ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા દિન સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો...
1) મહાત્મા ગાંધી 15 ઓગસ્ટ 1947ના રોજ - સ્વતંત્રતા દિને દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા.
2) જ્યારે નક્કી થઈ ગયું કે 15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં લખ્યું હતુંઃ ‘15 ઓગસ્ટ આપણે પહેલો સ્વાધીનતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશીર્વાદ આપો.’
3) ગાંધીજીએ આ પત્રનો જવાબ મોકલાવ્યોઃ ‘જ્યારે કોલકાતામાં હિંદુ-મુસ્લિમ એકબીજાનો જીવ લઈ રહ્યા છે, તેવામાં ઉજવણી કરવા માટે હું કેવી રીતે આવી શકું છું. હું આ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે મારો જીવ આપી દઈશ.’
4) જવાહરલાલ નેહરુએ ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ધ ડેસ્ટિની’ 14 ઓગસ્ટની મધરાત્રિએ વાઇસરોય લોજ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન)થી આપ્યું હતું. ત્યારે નેહરુ વડા પ્રધાન બન્યા ન હતા.
આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું હતું, પરંતુ ગાંધીજી તે રાત્રે નવ વાગ્યે સૂઈ ગયા હતા એટલે તેમણે એ ભાષણ સાંભળ્યું નહોતું.
5) 15 ઓગસ્ટ 1947ના રોજ લોર્ડ માઉન્ટબેટને પોતાની ઓફિસમાં કામ કર્યું. બપોરે નેહરુએ પોતાના પ્રધાનમંડળની યાદી સોંપી અને પછી ઇન્ડિયા ગેટ પાસે પ્રિન્સેસ ગાર્ડનમાં એક સભાને સંબોધન કર્યું.
6) દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડા પ્રધાન લાલ કિલ્લાથી ઝંડો ફરકાવે છે. પરંતુ 15 ઓગસ્ટ 1947ના રોજ એવું થયું ન હતું. લોકસભા સચિવાલયના એક શોધપત્ર પ્રમાણે નેહરુએ 16 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાથી ઝંડો ફરકાવ્યો હતો.
7) ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનના પ્રેસ સેક્રેટરી કેમ્પબેલ જ્હોન્સનના જણાવ્યા પ્રમાણે મિત્ર દેશની સેનાની સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઓગસ્ટના રોજ હતી. આ જ દિવસે ભારતે સ્વતંત્ર થવાનો નિર્ણય લીધો હતો.
8) 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા રેખાનું નિર્ધારણ થયું ન હતું. તેનો નિર્ણય 17 ઓગસ્ટના રોજ રેડક્લિફ લાઇનની ઘોષણાથી થયો.
9) ભારત દેશ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જરૂર થયો હતો, પરંતુ તેનું પોતાનું કોઈ રાષ્ટ્રગાન ન હતું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યું હતું, પરંતુ તે રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું.
10) 15 ઓગસ્ટના રોજ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વતંત્રતા દિવસ છે. સાઉથ કોરિયા જાપાનથી 15ઓગસ્ટ 1945ના રોજ સ્વતંત્ર થયો હતો. બ્રિટનથી બહેરીન 15 ઓગસ્ટ 1971ના રોજ અને કોંગો ફ્રાન્સથી 15 ઓગસ્ટ 1960ના રોજ સ્વતંત્ર થયું હતું.