પહેલાં ભીંતચિત્ર, પછી શબ્દચિત્ર. થીગડું કે સાચી સદ્દભાવના?

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Tuesday 05th September 2023 11:36 EDT
 
 

ગુજરાતમાં આજકાલ સાંપ્રદાયિક ખેંચતાણના વરવાં દ્રશ્યો દેખાતા રહ્યા છે. એકતા અને સદ્દભાવનાના આગ્રહી વર્ગને તેનાથી આઘાત લાગ્યો. હિન્દુ સમાજ સરવાળે સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, હિન્દુ વિચાર પોતે જ સનાતનની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, અને તેને માટે છેક વેદકાલીન અને પછી આદિ શંકરચાર્યથી સ્વામિ વિવેકનંદ સુધીના ફિલસૂફો, નાનક, મીરા, તિરુવલ્લર, એકનાથ, જ્ઞાનેશ્વર, વલ્લભાચાર્ય, તુલસીદાસ સહિતના અનેકો સાધુ સંતોએ પ્રદાન કર્યું. આપણાં મુખ્ય ગ્રંથો ઉપનિષદ, બ્રાહમણ, સંહિતા, રામાયણ અને મહાભારત તેમજ ભગવદગીતા, સ્તોત્ર, ભજન.... આ બધુ એકત્વની આરાધનાનું સિંચન કરે છે. આને પોતાની રીતે વધુ સરળ અને સહજ બનાવવા સંપ્રદાયો અને સંસ્થાઓ થયા. તેમણે પણ તેવું જ પ્રદાન કર્યું. લોકજીવનનું આ તો મહત્વ છે. પાનબાઈના ભજનમાં વીજળીના ચમકારે મોતીડાં પરોવવાની વાત છે, એક બીજા ભજનમાં “ભક્તિ રે કરવી જેને, રાંક થઈને રેવું...”એવી પંક્તિ છે. આમાં રાંક શબ્દ ગરીબ કે ભિખારી નહિ પણ વિનમ્રતાનો સૂચક છે. નરસિંહ મહેતા વળી અખિલ બ્રહ્માણ્ડમાં એક તું શ્રી હરી નો સ્વર આપે છે.
 મુશ્કેલી ત્યાં પેદા થઈ , જ્યારે કેટલાક સંપ્રદાયો એક વૃક્ષની ડાળી હોવાને બદલે પોતાને જ અલગ વૃક્ષ માનીને બેઠા, અને મુખ્ય વૃક્ષ પર કુહાડી ચલાવવા માંડ્યા. બૌદ્ધ અને જૈન વિચારોથી તેની આંશિક શરૂઆત થઈ અને આદિ શંકરે તેના ખંડન માટે દેશ્ભ્રમણ શરૂ કર્યું. જે સામ્રાજ્યો હતા તેના રાજાઓ મુખ્યત્વે તો હિન્દુ ઉપાસના સાથે સંકળાયેલા રહ્યા. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને કલિંગ વિજય પછીના પશ્ચાતાપની દંતકથા સર્જાઈ. બ્રિટિશરો હિન્દુ ધર્મની એકતાને નષ્ટ કરવાના ખલનાયકો હતા. તેના પાદરી અને વિદ્વાનોએ સાથે મળીને જે કામ કર્યું તેને લીધે ઈશાન ભારતની મોટાભાગની પ્રજા ધર્માંતરિત થઈ તેના ખરાબ પરિણામ આજે પણ ચાલુ છે. વેરિયર એલવિન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાત વિદવાને તો પૂર્વોત્તરની પ્રજા ભારતીય છે જ નહિ તેવું સંશોધન કર્યું તેનો પ્રતિરોધ મરાઠી વિદુષી દુર્ગા ભાગવતે કર્યો હતો.
 પરંતુ અલગાવના મૂળ આપણાં આંતરિક દ્વેષમાં છે. આવડી મોટી વસતિ એટ્લે સંપ્રદાયો પણ એટલાજ. હિન્દુ સહિષ્ણુતા એમ માને છે કે સત્ય એક છે, તેને સૌ પોતાની રીતે વ્યક્ત કરે છે. બીજું સોનેરી ચિંતન છે વસુધૈવ કુટુંબકમનું. ઘર, સમાજ, પ્રદેશ, દેશ અને વિશ્વ આપણો પરિવાર છે એમ શીખવાડવામાં આવે છે. અને તેનાથી આપણાંમાં અસહિષ્ણુતા આવી નહિ. “મનુર્ભવ” એટ્લે કે મનુષ્ય બનો તે વાત મૂળમાં છે. પરંતુ ધીરેધીરે સ્વાર્થ અને અભિમાનની સંકુચિતતાનું ગ્રહણ લાગ્યું. રાજનીતિમાં વોટ બેન્કના ભાગલા પડ્યા એટ્લે જાતિવાદ વકર્યો. દલિત વિરુદ્ધ સવર્ણ જેવા ભાગલા આપણા કારણે પડ્યા. સામ્યવાદે વર્ગવિગ્રહનો પ્રસાર કર્યો. એકની સાથે એક નહિ પણ એકની સામે એક એવી માનસિકતા પેદા કરવામાં આવી. અલગાવ એટલી હદે આવ્યો કે સ્વાધીનતા પણ ખંડિત મળી.
 ધર્મ તો આસ્થાનો વિષય છે, તેમાં એવા વિભાગો વધ્યા અને મૂળ સનાતન વ્યાપક્તાને બદલે પોતાનો સંપ્રદાય જ ઉત્તમ એવી પ્રવૃત્તિ શરૂ થઈ. તેમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ભોગ બન્યા! સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતા દર્શાવતા પુસ્તકોમાં આ દેવી દેવતાઓ પણ સ્વામિનારાયણ સ્થાપક્ના અનુગામી હતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ થી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હતા તેને માટે મોટા મંદિરો દેશ-પરદેશમાં થયા, ત્યાં વ્યાખ્યાનો અને કથાઓ શરૂ થઈ. આવું જ કૈંક સૌરાષ્ટ્રના સારંગપુર મંદિરમાં થયું. આમ તો અહી કષ્ટભંજન હનુમાન જીનું મંદિર છે, સ્વામિનારાયણ પ્રભાવ નીચેના આ મંદિરમાં સેંકડો લોકો પોતાના દુખદર્દો ના નિવારણ માટે “માનતા” માને છે. એકવાર જાતે દર્શન કરવા હું ગયો હતો. મે જોયું કે એક સ્વામિનારાયણ ભગવા વસ્ત્રધારી માનતા માટે આવેલા સ્ત્રી પુરૂષોને ધૂપ દીપ અને ધુમાડા કરતો હતો, સેંકડો લોકો કતારમાં હતા, અને ઠૂઠવાતી ઠંડીમાં સ્ત્રીઓ સ્નાન કરીને , ખુલ્લા વાળે દર્દનાશની આશા સાથે આ કર્મકાંડ કરી રહી હતી!
 આસ્થા જ્યારે અતિરેકમાં બદલાઈ જાય ત્યારે આવી અંધશ્રદ્ધા પેદા થાય છે. કર્મકાંડ ખોટા નથી, તેનો ઉપયોગ ગલત દિશાનો હોય છે. પછી આવા સ્થળોએ લોકોની ભીડ જામે છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ જે તે સંપ્રદાય તેને પોતાના ભક્ત બનાવે છે. બચપણમાં મે જોયું છે કે એક સંપ્રદાય સીવણમાં વપરાતો “શીવ” શબ્દ બોલતી નહિ! કારણ તેનો સંપ્રદાય અલગ હતો!
 આવા અતિરેકની સામે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રચંડપણે લડ્યા અને સત્યાર્થ પ્રકાશની રચના કરી. આર્ય સમાજની સ્થાપના મુંબઈમાં થઈ હતી. આર્ય સમાજે મજબૂત નેતાઓ આપ્યા તે પણ ઇતિહાસ બની ગયો. સુધારક પત્રકાર કરસનદાસ મુળજીએ સત્ય પ્રકાશ સામયિક પ્રકાશિત કરીને સાંપ્રદાયિક દૂષણો અને રીત રિવાજોને પડકાર્યા અને મૂંબઈમાં તેની સામે “મહારાજ લાયબલ કેસ” થયો તેનો બહાદુરીપૂર્વક સામનો કરીને જીત મેળવી હતી.
 સારંગપુરમાં હનુમાનને શિષ્ય સ્થાને બેસાડતા ભીંતચિત્રો અને હનુમાનજીની પ્રતિમાને સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક કરાયેલું જોતાં કેટલાકનો રોષ વ્યક્ત થયો. દશનામી સાધુઓ , વિવિધ સાધુસંતો, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, શારદાપીઠના શંકરાચાર્યજી, અખબારો, સોશિયલ મીડિયા સર્વત્ર વિરોધ વંટોળ ઉઠ્યો.
એક હનુમાન-ભક્તે ગુસ્સાને વ્યક્ત કરવા સારંગપુર જઈને ભીત ચિત્રો પર કાળા પટ્ટા માર્યા એટ્લે પોલીસે પકડી લીધો પણ વાવંટોળ ચાલુ રહ્યો. હવે પ્રશ્ન એ પણ છે કે સંપ્રદાયના પ્રભાવ માટે અગાઉ લખાયેલી જાતજાતની કથાઓ, ચમત્કારોનું શું? ભીંતચ્ત્રો તો ગયા, શબ્દચિત્રોનું શું? વધુ ઘાતક તો એ છે જે દેવી દેવતાઓની વાર્તાઓ કરીને પોતાના દેવ ભગવાનને સર્વોપરી ગણાવે છે. માધવપ્રિય દાસ જેવા સમજદાર સંતે આમાં સુધાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter