વ્હાલમની વાતો...

આપણી કવિતાનો અમર વારસો...

- ભાસ્કર વોરા Wednesday 29th January 2025 09:09 EST
 
 

ભાસ્કર વોરાનો જન્મ ભાવનગરમાં 12 ઓગસ્ટ 1907ના રોજ. રાજકોટમાં આકાશવાણી સાથે સંકળાયેલા. ગીતસંગ્રહ ‘સ્પંદન’ (1955). રેડિયો પર એમનાં ગીતો વિશેષ ગવાતાં.

•••

વ્હાલમની વાતો...

વ્હાલમની વાત કાંઈ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઈ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter