ચિત્તમાં તો આ વાત જ નહોતી. દેશનું કામ કરવાનું છે. એમની સાથે વાતચીત કરવાની છે, તો ‘હું જઈશ. એમના ચિત્તમાં આ મહાદેવ (દેસાઈ) છે અને આ જિન્હા છે. એક મારી સેવા કરે છે અને બીજો મારી સામે લડવા આવે છે એ ભેદભાવ ક્યારેય નહોતો.’ મહાત્મા ગાંધીજીની નિશ્રામાં 19 વર્ષો સુધી રહેનારા, પાછળથી પૂ. શ્રી હરિઃ ઓમ મોટા તરીકે પ્રસિદ્ધિ પામેલા મોટાએ કહ્યું છે, ‘શ્રમનો મહિમા ગાનાર ગાંધીજી જ એવા નીકળ્યા કે જેણે સાચી દેશસેવા કરી. બાકી રાજકારણ તો રાગદ્વેષ વધારનાર જ છે.’
• સત્યઃ આજીવન સત્યાચરણ કરનારા વિમળાબહેન ઠકારે કહ્યું છેઃ ‘આજે ગાંધીજીની દિશામાં એક ડગલું ભરનાર પણ ક્યાં છે? આધુનિક મનુષ્યને એક મોટી બીમારી લાગી છે. એની વાણી અસત્યથી ખરડાયેલી છે. અસત્ય, અર્ધસત્ય, ક્ષતવિક્ષત કરેલું સત્ય, તોડીફોડીને રજૂ કરાયેલું સત્ય અને જૂઠાણાં આચરાય છે.
દિલ્હી સંસદથી માંડીને ગ્રામ પંચાયત સુધીના આપણે એ ભૂલી ગયા છીએ કે આપણે જૂઠાણા આચરીને વાણીનો મિથ્યાચાર, અનાચાર, દૂરાચાર કરીને ઘણું મોટું પાપ કરીએ છીએ.’
• શ્રદ્ધાઃ ગાંધીજીએ કહ્યું હતું, જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધાને કોઈ રીતે ભૂંસી શકાય એવી નથી. તેથી એને શ્રદ્ધારૂપે ઓળખતો મટીને એને હું અનુભવરૂપે જ ઓળખું છું. તમે અને હું આ ઓરડામાં બેઠેલા છીએ એ હકીકતની મને જેટલી ખાતરી છે તેના કરતાં વધારે ખાતરી મને ઇશ્વરના અસ્તિત્વની છે. હું એમ પણ કહી શકું કે હવા અને પાણી વિના કદાચ જીવી શકું, પણ ઇશ્વર વિના નહીં જીવી શકું.’ પૂ. શ્રી મોટાએ કહ્યું હતું, ‘ગાંધીજીના અંતરના ઊંડાણમાંથી બોલાયેલા શ્રદ્ધાનાં એમના વચનો પાછળ એમના આત્માનો રણકાર છે... આધ્યાત્મિક તત્ત્વ એમની સમીપ અને અંતરતર છે.’
• પ્રાર્થનાઃ પ્રાર્થના પર્વતને પણ હલાવી શકે છે, પરંતુ એ પ્રાર્થના કેવી હોય? સ્વામી રામતીર્થે કહ્યું છે, ‘પ્રાર્થના કરવી એટલે ફરી ફરી શબ્દો ઉચ્ચારવા એમ નહીં, પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્મા સાથેનું ચિંતન અને અનુભવ’. પૂ. શ્રી મોટા ગાંધીજીનો પ્રસંગ ટાંકતા લખે છે, ‘કાંતવાની હરીફાઈમાંથી થાકીને આવેલા ગાંધીજી એક વાર પ્રાર્થના કરવાનું ભૂલી ગયા. રાત્રે અઢી વાગ્યે તેઓની આંખ ઊઘડી અને તેમને યાદ આવ્યું કે સાંજની પ્રાર્થના કરી નથી. ગાંધીજીએ કહ્યું, ‘મને એવો તો આઘાત લાગ્યો કે આખું શરીર ધ્રૂજવા લાગ્યું. જેની કૃપાથી જીવું છું, મારા જીવનની સાધના કરું છું તે ભગવાનને જ ભૂલી ગયો! આ કેવી ગફલત? મેં ભગવાનની ક્ષમા માગી.’ શ્રી મા આનંદમયીએ કહ્યું છે, ‘પ્રાર્થનામાં ઇચ્છા આકાંક્ષા રહેલી છે, તેમ છતાં વિનમ્ર પ્રાર્થના કે તદ્રુપ પ્રાર્થનાથી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમનો વિકાસ થાય છે.’ ગાંધીજીનું જીવન આની સાબિતી છે. પૂ. શ્રી મોટાએ કહ્યું હતું કે પ્રાર્થના પણ એક પ્રકારનું ધ્યાન છે. ગાંધીજીની સામૂહિક પ્રાર્થનામાં શાંતિ અને ધ્યાનનો અનુભવ થતો હતો.
મહાત્મા ગાંધીજીમાં આ બધાં આધ્યાત્મિક લક્ષણો કે ગુણો વિકસવા પાછળ મૂળ પરિબળ તેમની જિજ્ઞાસા હતી. ભગવદ્ ગીતા અને ઇશાવસ્ય ઉપનિષદ જેવા ગ્રંથોના અભ્યાસે તેમને આધ્યાત્મિક રંગે રંગી નાખ્યા હતા. એ ઉપરાંત ઉપર જોયું તે પ્રમાણે દરેક ધર્મના આચાર્યો કે સંતોને મળીને તેમની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. અલબત્ત શ્રીમદ્ રાજચંદ્રના વિચારોએ એમના પર સારી એવી અસર કરી હતી.
ગાંધીજીએ કહ્યું હતું, ‘સૌથી વધારે મેં રાજચંદ્રના જીવનમાંથી ગ્રહણ કર્યું છે - આત્મા વિશે, મોક્ષ વિશે. અનેક પ્રશ્નો ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને પૂછ્યા હતાં, ‘આપણને ભક્તિથી મોક્ષ મળે ખરો?’ આ અતિ સુંદર પ્રશ્નનો અતિ સુંદર ઉત્તર શ્રીમદે આપ્યો હતો. આનો હકારમાં ઉત્તર પાઠવતાં તેઓએ કહ્યું હતું, ‘જીવમાત્ર જ્ઞાન સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભાષાજ્ઞાન ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કોઈ નિયમ નથી.’ ગાંધીજીએ ઇશ્વરને જ ગુરુ તરીકે બિરદાવ્યા હતા. આ સાથે તેઓએ એમ પણ કહ્યું હતું, ‘માનવ જાતિથી ભિન્ન એવી રીતે હું ઇશ્વરને જોઈ ન શકું. ગાંધીજીના શબ્દો હતા, ‘હું આશા રાખું છું અને મને ખાતરી છે કે મારા છેલ્લા શ્વાસ વખતે પણ ગીતા મને દિલાસો આપશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter