બુદ્ધં શરણં ગચ્છામિ

પર્વવિશેષ - બુદ્ધ પૂર્ણિમા ( આ વર્ષે 23 મે)

Tuesday 14th May 2024 09:41 EDT
 
 

સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ સુધીની તેમની સફર સંસારીજીવને મુક્તિના માર્ગે દોરી જનારી છે. વૈભવ-વિલાસમાં જીવનાર રાજકુમાર સિદ્ધાર્થને જ્યારે પહેલી વાર જીવનનાં દુ:ખ, દર્દ અને પરિતાપનો પરિચય થયો તો તેમણે તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું. આ શોધની દિશામાં જ તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ અને તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી.

ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563માં વૈશાખી પૂર્ણિમા (આ વર્ષે 23 મે)ના રોજ લુમ્બિની નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ રાજા શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મ બાદ તેમના માતાનું મૃત્યુ થતાં સિદ્ધાર્થનો ઉછેર તેમના પાલક માતા ગૌતમી દ્વારા થયો હતો, તેથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા.
સિદ્ધાર્થ રાજકુમાર હોવાથી તેમનું બાળપણ ખૂબ જ જાહોજલાલીમાં અને સુખ-સુવિધામાં વીત્યું હતું, પરંતુ તેમના બાળસ્વરૂપનું ઓજસ જોઈને એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મહાન સિદ્ધયોગી, ત્યાગી, જગતને મુક્તિનો માર્ગ ચીંધનાર સત્પુરુષ બનશે. સમય જતાં આ વાત સાચી પડી.

શરૂઆતના સમયમાં તો રાજકુમારે રાજમહેલના વૈભવને ખૂબ સારી રીતે માણ્યો. તેમને શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમીનો અનુભવ ન થાય તે માટે દરેક ઋતુને અનુકૂળ રહે તેવા મહેલ બાંધવામાં આવ્યા હતા. બાળપણથી યુવાની સુધી તેમનું જીવન સુખ-સુવિધાની એવી ઝાકઝમાળમાં વીત્યું હતું કે તેમને જગતનાં દુ:ખ-દર્દનો કોઈ અહેસાસ જ ન હતો. કહેવાય છે કે સિદ્ધાર્થે કિશોરાવસ્થા સુધી તો ‘નથી’ શબ્દ જ નહોતો સાંભળ્યો, કારણ કે તેમને જે પણ વસ્તુની જરૂરિયાત ઊભી થતી તરત જ તે હાજર કરવામાં આવતી. દુ:ખ-દર્દ અને અભાવથી વંચિત સિદ્ધાર્થનું જીવન પરમ સુખનો પર્યાય હતું.

સિદ્ધાર્થનાં લગ્ન 16 વર્ષની વયે યશોધરા સાથે થયાં. તેમને આ લગ્નથી પુત્રરત્ન પણ પ્રાપ્ત થયું. પ્રેમાળ પત્ની અને રાહુલ નામના પુત્ર સાથે જીવન સુંદર રીતે વ્યતીત થઈ રહ્યું હતું, પરંતુ આ સુખ-વૈભવની છોળો વચ્ચે પણ તેમનું મન હવે બેચેન થવા લાગ્યું હતું. તેમને લાગતું હતું કે તેમના જીવનનો ઉદ્દેશ કંઇક જુદો જ છે. પોતે જે જીવી રહ્યા છે અને કરી રહ્યા છે તેનાથી કંઈક જુદું જ તેમને હવે કરવાનું છે. આવી પ્રેરણા તેમને તેમના અંતર આત્મામાંથી મળી રહેતી હતી. આ બધા જ મનોમંથન સાથે તેઓ નગરચર્યા કરવા માટે નીકળ્યા.
દુ:ખ-દર્દ સાથે જેમનો જોજનો સુધી કોઈ નાતો ન હતો તેવા સિદ્ધાર્થે નગરચર્યા દરમિયાન એવી એવી ઘટના જોઈ કે તેમનું હૃદય ભગ્ન થઈ ગયું. સુખની છોળો વચ્ચે જીવનાર સિદ્ધાર્થે જ્યારે દુ:ખની હકીકત જોઈ તો તે અંદરથી હચમચી ઊઠ્યા અને તેમણે આ સુંદર જીવનને દુ:ખ-દર્દમાંથી મુક્તિ અપાવીને શાશ્વત સુખનો માર્ગ શોધવાનું નક્કી કરી લીધું. નગરચર્યા દરમિયાન તેમણે દર્દથી પીડાતો, કણસતો રોગિષ્ઠ, વૃદ્ધ અને પછી મૃત્યુ પામેલો માણસ જોયો.
જીવનમાં આ નક્કર સત્યોને પિછાણીને તેમને આત્મજ્ઞાન થઈ ગયું અને તેમને થયું કે હું જે સુખ ભોગવી રહ્યો છું તેનો અંત પણ આવો જ હશે, તો આ નાશવંત સુખો પાછળ દોડવા કરતાં શાશ્વત આત્મસ્વરૂપને પામી લેવું જોઈએ.
આ ઘટના બાદ તેઓ રાજમહેલ, પત્ની અને બાળકને છોડીને એક ભિક્ષુક બની નીકળી પડ્યા અને અહીં જ તેમની સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની યાત્રા શરૂ થઈ. તેમણે તેમના જીવનનાં 80 વર્ષ આત્મચિંતન અને સાધના-તપમાં પસાર કર્યાં. આઠ દસકાના તપ પછી વૈશાખ પૂર્ણિમા (આ વર્ષે 23 મે)ના દિવસે જ તેમણે કુશીનગરમાં મહાપ્રયાણ કર્યું હતું. ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાનિર્વાણ એક જ દિવસે થયાં હોવાથી પણ બૌદ્ધ ધર્મીમાં આ દિવસનો મહિમા અનન્ય છે.
જીવન પરિવર્તનનું પાવક પર્વ
બૌદ્ધ સાહિત્ય અનુસાર વૈશાખ પૂર્ણિમાનો દિવસ ભગવાન બુદ્ધના દરેક સહયાત્રી, ઘટનાક્રમ અને જીવન પરિવર્તનનો પાવન દિવસ રહ્યો છે. તેમનો જન્મ, જ્ઞાનપ્રાપ્ર્તિ અને નિર્વાણ પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયાં હતાં. તેમના પ્રિય શિષ્ય આનંદ, પત્ની યશોધરા, સારથી ચન્ના અને અશ્વ કટંકની જીવનયાત્રાનો પ્રારંભ કરવા માટે વૈશાખ પૂર્ણિમાએ જ જન્મ્યા હતા. જે પીપળાના વૃક્ષ નીચે સિદ્ધાર્થે કઠોર તપસ્યા કરીને બોધિત્વ પ્રાપ્ત કર્યું હતું તેનું રોપણ પણ વૈશાખ પૂર્ણિમાએ થયું હતું.
અનેક દેશમાં ઉજવાય છે આ પર્વ
ભારત, શ્રીલંકા, ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, મ્યાનમાર, ઈન્ડોનેશિયા સહિત સમગ્ર દુનિયાભરમાં બુદ્ધ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમા એ સૌથી મોટો તહેવાર છે. આ દિવસે અનેક પ્રકારના સમારોહનું આયોજન કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ત્યાંના રીતરિવાજો અને સંસ્કૃતિ અનુસાર ઉત્સવ ઊજવાય છે. જેમ કે,
• દુનિયાભરમાંથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બિહારના બૌદ્ધ ગયા આવે છે અને પ્રાર્થના કરે છે.
• બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓ (ડાળીઓ) પર હાર તથા રંગીન ધજાઓ સજાવવામાં આવે છે. મૂળમાં સુગંધિત પાણી સીંચવામાં આવે છે તથા વૃક્ષની આજુબાજુ દીવા પ્રગટાવવામાં આવે છે.
• આ દિવસે બૌદ્ધધર્મીઓ ઘરોમાં દીવાઓ પ્રગટાવે છે અને ફૂલો દ્વારા ઘરને સજાવે છે. ધર્મગ્રંથોનો પાઠ થાય છે.
• મંદિરો તથા ઘરોમાં અગરબત્તી કરવામાં આવે છે અને તેમની મૂર્તિ પર ફળ-ફૂલ ચઢાવવામાં આવે છે. દીવો પ્રગટાવાય છે.
• ગરીબોને ભોજન કરાવીને વસ્ત્ર ભેટ આપવામાં આવે છે.
• શ્રીલંકામાં આ દિવસ ‘વેસાક’ ઉત્સવ તરીકે ઊજવાય છે. વેસાક એ વૈશાખ શબ્દનો અપભ્રંશ છે.
• દિલ્હી સંગ્રહાલય આ દિવસે બુદ્ધના અસ્થિ બહાર કાઢે છે, જેથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ત્યાં આવીને અસ્થિઓનાં દર્શન કરી પ્રાર્થના કરી શકે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter