અમારું બ્રાઇટન અને તેની આગવી ઓળખસમાન ગુજરાત કલ્ચરલ સોસાયટી

મારે પણ કંઇક કહેવું છે...

ધીરુભાઈ લાંબા (ગઢવી) - બ્રાઇટન Tuesday 23rd May 2023 12:09 EDT
 
 

આપ સહુને જય શ્રીકૃષ્ણ... જય માતાજી... જય હિંદ... જય ગરવી ગુજરાત અને જય યુકે...

મારું નામ ધીરુભાઈ લાંબા, (ગઢવી) મુકામ બ્રાઈટન.
થયું મારે પણ કંઈક કહેવું છે - આજની પરિસ્થિતિમાં શું ચાલી રહ્યું છે તેના અને અમારી સોસાયટી શું સેવાઓ કરી રહી છે તેના અનુસંધાનમાં. આમ તો તત્ત્વોને જગાડવામાં, આદરણીય સી.બી.જી, અમારા ડો. શાહ, ડો. જાની વિગેરેનો ઘણો સાથ અને સહકાર છે કે તમે કાંઈક બોલો કે કાંઈક લખો. આમ તો મેં સાંભળ્યું છે કે હનુમાનદાદાને પણ કહેવું પડેલું કે ભાઈ... દાદા તમે પણ દરિયો ઓળંગી શકો છો. ચાલો, આપણે મુદ્દા માથે આવીએ.
સંસ્થા કે સમાજનું કાર્ય કોઈ વ્યક્તિ કરે - જોડાયેલું હોય તો જ સેવા તમે કરી શકો કે જ્યારે તમને કોકના આશીર્વાદ પ્રાપ્ત હોય. સેવામાં માલિકીપણાનો ભાવ ન હોવો જોઈએ. કોઈ મોટું કાર્ય કરવાનો જ્યારે વિચાર આવે ત્યારે ફર્જ પણ બંને છે કે સમાજના અગ્રગણ્ય વ્યક્તિઓને વિશ્વાસમાં લેવા જોઈએ. સંપથી કાર્યમાં સફળતા મળે છે. કહેવાનો, લખવાનો મતલબ કે હમણાં વેસ્ટમિન્સ્ટર પાર્લામેન્ટ ઓલ પાર્ટી ગ્રૂપે એક કાર્યક્રમ રાખેલો. એમાં હું, ડો. શાહ, ડો. કેતન અને ચંદ્રકાંત મહેતા બ્રાઈટનથી ગયેલા. એમાં મને એવું જણાયું કે જેમણે આ કાર્યક્રમ કરેલો એણે એવી અગ્રગણ્ય સંસ્થાઓને - વ્યક્તિઓના કાને વાત મૂકી હોય કે કદાચ વાત કરી પણ હશે.
જે હોય તે... ખાસ કરીને મોટી સંસ્થા જેવી કે NCGO, આદરણીય સી.બી.જી વિગેરેને વિશ્વાસમાં લેવાની જરૂર હતી એવું મારું માનવું છે. સમાજે તમને શું આપ્યું તે મહત્ત્વનું નથી પણ સમાજને તમે શું આપ્યું એ અગત્યનું છે. હવે ધ્યાન એ રાખવાનું કે એક બીજાના સાથ-સહકારથી કાર્ય આગળ વધારવાનું, જેથી ભારતીય એકતાને નુકસાન ન થાય એવું મારું માનવું છે.
ગુજરાત કેવી ભૂમિ છે... કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છે, નરસિંહ મહેતાની પ્રીતભરી પ્રભાત છે, વેપાર છે, વિસ્તાર છે, વિખ્યાત છે, ખંત - ખમીર અને ખુશીની જ્યાં અમીરાત છે, સમાજ અને સમર્પણનું એને સગપણ છે અને સમજતા ભરી સમતાનું સરનામું છે. કવિ કાગ, મેઘાણીજીનું સરદાર પટેલ ને ગાંધીનું ગુજરાત છે.

હું બ્રાઈટનની ગુજરાતી કલ્ચરલ સોસાયટી સાથે જોડાઈને વર્ષોથી સેવા અર્પિત કરું છું. આ સંસ્થાનો હું ઋણી છું કે જેના થકી મને માન-મરતબો મળતો આવ્યો છે. બ્રાઈટન વિશે કંઈક લખું... આમ તો અમારા ડો. શાહ સાહેબે ૨૦ વરસ પહેલાં ‘ગુજરાત સમાચાર’માં લખેલું. હવે હું લખું તો લંડનથી લગભગ ૬૦ માઈલ દૂર આવેલું સુંદર મજાનું રમણીય સમુદ્રકિનારે આવેલ શહેર છે. પ્રથમ તેમજ દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ભારતીય સૈનિકોએ બ્રિટિશ હકુમત દરમિયાન પ્રાણોની આહુતિ આપી હતી - તેના માનમાં ‘છત્રી’ નામક સ્મારક છે. દર વર્ષે જૂન મહિનાના બીજા રવિવારે બપોરે બે વાગ્યે શાહી ઠાઠમાઠ સાથે રાજ્ય પ્રતિનિધિ તેમજ ભારતીય હાઈ કમિશનરશ્રીની હાજરીમાં શ્રદ્ધાંજલિ અર્પિત થાય છે. બ્રાઈટન શહેરમાં નામાંકિત વ્ચક્તિઓ રહી ચુકી છે - જેવા કે શ્રી રવિન્દ્રનાથ ટાગોર, રણજીતસિંહ જામસાહેબ, નવાબ પટૌડી, ઈમરાન ખાન વગેરે... ગુજરાતી બોલતા પારસી શ્રી તેહમતન ફરામરોઝ નગરપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે. આદરણીય નવનીત ધોળકિયાજી બ્રાઈટનમાં શરૂઆતમાં કાઉન્સિલર તરીકે જોડાયા અને ત્યાર બાદ વર્ષોથી હાઉસ ઓફ લોર્ડઝમાં તેઓશ્રીની અદમ્ય સેવાઓ ચાલુ છે. હાલમાં સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબના કેપ્ટન તરીકે આપણા ગુજરાતી શ્રી ચેતન પૂજારા સરસ સેવાઓ આપી રહ્યા છે.
બ્રાઈટનમાં લગભગ 60 વર્ષ પહેલાં ‘એશિયન સર્કલ’ દ્વારા શ્રી ચંદ્રકાંત મહેતાએ સેવાઓ આપી હતી. ત્યાર બાદ તેમના પિતાશ્રી સ્વ. જયંતીભાઈ મહેતાએ નવરાત્રીનું સૌપ્રથમ આયોજન કરેલું. ત્યાર બાદ ગુજરાતી કલ્ચરલ સોસાયટી 40 વર્ષથી લાગલગાટ સેવા આપી રહી છે. તેના શરૂના વર્ષોમાં સ્વ. જયંતિભાઈ પંડિતે મંત્રી તરીકે સરસ આયોજન કર્યું હતું. ડો. ભાનુભાઈ પટેલ, શ્રીમતી મીરાબેન વઘારીયા, શ્રી રમણભાઈ શાહ, શ્રી ધનસુખભાઈ પટેલ વિગેરેએ સતત સેવાઓ આપી હતી. આ સોસાયટીના પ્રથમ પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ હતા. તેઓશ્રી હાલમાં 101 વર્ષની ઉંમરે શાંતિમય જીવન બ્રાઈટનમાં વિતાવી રહ્યા છે.
ગુજરાતી કલ્ચરલ સોસાયટીએ કરેલા કાર્યોની ઝાંખી કરાવું તો વર્ષ 1997માં ભારતની સુવર્ણ જયંતી ઉજવણી હોય ટાઉન હોલમાં ડો. મિલીંદભાઈ જાની અને શ્રી ધીરુભાઈ ગઢવીના આયોજકપદે તે સમયના ભારતના લંડન સ્થિત હાઈ કમિશનર શ્રી લક્ષ્મીમલ (એલ.એમ.) સિંઘવીની હાજરીમાં સુંદર કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. શ્રી રમણભાઈ પટેલના પ્રપૌત્રવધુ શ્રીમતી મીરાબેન પટેલ હાલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સોસાયટીના પ્રમુખ તરીકે શ્રીમતી અનિતાબેન અગ્નિહોત્રી સુંદર અને અવનવા કાર્યક્રમો ખંતપૂર્વક યોજે છે અને તેઓ ફૂડ બેન્કના પ્રતિનિધિ તરીકે પણ માનદ્ સેવા આપી રહ્યાં છે. ગુજરાત કલ્ચરલ સોસાયટી નવરાત્રી તેમ જ દિવાળી પર્વે ફાઈવ સ્ટાર હોટેલમાં વર્ષોવર્ષ આયોજન કરે છે.
કોરોનાના કપરા કાળમાં મેં ઝૂમ માધ્યમ દ્વારા દેશ-વિદેશના કલાકારોને આમંત્ર્યા જ્યારે ડો. અમૃત શાહે કોવિડ વેક્સિનેશન દરમિયાન માનદ્ સેવાઓ અર્પિત કરી હતી. કોવિડના ભયંકર ચેપી રોગના ફેલાવા દરમિયાન મેં લગભગ બે વર્ષ - દર રવિવારે ઉપર દર્શાવ્યા પ્રમાણે ઝૂમના નેજામાં સંજયભાઈ, ગૌતમભાઈ, નિર્મલ ઉદાસ, અનુભા, દેવરાજ ગઢવી, અલકા ઠાકુર, માયા દીપક, દિનકર મહેતા, મહેશ ગઢવી, નીતુ ગઢવી તેમજ બ્રાઈટન, ક્રોલી આસપાસના કલાકારોને આવરીને ભજન-સંગીતનો સરાહનીય મનોરંજન કાર્યક્રમ યોજ્યો હતો.
ગીર કાંઠાના બે બાળ કલાકારોએ ઝૂમ મારફત 1500 પ્રેક્ષકની હાજરી વચ્ચે પ્રશંસનીય કાર્યક્રમ આપ્યો હતો. શ્રી સી.બી. પટેલ સાહેબે માતબર મોટી રકમની સહાય આપેલ હતી. ઝૂમ કાર્યક્રમમાં ‘ગુજરાત સમાચાર’નો સારો સહકાર મળ્યો હતો. આ ઉપરાંત કોકિલાબહેન પટેલની સેવાનો લાભ પણ મળ્યો હતો. ગૌતમ કુમારની અચાનક વિદાયથી એમના કુટુંબને સહાય માટે પાઉન્ડ1500 જેવી મદદ ગુજરાત કલ્ચરલ સોસાયટીના સભ્યો દ્વારા એકત્ર કરાઇ હતી. ઝૂમ કાર્યક્રમનું સફળ ટેક્નિકલ સંચાલન અનંતભાઈ સૂચક, મહેન્દ્રભાઈ ચૌહાણ, શ્રીમતી અંજુબેન ચૌહાણ, કેતનભાઈ પટેલ વિગેરેની અલભ્ય સેવાઓથી જ શક્ય બન્યું હતું. ગુજરાતી કલ્ચરલ સોસાયટી, બ્રાઈટન-હોવ મારફત શ્રી અનંતભાઈ સૂચક, શ્રી પ્રવિણભાઈ લીંબચીયા વિગેરેના નેજામાં કોરોનાના કપરા કાળ દરમિયાન જરૂરતમંદ કુટુંબોને સહાયરૂપ થઇ શકાય તે માટે પાઉન્ડ 10,000 એકત્રિત કરીને અત્રેની ફૂડ બેન્કને અર્પણ કર્યા હતા.
બ્રાઈટન નજીક પોર્ટસ્લેડ ISSO સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં દર વર્ષે વિવિધ વારતહેવાર ઉજવાય છે. હું ધીરુભાઈ લાંબા (ગઢવી) આપ સર્વેના આશીર્વાદથી સેવા આપી રહ્યો છું, આપતો રહીશ. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો.

બરકત વિરાણીની એક સુંદર રચના સાથે વિરમું છું...

શમણાંઓ વિનાની રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને,
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલતા માણસોની જાત નથી ગમતી મને.

ગુજરાત સ્થાપના દિનની સર્વને શુભકામનાઓ...


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter