બારમીની બપોરથી જ એક પછી એક અને એકસામટા અહેવાલો મીડિયા પર આવી રહ્યાં હતા, ત્યારથી 16 જૂનની સાંજે અંતિમ વિદાય સુધીની ઘટનાઓને માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો હતો ત્યારે એક વાક્ય જ મનમાં આવતું હતું, ‘સમય સર્વનાશી છે, અને સમય સર્વસ્પર્શી છે.’ આશ્વાસન આપવા માટેનું આ ભારતીય સત્ય અનેક રીતે આ દિવસોમાં – વિમાની દુર્ઘટના અને વિજય રૂપાણી સહિતના ખળભળાવી મૂકે તેવાં મૃત્યુ - માટે પ્રયોજાતું રહ્યું છે. આપણી વચ્ચેથી આમ સાવ અચાનક અને કરુણ રીતે વિદાય લેનારના સ્વજનોને બીજું તો શું કહી શકીએ?
પણ ના. આ દિવસો દરમિયાન, અને પછી પણ એક વાક્ય તેમાં જોડવું જોઈએ. સમય (કહો કે મૃત્યુ) સર્વસ્પર્શી છે, અને સર્વનાશી છે, પણ તે સ્મૃતિને નષ્ટ કરી શકતાં નથી.
જુઓને, વિજયભાઈને માટે મીડિયામાં કેટલાં બધાં સંસ્મરણોની ટોપલી ખુલ્લી થઈ છે? રંગૂનથી રાજકોટ, ગાંધીનગરથી દિલ્હી - પંજાબ - મહારાષ્ટ્રની તેમની જીવન સફર વિશે અનેકની યાદો વ્યક્ત થઈ. હજુ તો બીજા કેટલા બધાના મનના ખૂણે કેવાં અને કેટલાં સ્મરણો પડ્યા છે, જે બહાર નથી આવ્યા. રૂપાણી પરિવારે કે તેમના શુભેચ્છકોએ અને મિત્રોએ આ બધું સંકલિત કરીને પુસ્તક બનાવવું જોઈએ. હમણાં હેમાબહેન આચાર્ય નેવુંથી વધુ વર્ષે સ્વર્ગસ્થ થયાં ત્યારે મનસુખભાઈ માંડવિયાએ તેમના પરિવારને આવું સૂચન કર્યું હતું. સૂર્યકાંતભાઈ આચાર્ય વિષે તો આવો સંસ્મરણ ગ્રંથ થયો જ છે, પણ કેટલા બધાં પુરુષાર્થીઓએ સમાજ જીવનને અને સાર્વજનિક જીવનને માટે કેવું કામ કર્યું હતું તેનો અંદાજ આપતા પ્રકાશનો થવા જોઈએ.
જીવનચરિત્ર અને સંસ્મરણો તેનો એક દ્રઢ પ્રકાર છે. કેટલાક સમાજસેવી વિષે પુસ્તકો થયાં છે, પણ બીજા ઘણા બાકી છે. ભાડવા દરબાર ચંદ્રસિંહજી, તંત્રી પત્રકાર બાબુભાઇ શાહ, ચીમનભાઈ શુક્લ, વજુભાઈ શુકલ, સુબોધ મહેતા, હરિસિંહજી ગોહિલ, બાબુભાઇ વૈદ્ય, જશવંત મહેતા, અરવિંદ મણિયાર, કેશુભાઈ પટેલ, અરવિંદ આચાર્ય, વજુભાઈ વાળા, ડો. પી.વી. દોશી, સનત મહેતા, બળવંતરાય મહેતા, શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, બચુભાઈ રાવત, નીરુબહેન પટેલ, સરદારસિંહ રાણા, રતુભાઈ અદાણી... આવાં તો ઘણા ઘરદેવડાઓ સૌરાષ્ટ્રના છે. સ્મૃતિની સ્થાપના એ તેમનું શ્રાદ્ધ છે.
વિજય રૂપાણીનો તેમાં હવે ઉમેરો થાય છે. રાજકીય જીવનની તેની લાંબી અને સફળ સફર રહી. રંગૂનથી રાજકોટ તેનું શીર્ષક રહ્યું. દરેક કાર્યકર્તાનું ઘડતર કયાંથી શરૂ થાય છે તે જોવાતું હોય છે એવું અમીત શાહ (પોતાના ઉદાહરણ સાથે) કહે છે તે સાચું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનસંઘ, જનતા મોરચો, જનતા પક્ષ, ભારતીય જનતા પક્ષ એવી સીડીનું આરોહણ સહેલું તો નહોતું. કોઈ ગોડ ફાધરનો માથે હાથ મૂકયો કે પરિવારની પરંપરામાં નેતાગીરીની વારસદારી મળી એવું તેમને માટે નહોતું. આ દેશમાં તેવી વારસદારીના કનિષ્ઠ ઉદાહરણો અને પરિણામો આપણે જોયા છે. અહીં તો વિદ્યાર્થી પરિષદનું અવિરત કામ સોંપાયું. અમદાવાદમાં એક સ્કૂટર પર ફરીને સંગઠનનું કામ કરતા વિજય રૂપાણીને સાઠના દશકમાં ઘણાએ જોયા હશે. પાલડીના શ્રીલેખા ભવનમાં કાર્યાલય અને નિવાસ. તેમ સોનામાં સુગંધ ભળી. બક્ષી સાહેબ એટલે હિન્દુત્વ અને સાવરકરને સમર્પિત વ્યક્તિત્વ. માતાપિતાના સંસ્કારો તેની પુત્રીમાં આવ્યા અને વિદ્યાર્થી પરિષદને એક કાર્યકર્ત્રી મળી તે અંજલિ બક્ષી, પછીથી તે શ્રીમતી અંજલિ રૂપાણી બનીને વધુ કર્મઠ કાર્ય કરે છે. અમદાવાદના ખમાસા પાસેના એક નાનકડા સ્વાગત ખંડમાં વિજય રૂપાણી-અંજલિ બક્ષીના લગ્નનો સ્વાગત સમારોહ યોજાયો હતો.
પછી તો ભાદર અને સાબરમતીમાં અનેક પાણી વહી ગયાં. રાજકોટના મેયર. પક્ષના પ્રદેશ પ્રમુખ, મંત્રીમંડળમાં મંત્રી, નિગમોના અધ્યક્ષ, મુખ્યમંત્રી અને પંજાબ સહિત પ્રદેશોના પ્રભારી... દરેકમાં તેમણે ગુણાત્મક કામને મહત્વ આપ્યું. આ ‘ગુણાત્મક’ શબ્દ પર વજન મૂકીને એટલા માટે વિચારવું પડે કે આજે રાજકીય કે સામાજિક હોદ્દાઓનો પાર નથી, તે મેળવવા માટેનો મક્ષિકા-ગણગણાટ પણ છે, ત્યારે સોંપેલા કામને નિષ્ઠાથી ન્યાય આપવો તે સૌથી મહત્વનું લક્ષણ અનિવાર્ય છે. એવું નથી થતું ત્યાં સંસ્થા ભ્રષ્ટાચાર, અહંકાર અને ખટપટનો અખાડો બની જાય છે, થોડા દિવસ તેનો ચળકાટ રહે પણ પછી કટાઈ જાય છે.
આવું ક્યારે ના બને? જ્યારે ‘રાષ્ટ્ર’ને પહેલા ક્રમે રાખવામાં આવે. બીજું, અહંકાર છોડીને દરેક કાર્યકર્તા તેમજ સામાન્ય જન સાથે ભળી જઈને કામ કરવામાં આવે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય તેમના કાર્યકર્તાઓ સાથે વાત કરે ત્યારે પહેલું વાક્ય પ્રયોજતા કે નેતૃત્વ અને કર્તૃત્વ - નેતા અને કાર્યકર્તાની વચ્ચે કોઈ અસમાનતા હોવી જોઈએ નહિ, બંને એકબીજાના પૂરક છે. ત્રીજું, તેને દરેક સમસ્યા વિષે સમજ અને જ્ઞાન હોવા જોઈએ. અને ચોથું દરેક નિર્ણય યોગ્ય અને ઝડપી હોવા જોઈએ. સરકારમાં બેઠા પછી આ બધું અનિવાર્ય બની જાય છે. નિર્ણાયક્તા તેમાં મહત્વનો ભાગ ભજવે છે. વિજયભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં એક પૂર્વ સચિવને મુખ્યમંત્રીના કાર્યક્રમો, ભાષણો, નિવેદનો વગેરે માટે નિયુક્ત કરાયા, પણ ભાઈસાહેબ તો બપોર પછી આવે, ટોળટપ્પા મારે, કેન્ટીનના ચા-નાસ્તો કરે, અને સાંજ પડે નીકળી જાય. કેટલીકવાર તો એવું બન્યું કે મુખ્યમંત્રી જે સમારોહમાં ગયા હોય ત્યાં પ્રવચનની નોંધ કાર્યક્રમ પૂરો થયા પછી આવે! વિજયભાઈએ તેને પ્રેમપૂર્વક છુટ્ટી આપી દીધી.
વિજય રૂપાણી સાંસ્કૃતિક કાર્યોમાં સહજ રીતે સક્રિય રહ્યાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં વધુ પ્રભાવી મ્યુઝિયમ હોવું જોઈએ તેવી સૂચના દિલ્હીથી થઈ તો બીજા જ દિવસે મને ફોન કરીને વિમાનમાં સાથે આવવાનું કહ્યું. અમે ગયા, આખો દિવસ રોકાયા, અને તે કામ વધુ પ્રભાવી બનવડાવ્યું. ગુજરાત સાહિત્ય અકાદમીનું પોતાનું ભવન જોઈએ તેની ફાઇલ અભેરાઈ પર મુકાઇ ગઈ હતી, કોઈએ ધ્યાન જ ખેંચ્યું નહોતું. અધ્યક્ષ તરીકે મેં તેને માટે વિજયભાઈ સાથે ચર્ચા કરી ને તેમણે નિર્ણય લીધો, શિલારોપણ કર્યું. આજે ઉભેલા અકાદમી ભવનનો આરંભ 2022 માં થયો હતો. આઠમા ધોરણ સુધી ગુજરાતી ભાષાનો નિર્ણય તેમણે સાહિત્ય ઉત્સવમાં કર્યો હતો.
કટોકટી દરમિયાન સૌથી નાની વયના વિજય રૂપાણી વડોદરા જેલમાં હતા. બે વોર્ડમાં 300 જેટલા અટકાયતી. સવારે પ્રાર્થના, સાંજે શાખા. રૂપાણી નમસ્તે સદા વત્સલે... ગવડાવે. રોજ ચિંતન- ચર્ચાનો કાર્યક્રમ થાય. મુખ્યમંત્રી બન્યા પછી કેટલાક કાર્યક્રમોમાં તેમણે કહ્યું હતું કે જેલ અમારી પાઠશાળા હતી. વિષ્ણુ પંડયા રશિયન સાહિત્ય અને ઇતિહાસ પર વ્યાખ્યાન આપતા તેમાંથી અમે ઘણું શીખ્યા છીએ.
આ સાંસ્કૃતિક ચેતનાએ તેમને સરકાર, સંગઠન અને સમાજમાં વધુ સંવેદનશીલ રાજકારણી તરીકે સ્થાપિત કર્યા હતા.