સ્વરૂપાતીત શિવજીના આઠ સ્વરૂપો

શિવતત્વના વિવિધ દર્શનઃ પંચવકત્ર અને અષ્ટમૂર્તિ સ્વરૂપોને જાણો

Wednesday 08th February 2023 07:32 EST
 
 

શિવતત્વ તો એકમેવાદ્વિતીય પરાત્પર તત્વ છે. આ શિવતત્વ સ્વરૂપાતીત છે અને છતાં તેમના અનેક સ્વરૂપ પણ છે.

પંચવકત્ર શિવ
શિવજીને પંચવકત્ર ગણવામાં આવે છે. તદનુસાર શિવજીના પાંચ મુખ છે. આ પાંચને શિવજીના પાંચ સ્વરૂપ ગણી શકાય તેમ છે. શિવજીના આ પાંચ મુખ અર્થાત્ પાંચ સ્વરૂપ આ પ્રમાણે છે.
1) સદ્યોજાતઃ પૃથ્વી તત્વમાં વ્યક્ત થયેલું આ શિવમુખ કે શિવસ્વરૂપ છે.
ૐ સદ્યોજાતં પ્રપદ્યામિ
સઘોભતાય વે નમોનમઃ ।
ભવે ભવે નાતિ ભવે ભવસ્વમાત્ર
ભવોદ ભવાય નમઃ ।।

2) વામદેવઃ જલતત્વમાં વ્યક્ત થયેલું આ શિવમુખ કે શિવસ્વરૂપ છે. વામદેવ સ્વરૂપનો મંત્ર આ પ્રમાણે છે.
ૐ વામદેવાય નમો, જયેષ્ઠાય નમઃ
શ્રેષ્ઠાય નમઃ રુદ્રાય નમઃ
કાલાય નમઃ કલવિકરણાય નમો
બલવિકરણાય નમો
બલાય નમો બલપ્રમથનાથ નમઃ
સર્વ ભૂતદમાય નમો
મનોન્મનાય નમઃ ।।

3) અઘોરઃ અગ્નિતત્વમાં વ્યક્ત થયેલું આ શિવમુખ કે શિવસ્વરૂપ છે.
ૐ અઘોરેમ્યોડથ ઘોરેભ્યો ઘોરઘોર તરેભ્યઃ ।
સર્વેભ્ય સર્વ શર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ ।।

4) તત્પુરૂષઃ વાયુતત્વમાં વ્યક્ત થયેલું આ શિવમુખ કે શિવસ્વરૂપ છે.
તત્પુરુષાય વિદ્યહે, મહાદેવાય ધીમહિ ।
તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ।।

5) ઈશાનઃ આકાશ તત્વમાં વ્યક્ત થયેલું આ શિવમુખ કે શિવસ્વરૂપ છે.
ૐ ઈશાનઃ સર્વવિદ્યાનાં ઈશ્વરઃ સર્વભૂતાનાત્ર બ્રહ્માધિપતિ ।
બ્રહ્મણો ધિપતિબ્રહ્મા શિવો મે અસ્તુ સદાશિવોડમ્ ।।

શિવજીની અષ્ટમૂર્તિ
શિવ તો સચરાચર વ્યાપી પરમ તત્વ છે. આ સમગ્ર સૃષ્ટિમાં આઠ તત્વો પ્રધાનતઃ ગણાય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. આ આઠ તત્વોને અધિષ્ઠાનસ્વરૂપ ગણીને શિવજીની અષ્ટમૂર્તિઓ પ્રતિષ્ઠિત છે.

1) ક્ષિતિલિંગ – શિવકાંચી
આ સ્વરૂપનું નામ છે - શવં.
મંત્રઃ ૐ શર્વાય ક્ષિતિમૂર્તયે નમઃ ।।
આ સ્વરૂપ દક્ષિણ ભારતમાં શિવકાંચીમાં પ્રતિષ્ઠિત છે. શિવકાંચીમાં પ્રતિષ્ઠિત આ સ્વરૂપને ‘એકામ્બ્રેશ્વર’ પણ કહે છે. પરંપરા એવી છે કે એકામ્બ્રેશ્વર ક્ષિતિલિંગનો જળથી અભિષેક થતો નથી. ચમેલીના સુગંધીત તેલથી જ અભિષેક થાય છે. ભગવતી પાર્વતીજીએ અહીં શિવજીની ઉપાસના કરી હતી અને તેમણે જ ઉપાસના માટે આ ક્ષિતિલિંગની સ્થાપના કરી હતી. કાંચીપુરમ્ રેલવે સ્ટેશનથી એક-દોઢ કિમી દૂર ‘સર્વતીર્થ’ નામનું સરોવર છે. તેની બાજુમાં આ એકામ્બ્રેશ્વર મંદિર છે.

2) જલતત્વલિંગ – જમ્બુકેશ્વર
આ સ્વરૂપનું નામ છે - ભવ.
મંત્રઃ ૐ ભવાય જલમૂર્તયે નમઃ ।।
આ જમ્બુકેશ્વર આપોલિંગ (જળતત્વલિંગ) ગણાય છે. ત્રિચિનાપલ્લીમાં શ્રીરંગમથી દોઢ કિમી દૂર એક નાના જળપ્રવાહ પર આ જમ્બુકેશ્વરલિંગ પ્રતિષ્ઠિત છે. લિંગમૂર્તિની નીચેથી જળપ્રવાહ ઉપર આવી રહ્યો છે. અહીં જાંબુના વૃક્ષનો ખૂબ મહિમા છે. તેથી આ જળમૂર્તિને જમ્બુકેશ્વર કહેવામાં આવે છે.

3) તેજોલિંગ – અરુણાચલેશ્વર
આ સ્વરૂપનું નામ છે - રૂદ્ર.
મંત્રઃ ૐ રુદ્રાયાગ્નિમૂર્તયે નમઃ ।।
આ સ્થાન અરુણાચલમનું તમિલ નામ તિરુવણ્ણમલૈ છે. અહીં ભગવાન શિવજીનું અગ્નિસ્વરૂપ તેજોલિંગ પ્રતિષ્ઠિત છે. એમ મનાય છે કે ભગવતી પાર્વતીજીએ અહીં આ અરુણાચલમ તીર્થમાં તપશ્ચર્યા કરી હતી. તેમની આ તપશ્ચર્યાના ફળસ્વરૂપે અરુણાચલ પર્વતમાં અગ્નિશિખાના રૂપમાં એક તેજોલિંગનો પ્રાદુર્ભાવ થયો. આ જ તે અગ્નિસ્વરૂપ તેજોલિંગ છે. મહર્ષિ રમણ મહર્ષિની સાધના અહીં થઈ હતી અને વર્તમાનકાળમાં તેમનો આશ્રમ પણ અહીં તિરુવણ્ણમલૈમાં જ છે.

4) વાયુલિંગ – કાલહસ્તિશ્વર
આ સ્વરૂપનું નામ છે - ઉગ્ર.
મંત્રઃ ૐ વાયુમૂર્તયે નમઃ ।।
તિરુપતિ બાલાજીથી થોડે દૂર સ્વર્ણમુખી નદીના કિનારે ભગવાન શિવ ‘શ્રી કાલ હસ્તિશ્વર’ નામથી વાયુલિંગના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. લોકોનો એવો વિશ્વાસ છે કે વાયુના રૂપમાં ભગવાન શિવજી અહીં પ્રતિષ્ઠિત છે. અહીં શિવલિંગ ગોળાકાર નહીં, પરંતુ ચતુષ્કોણાકાર છે. અહીં કણ્ણપ નામના ભક્તે શિવજીને પોતાની બંને આંખો કાઢીને ચડાવી હતી અને એ રીતે શિવજીની અખંડ ભક્તિ પ્રાપ્ત કરી હતી.
એક પણ કથા છે કે અહીં સર્વપ્રથમ એક કરોળિયો, સર્પ અને હાથીએ શિવજીની આરાધના કરી હતી. તેથી આ સ્થાનનું નામ ‘શ્રી કાલ હસ્તિશ્વર’ નિર્ધારિત થયું છે. શ્રી - કરોળિયો, કાલ – સર્પ, હસ્તિ - હાથી. આમ ‘શ્રી કાલ હસ્તિશ્વર’ નામ નિર્ધારિત થયું છે. લોકોની એવી શ્રદ્ધા છે કે અહીં મૃત્યુ પામનાર મૃતાત્માના કાનમાં તારકમંત્ર સંભળાવીને શિવજી તેમને મુક્ત કરી દે છે.

5) આકાશલિંગ – ચિદંબરમ્
આ સ્વરૂપનું નામ છે - ભમ.
મંત્રઃ ૐ ભામાયાકાશમૂર્તયે નમઃ ।।
ચિદંબરમ્ દક્ષિણ ભારતનું પ્રમુખ તીર્થ છે. પંચતત્વ લિંગોમાં ભગવાન શિવજીના આકાશ તત્વમય લિંગ ચિદંબરમમાં પ્રતિષ્ઠિત છે. આ મંદિર કાવેરી નદીના તટ પર એક સુરમ્ય સ્થાન પર સ્થિત છે. આ આકાશલિંગ હોવાથી મૂળ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. એક અન્ય મંદિરમાં તાંડવ નૃત્યકારી ચિદંબરેશ્વરની નટરાજમૂર્તિ પ્રતિષ્ઠિત છે. ચિદંબરમનો અર્થ છે - ચિત્ અર્થાત્ જ્ઞાન અને અંબર અર્થાત આકાશ આમ ચિદંબર એટલે ચિદાકાશ. મંદિરમાં તાંડવ નૃત્ય મુદ્રામાં ભગવાન નટરાજની સુવર્ણમયી મૂર્તિ છે, જે જગપ્રસિદ્ધ છે. નટરાજની જમણી બાજુ એક શ્યામરંગી દીવાલમાં એક યંત્ર ઉત્કીર્ણ છે. તેના પર સુવર્ણમાળાઓ લટકતી હોય છે.

6) સૂર્ય – મૂર્તિ
આ સ્વરૂપનું નામ છે ઈશાન.
મંત્રઃ ૐ ઈશાનાયમ સૂર્યમૂર્તયે નમઃ ।।
ભગવાન સૂર્ય સર્વ સાક્ષી અને પ્રત્યક્ષ દેવ છે. શિવ અને સૂર્ય વચ્ચે કોઈ ભેદ નથી. શાસ્ત્રનું વચન છે - શિવ અને સૂર્ય તત્વઃ એક જ છે. તદનુસાર પ્રત્યેક સૂર્યમંદિર ભગવાન શિવજીની સૂર્યમૂર્તિનું અવબોધક છે.

7) ચંદ્ર – મૂર્તિ
આ સ્વરૂપનું નામ છે - મહાદેવ.
મંત્રઃ ૐ મહાદેવાય સોમમૂર્તયે નમઃ ।।
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સમુદ્રકિનારે ભગવાન સોમનાથનું મંદિર છે. ભગવાન શિવની ચંદ્રમૂર્તિનું સ્વરૂપ છે. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે અહીં પ્રભાસમાં રહીને ચંદ્રમાએ શિવ ઉપાસના કરી છે. તેઓ મહામૃત્યુંજય મંત્રનું દીર્ઘ અનુષ્ઠાન કરે છે. ચંદ્રમાની ઉપાસના - તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને શિવજી તેમની સમક્ષ પ્રગટ થાય છે અને વરદાન આપે છે - ક્ષયરોગમાંથી મુક્તિ! ચંદ્રમા ક્ષય રોગમાંથી મુક્ત થાય છે. અહીં પ્રભાસમાં શિવજીનું જે સ્વરૂપ પ્રતિષ્ઠિત થયું છે તે સ્વરૂપને સોમેશ્વર કે સોમનાથ કહેવામાં આવે છે. તદનુસાર આ સ્વરૂપ ભગવાન શિવની ચંદ્રમૂર્તિનું સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ સ્થાને અનેક વાર આવ્યા છે.

8) યજમાન મૂર્તિ
આ સ્વરૂપનું નામ છે - પશુપતિ.
મંત્રઃ ૐ પશુપતયે યજમાનમૂર્તયે નમઃ ।।
ભગવાન શિવજીની અષ્ટમૂર્તિઓમાં નેપાલના પશુપતિનાથ મહાદેવ યજમાન મૂર્તિનું સ્વરૂપ છે.
બાગમતી નામની એક પવિત્ર નદી છે. આ નદીના દક્ષિણ તટ પર પશુપતિનાથનું પ્રસિદ્ધ મંદિર છે. આ સ્થાન નેપાલના કાઠમંડુ નગરમાં છે.
ભગવતી ગૃહ્યેશ્વરીદેવીનું મંદિર પણ અહીં જ છે. યજમાન મૂર્તિ હોવાથી પશુપતિનાથ લિંગરૂપમાં નથી, પરંતુ માનુષી - વિગ્રહના સ્વરૂપમાં સ્થિત છે. ભગવાન પશુપતિનાથનું આ મંદિર ભવ્ય અને વિશાળ છે. આ મંદિર પેગોડા શૈલીનું મંદિર છે. આ મૂર્તિ પંચમુખી શિવમૂર્તિ છે.

•••

હર હર મહાદેવ

દેવ અનેક પણ તું દેવોનો મહાદેવ
વિષ ભર્યું કંઠમાં રાજી કર્યા સૌ દેવ
દેવ અને દાનવોએ હર્ષનાદ કર્યો હશે
હર હર મહા દેવ, હર હર મહા દેવ
ધસમસ ઉછળતી ગંગા ઉતરી આવી
છોડી જટા આખી ગંગા ઝીલી લીધી
તો ભગીરથ ઋષિ હર્ષથી બોલ્યા હશે
હર હર મહા દેવ હર હર મહા દેવ
તમે દીનદુ:ખીયાનાં દુઃખ હરનારા
ભોળાનાથ ભલું સહુનું કરનારા
બમબમ ભોલે બમબમ ભોલે
હર હર મહા દેવ, હર હર મહા દેવ
શ્રીગણેશનાં તાત, હે શિવ શંકર શંભુ
છે હિમશીલા ને નંદી ઉપર આસન જેનું
કરીએ દર્શન તે પ્રસન્ન મુખ મહાદેવનું
હર હર મહા દેવ, હર હર મહા દેવ
કરે અરજ ‘શશિ’ સહુ શિવ ભક્તોને
આવો આજે જોરજોરથી ગગન ગજાવો
સહુ સાથે બોલો ૐ નમ: પાર્વતી પતયે
હર હર મહાદેવ હર.
- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter