સાચા અર્થમાં રામનવમી કેવી રીતે ઊજવાય?

પર્વવિશેષ - 10 એપ્રિલ

હરિભાઇ કોઠારી Wednesday 06th April 2022 06:07 EDT
 
 

મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ કેળવી હતી, પરિણામે રામ પોતે જ પ્રસન્નતાનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યા હતા.

વસુંધરાનો વૈભવ ચરણો પર આવી પડવાની આશા કે વનવાસ માટે જવાની આજ્ઞા, બન્નેનું મૂલ્ય રામની દૃષ્ટિએ સરખું હતું. વાલ્મીકિ કહે છે, ‘રાજ્યાભિષેકને માટે બોલાવવામાં આવ્યા અને વનમાં જવાની આજ્ઞા થઈ - આ બે પરસ્પર વિપરીત પરિસ્થિતિઓમાં પણ મને રામના ચહેરા પર સ્વલ્પમાત્ર વિકાર જોવા મળ્યો નહીં.’
રામની આ અનોખી સમ્યક્ દૃષ્ટિએ જ વાલ્મીકિને રામચરિત્ર લખવા પ્રેર્યા. પોતાનું અમંગલ કરવામાં નિમિત્ત બનનાર પ્રત્યે મંગલ ભાવો રાખનારી રામદૃષ્ટિ અતિ દુર્લભ છે. મંથરાની કાનભંભેરણીના કારણે કૈકૈયીએ દશરથ પાસે વરદાન માગ્યાં; જેના પરિણામે રામને વનવાસ સ્વીકારવો પડ્યો, પરંતુ રામને કૈકેયી પ્રત્યે સ્વલ્પમાત્ર રોષ નથી. વનમાં જતી વખતે તે માતા કૈકેયીને પ્રણામ કરવા જાય છે ત્યારે કહે છે, ‘વનમાં રહીને માત્ર મારી જ કાળજી લેવાની આજ્ઞા તેં મને કરી અને સકલ ભુવનનો ભાર (રાજ્યધુરા) તારા પુત્રના ખભે મૂક્યો. અમારા બન્નેના કાર્યની સુગમતાનો વિચાર કરતાં એમ લાગે છે કે હે મા! તારો મારા તરફ વિશેષ પક્ષપાત છે.’
આપણને કદાચ એમ લાગે કે વનમાં જતી વખતે રામ એવું કહે એ શક્ય છે, કારણ કે વનવાસનાં કષ્ટ હજી વેઠવાનાં બાકી છે; પરંતુ એવું નથી. ૧૪ વર્ષના વનવાસ પછી રામ જ્યારે અયોધ્યામાં પાછા આવે છે ત્યારે પણ મા કૈકેયીને પ્રણામ કરતી વખતના તેમના શબ્દો આપણને તેમની સામે નતમસ્તક બનાવે એવા જ છે. તે કૈકેયીને કહે છે, ‘હે મા! મને વનવાસ આપીને તેં મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે પિતાજીનો સ્નેહ, ભરતનો મહિમા, હનુમાનનું પૌરુષ, સુગ્રીવની મૈત્રી, લક્ષ્મણની ભક્તિ, સીતાનું સત, મારું બાહુબળ અને વેરીઓનો વેરભાવ... આ બધું મને જાણવા મળ્યું. હે મા! તારાં ચરણોનો જ પ્રસાદ છે. મારા વિરહમાં દશરથ પ્રાણ ત્યજે, ભરત મારી અનુપસ્થિતિમાં પોતાને મળેલું રાજ્ય ઠુકરાવી દે, હનુમાન મારા માટે સાગર કૂદી જાય, સુગ્રીવ જાનની બાજી લગાવી દે, લક્ષ્મણ નિદ્રા ત્યાગીને ખડે પગે ઊભો રહે, વેરના મૂર્તિમંત સ્વરૂપ જેવા રાક્ષસોને હણવામાં મારું બાહુબળ સક્ષમ નીવડે - આ બધી વાતોનું જ્ઞાન, જો હું વનમાં ન ગયો હોત તો મને શી રીતે થાત?’
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રસન્ન રહેવાની આ કળા જો આપણે હસ્તગત કરી લઈએ તો આપણું જીવન પણ એક મંગલ કાવ્ય બની રહે. કાંટાની વચ્ચે ખીલતું ગુલાબ આપણને એ જ જીવનસંદેશ આપે છે. આપણી આસપાસ જો કાદવનું નિર્માણ થાય તો સમજી ચાલવું કે ભગવાન આપણને કમળ બનાવવા ધારે છે. આવી મંગળ દૃષ્ટિ આપણને સૃષ્ટિના સૌંદર્યનું દર્શન કરાવે છે તેમ જ આપણા માનસિક કલેશને દૂર કરી આપણા જીવનમાં કાવ્ય પ્રગટાવે છે.
આવી રામદૃષ્ટિ મેળવવા આપણે સતત રામની ઉપાસના કરતાં રહેવું જોઈએ. રામની જીવનદૃષ્ટિ અપનાવવી એ જ તેની સાચી પૂજા છે.
કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ પુરુષ ઉત્તમ શી રીતે બની શકે એ મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે છે.
હું મારી જાતને મનુષ્ય સમજું છું, હું દશરથપુત્ર રામ છું - એમ કહેનાર રામ દેવત્વ શી રીતે પામ્યા એ રામાયણે દર્શાવ્યું છે. વિકારોમાં, વિચારમાં તથા વ્યાવહારિક કાર્યોમાં પણ તેમણે કદી માનવીની મર્યાદા છોડી નથી; તેથી રામ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા. માનવજાત રામને ભગવાન ઠરાવીને તેની કેવળ પૂજા કરતી ન બેસે પણ રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખે એટલા માટે મહર્ષિ વાલ્મીકિએ રામનું ચરિત્રચિત્રણ કર્યું છે.
આપણે રામને નમસ્કાર કરીએ છીએ, પરંતુ આપણા નમસ્કાર રામને પહોંચે છે ખરા? પ્રત્યેકે શાંતિપૂર્વક આ વાતનો વિચાર કરવો જોઈએ. રામના પૂર્ણ સ્વરૂપનું વર્ણન કરતાં ‘રામરક્ષા’નો ઋષિ કહે છે, ‘જેની જમણી બાજુ લક્ષ્મણ છે, ડાબી બાજુ સીતાજી બિરાજે છે, આગળ મારુતિ ઉપસ્થિત છે એવા રઘુનંદન રામને હું નમસ્કાર કરું છું.’
એક શ્લોકનો આ ભાવાર્થ ઘણો જ સૂચક છે. લક્ષ્મણ સમર્પણનું પ્રતીક છે, સીતા સ્નેહનું પ્રતીક છે અને મારુતિ સેવાનું પ્રતીક છે. અર્થાત્ સમર્પણ, સ્નેહ અને સેવાથી યુક્ત થઈને જો આપણે નમસ્કાર કરીએ તો જ આપણા નમસ્કાર રામને સ્વીકાર્ય બને.
લક્ષ્મણે પોતાનું જીવન રામને સમર્પિત કર્યું હતું. લક્ષ્મણનું સમર્પણ એ એક બુદ્ધિમાન મનુષ્યનું સમર્પણ છે. તેથી એમાં એક આગવી સૌરભ છે. મનગમતું કામ તો સૌ કરે, પરંતુ લક્ષ્મણ તો રામની આજ્ઞા થતાં અણગમતું કામ કરવા પણ તૈયાર રહેતો. આ વિશ્વાસથી જ સીતાને જંગલમાં છોડી આવવાનું કામ રામે લક્ષ્મણને સોંપ્યું હતું.
સીતાનું સ્થાન રામના ડાબા પડખે છે અને એ ખૂબ જ સ્વાભાવિક છે. આપણા શરીરમાં આપણું હૃદય ડાબી બાજુએ જ હોય છે. રામ સીતાને પોતાનું હૃદય જ માનતા હતા. રામ કદી સીતાનો ત્યાગ કરી જ શકતા નથી, કારણ કે તે તો રામના હૃદયમાં જ બિરાજમાન હતી. લોકારાધન માટે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો હતો.
રામે અશ્વમેધ (યજ્ઞ) કર્યો ત્યારે ઋષિઓએ રામને ફરી પરણવા કહ્યું, કારણ કે યજમાને યજ્ઞમાં સજોડે બેસવું જોઈએ એવી શાસ્ત્રજ્ઞા છે. ક્ષત્રિય રાજાઓ એ કાળે એક કરતાં વધારે વિવાહ કરે એ શાસ્ત્રસંમત ઘટના હતી. રામના પિતા દશરથને પણ એક કરતાં વધારે પત્નીઓ હતી. આ રીતે યજ્ઞની જરૂરિયાત, ઋષિઓની અનુજ્ઞા, શાસ્ત્રોની સંમતિ તેમ જ ઘરમાં ઉદાહરણ હોવા છતાં રામ બીજી વાર પરણવા તૈયાર થતા નથી. એ વખતે રામે સીતા માટે ઉચ્ચારેલા શબ્દો પ્રત્યેક પતિએ પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવા છે, ‘તું મારી હૃદયસામ્રાજ્ઞી છે, મારા ઘરની દેવતા છે, સ્વપ્નમાં પણ તું જ મારી સખી છે. બીજી પત્ની કરવાના બારામાં નિ:સ્પૃહ મનવાળો હું યજ્ઞમાં તારી પ્રતિમાને જ ધર્મપત્નીનું સ્થાન આપીશ.’
સીતાને પણ રામ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી, કારણ કે સાચો સ્નેહ શિકાયતને ઓળખતો જ નથી. લક્ષ્મણને તે કહે છે કે રામને એટલું જ કહેજો કે જન્મ-જન્માંતરમાં તમે (રામ) જ મને પતિ તરીકે પ્રાપ્ત થજો.
મારુતિ રામની સમક્ષ ઉપસ્થિત છે. સેવકનું સ્થાન સ્વામીનાં ચરણોમાં જ હોવું જોઈએ. રામનું હૃદય જીતી લેનારો દાસ મારુતિ જ રામકૃપાથી વીર મારુતિ બની રાવણને પરાભૂત કરી શકે. ભક્તિરહિત શક્તિથી રાવણ રાક્ષસ બન્યો અને રામની પત્નીને ઉપાડી ગયો; જ્યારે ભક્તિયુક્ત શક્તિથી હનુમાન રામદૂત બન્યો અને સીતાને શોધી લાવ્યો.
આપણે પણ જો લક્ષ્મણની જેમ શબ્દો વગરનું (મૂક) સમર્પણ કરીએ, સીતાની જેમ શિકાયત વગરનો (નિરપેક્ષ) સ્નેહ કરીએ અને મારુતિની જેમ સ્વાર્થ વગરની (નિ:સ્પૃહ) સેવા કરીએ તો રામને ગમીએ, રામદૃષ્ટિ પામી શકીએ.
માનવમાત્રને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા, સાગર જેવા ગંભીર, આકાશ જેવા વિશાળ, હિમાલય જેવા ઉદાત્ત શ્રીરામના જીવનનો વિચાર કરીને તેમના ગુણોને જીવનમાં અપનાવવા તેમ જ એમાંની સાંસ્કૃતિક દૃષ્ટિને સમાજમાં ટકાવી રાખવા કૃતનિશ્ચયી બનીએ તો જ આપણે સાચા અર્થમાં રામનવમી ઊજવી કહેવાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter