વૈશ્વિક ગુજરાતીઓની ખુબીઓ અને ખામીઓ

જીવંત પંથ

- સી.બી. પટેલ Wednesday 02nd August 2023 06:24 EDT
 
 

વડિલો સહિત સહુ વાચક મિત્રો, વિશ્વ પ્રવાસી અને અનુભવજન્ય જ્ઞાનના ભંડાર સમાન, ગુજરાતીઓના હરતાફરતા રાજદૂત જેવા પ્રા. ચંદ્રકાન્ત પટેલ હશે હવે આપણા સૌના આગામી અતિથિ.

દેશવિદેશમાં સતત અડધી સદીથી વિચરણ કરીને તેઓ ગુજરાતીઓના સ્વભાવ, સિદ્ધિઓ, સમસ્યાઓ અને સમૃદ્ધિના પ્રત્યક્ષ અનુભવી છે. અડધી સદીથી તેઓ આના વિશે જુદાં જુદાં દૈનિકો, માસિકો અને સાપ્તાહિકોમાં લખતાં રહ્યાં છે. આપણા ‘ગુજરાત સમાચાર’ના વાચકો એમનાંથી અજાણ નહીં જ હોય. હવે આ બધું શોધવા, ખંખોળવાને બદલે સદેહે આપણી સમક્ષ ઉપસ્થિત થવાના છે. ત્યારે તેમની સાથેની અવારનવાર વાતોમાં રજૂ થયેલા વૈશ્વિક ગુજરાતીઓની વિવિધ જ્ઞાતિઓ અને વ્યક્તિઓના તેમના ઉલ્લેખો અહીં અંશતઃ રજૂ કરતાં આનંદ થાય છે. જોકે, બધા એકસાથે શક્ય નથી.
ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર ગુજરાતીઓ જુદા જુદા જ્ઞાતિસમૂહોમાં વહેંચાયેલા છે. સીતાફળ કે નારંગી ભલે અલગ અલગ પેશીઓમાં વહેંચાયેલાં હોય પણ તેથી એની પેશીઓની મીઠાશ ઘટતી નથી. પેશીઓ ઉપર રહેલું કવચ એ પેશીઓની રક્ષા કરે છે. અંદરની મીઠાશ જાળવવામાં મદદ કરે છે તેમ જ્ઞાતિઓની ઉપર રહેલું ગુજરાતીપણાનું કવચ – ઢાંકણ એ જ્ઞાતિઓને જાળવે છે. આ ઢાંકણને કારણે ગુજરાતીઓ વિશ્વમાં નરવા, સરવા અને ગરવા બન્યા છે.
માણસ જ્યાં જાય ત્યાં એના પરસેવાની ગંધ લઈને જાય છે. આ પરસેવો એની આગવી ઓળખ બને છે તેમ જ્ઞાતિઓનું ય છે.
માણસ વિદેશગમન અને વસવાટ માત્ર શોખને કારણે કરતો નથી. પોતે જ્યાં વસે છે ત્યાં કરતાં અન્ય સ્થળે વધારે સારું, વધારે ચઢિયાતું મેળવવાની ઈચ્છાથી જ એ વતન છોડે છે પછી એ કારણ, ધન, સલામતી, આબોહવા, સગવડ, સરળતા જે હોય તે. આમાંથી જ વિદેશગમન – વિદેશ વસવાટ સર્જાયાં.
ગુજરાતમાંથી વિદેશ જનારી વિવિધ જ્ઞાતિઓ માટે પ્રદેશ વાર જોઈએ તો આવું જ થયું. ચરોતરમાં વસતિના પ્રમાણમાં જમીન ઘટતાં, આવક ઘટતાં વધુ આવકની શોધમાં પાટીદારોએ બહાર જવાની પહેલ કરી. મોટેભાગે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો જુદા જુદા પ્રદેશોમાંથી 19મી સદીના ઉત્તરાર્ધમાં એટલે 1850 પછી જ વિદેશ વસવાટ આરંભાયો અને વધતો ગયો. દક્ષિણ ગુજરાતના પાટીદારો, કોળી પટેલો આ જ કારણે ગયા. આવી જ રીતે જામનગર વિસ્તારના ઓશવાળ વણિકો જે પહેલાં ખેડૂત હતા તે અનિશ્ચિત ચોમાસાં, પથરાળ જમીન અને ભાયાતોના ત્રાસ અને દાદાગીરીથી સારા ભાવિની શોધમાં આરંભે કેન્યા - ટાન્ઝાનિયા ગયા.
કચ્છ – સૌરાષ્ટના ભાટિયા વહાણે ચઢીને મસ્કત પહોંચ્યાં. તેમનાં પહેલાં સિંધમાં નગરઠઠ્ઠા - જે અગાઉ દેવલ બંદરનો વિસ્તાર હતો અને આરબોએ 712માં જીત્યો હતો. ત્યાંથી આરબભૂમિ સાથે તેમનો વ્યવહાર હતો. કચ્છી ભાટિયા અને નગરઠઠ્ઠાના ભાટિયા વચ્ચે રક્તસંબંધ સામાજિક વ્યવહાર હતો. મસ્કત – ઓમાનના શાસક વંશના એક ફાંટાએ ઝાંઝીબારમાં રાજ્ય સ્થાપેલું. કચ્છી ભાટિયાઓ પણ મસ્કતથી આગળ વધીને આ શાસકો સાથે ઝાંઝીબાર પહોંચ્યાં. આમાં જેરામ શિવજી, લધાભા શેઠ જેવા ભાટિયા શેઠ પાસે ઝાંઝીબારના બંદરે આવતાં વહાણો પર લેવાતાં કરનો વાર્ષિક ઈજારો હતો. સુલતાનના રાજદરબારમાં એમની ભારે વગ હતી. ક્યારેક સુલતાનને પૈસા ય ધીરતા.
કચ્છી મેમણ અને બીજા મુસ્લિમો પણ ઝાંઝીબાર પહોંચ્યા અને વસ્યા. ગુલામો, લવિંગ, કોપરાં, તજ અને એ બધાંના વેપાર પર ગુજરાતીઓનો અંકુશ હતો. ઝાંઝીબારથી જ આ ભાટિયા તાન્ઝાનિયાના બીજા પ્રદેશોમાં પહોંચ્યા હતાં. મુસ્લિમ સુલતાનો - શાસકોએ ત્યારે એમના અમલમાં હિંદુ વેપારીઓ જે ગુજરાતી હતા તેમણે વૈષ્ણવ હવેલી બાંધવાની જમીન, હક્ક અને આર્થિક મદદ પણ આપેલી. દુબઈ, મસ્કત, ઝાંઝીબાર અને બીજા આરબ પ્રદેશોમાં ભારતના કોઈ રાજ્યના પીઠબળ વિના માત્ર સારા વર્તન, વેપારી ઉપયોગિતા અને રાજ પરિવારને વફાદારીના કારણે મંદિરો કર્યાં અને ચલાવ્યાં.
દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓમાં પ્રથમ જનાર પોરબંદર વિસ્તારના મુસ્લિમ મેમણ વેપારીઓ હતા જે મોરેશિયસ પહેલાં ગયેલા અને પછી ત્યાંથી જ દક્ષિણ આફ્રિકા ગયેલા. આ છે વસવાટની વાત. બાકી ભાટિયા વેપારી વહાણો છેક કેપટાઉન સુધી જતાં હતાં. વાસ્કો ડી ગામાને ત્યાંના ગુજરાતી - સૌરાષ્ટ્રી ખલાસીએ જ ભારત જવાનો દરિયામાર્ગ બતાવેલો.

મહાત્મા ગાંધીને દાદા અબ્દુલાએ બોલાવ્યા. 1892માં દક્ષિણ આફ્રિકા પહોંચ્યાં. આ પરિવાર અને બીજા મુસ્લિમો ત્યાર પહેલાં 35થી 45 વર્ષ પહેલાં વસ્યા હતા. દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદી નીતિથી દક્ષિણ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓને ગુજરાતમાં દીકરી કે દીકરી પરણાવવાં મુશ્કેલ બનતાં અહીંના ગુજરાતીઓએ જ્ઞાતિબંધન તોડવાની પહેલ કરી. પ્રયત્ન તો એ કરી જોયો કે 1910માં દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતી ધોબીઓએ રાજપૂત સમાજની સ્થાપના કરી. એ નિમિત્તે વારંવાર મળવાનું થાય. અહીંથી જ જ્ઞાતિના યોગ્ય મૂરતિયા મળી રહે એ હેતુ હતો.
પાટીદારોએ ભક્તા, મતિયા, ચરોતરિયા, અને લેઉઆના ભેદ ભૂલીને - ભૂંસીને 1910માં પાટીદાર સમાજ સ્થાપ્યો. જેમાં આ બધાનો સમાવેશ કર્યો. ગુજરાતમાં ઉપરોક્ત પાટીદારો પોતાના અલગ સમાજમાં જ લગ્નસંબંધ બાંધતાં તેને બદલે વિદેશ વસવાટે એ ભેદ ભૂંસ્યા અને લગ્નસંબંધનું વર્તુળ વિસ્તાર્યું. આથી પણ કામ ન થતાં દક્ષિણ આફ્રિકામાં આંતરજ્ઞાતિય લગ્નો વધવા લાગ્યાં. મોચી, પાટીદાર, ધોબી એવા પરસ્પર લગ્નો શરૂ થયાં. વધતાં જ ગયાં અને હવે એવાં લગ્નની નવાઈ નથી રહી. પિતાની અટક સંતાનને વારસામાં મળે તે પૂરતી અટકો ચાલુ છે.
મોઝામ્બિકમાં પાટીદારોની સંખ્યા ખાસ નથી, પણ મુખ્યત્વે લોહાણા છે. વાળંદ છે. અલ્પ સંખ્યામાં બ્રાહ્મણ છે. લોહાણાઓ કરતાંય વધુ સમૃદ્ધિ ત્યાં બ્રાહ્મણ – પંડ્યા પરિવારની છે. અશ્વિન પંડ્યા એ મોઝામ્બિકના પાટનગર મપુટુમાં સૌથી મોટા બિલ્ડર. સૌથી ઊંચા મકાનો બાંધનાર ગુજરાતી. વળી પોતાની પાસે ઘણાં મકાનોની માલિકી. જેમાં જુદા જુદા દેશોને, એમ્બેસીના અધિકારીઓ અને એના વિભાગો માટે મકાનો ભાડે આપનાર અશ્વિન પંડ્યા છે.
પાટનગર મપુટુથી દૂર દરિયો ઓળંગીને 70 કિ.મી. સાલામાંગા ગામમાં શિવમંદિર છે. ગુજરાતીઓ માટે તે યાત્રાધામ બન્યું છે. અતિથિને રહેવા - જમવાની સગવડ મળે છે. આમાં અશ્વિન પંડ્યા અગ્રણી દાતા છે. વળી તેની બાજુમાં 25 વીઘા જેટલી જમીન સરકાર પાસેથી મેળવીને અહીં તેમણે પારિવારિક ગુરુ બિલખાના નાથુરામ શર્માના આશ્રમ જેવો મોટો આશ્રમ બનાવ્યો છે. અતિથિ ગૃહ છે. ખૂબ મોટું - 110 ફૂટ ઊંચા શિખરવાળું ભવ્ય મંદિર બનાવ્યું છે. ભારતનાં મંદિરોમાંય દુર્લભ એવી પૂરા કદની ભારતીય દેવ–દેવીઓની ગ્રેનાઈટની પ્રતિમાઓ છે. દર વર્ષે ગુરુના જન્મદિવસે અહીં સત્સંગ સપ્તાહ યોજીને ભારતમાંથી પૂરું ખર્ચ આપીને વ્યાસપીઠના કથાકાર અને ભજનિકોને બોલાવે છે. વધારામાં આવનાર સૌ દર્શનાર્થીઓને મપુટુથી આવવા-જવા વાહનની વિનામૂલ્યે સગવડ, નાસ્તો અને બે વાર ભોજન અપાય છે. આ મંદિર માટે કે સમગ્ર પરિસર માટે તેમણે કોઈ પાસે દાન ઉઘરાવ્યું, લીધું નથી. કાર્યક્રમો માટે પણ દાન સ્વીકારતા નથી. નજીકના સાલામાંગા ગામને આરે પ્લાન્ટના શુદ્ધ પેયજળની સગવડ તે પોતાના ખર્ચે પૂરી પાડે છે. આમ તેમણે સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન માટે એકલે હાથે ભેખ લીધો છે.

ફ્રાન્સમાં ઠેર ઠેર ગુજરાતીઓ પ્રસર્યાં છે. ઈંગ્લેન્ડ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, સ્વિડન વગેરેમાં ગુજરાતીઓ છે. ઈંગ્લેન્ડના ગુજરાતીઓમાં લોહાણા મોટા ઉદ્યોગપતિ છે. વ્યવસાય વૈવિધ્યમાં માહેર છે. ઈંગ્લેન્ડના ફાર્મસી વ્યવસાયમાં ગુજરાતી પાટીદારો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જેમ અમેરિકામાં હોટેલ, મોટેલ અને ડંકી ડોનટ્સ, મેકડોનાલ્ડ, રેસ્ટોરંટના વ્યવસાયમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે.
વિદેશવાસી ગુજરાતીઓ આજે સક્રાન્તિકાળમાં જીવે છે. જૂની અને નવી પેઢી વચ્ચે ગુજરાતીઓ વિભક્ત છે. નવી પેઢી પશ્ચિમી રંગે રંગાતી જાય છે. આહાર, વસ્ત્ર અને ભાષા અપનાવીને જે તે દેશની વસતિ સાથેના લોકજીવનમાં ભળવા અને સ્વપરંપરાને ખોવા બેઠી છે ત્યારે ગુજરાતી ભાષા જ ગુજરાતીપણાને જીવતું રાખવાનો એકમાત્ર આધાર છે.
ગુજરાતી ભાષા જીવતી રહેવાનું કારણ એ ઘરમાં દાદા-દાદી છે ત્યાં બાળકો ગુજરાતી બોલે છે. બીજું, વૈષ્ણવ સંતો, સ્વામિનારાયણી સંતો વિદેશોમાં પોતાના ભક્તોને મળવા વિચરણ કરતા રહે છે. આ સંતોને લીધે જે તે સંપ્રદાયના વૈષ્ણવ, સ્વામિનારાયણ, શૈવ, શક્તિમંદિરો થયાં. ત્યાં પૂજાપાઠ, સત્સંગ થાય. સંતો ગુજરાતીમાં બોલે - મા બાપ સાથે જતાં બાળકો ગુજરાતી બોલે. મંદિરો ગુજરાતી ભાષાના વર્ગો ચલાવે, શિબિરો યોજે અને બાળકોમાં ગુજરાતી ભાષા આવે અને તે સાથે સંસ્કાર આવે છે.
કેટલાક પરિવારોની ત્રીજી - ચોથી પેઢી વિદેશમાં છે તો ય ધર્મને કારણે બાળકોને રસ પડતાં, મૂળ સાહિત્ય ગુજરાતીમાં હોવાથી બાળકો ગુજરાતી લખતાં-વાંચતાં બોલતાં થયાં. એવા પાટીદાર જૈન ગુજરાતી, પાટીદાર સ્વામિનારાયણ ગુજરાતી કે બીજી કોમોનો તેમનો અમેરિકા, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક વગેરેમાં અનુભવ છે.
વિદેશવાસી ગુજરાતીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેન્યા વગેરે દેશોમાં તેમની શૈક્ષણિક યોગ્યતા, વ્યવસાય, દાન, શાંતિપ્રિય સ્વભાવ વગેરેને કારણે રાજકીય પ્રભાવ ધરાવે છે. ભૂતકાળમાં પણ આ જ કારણે તેમનો વિના શસ્ત્રે કે વિના યુદ્ધે પ્રભાવ હતો.
ચંદ્રકાન્તભાઈ આવી રહ્યા છે ત્યારે તેમના મુખે જ આવી ઘણી વાતો જાણવાની મળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter