નરસિંહ મહેતા (ઈ. 15મી સદી)
યોગ્ય રીતે જ કહેવાયું છે કે ગુજરાતી ભાષાને પ્રારંભમાં જ હેમચંદ્રાચાર્ય અને નરસિંહના આશીર્વાદ મળ્યા છે અને ફળ્યા છે. ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’ માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે કૃષ્ણને ગોપીભાવે ભજ્યાં. એમની દૃઢ પ્રતીિત છે કે ભક્તિ જેવો પદારથ નથી અને ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી.’
•
આજની ઘડી રળિયામણી
આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે.
પૂરો પૂરો, સોહાગણ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે.
સખી! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે.
સખી! મોતીડે ચોક પુરાવીએ રે,
મારા નાથને ત્યાં પધરાવીએ જી રે.
સખી! જમુનાજીનાં જળ મંગાવીએ રે,
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે.
સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે.
સખી! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે.
•••