50 વર્ષ અગાઉ - 4 ઓગસ્ટ- યુગાન્ડાના એશિયનો માટેનો દુખદ દિવસ

બરાબર 50 વર્ષ અગાઉ 150 વર્ષો સુધી યુગાન્ડાના વિકાસમાં એશિયન સમુદાયના લોકોએ આપેલું યોગદાન એક જ ઝાટકે ધોવાઇ ગયું હતું

Wednesday 03rd August 2022 05:41 EDT
 
 

કાન્તિ નાગડા એમબીઇ

વિશ્વભરમાં વસેલા યુગાન્ડન એશિયનોના હૃદય પર 4 ઓગસ્ટ 1972નો દિવસ એક વસમી યાદ તરીકે કોતરાઇ ગયો છે. બરાબર 50 વર્ષ અગાઉ 150 વર્ષો સુધી યુગાન્ડાના વિકાસમાં એશિયન સમુદાયના લોકોએ આપેલું યોગદાન એક જ ઝાટકે ધોવાઇ ગયું હતું. યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનો સહિત જેઓ યુગાન્ડનાના નાગરિક ન હોય તેવા 60,000 લોકોને 90 દિવસમાં દેશ છોડી જવા ફતવો જાહેર કર્યો હતો. આ લોકોને તેમના જન્મના દેશ, મિત્રતાઓ, સંબંધો ઉપરાંત પોતાના નિવાસસ્થાન અને યુગાન્ડાના અર્થતંત્રના કરોડરજ્જૂ સમાન વેપારધંધાઓની સ્થાપના માટે કરેલા અથાક પ્રયાસોને પડતાં મૂકી દેશનિકાલ થવાનો આદેશ અપાયો હતો.

યુગાન્ડામાં એશિયનોની વંશીય કત્લેઆમ એશિયનો અને મુખ્યત્વે ભારતીયો પ્રત્યેની નફરતના વાતાવરણમાં આચરાઇ હતી. આ અંધાધૂંધીભર્યા સમયમાં ઘણા યુગાન્ડન એશિયનોની નૃશંસ હત્યા કરાઇ હતી. કત્લેઆમમાંથી બચી ગયાં તેમને પોતાની સંપત્તિ અને વેપારધંધા ગુમાવવા પડ્યાં હતાં. તેમની સંપત્તિઓ જપ્ત કરાઇ હતી. તેમની સંપત્તિઓ લૂટી લેવાઇ હતી. તેમની બચતો ચોરી જવાઇ હતી અને બેન્કમાંથી તેમની બચતો છીનવી લેવાઇ હતી. ઇદી અમીનના સૈનિકો એશિયનો પર બેફામ હિંસા આચરી રહ્યાં હતાં. ઘણી મહિલાઓ તેમના બળાત્કારનો ભોગ બની હતી. તેઓ એશિયનો પર ક્રુરતાથી તૂટી પડતાં હતાં.

મને આજે પણ મારા બે મિત્રો હસુ મસરાની અને મોતી બાલી સાથેની મેકિન્ડ્યે જેલની મુલાકાત યાદ છે. અમે માબાલેના કાંતિ શાહને જેલમાંથી છોડાવવા ગયા હતા. ઘણા યુગાન્ડન એશિયનોને નાની કોટડીઓમાં પશુઓની જેમ ગોંધી રખાયા હતા. અમે તેમાંના એક જ કેદીને મુક્ત કરાવી શક્યાં હતાં પરંતુ પાછળથી મને જાણવા મળ્યું કે તેમાંના ઘણાની હત્યા કરી નંખાઇ હતી. મારા એક મિત્ર હર્ષદ પટેલને ગળાફાંસો આપીને ઝાડ પર લટકાવી દેવાયો હતો અને તેને સંખ્યાબંધ ગોળી મરાઇ હતી. આવી તો અનેક ઘટનાઓની નોંધ જ લેવાઇ નહોતી.

આ પીડા અને યાતનામાંથી પસાર થનારો હું એકલો નહોતો. તેથી હું મારા સાથી યુગાન્ડન એશિયનોને આપણા તમામ માટે અત્યંત દુખદાયી એવી 4 ઓગસ્ટને ક્યારેય ન ભૂલવા અપીલ કરું છું. આ દિવસને યાદ રાખો અને જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યાં તેમને સહાનુભૂતિ આપો.

4 ઓગસ્ટ 1972ના રોજ પ્રમુખ ઇદી અમીને યુગાન્ડન ટેલિવિઝન, રેડિયો યુગાન્ડા અને વર્લ્ડ પ્રેસ પરથી જાહેરાત કરી કે બ્રિટને એશિયન મૂળના બ્રિટિશ નાગરિકોની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ. તેણે સંખ્યા વધારીને કહ્યું કે યુગાન્ડામાં 80,000 બ્રિટિશ પાસપોર્ટધારકો છે. તેણે એશિયનો પર ભ્રષ્ટાચાર આચરીને યુગાન્ડના અર્થતંત્રને નુકસાન કરવાનો આરોપ મૂક્યો હતો. તેણે એશિયનોને 8 નવેમ્બર 1972 સુધીમાં 3 મહિનામાં યુગાન્ડા છોડી જવાનો આદેશ આપ્યો હતો. 15 દિવસ બાદ તેણે તેમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પણ સામેલ કર્યાં હતાં. ઇદી અમીનના આ ફતવાને ભારત સહિત વિશ્વભરના દેશોએ વખોડી કાઢ્યો હતો.

શરૂઆતમાં તો એશિયન સમુદાયના લોકોએ આ મામલાને ઇદી અમીનના એક સ્વપ્ન તરીકે મજાકમાં લીધો હતો પરંતુ યુગાન્ડાના સૈનિકો દ્વારા અત્યાચારો શરૂ કરાતાં તેમને સાચી સ્થિતિ સમજાઇ હતી. ઇદી અમીને એશિયન સમુદાયના લોકો દ્વારા તેમના બિઝનેસના વેચાણ અથવા ટ્રાન્સફર પર પણ રોક લગાવી દીધી હતી. તત્કાલિન ભારત સરકારે ઇદી  અમીનને ભયાનક પરિણામોની ચેતવણી આપી હતી પરંતુ જેમ બનતું આવ્યું છે તેમ ભારતસરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નહોતી અને અમીને ભારતની ચેતવણી સામે આંખ આડા કાન કર્યા હતા. ભારત સરકારે યુગાન્ડા સાથેના રાજદ્વારી સંબંધો જારી રાખ્યા હતા અને યુગાન્ડાના ભારતીયોના આર્થિક સહાય કરવા અથવા તો તેમના પુનર્વસનમાં કોઇ મદદ કરી નહોતી.

એશિયન આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ઇદી અમીનને મળ્યું હતું પરંતુ તેનો નિર્ણય બદલાવવામાં નિષ્ફળ રહ્યું હતું. યુગાન્ડામાં વસતા 80,000 એશિયનો પૈકીના 27,200 બ્રિટન આવ્યા હતા જ્યારે 6000 મુખ્યત્વે ઇસ્માઇલી ખોજા કેનેડા અને 4500 ભારત હયા હતા. 2500 એશિયનો કેન્યા, મલાવી અને પાકિસ્તાન જ્યારે 1000 અમેરિકા પહોંચ્યા હતા. 1000 લોકોએ જર્મનીમાં રાજ્યાશ્રય લીધો હતો જ્યારે કેટલાક લોકો ન્યૂઝિલેન્ડ, મોરિશિયસ, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને સ્વીડન પહોંચ્યા હતા. બહુ થોડા લોકો યુગાન્ડામાં જ રહ્યાં હતાં.

યુગાન્ડામાં ભારતીયો

1894થી 1962ની વચ્ચે બ્રિટિશરો દ્વારા દક્ષિણ એશિયન લોકોને વેપાર અને શાસનમાં બ્રિટિશરો અને અશ્વેત આફ્રિકનો વચ્ચે બફર ઝોન તરીકે યુગાન્ડામાં જાણીજોઇને લવાયાં હતાં. આ પહેલાં 1890ના દાયકામાં 32000 બ્રિટિશ ઇન્ડિયન્સને ઇસ્ટ આફ્રિકન રેલવેના નિર્માણ માટે ઇસ્ટ આફ્રિકા લઇ જવાયાં હતાં. રેલવે લાઇનનું કામ પુરુ થયા બાદ મોટાભાગના ભારતીયો વતન પરત ફર્યાં હતાં પરંતુ તેમાંના 6724 યુગાન્ડામાં જ રહી ગયાં હતાં. બ્રિટિશરોએ મૂળ અશ્વેત યુગાન્ડનની સામે પ્રાથમિકતા આપીને એશિયન લઘુમતી સમુદાયો માટે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી. 1970 સુધીમાં યુગાન્ડાની વસતીમાં ફક્ત એક ટકાનો હિસ્સો ધરાવતા હોવા છતાં ઘણા એશિયનો બેંકિંગ સેક્ટરમાં કામ કરતા હતા. 1962માં યુગાન્ડા સ્વતંત્ર થયા પછી પ્રમુખ મિલ્ટન ઓબોટેની સરકારે સ્થાનિક આફ્રિકન તરફી અને એશિયનો વિરોધી નીતિઓ અપનાવી હતી.

1960ના દાયકામાં ઇઝરાયેલે ઇદી અમીન સહિત યુગાન્ડાની સેનાને તાલીમમાં મદદ કરી હતી. ઇદી અમીન સેનાના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત થયા ત્યારે તેઓ ઇઝરાયેલીઓ માટે ઓપરેશન ચલાવતા અને દક્ષિણ સુદાનમાં બળવાખોરોને શસ્ત્ર સરંજામ પહોંચાડતા હતા. ઓબોટેની ઇન્ટેલિજન્સ એજન્સીએ ઇદી અમીનના આ કારનામાઓ અંગે માહિતી આપી ત્યારે પ્રમુખે ઇદી અમીનને 1970માં બરતરફ કરી દીધો હતો. 25 જાન્યુઆરી 1971ના રોજ રેડિયો યુગાન્ડાએ જાહેરાત કરી હતી કે ઇદી અમીન દાદા ઓબોટેને હટાવીને દેશના નવા પ્રમુખ બન્યા છે. ઘણા લોકોને શંકા હતી કે આ બળવા પાછળ બ્રિટનનો હાથ છે પરંતુ તેની પાછળ મુખ્ય ભેજુ ઇઝરાયેલનું હતું. ઇદી અમીનને ઇઝરાયેલના સંરક્ષણ રાજદૂત કર્નલ બાર લેવ દ્વારા સલાહ અપાતી હતી.

ઇદી અમીને એશિયનો વિરુદ્ધ લોકોને ભડકાવવા દુકાવાલા શબ્દ શરૂ કર્યો હતો. જેઓ પોતાના પરિવારોનું જ ધ્યાન રાખે છે અને સર્વોપરિતાની લાગણીથી પીડાય છે. તેણે એશિયનોને અપાયેલી નાગરિકતાની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી હતી. યુગાન્ડામાં એશિયન લોકોની વસતી ગણતરી કરાવ્યા બાદ 7 અને 8 ડિસેમ્બર 1971ના રોજ તેણે ભારતીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેણે એશિયનો અને આફ્રિકનો વચ્ચે પ્રવર્તતી ખાઇ ઘટાડવાની સુફિયાણી વાતો કરી હતી. તેણે એશિયનો પર બિનવફાદારી અને વેપારધંધામાં ગેરરિતીઓના આરોપો મૂક્યા હતા. આખરે 4 ઓગસ્ટ 1972ના રોજ તેણે એશિયનોને 90 દિવસમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter