ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માનો ભાવ છે, આત્મ જનિત છે તે ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્મજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે.
તો પણ તેનો સ્ટોક ન કરવો, મનમાં સંઘરવો નહીં. સંઘરશો તો તે વેર બની જાય. ઉપાધ્યાય મહારાજની સોનેરી શિખામણ છે: ‘ક્રોધ અનુબંધ નવિ રાખીએ.’ ક્રોધનો અનુબંધ નહીં, તેની પરંપરા નહીં. થયું હોય તે દાઢમાં રાખવું નહીં. ક્રોધમાંથી જેવું મન નિવૃત્ત થાય કે તરત જ નિરીક્ષણ, પરીક્ષણ, પૃથ્થકરણ કરવું અને તેના પરિણામ રૂપે જાગૃતિ લાવવી. જાગૃતિ આવે અર્થાત્ સાવધાની આવે તો દોષ ઘટે.
પરંતુ આ ક્રોધ જલદી જાય તેવો નથી. સૌથી મોટો દોષ ક્રોધ છે, પહેલે નંબરે છે! ક્રોધ કરવા માટે પણ બીજી વ્યક્તિ જોઈએ. ક્રોધ સ્વ અને પર - બન્નેને સંતાપ-પરિતાપ જન્માવે, હાનિ પણ કરે. આત્મધનને લૂંટનાર ક્રોધ છે.
ક્રોધનો ઈલાજ માત્ર ક્ષમા છે. માફ ન કરો તો મૈત્રીમાં તીરાડ પડે છે, પછી મૈત્રી તૂટે છે. જ્યારે માફી માંગવા માટે જેવી પહેલ થાય કે તરત જ સામે તેનો પડઘો પડે છે. મૃગાવતીજીનું હૃદય મૃદુ, નમ્ર અને સરળ હતું. એટલે જ ગુરુણી ચંદનાજી પાસે મસ્તક નમાવી ખમાવે છે. પોતાની ભૂલ કબૂલે છે. સ્વબચાવમાં એક અક્ષર પણ કહેતા નથી. જેવી એમણે પોતાની ભૂલ કબૂલ કરી કે તરત જ આર્યા ચંદનાજીએ પણ તેમને માફ કર્યા.
મૈત્રી સ્નેહનું પ્રતીક છે. સ્નેહ શાંતિનું કારણ છે. ક્રોધ દ્વેષનું પ્રતીક છે. દ્વેષ સંતાપનું કારણ છે. ક્રોધ કરે અને ક્ષમા ન માંગે તો સંતાપ રહે છે. માટે ક્રોધ પર કાબૂ મેળવવા હૃદય ભીનું ભીનું રાખવાનું છે. જીવ પ્રત્યેની મૈત્રીથી હળવું રાખવાનું છે. ફુલ સુગંધ ફેલાવવા જ છે, મેઘધનુષ આંખને આનંદ આપવા માટે છે, સંગીત કર્ણને મધુરતા બક્ષે છે તેમ જીવ પ્રેમ કરવા માટે જ છે. આપણું જીવન અન્યની સાથે જોડાયેલું હોય છે, એટલે ગમા-અણગમાની શૂન્ય-ચોકડીની રમત ચાલતી રહે ત્યારે સામાની જગ્યાએ આપણે પોતે પણ હોઈ શકીએ છીએ તેમ માની સામાને અવગુણને કે અધૂરપને હસી કાઢવા એ જ ઉત્તમ ઉપાય છે.
કવિ જયન્ત પાઠકે આ વાત કાવ્યમાં મઢી છે:
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે, હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે.
આટલું સમજીને આપણે સંબંધોમાં લાગતી કડવાશ, ખારાશ હળવાશથી લઈએ તો કમસે કમ આપણે તો હળવા રહીએ જ. આ જીવન જીવવાની કળા છે, જેનો પહેલો પાઠ છે: હા, એ મારી ભૂલ છે. આ પાઠ આવડી જાય એને જિંદગીના પછીના અઘરા પાઠ પણ આવડી જાય.