કોઇ મને ગોળી મારે તે હું સામી છાતીએ ઝીલું તો જ કહેજો કે મહાત્મા સાચા હતા

Tuesday 24th January 2023 12:11 EST
 
 

થલસેના, નૌકાસૈન્ય તથા હવાઇદળના 200 માણસોની બનેલી ટુકડી ચાર મજબૂત દોરડા વડે ગાંધીજીના મૃતદેહને બંધ એન્જીનવાળી ગાડીમાં ખેંચવા લાગી હતી. આખરે પાર્થિવદેહને શબગાડી પરથી નીચે ઉતારીને 31 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગે ચિતા પર મુકવામાં આવ્યો. અગ્નિદાહ માટે 15 મણ સુખડ, 4 મણ ઘી, 2 મણ સુગંધી પદાર્થો, એક મણ નાળિયેર અને 15 શેર કપૂર લાવવામાં આવ્યા હતા.
પુત્ર દેવદાસ ગાંધીએ પવિત્ર ગંગાજળ છાંટવામાં આવેલા પોતાના પિતાના દેહ પર સુખડના લાકડા મૂકયાં. વેદોની ઋચાઓના ગાન વચ્ચે મોટા પુત્ર રામદાસ ગાંધીએ ચિતાને અગ્નિદાહ આપ્યો હતો...
પ્યારેલાલ લિખિત (અનુ. મણિભાઇ ભ. દેસાઇ) ‘મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ’માં તેમની હત્યા પહેલાના કેટલાક ઘટનાક્રમો અને દિનચર્ચાની નોંધ કેટલીયે ઐતિહાસિક બાબતોનો ઉઘાડ કરી આપે છે. પુસ્તકના અંશો પર એક નજરઃ
મારી જાતને કેવળ ઇશ્વરના રક્ષણ નીચે મુકી છે
સરદાર પટેલ સલામતીનાં પગલા વધારે કડક કરવા ચાહતા હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે આપની પ્રાર્થનાસભામાં આવનાર દરેક વ્યકિતની પોલીસ ઝડતી લે એમ હું ઇચ્છું છું, પરંતુ ગાંધીજીએ પ્રાર્થનાસભામાં પોલીસોની હાજરી હોય તેમાં સંમત થવાની ના પાડી. તેમણે કહ્યું મેં જયારે મારી જાતને કેવળ ઇશ્વરના રક્ષણ નીચે મુકી છે એવા સમયે પ્રાર્થનાને સમયે મારી જાતને માનવીના કોઇ પણ સ્વરૂપના રક્ષણ નીચે મુકવાને મારી શ્રદ્ધા મને રજા આપતી નથી. ગાંધીજીની મકકમતા જોઇને સરદારે નસીબ પર છોડીને મન વાળ્યું હતું.
કાશ્મીર બાબતે સાવધાની નહીં રાખીએ તો કલંક લાગશે
27મી જાન્યુઆરીએ સવારે દિલ્હીની દક્ષિણે 7 કિમી દૂર આવેલા મરોલીના વાર્ષિક ઉર્સમાં હાજરી આપીને પાછા ફરતી વખતે ગાંધીજી સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ જે રીતે કાશ્મીરનો સવાલ હાથ ધરી રહી હતી તેથી ભારે નિરાશ હતા. હિંદની ફરિયાદનો વિચાર કરવાને અને આક્રમણને પાછું ખેંચવાને બદલે લોકમત લેવાની વાત કાશ્મીરનું ભાવી નકકી કરનાર હતી. પ્રાથમિક ભૂમિકા તરીકે, હિંદને પોતાનું સૈન્ય કાશ્મીરમાંથી ખસેડી લેવાને કહેવાની બાજી તૈયાર થઇ રહી હતી. એ કેવળ મળતિયાઓની જ સંસ્થા બની ગઇ હોય અને જૂઠાણાને તથા દગાફટકાને ઘણા ઉંચા ભાવ મળતા હોય એમ લાગતું હતું. દરગાહથી પાછા ફરતા ગાંધીજીએ કહ્યું કે આજે તેઓ પંડિત નેહરુની સરકારને તહોમતદારના પાંજરામાં મૂકવાની તૈયારી કરી રહ્યા છે. આપણે અતિશય સાવધાની નહીં રાખીએ તો, આપણા નામને કલંક લાગશે.
યે બહારે બાગ દુનિયા ચંદરોઝ, દેખ લો ઉસકા તમાશા ચંદરોઝ
29મી જાન્યુઆરીની છેલ્લી રાત્રીએ ગાંધીજીએ અલ્હાબાદના મશહુર કવિ નઝીરની જાણીતી ગઝલની કડી પારાવાર ગમગીનીભર્યા સૂરે ઉચ્ચારી - યે બહારે દુનિયા ચંદરોઝ, દેખ લો ઉસકા તમાશા ચંદરોઝ. એ પછી તેમને ઉધરસનું સખત ખાંખણું આવ્યું. એ શમાવવાને પેનિસિલીનની ગોળી ચૂસવાનું તેમને કહેવામાં આવ્યું ત્યારે, એક માત્ર રામનામની શકિતથી સાજા થવાનો નિર્ધાર છેલ્લી વાર તેમણે ફરીથી ઉચ્ચાર્યો. તેમના માથાને માલિશ કરનાર તેમના એક પરિચારકને તેમણે કહ્યું જો હું રોગથી મરું, અરે નાનકડી ફોડકીથીય મરું, તો દુનિયાને પોકારીને કહેજો કે આ દંભી મહાત્મા હતો. તો જ હું જયાં હોઇશ ત્યાં મારા આત્માને શાંતિ થશે. ભલે મારે ખાતર લોકો કદાચ ગાળો દે, મારી નાંખે, પણ રોગથી મરું તો દંભી મહાત્મા જ ઠેરવજો. પણ અઠવાડિયા પહેલા જેમ ધડાકો થયો તેમ કદાચ કોઇ મને ગોળી મારે અને તે સામી છાતીએ ઝીલું છતાં મોઢામાંથી સિસકારો ન નીકળતા રામજીનું રટણ ચાલતું હોય તો જ કહેજો કે સાચો મહાત્મા હતો.
રાત પડતા પહેલા જીવતો હોઇશ કે કેમ, એની કોને ખબર?
1948ના 30મી જાન્યુઆરીના એ ગોઝારા શુક્રવારે ગાંધીજી હંમેશની જેમ મળસકે સાડા ત્રણ વાગે જાગી ગયા. તેમની મંડળીના એક સભ્ય પ્રાર્થના માટે જાગ્યા નહોતા. એથી તેઓ દુખી થયા હતા. પોતાના સાથીનો એ નજીવો દોષ તેમની જ ક્ષતિને આભારી છે એમ તેમણે ગણ્યું. સવારની પ્રાર્થના પછી તેઓ કોંગ્રેસની પુનઃ રચના વિષેની પોતાની નોંધનો મુસદ્દો પૂરો કરવાને તેમના આસન પર બેઠા. આગલી રાત્રે તેઓ પૂરો કરી શકયા નહોતા. તેમના ઉપવાસ બાદ હજુ પણ નબળાઇ લાગતી હતી. પોણા પાંચ વાગે તેમણે હંમેશ મુજબ મધ, લીંબુ અને ગરમ પાણીનું પીણું લીધું. એક કલાક બાદ તેમણે ૧૬ ઔંસ મોસંબીનો રસ લીધા પછીથી જરા ઝોકું ખાવાને તેઓ આડા પડયા. થોડી વાર પછી તેઓ ઉઠયા અને પત્ર વ્યહવારની તેમની ફાઇલ મંગાવી. પછી તેમણે આગલે દિવસે કિશોરલાલ મશરુવાળા પર ગુજરાતીમાં લખેલો પત્ર ખોળવા માંડયો અને હાથ લાગતા તેમણે ટપાલમાં રવાના કરવા આપ્યો. સવારે ફરવા જવું તેમને સારું ના લાગ્યું આથી તેમણે ઓરડામાં જ થોડી વાર આંટા માર્યા. પોતાની ઉધરસને શમાવવા માટે લવિંગના ભુક્કાવાળી તાડગોળની ટીકડીઓ લેતા તે ખલાસ થઇ જતાં મનુબેન લવિંગ વાટવા બેઠા હતા. ગાંધીજીએ મનુને કહ્યું કે રાત પડતાં પહેલાં શું થશે અને હુંયે જીવતો હોઇશ કે કેમ, એની કોને ખબર? પછી તેમણે ઉમેર્યું કે અને રાત સુધી જીવતો હોઇશ તો તું સહેલાઇથી લવિંગનો ભુક્કો બનાવી શકીશ.
બાફેલું શાક, બકરીનું દૂધ, ચાર પાકા ટામેટા, મોસંબી આરોગી
સવારે 9.30 વાગે ગાંધીજી સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે તેઓ ઘણા જ પ્રફુલ્લિત લાગતા હતા. આગલી રાતનો થાક અદૃશ્ય થયો હતો. તેઓ હંમેશની જેમ પ્રસન્નતાથી ઉભરાતા હતા. પછીથી તેમનું વજન કરવામાં આવ્યું તે 109 રતલ (49.67 કિલો) થયું હતું. બંગાળી લખવાનો રોજનો પાઠ કર્યા પછી તેમણે સાડા નવ વાગે બાફેલું શાક, 12 ઔંસ બકરીનું દૂધ, ચાર પાકાં ટામેટા, ચાર મોસંબી, કાચા ગાજરનો રસ તથા આદૂ, ખાટા લીંબુ તથા ધૃતકુમારીના કાઢાનું ભોજન લીધું હતું.
ગાંધીજી નેહરુ-સરદારના મતભેદ પર ચર્ચા કરવાના હતા
10.30 વાગે ખાટલામાં ઝોકું ખાધા પછી મુલાકાતી સુધીર ઘોષે લંડનના ‘ટાઇમ્સ’ નામના છાપાનું કતરણ તથા અંગ્રેજી મિત્રના પત્રમાંના કેટલાક ફકરા ગાંધીજીને વાંચી સંભળાવ્યા. એ પત્રમાં દર્શાવવામાં આવ્યું હતું કે, પંડિત નેહરુ અને સરદાર પટેલ વચ્ચેના મતભેદો સંબંધમાં કાગનો વાઘ કરવાની કેટલાક લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે. એમાં સરદાર પટેલને કોમવાદી તરીકે ઉતારી પાડવામાં આવે છે અને પંડિત નેહરુની પ્રશંસા કરવાનો ડોળ કરવામાં આવે છે. ગાંધીજીએ કહ્યું કે મને એની જાણ છે. એ સંબંધમાં વધારે શું કરવું એ હું વિચારી રહ્યો છું. બપોર પછી ચાર વાગે મુલાકાતો પૂરી થઇ પછીથી સરદાર પોતાની દીકરી સાથે ગાંધીજીને મળવા આવ્યા હતા. પોતાના ઓરડામાં ગાંધીજી કાંતતા ગયા અને અને કાંતતા કાંતતા તેમની સાથે એક કલાક સુધી વાતો કરી. તેમણે સરદારને કહ્યું કે બેમાંથી - સરદાર અથવા પંડિત નેહરુ - એકે પ્રધાનમંડળમાંથી નીકળી જવું જોઇએ એવો વિચાર અગાઉ મેં દર્શાવ્યો હતો એ ખરું, પરંતુ પછીથી હું એવા મકકમ નિર્ણય પર આવ્યો છું, બંનેની હાજરી અનિવાર્ય છે. આજની ઘડીએ તમારા પક્ષકારો વચ્ચે કશું ભંગાણ પડે એ આપત્તિકારક થઇ પડશે. ગાંધીજીએ વધુમાં કહ્યું કે, આજની સાંજની પ્રાર્થનાસભામાં હું મારા ભાષણમાં એ વિષય ચર્ચીશ. પ્રાર્થના પછી પંડિત નેહરુ મને મળવાના છે. તેમની સાથે હું એ સવાલ પણ ચર્ચીશ. જરૂર પડે સેવાગ્રામ જવાનું મુલતવી રાખીશ અને તમારા બંને વચ્ચે વૈમનસ્યના પ્રેતને દફનાવવામાં આવે ત્યાં સુધી દિલ્હી છોડીશ નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter