પ્રિય સાધક, ધર્મલાભ. પત્ર મળ્યો. આ વખતે તારા એકસાથે બે પત્ર મળ્યા. આ પત્રમાં તારા ભીતરનું સ્વરૂપ પ્રગટ થાય છે. હૃદય વ્યક્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન પત્ર છે. આ સમયનો તબક્કો તારે ભીતર વિશે જાગૃત થઈ જવાનો છે. સાકરનો ટુકડો પાણીમાં નાંખીએ અને પીગળી જાય છે, જળ મધુર બની જાય છે, પણ કાચની લખોટી પાણીમાં નાંખો તો ન એ પીગળે, ન એ જળને મધુર બનાવે. જીવન કેવું બનાવવું છે તે સ્વયં નક્કી કરવાનું હોય છે. સાકરના ટુકડા જેવું કે કાચની લખોટી જેવું!
જીવનના ચંદરવા પર ભક્તિનું ભરત ભરવાનું હોય છે. સંત એકનાથના જીવનને તું જાણે છે? તેમના જીવનમાં આમ બન્યું હતું, દર્શન કરવા જવું છે. ઉંમર પાકટ થઈ ગયેલ, અપાર દારિદ્રય ને ભક્તિથી ભરેલા જ્ઞાની એકનાથ યાત્રાર્થે ચાલી નીકળ્યા. માંડમાંડ ચલાય. અશક્ત દેહ પાસે કોઈ સાધન નહીં. અડધે રસ્તે પહોંચ્યા પછી લાગ્યું કે હવે ચાલી નહીં શકાય. પાછા વળવામાં પણ એટલો જ રસ્તો કાપવાનો હતો, જેટલો આગળ જવામાં કાપવાનો હતો.
એ રસ્તાની બરાબર વચ્ચે બેસી પડ્યા. એમણે પંઢરપુરના સ્વામીને સંબોધીને કહ્યું, ‘ભગવાન, હું સાચો ભક્ત છું માટે તારા દર્શને નીકળ્યો હતો અને અડધે રસ્તે આવ્યો છું. તું ભગવાન પણ સાચો છે તો અડધે રસ્તે દર્શન દેવા આવ, મારા સ્વામી.’ અને એમ કહેવાય છે કે પંઢરપુરના સ્વામીએ સંત એકનાથને ભરજંગલમાં દર્શન આપેલાં અને સંત એકનાથે ત્યાં જ દેહ છોડ્યો હતો.
‘ભક્તિને આધારે હૃદયમાં ભગવાન વસે છે.’
અંતરમાં ભગવાન વસ્યા પછી જીવનની ક્ષુદ્રતા અને મોહ મનનો ઉતરી જાય છે. મોહ ઉતરવા માટે ભક્તિ જેવું શ્રેષ્ઠ અવલંબન બીજું એક પણ નથી.
મનના માર્ગ પર મોહ અને વાસના હંમેશા સાથે સાથે ચાલે છે. વાસના અને પ્રેમની વચમાં અત્યંત ઝીણું અંતર છે. કોઈપણ વ્યક્તિ આ બંનેની વચમાં સમતુલા જાળવી ના શકે તો તેને વાસનાનો ગુમરાહ બનતાં વાર ન લાગે.
સાધક! જો તું સાચોસાચ પ્રેમના રસ્તા પર હોઈશ તો તારું હૃદય કલ્પાંત નહીં કરે. કેમ કે પ્રેમ તો હંમેશા સુખ આપે છે. વાસના હંમેશા દુઃખ આપે છે. પ્રેમમાં અંતે, જો કોઈપણ ખરાબી સર્જાય તો એ સ્વાર્થ જ હોય છે. સ્વાર્થ અને વાસના પ્રેમના અંતે જન્મેલાં કડવાં પરિણામો છે. અને તે માનવીની ભૂલમાંથી જ આવે છે. આ લખું છું ત્યારે આકાશ ખુલ્લું છે. એક પણ વાદળ નથી. સૂર્ય પોતાના તમામ કિરણો સાથે પ્રકાશે છે. કુદરત મ્હોરે ત્યારે ધરતી ખીલે છે એમ અહીં ચોપાસ હરિયાળી વ્યાપી છે. આ બધાની ઉપર એકસાથે અંધકાર ફેલાવી દેવો હોય તો શું જોઈએ ખબર છે? માત્રને માત્ર એક સૂરજ પર સંપૂર્ણ પથરાઈ ગયેલું કાળું ડિબાંગ વાદળું!
સરોવરના જળ શાંત હોય છે. બગલા રમવા નીકળે ત્યારે થોડાક તરંગો સર્જાય છે. હરણ પાણી પીવા આવે ત્યારે જળ હસી ઊઠે છે. ગાય સ્નાન કરવા આવે ત્યારે સરોવર હિલોળા લે છે. આ બધાય ઉપર તોફાન પ્રસરાવી દેવા શું જોઈએ, ખબર છે? માત્ર એક અણસમજુ માણસનો તોફાની પથ્થર! જીવનના ચંદરવા પર ભક્તિનું ભરત ભરવાનું હોય છે. પ્રેમના ટેભાં લેવાના હોય છે. સાધક! અહીં જ એક નાનકડી ભૂલ સર્જાય છે અને જીવન આડા રસ્તે વળી જાય છે. જીવનના ચંદરવા પર એવો માનવ મોહનું ભરત ભરે છે અને વાસનાના ટેભા લે છે. આ ગંભીર ભૂલ છે. ભક્તિ વિના તારું ભલું નથી. હૃદયના તાર પર તું ભક્તિની સિતાર વગાડીશ ત્યારે સુખ તારા ઓવારણાં લેશે. શાંતિ તારી આંગળીએ રમશે. શું તું આવું નથી ઈચ્છતો...?
અને એટલે જ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગ. આ ત્રણમાંથી પરમને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ભક્તિયોગ છે. (ભગવદ્ ગીતા - 12મો અધ્યાય)
કુશળ હશો.