અસત્યો માંહેથી...(પ્રાર્થના)

આપણી કવિતાનો અમર વારસો

- ન્હાનાલાલ દ. કવિ Saturday 11th May 2024 06:25 EDT
 
 

આ કવિનું નામ પડે અને તરત જ આપણને થાય કે ગુજરાતી ભાષાનું લાલિત્ય અને લાવણ્ય જોવું હોય તો એમનાં ગીતો પાસે જવું જોઈએ. વાણીના વૈભવી કવિ છે. દલપતરામ અને ન્હાનાલાલ - પિતા પુત્રની આ જોડીએ ગુજરાતી કવિતાને મબલક સમૃદ્ધિ આપી છે. 

અસત્યો માંહેથી... (પ્રાર્થના)

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter