ગુજરાતના કિનારે આઝાદ હિન્દ ફોજનો ફાંસીવીર તુહીન

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 03rd July 2024 08:04 EDT
 
 

‘ગાંધીજીના ગુજરાત’માં માત્ર સત્યાગ્રહો અને અસહકાર આંદોલનો જ થયા હતા એ વાતને દંતકથા પુરવાર કરતી ઘટનાઓ હવે બહાર આવી રહી છે.
1857ના નવ ગુજરાતી આંદામાનની કાળકોટડીમાં કેદી બન્યા અને પાછા વળ્યા નહોતા. 100થી વધુ સ્થાનો પર વિપ્લવ થયો તેમાં ફાંસી, તોપ, ગોળીથી મરનારા, અને જેલોમાં યાતના ભોગવનારાની સંખ્યા 10 હજારથી ઓછી નથી.
વડનગર નાગર પરિવારના ભગવતી ચરણ વોહરા ભગતસિંહના સાથી અને થિંક ટેન્ક હતા. જેલમાંથી ભગતસિંહ અને સાથીઓને છોડાવવા બોમ્બ બનાવવામાં રાવી કિનારે વિસ્ફોટમાં શહીદ થયા, તેના પત્ની દુર્ગા દેવી પણ ગુજરાતી નાગર પરિવારના હતા. દીર્ઘ સમય સુધી ક્રાંતિપ્રવૃત્તિ કરી, સ્વતંત્રતા પછી તેમનું રાષ્ટ્રીય સન્માન થવું જોઈતું હતું તે ના થયું. 1999ની 14 ઓકટોબરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેમણે અનામ, અજાણ અંતિમ શ્વાસ લીધા.
પોરબંદરમાં ગાંધીજીનું કીર્તિમંદિર ભલે રહ્યું, 1920માં સિંગાપુરમાં સૈનિક-વિદ્રોહમાં ફાંસીના તખતે ચડનાર પોરબંદર-નિવાસી છગન ખેરાજ વર્માનું વિસ્મરણ થવું જોઈએ? એ તો કેનેડામાં ગદર પાર્ટીનો નેતા હતો, ગુજરાતી ‘ગદર’ અખબારનો તંત્રી હતો, છેક 1914માં આ અખબાર સાન ફ્રાન્સિસ્કોથી પ્રકાશિત થતું. અમેરિકા, કેનેડા વગેરેમાં ગુજરાતી સમાજો રંગેચંગે ડાયરા, કવિમિલન, કથાઓ, સાંસ્કૃતિક ઉત્સવો ભલે ઉજવે, તેની સાથે તેના પોતાના ગુજરાતીઓની ક્રાંતિકથાને માટે પણ કોઈ ઋણભાવ વ્યક્ત કરવો જોઈએ. યાદ રાખવા જેવું છે કે પંજાબી, તમિળ, બંગાળી પ્રજાના એનઆરઆઈ પોતાના શહીદોનું સ્મરણ કરતાં કાર્યક્રમો યોજે છે. અમેરિકા નિવાસી ગુજરાતીઓને એ વાતની તો જાણ હશે જ કે આપણા ગુજરાતી વડાપ્રધાને લંડનના ઈન્ડિયા હાઉસના કચ્છી ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જીનીવામાં જાળવવામાં આવેલા અસ્થિ જાતે ખભા પર લાવીને માંડવી કચ્છમાં ભવ્ય સ્મારક ‘ક્રાંતિ તીર્થ’ ઊભું કર્યું છે. હવે શ્યામજી કૃષ્ણવર્માના લંડન-પેરિસ-જીનીવાથી પ્રકાશિત 17 વર્ષના અપ્રાપ્ય અંકો ‘ઇંડિયન સોશિયોલોજિસ્ટ’ના બે ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે. એ વાતનું સ્મરણ જરૂર કરવું જોઈએ કે સી.બી. પટેલના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ગુજરાતી સંસ્થાઓએ 2008માં આ ગુજરાતી શહીદોની સ્મૃતિમાં કાર્યક્રમ યોજ્યો હતો. આવા કાર્યક્રમો કેનેડા, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, બર્લિન, ટોકિયો, રંગૂન, સિંગાપુર, કાબુલ, લાહોરમાં પણ થવા જોઈએ કેમ કે ત્યાં પણ ગુજરાતી સ્વાતંત્ર્યવીરો લડ્યા હતા અને તેની માહિતી મળવા માંડી છે.
હમણાં હું બંગાળી લેખક નલિની કિશોર ગુહાનું પુસ્તક ‘બંગાલ કી વિપ્લવ-કથા’ વાંચી રહ્યો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ગુજરાતનાં હરીપુરા ગામમાં રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં સૌથી યુવાન અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા એ વાત તો આપણે જાણીએ છીએ પણ રંગૂન અને બર્લિનમાં આઝાદ હિન્દ સરકારમાં ગુજરાતીઓનું મોટું પ્રદાન હતું. માત્ર આર્થિક ભંડોળમાં નહિ, બંદૂક અને મશીનગન લઈને આરાકાનના જંગલોમાં, ઇરાવદી નદીના કિનારે અને છેક હિંદુસ્તાનના ઇમ્ફાલ સુધી તેઓ લડ્યા હતા!
હીરાબેન બેટાઈ બેટ દ્વારિકાના હતા, પતિ હેમરાજ સાથે રંગૂનમાં ફોજને સમર્પિત થયા. શકુંતલા, રમા મહેતા, પ્રાણજીવનદાસ મહેતાનો પરિવાર, મમતા અને નાથાલાલ દોશી... આટલાં નામોમાં એક ઉમેરો મનસુખલાલનો છે.
કાઠિયાવાડના ક્યા ગામે આ સપૂતને પેદા કર્યો હતો? તેની વિગત પર હજુ અંધારપટ છે, પણ ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા ‘કાળચક્ર’ અધૂરી રહી ગઈ હતી. તેનું એક પાત્ર રંગૂન નિવાસી હતું. મેઘાણીના ચિત્તમાં જરૂર આઝાદ હિન્દ ફોજ હતી. પણ તે પહેલા તેમણે વિદાય લીધી. તે નવલકથા પૂરી થાય તે માટે પડકાર મેં ઝીલ્યો અને 2022માં સંપૂર્ણ નવલકથા પ્રકાશિત થઈ. ગુજરાતી સાહિત્યમાં આ અલગ પ્રકારનો પ્રયાસ છે. તેમાં મનસુખલાલની વીરતાનો પ્રસંગ છે.
જંગલ-વિજય તરીકે યુદ્ધના ઈતિહાસમાં બ્રિટિશરો અને ફ્રેંચ સેના ઓળખાવે છે, તે ક્લોંગ ક્લોંગ ઘાટીમાં 20 માઈલ પહાડીના રસ્તે બ્રિટિશ સેનાને હંફાવનાર, પોતાની પાસેની 13 ગોળીથી સામનો કરીને દુશ્મનોને પીછેહઠ કરાવનાર આ કાઠિયાવાડી બ્રાહ્મણનું નામ ગુજરાતની કોઈ વીરગાથામાં સાંભળવા મળ્યું છે?
હવે એક બંગાળી પણ ગુજરાતમાં ચેતના જગાવીને બ્રિટિશ થાણાઓની માહિતી લેવા પહોંચેલા ક્રાંતિકારની કથા જાણીએ. તેનું નામ તુહીન મુખર્જી. રંગૂનમાં આઝાદ હિન્દ ફોજ સ્થપાઈ ત્યારે ભારતમાં વિવિધ સ્થાનોએ કેટલાક દૂત મોકલવામાં આવ્યા. તેમાં
ડો. પવિત્ર રાણેને લાહોર અને તેની આસપાસના સ્થાનો સોંપવામાં આવ્યા. મહેન્દ્ર સિંહ પંજાબ માટે નક્કી થયા. એક અમૃત સિંહ પણ હતા. એક સબમરીનમાં ગુપ્તવેશે તેઓ આવ્યા હતા.
તુહીન મુખર્જી કરાંચી અને વેરાવળ દ્વારિકા સુધી સમુદ્રમારગે પહોંચ્યો પણ પકડાઈ ગયો. તેના પર એટલું દમન થયું કે તન-મનથી ભાંગી ગયો. ફોજની વ્યૂહરચનાની માહિતી બ્રિટિશરો સુધી ના પહોંચે તે માટે આત્મહત્યા કરી લીધી. પવિત્ર રાય, અમૃત સિંહ, હરિદાસ મિત્ર, યતીશ બાસુ વગેરેને ફાંસી મળી.
નામો બીજાં પણ છે. મગનલાલ એલ. ભટ્ટ અમરેલીના હતા. કોલકાતાથી ચટગાંવ ગયા, માસ્ટર સૂર્યસેન સાથે જલાલાબાદ મુક્તિ જંગમાં સામેલ થયા. 1938માં હરીપુરા કોંગ્રેસમાં ભાગ લીધો અને સુભાષ બાબુના ફોરવર્ડ બ્લોકમાં જોડાયા.
બર્મા જઈને આઝાદ હિન્દ ફોજમાં કેપ્ટન બન્યા. કોહિમા સુધીની રક્તરંજિત લડાઈમાં સામેલ થયા. આઝાદ હિન્દ ફોજનો લાલ કિલ્લામાં મુકદ્દમો ચાલ્યો તેમાં તેમણે મૃત્યુદંડની સજા થઈ, જે પછીથી પાછી ખેંચવામાં આવી. છેલ્લે તેઓ વેરાવળમાં તબીબ તરીકે વ્યવસાય કરતા હતા. તેમની વધુ માહિતી મળતી નથી.
મણિલાલ સુંદરજી (અમરાપર), ડો. મુકુંદરાય વ્યાસ (કોટડા પીઠા, અમરેલી), નર્મદાશંકર જોશી (મોટા આંકડિયા), જમનાદાસ માધવજી મહેતા (કચ્છ), મનુભાઈ ભીમાણી (માંડવી), ચંદ્રકાંત ઠક્કર (તુલા કચ્છ) લીલાબહેન, રમાબહેન, નીલમબહેન ઝાંસી રાની રેજિમેન્ટની સૈનિકાઓ, છગનલાલ પ્રાણજીવન એ વેઠીને ખુમારીનો પરિચય આપનારા સશસ્ત્ર ક્રાંતિકારો હતા, અને ગુજરાતી હતા!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter