(ગામડાંગામમાં ચોતરો એટલે અલકમલકની વાતોનું એપીસેન્ટર. ગામના ચોરે મોભીઓની પંચાયત પણ બેસે, ને પંચાત પણ થાય! અબાલવૃદ્ધ સહુ કોઇ અહીં જોવા મળે. ટેણિયામેણિયા તેની રીતે કિલ્લોલ કરતાં હોય તો પરિવારના વડલા જેવા વડીલો અહીં બેઠાં બેઠાં વાતોના પટારાં ખોલતાં જોવા મળે. ગામમાં આવતાં-જતાં સંધાય અહીં હોંકારો કરતાં જાય. આજે ગામડાંગામ ભલે ભાંગી રહ્યાં હોય ને તેનું શહેરીકરણ થઇ રહ્યું હોય, પણ ચોરા જળવાઇ રહ્યા છે - નવા અને આધુનિક સ્વરૂપે. ગામડાંગામના આ ચોરાનું બદલાયેલું નવું અને આધુનિક સ્વરૂપ એટલે વોટ્સએપ...! આજે ‘જગતચોરો’ બની ગયેલાં વોટ્સએપ પર તમને જ્ઞાનગંગા વહેતી જોવા મળશે, રસપ્રદ વાતો પણ વાંચવા-જાણવા મળશે, બે ઘડી મોજ કરાવે તેવી વાતો પણ હશે ને પારકી પંચાત પણ મળશે. આમાંથી કંઇક જાણવા જેવું, વાંચવા જેવું, સમજવા જેવું, મોજ માણવા જેવું અમે સમયાંતરે આપની સમક્ષ આ વિભાગમાં રજૂ કરતાં રહેશું. આશા છે કે ‘ગુજરાત સમાચાર’નો આ નવો વિભાગ આપને પસંદ પડશે. વાચક મિત્રો, આ વિભાગ સંદર્ભે આપના પ્રતિભાવો આવકાર્ય છે. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી)
એક વાર જરૂર વાંચજો... બાળપણની યાદો તાજી થઇ જશે
એક વો ભી દૌર થા, એક યે ભી દૌર હૈ...
• પિક્ચર જોતાં જોતાં શિંગ-રેવડી ખાતાં ત્યારે દુનિયાના એકમાત્ર બેતાજ બાદશાહ હોવાની અનુભૂતિ થતી.
• થિયેટરમાં બીડી પીવાની પણ છૂટ હતી!
• દેશભક્તિનું ગીત આવે તો લોકો સ્ટેજ પર પૈસા ફેંકતાં. બેઠાં હોય તેમાંથી ઊભા થઈને સલામો મારતાં.
• દેવી-દેવતાના દૃશ્યો આવે તો શ્રીફળ ફોડતાં ને કરુણ દૃશ્યો આવે તો બાળાઓ હિબકાં ભરીને રોવા લાગતી.
• હીરો જ્યારે વિલનને મારે ત્યારે યુવાનો ખુરશી ઉપર ઊભા થઈને સિસોટીઓ વગાડતાં.
• ઈન્ટરવલમાં ઠેરીવાળી બોટલની સોડા પીતાં. ઉપર સેંથકનું મીઠું ભભરાવવાનું, ... અને જેમને સોડા ન સદતી હોય તે લેમન પીતાં.
• આઠ આનામાં એક પ્લેટ આઈસ્ક્રીમ ખાધો હોવાનું યાદ છે. કુલ્ફી 10 પૈસામાં મળતી. 20 પૈસામાં રગડા-પેટીસની ફૂલ પ્લેટ મળતી.
• પાંચ પૈસામાં ગોળો મળતો. રેંકડીના મશીન પર રંધો મારી બરફનો ભુક્કો થતો જોવાની મજા પડતી.
• બે હાથની મુઠ્ઠીમાં બરફનો ગોળો બનાવી કાકા ગોળામાં સળી ભરાવી ઉપર લીલા, લાલ, પીળા શરબતનો ફૂવારો મારતાં.
• ગામમાં મોકળાશ હતી ને મન પણ મોકળા હતા, મકાનો નળિયાવાળા હતા ને ઉઘાડા ફળિયાં હતાં.
• ઉનાળામાં ફળિયામાં અને અગાસીમાં ગાદલાં પાથરીને કરોડો તારાઓથી ભરચક આકાશને વિસ્મયથી નિહાળતાં.
• દરેક ઘરમાં ઓસરી હતી. ઓસરીમાં લાકડાના મોભ સાથે બાંધેલાં હિંચકા હતા.
• શેરીમાં અને ઘરમાં મોટેભાગે 40 વોટના બલ્બ બળતાં.
• રસોડામાં પાટલા ઉપર પલાંઠી વાળી જમવા બેસતાં. બા સગડી પર રસોઈ કરતી. શિયાળામાં ચૂલા પર દેગડામાં પાણી ગરમ થતું.
• આઠ વાગ્યે બધા જમી પરવારીને ફળિયામાં ગોઠવાઈ જતાં.
• શેરીના ધૂળિયા રસ્તા પર અનેક રમતો રમતાં છતાં થાકતાં નહીં.
• એકબીજાને ધબ્બાં મારતાં, એકબીજાને ખભે હાથ રાખી ચાલતાં, ત્યારે એ એકબીજાના જીગરજાન હોવાનો પુરાવો ગણાતું.
• એક સાઇકલમાં ત્રણ ભાઈબંધો ચક્કર મારતાં.
• સ્કૂલમાં જેના ખિસ્સામાં પાવલી (25 પૈસા) હોય તે ધનિક ગણાતો.
એક વો ભી જમાના થા, એક યે ભી જમાના હૈ
• પપ્પા કે મમ્મીના પગાર ઓછા હતા, કમાણી ઓછી હતી પણ સામે જરૂરિયાતો ઓછી હતી.
• લોકો સંતોષી હતા અને ખોટા દેખાડા ઓછા હતા.
• મોટેભાગે એકસમાન જીવનસ્તર હતું એટલે ચડસાચડસી નહોતી.
• પાડોશી પાસે પણ સ્કૂટર નહોતાં એટલે આપણને સાયકલ ખટકતી નહીં.
• દિવાળી ઉપર ઘરે દરજી બેસાડતાં ને એક તાકામાંથી બધા ભાઈભાંડું માટે એકસરખા ચટ્ટી-બુશકોટ બનતાં.
• વસ્તારી ઘર હોય તો વાળંદ પણ ઘરે આવતાં.
• ડોકી ઉપર અસ્ત્રો ફરે ત્યારે ગલગલિયાં થતાં.
તે વેળા દુનિયા એક નાનકડાં દાયરામાં સીમિત હતી, પણ એ નાનકડા દાયરામાં આત્મીયતા હતી. સંબંધોમાં કૃત્રિમતા નહોતી, હૂંફ અને ઉષ્મા હતાં. ત્યારે કોઈ એકલું નહોતું, કોઈ એકલવાયા નહોતાં. પૈસા ઓછા હતા, પણ અભાવો ખટકતા નહીં. સુવિધાઓ અંગે ઝાઝી ખબર જ નહોતી, એટલે દુવિધાનું પણ ભાન નહોતું!