શેખ એકલા નહિ... સાથે મોટું લાવલશ્કર પણ ખરું

Tuesday 23rd May 2023 06:11 EDT
 
 

ગુજરાતીમાં કહેવત છે કે ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહયાન તો મૂળથી જ નાથાલાલ છે કારણકે ક્રૂડ ઓઈલની અપાર આવક છે. શેખ જ્યાં જાય છે ત્યાં કદી એકલા જતા નથી સાથે મોટું લાવલશ્કર પણ લેતા જાય છે. શેખ થોડા સમય પહેલા ઈદ મનાવવા કુટુંબકબીલા સાથે સાઉથ આફ્રિકાની સફારીએ ગયા હતા. તેમની સાથે સંખ્યાબંધ વૈભવી કાર, હેલિકોપ્ટર્સ અને હન્ટિંગ સફારીમાં કામ લાગે તેવા સહાયકો, મેડિકલ સ્ટાફ, એન્ટરટેઈનર્સ, બોડીગાર્ડ્સ, સગાંસંબંધી અને મિત્રો સહિત 500 વ્યક્તિનો રસાલો પણ હતો. શેખ અને તેમના રસાલા માટે બિશો-બુલેમ્બુ એરપોર્ટ સફારીનું પ્રવેશસ્થળ હતું. જોકે, ઈસ્ટર્ન કેપ પ્રાંતનું આ એરપોર્ટ જરા ખખડી ગયેલું હતું અને શેખના રસાલાને ઉતારી શકાય તેવી સુવિધા ન હતી. શેખે તો તત્કાળ એક મિલિયન પાઉન્ડ ચૂકવીને એરપોર્ટને અપગ્રેડ કરાવી દીધું. તેનો રનવે એર એમ્બ્યુલન્સ, જીમના સાધનો અને ફર્નિચર સાથેના C-17 મિલિટરી કાર્ગો પ્લેન ઉતારી શકાય તેવો વિશાળ થઈ ગયો. શેખના પરિવારજનોને પાંચ હેલિકોપ્ટર્સમાં માખાન્ડા નજીક સફારી રીઝર્વમાં લઈજ્ઞ જવાયા હતા જ્યાં તેમના માટે વૈભવી રહેઠાણો પણ તૈયાર કરાવાયા હતા.

લગ્ન તો લક્કડના લાડું, ખાઈને શાથી પસ્તાવુ?

અત્યાર સુધી એમ કહેવાતું રહ્યું છે કે ‘લગ્ન તો લક્કડના લાડુ કહેવાય, ખાય એ પસ્તાય અને ન ખાય તે બમણું પસ્તાય’ જોકે, આવા લક્કડના લાડુ ખાઈને શા માટે પસ્તાવું તેમ માનનારાની સંખ્યા વધી રહી છે. એક વખત લગ્ન કર્યા પછી નભે નહિ તો બીજા લગ્ની જંજાળથી દૂર રહેવામાં પુરુષો શાણપણ દર્શાવી રહ્યા છે. યુકેમાં એકલા રહેનારા તરીકે નોંધાયેલો લોકોની સંખ્યા 8.3 મિલિયન છે જેમાં એકલી રહેનારી 4.4 મિલિયન સ્ત્રીઓ બહુમતીમાં છે. જોકે, હવે પુરુષો ઝડપથી તેમને સમાંતર આવી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ 2012 પછી એકલ પુરુષોની સંખ્યા 0.4 મિલિયન અને્ સ્ત્રીઓની સંખ્યા 0.2 મિલિયન વધી છે. હવે કુલ 3.9 મિલિયન પુરુષો એકલા રહે છે જેમાં 65 અને તેથી વધુ વયના પુરુષો અડધોઅડધ છે. 2012 અગાઉના દસકામાં આ વયજૂથના 45 ટકા પુરુષો એકલા રહેવાની આઝાદીમાં માનતા હતા. રુપર્ટ મર્ડોક જેવાં મરદો ભલે પાંચ વખત ઘોડે ચડવા થનગનતા હોય પરંતુ, પુરુષોની સરખામણીએ બીજી કે ત્રીજી વખત લગ્ન કરવામાં સ્ત્રીઓની સંખ્યા વધુ રહે છે કારણકે વૃદ્ધ થવા સાથે તેમને નાણાકીય અને સંવેદનાત્મક સુરક્ષાની જરૂર વધુ જણાય છે. ONS ના લેબર ફોર્સ સર્વે અનુસાર 2022માં 75 અને વધુ વયજૂથમાં પાંચમાંથી એકથી વધુ પુરુષ તથા ત્રણમાંથી એક સ્ત્રી એકલાં રહેતાં હતાં.

અધ....ધઃ એક ભૂલમાં આટલું બધું નુકસાન?

આપનામાંથી મોટા ભાગનાએ મહાભારતની કથા વાંચી કે સાંભળી જ હશે કે પાંડવશ્રેષ્ઠ યુધિષ્ઠિરની જુગારની લતે રાજપાટ, પત્ની દ્રૌપદી ખોવડાવી અને પરિવારે વનવાસમાં જવું પડ્યું હતું. જિંદગી એક જુગાર છે તેનો અનુભવ પ્રખ્યાત એક્ટિવિસ્ટ ઈન્વેસ્ટર કાર્લ ઈકાનને થયેલો છે. માર્કેટ ગબડી પડશે તેવી હોડ તેમણે મલગાવી હતી અને 2017માં 1.8 બિલિયન ડોલર ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પછી, તેમણે 2018 અને આ વર્ષના પ્રથમ ક્વાર્ટરના ગાળામાં વધુ વધુ 7 બિલિયન ડોલર ગુમાવ્યા છે. કાર્લ ઈકાન ‘પરોપદેશે પાંડિત્યમ’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય કારણકે માર્કેટમાં ટુંકા ગાળે કે મધ્યમ ગાળાના આધારે કેવું વલણ સર્જાશે તે ખરેખર કોઈ નિશ્ચિત કરી શકે નહિ તેવી લોકોને સલાહ આપનારા કાર્લ ઈકાને જ પોતાની સલાહ કાને ધરી નહિ અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. તેમણે આની કબૂલાત પણ કરી છે. ઈકાન એન્ટરપ્રાઈસીસ 2008ની નાણાકીય કટોકટી પછી માર્કેટનું ભારે પતન થશે તેના પર આક્રમક બેટિંગ કરતું રહ્યું હતું. કોરોના મહામારીના પગલે ફેડરલ રિઝર્વના સ્ટિમ્યુલસ પછી માર્કેૉ્સમાં તેજી આવવા લાગી ત્યારે ઈકાને 2020અને 2021માં કુલ 4.3 બિલિયન ડોલરની ટુંકા ગાળાની ખોટ જાહેર કરી હતી.

ગંદા પાણીથી પ્રદૂષણ અને બોનસકાપથી સફાઈ

યુકેમાં વોટર કંપનીઓ ગંદા પાણી નદીઓમાં ઠાલવી ભારે પ્રદૂષણ ફેલાવે છે તે જગજાહેર છે. વોટરકંપનીઓના એક્ઝિક્યુટિવ્ઝને તગડા પગાર અને બોનસ અપાય છે તેની સામે ભારે ઉહાપોહ જામ્યો છે. પોતાના પાપને ધોવા વોટર બોસીસ હવે બોનસને જતું કરવાની જાહેરાતો કરી રહ્યા છે. આને ગુજરાતીમાં ‘એરણની ચોરી અને સોયનું દાન’ કહેવાય છે. બ્રિટિશ નાગરિકો પાસેથી પાણીના વધુપડતાં ભાવ લેવાના બદલે કંપનીઓ પોતાના જંગી નફા અને ડિવિડન્ડમાં ઘટાડો કરે તેવું અભિયાન પણ ચાલી રહ્યું છે. સધર્ન વોટરના ચીફ એક્ઝિક્યુટિવ લોરેન્ઝ ગોસડેન પોતાનું બોનસ છોડવાની જાહેરાત કરનારા પાંચમા અગ્રણી છે. નદીઓ-નાળામાં સાફ કર્યા વિનાનું પ્રદૂષિત પાણી છોડવા બદલ વોટર કંપનીઓએ માફી માગી છે અને આ કામગીરી બંધ કરવા 2030 સુધીમાં 10 બિલિયન પાઉન્ડનું રોકાણ કરવાનું પણ જાહેર કર્યું છે. અગાઉ, વેલ્શ વોટર, યોર્કશાયર વોટર, થેમ્સ વોટર અને સાઉથ વેસ્ટ વોટર કંપનીઓના વડાઓએ પોતાના બોનસ જતા કરવાની જાહેરાતો કરવી પડી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter