વૈશ્વિક વ્યવસાયનો પથારોઃ કિરીટભાઈ શાહ

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Friday 29th March 2019 04:50 EDT
 
 

એશિયન રાષ્ટ્રોમાં ક્યારેય જેના પર વિદેશી શાસન ના રહ્યું હોય તેવા દેશોમાં એક જાપાન અને બીજું થાઈલેન્ડ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજનું મથક બેંગકોક એ થાઈલેન્ડનું પાટનગર. બેંગકોકમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ ફોજના શીખ સૈનિકોમાંના હજારો કાયમ માટે અહીં વસ્યા. તેમના વંશજો હાલ પૂરા થાઈ બનીને સમૃદ્ધિમાં રાચે છે. કચ્છી જૈન દેવજી ખેતશીના વંશજ કિરીટભાઈ શાહ બેંગકોકના સમૃદ્ધ ભારતીયોમાં ટોચે છે. દેવજી ખેતશી ૧૮૬૮માં રંગૂનમાં વસીને ચોખાના વેપારી બન્યા. ૧૯૬૩ સુધી તેમના દીકરા ગાંગજી ત્યાં હતા. બીજી પુત્ર શિવજીએ ૧૯૧૮માં બેંગકોકમાં ઓફિસ શરૂ કરી. આજે બેંગકોકના ગુજરાતીઓમાં સૌથી જૂની પેઢી દેવજી ખેતશી શાહની પેઢી છે. દેવજીના દીકરા ચીમનલાલ ૧૯૨૬માં બેંગકોકમાં જન્મ્યા. તેમના મરણ પછી પુત્ર કિરીટભાઈએ ધંધો સંભાળ્યો. કિરીટભાઈએ માત્ર ટ્રેડિંગના પરંપરાગત વ્યવસાયને બદલે ધંધાનો બહુમુખી વિકાસ કર્યો.

૧૯૫૩માં જન્મેલા કિરીટભાઈ ભાતભાતના ધંધા કરે છે. દુનિયાના ૪૨ દેશોમાં તેમની ઓફિસો છે. જે દેશમાં જેનું ઉત્પાદન થાય તે મોટા જથ્થામાં ખરીદે અને જ્યાં એની જરૂર છે તેવા દેશમાં સીધેસીધું મોકલી દે. ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપે તેથી જે તે દેશમાં ઉત્પાદનવૃદ્ધિ થાય. માલની અછત હોય ત્યાં પહોંચાડે તેથી તે દેશના લોકોની સગવડો સચવાય. રશિયન સામ્યવાદી શાસનથી છૂટા પડેલા ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન વગેરે દેશોમાં ય તેમની ઓફિસો છે.
વૈશ્વિક ધંધાના કારણે એમના કર્મચારીઓને વારંવાર વિદેશ જવું પડે માટે અંબિકા ટુર એજન્સી નામની કંપનીનું સંચાલન પત્ની અંજુબહેન કરે છે. વધારામાં પોતાના અંગત ઉપયોગ માટે તે ત્રણ નાનાં વિમાનની માલિકી ધરાવે છે. ચાર્ટર પ્લેન તરીકે તેને ભાડે પણ આપે છે. આ માટે તેમનો ૫૦ જણનો સ્ટાફ છે. પ્રેશિયસ શિપિંગ કંપનીના તે માલિક છે. તેના ૫૪ જેટલાં જહાજ છે. આ જહાજો કિરીટભાઈના માલનું પરિવહન કરે છે. છતાંય બીજા સંખ્યાબંધ જહાજો ભાડે રાખે ત્યારે જ પહોંચી વળે છે. આ બધા માટે ખલાસી, મિકેનિક, સુથાર, લુહાર વગેરે સંખ્યાબંધ રાખે છે.
કિરીટભાઈનો વેપાર પણ ભાતભાતનો. પૂર્વ એશિયાના દેશોના ચોખા યુરોપ અને પશ્ચિમ એશિયાને પહોંચાડે. ઈન્ડોનેશિયા, મોરેશ્યસ વગેરેમાંથી ખાંડ ખરીદે. મલયેશિયા, ફિલિપાઈન, ઈન્ડોનેશિયાથી પામ ઓઈલ ખરીદે. નાઈજિરિયા અને બીજા આફ્રિકન દેશોમાંથી કઠોળ ખરીદે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી ઘઉં ખરીદે.
તેમનો વેપાર કે ચીજવસ્તુની ખરીદી કોઈ દેશ કે માલ પૂરતાં સીમિત નથી. ક્યારેક લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, જસત વગેરેનો ભંગાર ખરીદે, ક્યારેક હજારો ટન પ્લાસ્ટિકનો ભંગ લે તો ભંગાર વહાણો ખરીદીને તોડાવે. આવી જ રીતે લોખંડ, કોલસા, મેંગેનિઝ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હજારો ટન ખરીદે.
કિરીટભાઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાંથી હજારો ઘેટાં ખરીદીને આરબ દેશોના કતલખાનાંનેય વેચે છે! વેપાર એટલે વેપાર!
બેંગકોકમાં ટોચની હોટેલ અમારી એટ્રિયમમાં ૬૦૦ રૂમ અને ૬૦૦ કર્મચારી છે. માલિક છે કિરીટભાઈ શાહ. તેને કારણે પ્રવાસી નગર બેંગકોકમાં વિદેશી હૂંડિયામણની મોટી આવક થાય છે. તેમની પાસે ૨૦૦ એપાર્ટમેન્ટ છે. તેમાંના કેટલાકમાં તેમના જ કર્મચારીઓ રહે છે તો બીજા ભાડે આપેલા છે. આવા એપાર્ટમેન્ટ બાંધવા અને જાળવવા એમની પોતાની કન્સ્ટ્રક્શન કંપની છે. આ કંપની માટે જરૂરી હાર્ડવેર, લોખંડ, સિમેન્ટ વગેરેમાં તેમનો મોટો વેપાર છે. પોતાના માટે વાપરે અને બીજાનેય વેચે. તેમને પોતાને ઓફિસો, એપાર્ટમેન્ટ્સ, જહાજો બધા માટે પંખા, એરકંડિશનર, ફ્રીઝ વગેરેનો તેમનો વેપાર છે. ઓફિસ ફર્નિચરની ય દુકાન ધરાવે છે. આ ઉપરાંત બધા માટે તેમને ત્યાં પગારદાર મિકેનિક, ઈલેક્ટ્રિશ્યન, સુથાર વગેરે છે. મેગા લાઈફ સાયન્સિસ નામની તેમની દવા ઉત્પાદક કંપની થાઈલેન્ડમાં અગ્રણી છે.
ખાણઉદ્યોગમાં ઝંપલાવનાર તેઓ એકમાત્ર ગુજરાતી થાઈ ઉદ્યોગપતિ છે. ઓમાન, સંયુક્ત આરબ અમિરાતમાં તેમની પાસે ઘણા ચોરસ માઈલના વિસ્તાર લાઈમસ્ટોનના વિસ્તારની લીઝ છે. ઉપરાંત થાઈલેન્ડમાં પણ તે આવા ભાડાપટ્ટા ધરાવે છે. ભારતમાં વર્ષે ૧૦ લાખ ટન લાઈમસ્ટોનની તે નિકાસ કરે છે. ઓમાન અને સંયુક્ત આરબ અમિરાતની પેદાશ એ ત્યાં રસ્તા બનાવવામાં આપે છે.
સ્પષ્ટ વક્તા, બોલ્યા વિના મદદગાર અને સાહસિક સૂઝવાળા કિરીટભાઈ થાઈલેન્ડમાં ગુજરાતની શોભા અને ગૌરવ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter