ભારતની બંધારણસભાનાં 15 નારીરત્નો

પર્વવિશેષ (પ્રજાસત્તાક દિન)

Tuesday 24th January 2023 14:22 EST
 
 

આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ ચૂંટાયેલી બંધારણસભા દ્વારા અપનાવાયું પણ તેનો અમલ 26 જાન્યુઆરી 1950ના દિવસથી થયો, જેને વિશ્વનિવાસી ભારતીયો પ્રજાસત્તાકદિન તરીકે ઊજવે છે. 2 વર્ષ, 11 મહિના ને 17 દિવસની અત્યંત ગહન અને અભ્યાસપૂર્ણ કાર્યવાહી દ્વારા બંધારણનું ઘડતર થયું. બંધારણ સભાના 11 અધિવેશન થયાં ને 185 દિવસ બેઠકો યોજાઈ. બંધારણસભાની કાર્યવાહીના હજારો પાનાના 12 ગ્રંથ છે. બંધારણીય મુસદ્દા સમિતિએ રજૂ કરેલા મુસદ્દામાં 7835 સુધારા રજૂ થયા હતા. જેમાંથી 2423 સુધારા પર ચર્ચા થઈ હતી. જેમાં અનેક સુધારા પર મતદાન પણ થયું હતું. બંધારણસભાની 100 જેટલી કમિટીઓએ 315 કલમનું દુનિયાનું લાંબુ બંધારણ ઘડી કાઢયું હતું, જે એક સમુદ્રમંથન જેવું મોટું કાર્ય હતું. બંધારણસભાની પ્રથમ બેઠકના પ્રારંભિક અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહા હતા ને ત્યારબાદ તેના કાયમી પ્રમુખ તરીકે ડો. રાજેન્દ્ર પ્રસાદ બન્યા હતા.
બંધારણના ઘડતરની વાત આવે ત્યારે આપણે અત્યંત આદર અને ગૌરવપૂર્ણ રીતે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને યાદ કરીએ છીએ. તેના ઘડતરમાં જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને ડો. રાજેન્દ્ર પ્રસાદની ભૂમિકાને યાદ કરાય છે પણ બંધારણસભામાં 389 સભ્યો હતા. બંધારણસભામાં પુરુષ અગ્રણીઓની ભૂમિકાની વત્તી-ઓછી નોંધ લેવાઈ છે પણ 15 જેટલી મહિલા સભ્યોની પણ બંધારણનાં ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
રાજકુમારી અમૃત કૌર અને ગુજરાતના હંસાબહેન મહેતા બંધારણસભાની મહત્ત્વની કમિટીઓનાં પણ સભ્ય હતાં. અન્ય બંધારણસભાના મહિલા સભ્યોમાં અમ્મુ સ્વામીનાથન્, દક્ષિણાની વેલાયુદ્ધ, બેગમ એજાજ રસૂલ, દુર્ગાબાઈ દેશમુખ, કમલા ચૌધરી, લીલા રોય, માલતી ચૌધરી, પૂર્ણિમા બેનરજી, રેણુકારે, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાની, વિજયાલક્ષ્મી પંડિત અને એની માસ્કારેનનો સમાવેશ થાય છે. જેમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, સુચેતા કૃપલાની અને રાજકુમારી અમૃત કૌર જેવાં નામો જાણીતા છે, પણ બાકીના ઓછા જાણીતા છે યા લગભગ આજે કોઈ જાણતું પણ નહીં હોય. હંસાબહેન મહેતા જેવા એક ગુજરાતી મહિલા પણ બંધારણસભાના સભ્ય હતા તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
અમ્મુ સ્વામીનાથન્ બંધારણસભામાં મદ્રાસમાંથી ચૂંટાયા હતા. તેમનો જન્મ કેરળ પાલઘાટ જિલ્લાના અનાકારા ગામમાં થયો હતો. તેમણે 1917માં મદ્રાસમાં એની બેસન્ટ, માલતી પટવર્ધન વગેરે સાથે મહિલાભારત સંઘની સ્થાપના કરી હતી. 1962માં લોકસભાને 1964માં રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેઓ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ તથા સેન્સર બોર્ડના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી હતી.
બીજા સભ્ય દક્ષિણાની વેલાયુદ્ધનો જન્મ 1912માં કોચીનમાં ભોલ્ગારી દ્વિપમાં થયો હતો. દક્ષિણ કોચીન વિસ્તારમાંથી તેઓ કોચીન વિધાન પરિષદમાં પણ નિમાયા હતા. ત્યારબાદ 1946માં બંધારણસભામાં ચૂંટાયા હતા. શોષિતો ને ગરીબોને જીવન સર્મિપત કરનાર તેઓ દલિત મહિલા હતાં.
ત્રીજા સભ્ય બેગમ એજાજ રસૂલ મલારકોટલાના રાજવી પરિવારમાં જન્મ્યાં હતાં. તેઓ બંધારણસભાના એક માત્ર મુસ્લિમ સભ્ય હતા. 1952માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. આઝાદી બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તથા સમાજ કલ્યાણ અને લઘુમતી બાબતોના પ્રધાન પણ બન્યાં હતાં અને પદ્મભૂષણ સન્માન પણ પ્રાપ્ત થયું હતું.
ચોથા સભ્ય દુર્ગાબાઈ દેશમુખ 1901માં રાજ મંદરીમાં જન્મેલાં ને માત્ર 12 વર્ષની વયે અસહકાર આંદોલનમાં જોડાયાં હતાં અને મદ્રાસમાં 1930માં મીઠા સત્યાગ્રહ કર્યો હતો. તેમણે આંધ્ર મહિલા સભાની સ્થાપના કરી હતી. તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડ, રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને મહિલાઓના શિક્ષણની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ બન્યાં હતાં. તેઓ સંસદ તથા યોજના આયોગના પણ સભ્ય રહ્યાં હતાં. તેમને પદ્મવિભૂષણ અને નહેરુ સન્માનથી પુરસ્કૃત કરાયાં હતાં.
પાંચમા સભ્ય ગુજરાતના હંસાબહેન મહેતા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાના પત્ની હતા ને વડોદરામાં 1897માં જન્મ્યાં હતાં. તેમણે ઇંગ્લેન્ડમાં પત્રકારત્વ ને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ સમાજસુધારક, શિક્ષિકા ને લેખક પણ હતાં. તેમણે બાળકો માટે વાર્તાઓ લખીને અનુવાદનું કાર્ય પણ કર્યું. અખિલ ભારતીય મહિલા સંમેલનના અધ્યક્ષ પણ બન્યા હતા.
છઠ્ઠા સભ્ય કમલા ચૌધરી. લખનઉમાં સુખી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના ઉપાધ્યક્ષ ને સંસદસભ્ય પણ બન્યા હતા. તેઓ સારાં લેખક હતાં.
સાતમા સભ્ય લીલા રોય. સન 1900માં આસામમાં જન્મ્યાં હતાં અને મહિલા ઉત્પીડન સમિતિના મંત્રી બન્યાં હતાં. તેમણે 1923માં બંગાળમાં દીપાલી સંઘ અને સ્કૂલોની સ્થાપના કરી હતી અને બંગાળમાં મહિલા કોંગ્રેસની સ્થાપના કરી હતી. સુભાષચંદ્ર બોઝ રચિત મહિલા ઉપસમિતિના પણ સભ્ય હતા. ભારત છોડતાં પહેલાં સુભાષચંદ્રએ પક્ષનો કારોબાર તેમને તથા તેમના પતિને સોંપ્યો હતો. તેમણે બંગાળમાં ભારતીય મહિલા સંઘની સ્થાપના કરી હતી.
આઠમા સભ્ય માલતી ચૌધરીનો જન્મ 1904માં પૂર્વ બંગાળ એટલે કે હાલમાં બાંગ્લાદેશમાં થયો હતો. તેમણે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું ને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નબકૃષ્ણ ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તેમણે ભૂદાન અને ગ્રામદાન આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.
નવમા સભ્ય પૂર્ણિમા બેનરજી. ઉત્તર પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી હતા. ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે ખેડૂતો, ગામડાં, મજૂર સંગઠનોના ક્ષેત્રમાં કામ કર્યું હતું.
દસમા સભ્ય રાજકુમારી અમૃત કૌરનો જન્મ 1889માં ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. તેઓ કપૂરથલાના મહારાજાના પૌત્રી હતા. તેમણે ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે મહિલાઓના સ્વાસ્થ્ય અને રમતગમતના ક્ષેત્રે કામ કર્યું હતું અને ટીબી તથા રક્તપિત્ત સંશોધન સંસ્થાનની સ્થાપના કરી હતી. તેઓ રેડક્રોસ સોસાયટીના બોર્ડમાં પણ અધ્યક્ષ બન્યાં હતાં.
અગિયારમા સભ્ય રેણુકારેએ લંડનમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતીય મહિલાઓના કાનૂની અધિકારોના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ કેન્દ્રીય વિધાનસભા, બંધારણસભા ને માલદામાંથી સંસદના પણ સભ્ય બન્યાં હતાં. બંગાળમાં પ્રધાન પણ બન્યાં હતાં. બંગાળમાં મહિલા સંસ્થાઓનાં સંસ્થાપક પણ હતા.
બારમા સભ્ય સરોજિની નાયડુનો જન્મ 1879માં હૈદરાબાદમાં થયો હતો. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનનારાં પ્રથમ મહિલા હતા અને રાજ્યપાલ પણ બન્યા હતા. તેમણે લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્ર્યની લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ ભારતના બુલબુલના નામે જાણીતા છે.
તેરમા સભ્ય સુચેતા કૃપલાની હરિયાણાના અંબાલામાં 1908માં જન્મ્યાં હતાં. તેમણે કોંગ્રેસમાં મહિલા પાંખની સ્થાપના કરી હતી. સુચેતાને તેમના પત્ની આચાર્ય કૃપલાની બંને બંધારણસભાના સભ્ય હતા. તેઓ સાંસદ તથા ઉ.પ્રદેશમાં મંત્રી અને ત્યારબાદ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
ચૌદમા સભ્ય વિજયાલક્ષ્મી પંડિત. 1900માં અલ્હાબાદમાં જન્મ્યાં હતા અને જવાહરલાલ નેહરુના બહેન હતા. તેઓ આઝાદીની લડતમાં ત્રણ વખત જેલમાં ગયા હતા. તેઓ અલ્હાબાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા હતા. ત્યારબાદ પ્રાંતિક વિધાનસભામાં ચૂંટાયા હતા અને પહેલી વાર 1937માં એક મહિલા કેબિનેટ મંત્રી તરીકે આરોગ્ય મંત્રી બન્યા હતા. આઝાદી બાદ તેઓ ઇંગ્લેન્ડના રાજદૂત બન્યા હતા.
પંદરમા સભ્ય એની માસ્કારેનનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. તે ત્રાવણકોર રાજ્યમાંથી કોંગ્રેસમાં જોડાનાર પહેલાં મહિલા હતા ને તેમણે ત્રાવણકોર આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ બે વાર જેલમાં પણ ગયા હતા. તેઓ કેરળના 1951માં પ્રથમ મહિલા સાંસદ બન્યા હતા.
આમ ભારતના બંધારણના ઘડતરમાં દેશની 15 નારીરત્નોની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter