ભગવાન વિશ્વકર્માઃ દેવોના શિલ્પી

વિશ્વકર્મા જયંતી - 22 ફેબ્રુઆરી

Wednesday 14th February 2024 07:48 EST
 
 

ભારતીય કલાઓ પૈકી શિલ્પ - સ્થાપત્યકલા અને શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ભારતીય શિલ્પશાસ્ત્રની વિજ્ઞાનસિદ્ધ બાબતોમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની ભાવના ઓતપ્રોત થયેલી છે. આપણા પ્રાચીન ઋષિ-મુનિઓની રચના - બુદ્ધિની ખૂબી છે કે શિલ્પશાસ્ત્ર જેવા વિષયમાં પણ હિંદુ સંસ્કૃતિના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો કંડારાયા છે. અનેક કળાના અગાધ સમુદ્રરૂપ શિલ્પશાસ્ત્રના મુખ્ય આચાર્ય ભગવાન વિશ્વકર્મા છે. તેમણે શિલ્પશાસ્ત્રના અનેક ગ્રંથ રચેલા. એ ગ્રંથોને આધારે બીજા શિલ્પકારોએ પણ રચેલા અનેક ગ્રંથો મળે છે. સોમપુરા શિલ્પીઓની તો પરંપરા ઊભી થઇ છે.
આપણે અહીં વૈદિક સાહિત્ય, મહાભારત તેમ જ પુરાણો વગેરેમાં નિરૂપિત ભારતવર્ષના જ નહીં, પણ સમગ્ર વિશ્વના આદ્યશિલ્પી ‘વિશ્વકર્મા’નો પરિચય મેળવીએ. મહાભારત-પુરાણોમાં વિશ્વકર્મા દેવનું નિરુપણ ‘દેવોના શિલ્પી’ તરીકે થયું છે. તેમને ધાતા, વિધાતા અને ત્વષ્ટા પણ કહ્યા છે. તેઓ સ્વયંભૂ મન્વન્તરના ‘શિલ્પ પ્રજાપતિ’, ‘સૌરદેવતા’ તેમ જ ‘સર્વદૃષ્ટા પ્રજાપતિ’ પણ કહેવાય છે. ઋગ્વેદના દસમા મંડળમાં એક દેવતા રૂપે વિશ્વકર્માનો નિર્દેશ થયો છે. વિશ્વકર્માનું સ્વરૂપ-વર્ણન પૌરાણિક સાહિત્યમાં નિર્દિષ્ટ ચતુર્ભુજ બ્રહ્મા સાથે મળતું આવે છે. તેઓ બ્રહ્માના દક્ષિણ વક્ષભાગમાંથી ઉત્પન્ન થયા એવી કથા પણ મહાભારતમાં મળે છે.
વિશ્વકર્માના પરિવારની કેટલીક વિગતો ભાગવત વગેરેમાં મળે છે. એમની કૃતિ, રતિ, પ્રાપ્તિ તેમજ નંદા એ ચાર પત્નીઓનો નિર્દેશ થયો છે. એમના પુત્રોનાં નામ મનુચાક્ષુષ, શમ, કામ, હર્ષ વગેરે મળે છે. એમની પુત્રીઓનાં નામ છે: બર્હિષ્મતી, સંજ્ઞા, છાયા અને તિલોત્તમા. એમના વંશજો છેઃ સુથાર, સોની, કુંભાર, દરજી, લુહાર, કડિયા વગેરે.
શિલ્પશાસ્ત્રી વિશ્વકર્માએ દેવોનાં હજારો શિલ્પો બનાવ્યાં. દેવોનાં લગભગ તમામ અસ્ત્ર-શસ્ત્ર- આભૂષણ વગેરે પણ તેમણે બનાવ્યાં. શ્રીવિષ્ણુનું સુદર્શનચક્ર, શિવનું ત્રિશૂળ, ઇન્દ્રનું વજ્ર (દધીચિ ઋષિના હાડકામાંથી), શિવનો રથ વગેરે તેમણે બનાવ્યાં. ‘પદ્મ પુરાણની કથા’ પ્રમાણે, વિશ્વકર્માની કન્યા સંજ્ઞાનાં લગ્ન વિવસ્વાન (સૂર્ય) સાથે થયેલાં. એ સૂર્યના તેજમાંથી તેમણે દેવોનાં અનેકાનેક શસ્ત્રોનું નિર્માણ કર્યું.
આ ઉપરાંત, વિશ્વકર્માએ દેવો વગેરે માટે અનેક નગરીઓનુ નિર્માણ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે સમુદ્રમાં અડતાલીસ કોસ વિસ્તારનું એક દુર્ગમનગર દ્વારિકામાં વિશ્વકર્મા પાસે બનાવડાવ્યું. તે નગરની દરેક વસ્તુમાં વિશ્વકર્માની વાસ્તુશાસ્ત્ર અને શિલ્પકળાની નિપુણતા પ્રગટ થઇ હતી. એમાં શ્રીકૃષ્ણના કલાત્મક મહેલો પણ શોભતા હતા. આવી કથા ભાગવતમાં મળે છે.
દધીચિ ઋષિના હાડકામાંથી વિશ્વકર્માએ ઇન્દ્ર માટે વજ્ર નામનું શસ્ત્ર બનાવ્યું. આ વજ્રથી ઇન્દ્રએ વૃત્રાસુરનો સંહાર કરેલો. ઇન્દ્રલોક પણ વિશ્વકર્માએ બનાવેલો. પાંડવોની વિનંતીથી ભગવાન શ્રીકૃષ્ણે વિશ્વકર્મા દ્વારા હસ્તિનાપુર બંધાવ્યું. રાક્ષસો માટે રાવણની નગરી લંકા પણ વિશ્વકર્માએ બાંધેલી. આવી કથાઓ ભાગવત વગેરે પુરાણોમાં જોવા મળે છે. ગુજરાતના સોમપુરા શિલ્પીઓએ વિશ્વકર્માના શિલ્પશાસ્ત્રને આધારે ગુજરાતમાં અનેક પ્રાસાદો, કીર્તિસ્તંભો, દેવાલયો વગેરેનું નિર્માણ કર્યું છે.
સિદ્ધપુરનો રુદ્રમહાલ, તારંગા ઉપર શ્વેતાંબર જૈન મંદિર, આબુ ઉપર દેલવાડાનાં દેરાં, મોઢેરાનું સૂર્યમંદિર ઇત્યાદિ પ્રાચીન શિલ્પીઓ તેમ જ સોમપુરા-શિલ્પીઓએ બાંધેલાં શિલ્પ-સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. ગુજરાતના ભગવાન સોમનાથ-સોમેશ્વરના ચંદ્રે સોમપુરા-બ્રાહ્મશિલ્પીઓ ઉત્પન્ન કર્યા, એવું સ્કન્દ પુરાણના પ્રભાસખંડમાં નોંધાયું છે. વિધર્મીઓના આક્રમણ અને ખંડન પ્રવૃત્તિને કારણે ગુજરાતના કલાત્મક પ્રાસાદો અને દેવાલયો ખંડિત થયાં છે, શિલ્પકલાને ઘણું સહન કરવું પડ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter