નવલિકાઃ ‘જા, ને લુચ્ચા!’

જસવંત રાઠોડ Wednesday 12th February 2020 06:11 EST
 

‘Let me have one more chilled tin of Oriental Brewery...’ સંધ્યાટાણે અમેરિકાના એટલાન્ટા જેવા ને ગરીબ શહેરની એક નાની હોટેલમાં બારની સેલ્સ ગર્લને ઓર્ડર આપ્યા પછી વિપુલ શાંતિથી એનો બીયર પીતો રહ્યો. એ ખોવાઈ ગયો અમેરિકાની એ નીઓ-કેપિટાલિસ્ટ બજારમાં, વિદેશના મોંઘાદાટ ને ભભકાદાર જીવનમાં, પોતાના વતનમાં રહેલા એના મિત્રો અને સંબંધીઓના અમેરિકા પ્રત્યેના ગાંડા લગાવ અને ભારતીય-અમેરિકન પ્રત્યેના ખોટા માન-મરતબામાં. એને હવે ખબર હતી કે અમેરિકા એટલે જ્યાં અથાક મહેનત પ્રમાણિકતાથી કરવી પડે તેવો દેશ ને કદાચ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી તેવો પણ ઘાટ થાય.
બીયરનું બીજું ટીન ખોલતાં ખોલતાં એની નજર એક મહિલા પર પડી. ભારતીય હતી... ચહેરો ક્યાંક જોયેલા જેવો લાગ્યો. ઊંડી આંખો ને ચાલીસી વટાવી ચૂકેલી અને તરડાવાની શરૂઆત થઈ ગઈ હોય એવી ત્વચા અને વિખરાયેલા ખુલ્લા વાળ. હા, વાળ એના મોહક હતા. કદાચ એ હજુ પણ આકર્ષિત કરી શકે તેવા હતા. ‘શિલ્પી?!’ વિપુલે મનમાં ને મનમાં વિચાર્યું. ના... ના... એ ના હોય. એ તો ના જ હોય કારણ કે શિલ્પીને તો એ ખૂબ જ સારી રીતે જાણતો હતો. એ કોઈ દિવસ અસ્ત-વ્યસ્ત અને આવી મજૂરણ જેવી હાલતમાં હોઇ જ ના શકે. એ મજૂરી કરતી હોય તો પણ ટનાટન હોય અને એની નવા નવા ડ્રેસ પહેરવાની અને તૈયાર થઈને જ ઘરની બહાર નીકળવાની સ્ટાઈલથી વિપુલ ક્યાં અજાણ હતો?
વિપુલ એટલે સાહસની વિપુલતા. એનામાં જેટલી બુદ્ધિક્ષમતા હતી એનાથી બમણી સાહસવૃતિ હતી. બે બીયર પીધા પછી એની એ ક્ષમતાને તો ઉર્જા મળી ગઈ હતી. ‘ચાલને જોઈએ તો ખરા, હવે બીજું શું થશે, ભિખારીને કોણ લૂંટવાનું, ઇન્ડિયન જ છેને, જોઈ લેવાશે’ એમ મનમાં ને મનમાં બબડતા વિપુલ સામેના ટેબલ પર ગયો અને નશાયુક્ત ઇંગ્લિશમાં ચાલુ કર્યું: ‘Excuse me, if I am not wrong, you are from India?’
પેલીએ જોયું ને ધડાધડ: ‘હા વિપ્લા, હું ઈન્ડિયાથી જ છું. શિલ્પા છું. શિલ્પા... શિલ્પી જે તારી સાથે B.Sc.માં હતી.’ એના ટેબલ પર પડેલી પોણા ભાગની વ્હીસ્કીની ખાલી નાની બોટલના નશા, સાહસ અને અવાજમાં દમ હતો. પીધા પછી પણ ઓળખે એ રીઢા હોય, વિપ્લો અચાનક થયેલા પરિચયથી સમસમી ઉઠ્યો. બસ, એની સામે બેસ્યો અને બાર ગર્લને ટહૂક્યો: ‘વન મોર, પ્લીઝ’ આ વખતે ઠંડા થઈ ગયેલા વિપુલ પટેલે ચીલ્ડ જેવા શબ્દ નો ઉપયોગ ટાળ્યો. પેલીએ એનો પેગ જાતે જ બનાવ્યો, અરે વર્ષો પછી મળેલા આ વિપ્લાને ચીયર્સ પણ ના કર્યું. બદલાયેલા મિજાજ અને વ્યક્તિને સમજીને વિપુલભાઈ પણ જેન્ટલમેન બની ગયા. બસ એની સામે બેસીને પીવાનું રાખ્યું. નીરવ શાંતિ, ને વિપ્લો વિચારોના વમળમાં...
પાટણની એ કિલાચંદ દેવચંદ સાયન્સ કૉલેજ, B.Sc.માં ભણતા એ અલ્લડ યુવાન અને મસ્ત મલ્લિકા. ભૂતકાળ દુ:ખદ હોય છે પણ સાલો મજાનો હોય છે. પિસ્તાળીસ વરસના અર્ધ-ચંદ્રાકાર ટાલધારી વિપુલભાઇ એમના ભૂતકાળના વિપ્લા પાસે જતાં રહ્યા. વિપ્લો, કેટલો બિન્દાસ્ત, કેટલો મસ્તીખોર વિદ્યાર્થી... એ ભણવામાં જ નહીં બધામાં... હા, બધામાં અવ્વલ હતો. સારું થયું એ વખતે હાલની જેમ એન્ટી-રોમિયો સ્ક્વોડ કે મહિલા હેલ્પ લાઇન નંબર કે એપ નહોતા નહીં તો વિપ્લો સો ટકા જેલમાં જાત. એની આદત દરેકને જાતિ-ભેદ, લિંગ-ભેદ કે હોદ્દો જોયા વગર ખીજાવાની અને છેડવાની. એક વાર તો એણે એના આચાર્યશ્રીની પણ ઉડાવેલી, પણ સજાથી બચી ગયેલો. સામાન્ય વિદ્યાર્થી કરતાં બધી રીતે એ આગળ હતો. સ્વમાની તો એટલો કે એને ચા ઓફર કર્યા પછી બે વાર કહેવું પડે કે ભાઈ ચા તો પી. મફતનું લેવું નહીં અને લેવા દેવું નહીં એ એનો મૂળ સિદ્ધાંત. એની આ સ્વમાનની લતને કારણે ઘણા એને અભિમાની પણ સમજતા.
શિલ્પા એટલે કે એની શિલ્પી. એનો પરિચય એને યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં થયેલો. પરિચય વખતે થોડીક શાબ્દિક ઝપાઝપી થયેલી પણ પછી એ પરિચય દોસ્તીમાં બદલાયેલો અને હવે તો એ સારા મિત્રો હતા. શિલ્પી સાબરકાંઠાના કોઈ દૂરના ગામથી B. Sc. કરવા પાટણ આવેલી ને ત્યાંની લેડીઝ કોલેજ હોસ્ટેલમાં રહેતી. વિપુલભાઈ તો બાજુના જ ગામથી બસમાં અથડાતાં-કુટાતા લડતા-ઝઘડતા ને છેડ-છાડ કરતાં કરતાં કોલેજ પહોંચતા.
દોસ્તીનું પણ અજબ ગણિત હોય છે. વિપ્લાને વાતવાતમાં ખબર પડેલી કે હોસ્ટેલનું ખાવાનું શિલ્પીને બહુ ફાવતું નથી ત્યારના એ શેફ બની ગયેલા. રોજ સવારે વહેલું ઉઠી જવાનું ને કંઈ ને કંઈક નવું બનાવવાનું ને શિલ્પીને ખવડાવવાનું, પાછું ટણી કરીને. શિલ્પી પણ સમજી ગયેલી કે હવે એના આ આહારના પ્રયોગોથી બચી શકાય તેમ નથી. એક વાર તો કોલેજના પ્રવાસમાં એ એટલું તીખું શાક લઈ આવ્યો કે શિલ્પીને પરસેવો પડી દીધો.
બસ એ જ... B.Sc.નું છેલ્લું વર્ષ ને કોલેજનો પ્રવાસ... એ શિલ્પીની બાજુમાં બેઠેલો... ને એનામાં પ્રણયના પારિજાત ઉગેલા. કહું કે નહીં... હમણાં કે કાલે... એમ કરતાં કરતાં ચાર દિવસનો એનો ‘દમણ’ દર્શનનો પ્રવાસ પૂરી થઈ ગયેલો. હા, પ્રવાસમાં એક ઉપલબ્ધિ થઈ એ કે એને એની બાજુમાં બેસીને એના સતત મહેકતા, આહલાદ્ક, અવિસ્મરણીય, અલૌકિક વાળનો પરમિશન વગરનો સ્પર્શ અને એનો આનંદ મળ્યો. અરે પાછા ફરતા સુરતમાં તો એણે શિલ્પીને એના સિલ્કી વાળની કથા પણ સંભળાવી દીધીને એનું નામકરણ પણ કરી દીધું: ‘a cascade of stream’. શિલ્પીને પણ ગમ્યું. એણે તો શિલ્પીને પણ ‘સિલ્કી શિલ્પી’ કહેવાનું ચાલુ કરી દીધું.
આટલેથી અટકી જાય એને પ્રેમ થોડો કહેવાય! પ્રેમ અને સાહસિકતા કદાચ સમાનાર્થી શબ્દો છે. અઠવાડિયા સુધી વિચાર્યું અને એક દિવસ સાહસી વિપ્લાએ લેબમાં એકલી જ બેઠેલી એની જાનને જઇને સીધું કહી દીધું: ‘શિલ્પી, આઈ લવ યુ...’. પછી શું? શિલ્પીએ ભડકીને કહી દીધું, ‘જા, ને લુચ્ચા...’. બસ એટલું જ. આટલું સાંભળતા સ્વમાની વિપ્લો બગડયો ને બસ ચાલતી પકડી. પાછું વળીને જોયું સુદ્ધાં નહીં.
ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારા આના જેવી હાલત થઈ. બીજે દિવસે વિપ્લો ના દેખાયો. શિલ્પી એકલી બે-ચાર દિવસ આવી અને હવે શું? બન્ને માટે જ જાહેર થયેલું રીડિંગ વેકેશન ને કથા પૂરી.
‘Will you have some whiskey?’ ટીન પૂરો થઇ ગયેલો પણ યાદ નહીં. પીધેલા અને ખોવાયેલા વિપ્લાને વર્ષો પછી મળેલી એની whiskey-lover શિલ્પી એ જગાડયો. ‘Yea... Let me have a peg’. આ વ્હિસ્કી મને કડવી લાગે છે પણ ચાલશે... વાસ્તવિકતાથી કડવું આ દુનિયામાં કદાચ કોઈ ઝેર પણ નથી. ને હવે બન્નેની સામે વાસ્તવિકતા એક વિકરાળ સત્ય બનીને ઊભી હતી. વિપ્લો તો પહેલેથી સાહસિક... શરૂઆત કરી... ‘શિલ્પા? અહિયાં... ને આ હાલતમાં?’
‘Puppets art us, in the game with destiny...’ પીધા પછી સાયન્સવાળા પણ શાયર બની જાય એવું વિપ્લાએ સાંભળ્યુ હતું ને આજે અનુભવ્યું પણ ખરું.
શું કરું યાર... B.Sc. પૂરું થયું ને લગ્ન... ને મારો પતિ USAમાં... સોરી એનું નામ મને ધિક્કારને પાત્ર લાગે છે એટલે નહીં કહું. પછી શું? લગ્નના ચાર વર્ષ પછી અમેરિકા આવી ત્યારે ખબર પડી કે મારા તો ફેક લગ્ન હતા અને મારો પતિ ઓલરેડી કોઈકનો પતિ હતો. મતલબ કે માત્ર છેતરવા માટે કરેલા લગ્ન. હવે શું? વતનમાં જવાય નહીં... કોઈને કહેવાય નહીં... મા-બાપને દુ:ખી કરાય નહીં... બસ એટલું જ... ગેરકાયદે રીતે આ ગરીબોના ગેટોમાં પડી રહેવાનું ને એપલ ફાર્મ પર મજૂરી કરવાની... ને દુ:ખી થઈ જાવ તો એકાદ વ્હિસ્કી પી લેવાની.
‘તારું શું છે? તું પણ મજૂર જેવો જ લાગે છે. અને અહીં કેમ?’ શિલ્પીના સવાલો કણસ્યા. પણ શું થાય જવાબ તો આપવો જ પડે. કંઇ નહીં... તારા જેવું જ પણ થોડુક અલગ... દર્દ એક કાચીન્ડાની જેમ રંગ બદલતું હોય છે. B.Sc. પછી M.Sc. ને પછી બાપાએ જ્યાં ગોઠવ્યું ત્યાં લગ્ન અને પછી USA. પત્ની સાથે પાંચ વર્ષ કાઢ્યા, અહિયાં પી.આર. મળ્યા પણ પત્ની સાથે પ્રેમ ના થયો. સાતમા વર્ષે છૂટાછેડા... અને અમેરિકન કાયદા મુજબ બરબાદ... જે પૈસા ભેગા કર્યા હતા તે ભરણપોષણરૂપે પત્નીને આપી દીધા ને હવે ચીંથરેહાલ... તારી જેમ જ જબ દર્દ બઢતા હૈ તો ચલે આતે હૈ મૈખાને મેં...
હજુ પૂરું નહોતું થયું... વિપ્લાને ઘણી બધી ફરિયાદો હતી... બાપાની... જીવનની... લગ્નની અને ખાસ તો શિલ્પીની... ગુસ્સો હતો... એક દાવાનળ હતો અને વધુમાં પૂરું સાહસિક વિપ્લો આજે પીધેલો હતો... એને શિલ્પીને તું - તારી કરવાનું ચાલુ કર્યું... આ બધું તારે લીધે થયું... શિલ્પી... તું બોગસ નીકળી... તેં મારું જીવન બગાડ્યું... જો એ દિવસે લેબમાં હા પાડી હોત તો..?
શિલ્પી પણ ક્યાં ગાંઠે તેવી હતી. એની આંખોમાં આખે-આખી બોટલનો નશો અને દિલમાં વર્ષોથી સંગ્રહી રાખેલો ગુસ્સો હતો. એણે ચાલુ કર્યું: ‘મેં તને જ્યારે પહેલા વર્ષે જોયો ત્યારે તું મને એક હોંશિયાર વિદ્યાર્થી લાગેલો... પછી દોસ્તી થઈ... અને છેલ્લે દિવસે લેબમાં મને એક ઠોઠ છોકરો લાગ્યો.’
‘સ્વમાનની પૂંછડી...’ શિલ્પીનું છટક્યું. એણે કહ્યું: ‘અરે ગાંડા તેં માત્ર શબ્દો પર જ ધ્યાન આપ્યું... ચહેરો ના જોયો... ના એના ભાવ જોયા... મારો ખોટો ગુસ્સો જોયો પણ સાચો લગાવ કે જે મારા ચહેરા પર વર્તાતો હતો તેને જોવા તું અક્ષમ હતો. ઘણી વાર શબ્દો એ સાચો ભાવ નથી બતાવતા. અરે એક વાર તને ગમતા મારા વાળ પર તો નજર નાખવી’તી. અરે બીજા દિવસે કોલેજમાં દર્શન તો આપવા’તા. નસીબની કઠણાઇ તો જો! પરીક્ષામાં તને સામેથી જ વાત કરીશ એવો ઇરાદો કરતાંની સાથે જ આ અમેરિકાવાળા ગધેડા જોડે નક્કી થઈ ગયેલું.
હવે શું..? સાહસિક વિપ્લાએ એની ‘સિલ્કી શિલ્પી’નો હાથ પકડ્યો અને અમેરિકન સંસ્કારોને ઉલેચવાનો પ્રયત્ન કર્યો ત્યાં શિલ્પી બોલી: ‘જા, ને લુચ્ચા!’ •


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter