માધવ ક્યાંય નથી મધુવનમાં

આપણી કવિતાનો અમર વારસો...

- હરીન્દ્ર દવે Wednesday 20th August 2025 06:25 EDT
 
 

મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં અનુવાદો પણ. અભિવ્યક્તિની નજાકત એમની કવિતાના સ્વભાવમાં પણ રહી. ‘ચાલ, વરસાદની મોસમ છે’ સમગ્ર કાવ્યસંગ્રહ.
(જન્મઃ 19-9-1930 • નિધનઃ 29-3-1995)

માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી
પૂછે કદંબ ડાળી,
યાદ તને, બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ,
કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાંઃ
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
 ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં:
માધવ ક્યાંય નથી મધુવનમાં.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter