એવું લાગ્યું ને કે આ વળી એકબીજાથી સાવ અલગ યુગના અને સ્થાનોના લોકો વચ્ચે વળી શો સંબંધ? મારા મિત્રો, ઇતિહાસની આ જ મજા છે. ના જાણે , કોણ, ક્યાંથી એકબીજાંની સાથે હાથ લંબાવીને કોઈ એક કેડી તરફ હમસફર બને છે!
મહારાષ્ટ્ર વિધાનસભાની યોજાયેલી ચૂટણીમાં બીજા અનેક મુદ્દાની સાથે જે નામો વારંવાર કહેવાયાં તે હતા વીર સાવરકર, શિવાજી મહારાજ અને બાળાસાહેબ ઠાકરે. બાલ ઠાકરેના અનુગામીઓ તો એકબીજાની સામે ચૂટણી લડી રહ્યા હતા અને તેમના ખરા વારસદાર કોણ તેનો દાવો કરી રહ્યા હતા. 1968માં આવું જ “સાચું કોણ?’ એવો વિવાદ બે કોંગ્રેસની વચ્ચે થયો હતો.રાષ્ટ્રવાદી કોંગ્રેસનું 2024નું દ્વંદ્વ પણ તેવું જ રહ્યું. જો લોકશાહીમાં મતદારને ન્યાયાધીશ માનવામાં આવતો હોય તો તેણે ચુકાદો આપી દીધો.
પરંતુ, શિવાજી મહારાજ તો હતા “હિંદવી સામ્રાજ્ય” ના મહાનાયક. તેમની તરફેણ અને વિરુદ્ધમાં ઘણું લખાયું અને બોલાયું. બ્રિટિશ અને વામપંથી ઈતિહાસકારોના અભિપ્રાયો પણ એકતરફી રહ્યા અને જદુનાથ સરકાર જેવા પણ તેમાં ફસાઈ ગયા. જોકે પછીથી તેમણે સ્વીકાર્યું કે મારી પાસે આ મહાનાયકની પર્યાપ્ત સામગ્રી નહોતી એટ્લે ન્યાય આપી શક્યો નહિ.
મહત્વની વાત તો એ છે કે 6 એપ્રિલ, 1627, શક સંવત 1549, વૈશાખ શુક્લ પ્રથમાની ઉત્તર રાતે જન્મેલા શિવાજી આટલાં વર્ષો પછી પણ ભારતીય સમાજમાં જીવંત છે! તેમની વીર કથાઓ,તેમનો મુગલ સામ્રાજ્ય સામેનો ભીષણ જંગ અને વિજય, તેમની રાજ્યવ્યવસ્થા એમનું હિંદવી સામ્રાજ્યનું મહાન સ્વપ્ન ભવ્ય લાગણી જન્માવે છે અને ભારતીય રાજનીતિનો અંદાજ આપે છે.
આમતો કેટલા બધા ખ્યાત મહાનુભાવોએ શિવાજીને બિરદાવયા છે. ગાંધીજી, લોકન્યા તિલક (તેમણે તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામને બળ પૂરું પાડવા શિવાજી ઉત્સવ શરૂ કરાવ્યા હતા) લાલા લાજપત રાય, રામાનંદ ચેટરજી, કે.એફ. નરીમાન, પ્રિન્સ ઓફ વેલ્સ, પ્રા. આલતેકર,સયાજી રાવ ગાયકવાડ, જદુનાથ સરકાર,કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર, ન્યાયમૂર્તિ રાનડે,ચિંતામણિ વૈદ્ય, પંડિત સાતવલેકર, વીર સાવરકર, ભાઈ પરમાનંદ,માં.સ. ગોલવલકર, ડોક્ટર હેડગેવાર ... આ યાદી પણ અધૂરી છે. હોમરૂલ ચળવળ સમયના નેતા બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા પણ તેમાના એક હતા!
શિવાજી પર ઘણું લખાયું છે. તેમાના એક હતા રવીન્દ્રનાથ ટાગોર. તેમના કાવ્યનો અંશ: દૂર કોઈ એક સદીના, અજાણ્યા દિવસે/ અમને તો કેએચબીઆર નથી આજે/ ક્યાં પર્વત શિખરે, એવા ગાઢ જંગલમાં/ હે શિવાજી મહારાજ/ તમારા મનમાં આવ્યો હશે આ વિચાર/ કે વેરવિખેર ભારત ભૂમિને, એક ધર્મના ધ્વજ તળે,/ કરી દઉં એક, અખંડ?
ગુજરાતીમાં સૌ પ્રથમ દળદાર અને સંશોધનાત્મક ગ્રંથ લખાયો હતો જેલમાં. 1930થી સંકલ્પિત હતા વામનરાવ મુકાદમ. દુર્ભાગ્યે આ નામ ભૂંસાઈ ગયું છે કે ભૂંસી નાખવામાં આવ્યું છે. પંચમહાલથી પોતાની સ્વાતંત્ર્ય સંગ્રામની કારકિર્દી શરૂ કરનારા વામનરાવ તત્કાલિન ગુજરાતનાં અગ્રણી હતા. ધારાસણા સત્યાગ્રહ, એની બિસેંટનું હોમરૂલ, હિન્દુ મહાસભા, ગાંધીજી, સરદાર વલ્લભભાઇ, ઇંદુલાલ યાજ્ઞિક, ઠક્કર બાપા સહિતના સૌના તે સાથી રહ્યા. રાજકારણમાં રહ્યા હોત તો ગુજરાતની આગેવાની પૂરી પડી શકે તેવી ક્ષમતા હતી. યરવડા જેલ, નાસિક જેલ, સાબરમતી જેલ, વીસાપુર જેલ, .. બધે સખત મજૂરી સાથેની કેદમાં તેમણે જે ગ્રંથ લખ્યો તે “મહાપ્રતાપી છત્રપતિ શિવાજી.” તેના પ્રકાશનને મુનશીની પ્રસ્તાવના અને ગાંધીજીની શુભેચ્છા મળ્યા હતા. ગોધરામાં બેસીને પ્રકાશિત કરેલો આ ગ્રંથ ઠકકરબાપાને અર્પણ કરાયો હતો. એસી વર્ષે તે દુર્લભ અને અપ્રાપ્ય ગ્રંથ પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કર્યો તે હજુ સુધીનું આધિકારિક અને વિશ્વસનીય શિવાજી-ચરિત્ર છે!
ભારતીય સમાજ અને સાહિત્યનો સમાન તંતુ જ એ છે કે બંગાળમાં બને તેનો પ્રતિસાદ ગુજરાતમાં મળે. શરદબાબુની બંગાલીમાં પ્રતિબંધિત નવલકથા “પથેર દાબી “ (પથનો અધિકાર) સૌ પ્રથમ ગુજરાતીમાં અનુવાદ સાથે પ્રકાશીત થઈ હતી. આનરિક કટોકટીમાં બંગાળમાં પ્રતિબંધિત થયેલી નીરેન્દ્રનાથ ચક્રવર્તીની “ના” કવિતા ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આવી હતી.
... અને શિવાજી જન્મે છે સહયાદ્રીની પર્વતમાળામાં , તેનું હાલરડું ગવાયુ સૌરાષ્ટ્રમાં! 1930માં ઝવેરચંદ મેઘાણીએ “શિવાજીનું હાલરડું “ લખ્યું. તેની શરૂઆત જ કેવી જીવંત ચિત્ર સમાન છે? “આભમાં ઉગેલ ચાંદલો ને, જીજાબાઈને આવ્યાં બાળ, બાળડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે! શિવાજીને નીંદરું ના’વે , માતા જીજાબાઈ ઝુલાવે.. અને પછી એક પછી એક ભવિષ્યની વાણી. “ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી, ફેરવી લેજો આજ, તે દિ” તારે હાથ રેવાની, રાતી બબોળ ભવાની! અને છેલ્લી કડીમાં ભાવિ શિવરાજનો સાક્ષાત્કાર! “સૂઈ લેજે, મારા કેસરી રે! તારી હિંદવાણું જોવે વાટ. જાગી વેલો આવ, બાલુડા, માને હાથ ભેટ બંધાવા, જાગી વે’લો આવજે વીરા, ટીલું માના લોહીનું લેવા, શિવાજીને નિંદરું ના’વે , માતા જીજાબાઈ ઝુલાવે...
વ્યક્તિ વિશેષ તો એક છે, શિવાજી મહારાજ. બે કવિઓ -એક બંગાળથી, બીજો સૌરાષ્ટ્રથી- તેના પર કાવ્ય રચે છે, ને એક સ્વાતંત્ર્ય સેનાની જેલમાં બેસીને તેનું બૃહદ્દ જીવન આલેખે છે. સાહિત્યની અને સંસ્કૃતિની આ તો છે સાર્વભૌમિકતા!