સ્વાતંત્ર્ય દિન વિશેષઃ ૬૮ વર્ષ પહેલાંની ૧૫મી ઓગસ્ટ

Saturday 15th August 2015 07:12 EDT
 
 

વિશ્વભરમાં વસતાં ભારતીયો આજે, ૧૫ ઓગસ્ટે ઉમંગ-ઉલ્લાસભેર દેશનો ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે. આપણે સહુ દેશની સ્વાતંત્ર્ય ચળવળ વિશે તો ઘણુંબધું જાણીએ છીએ, પરંતુ દસકાઓના સંઘર્ષ, લાખો લોકોના બલિદાન પછી આવેલા આ ઐતિહાસિક દિને દેશમાં, પાટનગર દિલ્હીમાં શું બન્યું હતું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ક્યાં હતા અને અડધી રાત્રે આઝાદી મળવા પાછળ ક્યું કારણ જવાબદાર હતું તે વિશે બહુ ઓછા લોકો જાણીએ છીએ. ૬૮ વર્ષ પુરાણા ફ્લેશબેક પર એક નજર...

ઉત્સવનો માહોલઃ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશના તમામ નાના-મોટા નગરો, શહેરોમાં લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા. દેશભક્તિના ગીતો લલકારતા, ‘જય હિન્દ’ના ગગનભેદી નારા પોકારી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન જેવા રાષ્ટ્રીય સ્થળોએ લાખો લોકો એકત્ર થયા હતા.

રાષ્ટ્રપિતા ક્યાં હતા?ઃ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતનો બૂંગીયો પીટનારા અને સમગ્ર આઝાદી જંગને નેતૃત્વ આપનારા ગાંધીબાપુ આ આખો દિવસ કોઈ પણ ઊજવણીમાં સામેલ નહોતા થયા. તેઓ પશ્ચિમ બંગાળના બેલિયાઘાટમાં એક ઘરની અંદર હતા. એ દિવસે સૌથી પહેલાં તેમણે બ્રિટનમાં રહેતા મિત્ર અગાથા હેરિસનને પત્ર લખ્યો અને દેશની આઝાદી મળી એ બદલ ઈશ્વરનો આભાર માન્યો. તેમણે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને બાળકોને મળ્યા હતા.

નિર્ણય બહુ વહેલો થયો હતોઃ હકીકતે ભારતને આઝાદ કરવાનો નિર્ણય ૨૬મી ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ લેવાઈ ગયો હતો. બ્રિટિશ સરકારે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને સ્વતંત્ર કરી દેવાશે. આ માટે લોર્ડ માઉન્ટબેટનને વાઈસરોય બનાવાયા હતા. તેઓ ભારતને બ્રિટનની ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત કરી ભારતને સત્તાની સોંપણી કરે એવું નક્કી થયું હતું.

પહેલી મિટિંગઃ ૧૪મી ઓગસ્ટના રોજ આઝાદીની જાહેરાત થતાં જ સ્વાતંત્ર્ય મિટિંગ બોલાવાઈ હતી, જેની અધ્યક્ષતા ડો. રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. દિલ્હીમાં રાત્રે ૧૧ વાગ્યે બોલાવાયેલી આ બેઠકનો આરંભ ક્રિપલાનીએ ‘વંદે માતરમ્...’ ગીતથી કર્યો હતો.

દિવસનો પ્રારંભઃ ૧૫મી ઓગસ્ટના રોજ સવારે સાડા આઠ વાગ્યે વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને હાલના રાષ્ટ્રપતિ ભવનના સેન્ટ્રલ હોલમાં (અત્યારના દરબાર હોલ)માં નવી સરકારને શપથ લેવડાવ્યા હતા.

એક વર્ષ વહેલી આઝાદીઃ લોર્ડ માઉન્ટબેટનને જૂન ૧૯૪૮ સુધી ભારતને આઝાદ કરવાનું કહેવાયું હતું, પણ એ એટલું સહેલું નહોતું. કેમ કે મહમ્મદ અલી ઝીણા અને જવાહરલાલ નેહરુ વચ્ચે ભાગલા સંબંધી કેટલાય વિવાદ હતા. પરિણામે લોર્ડ માઉન્ટબેટનની સમસ્યા વધતી ગઈ હતી. આથી તેમણે ૧૯૪૭માં જ આઝાદીની બધી ઔપચારિકતા પૂરી કરી લીધી.

આઝાદી અડધી રાત્રે કેમ?ઃ જ્યારે ત્રીજી જૂનના રોજ ભારતને ૧૫મી ઓગસ્ટના રોજ આઝાદી આપવી એવું નક્કી કરાયું ત્યારે ભારતીય જ્યોતિષીઓએ વાંધો ઊઠાવ્યો હતો. તેમના મતે આ દિવસ દેશ માટે બહુ જ અમંગળ હતો. બીજી તરફ, લોર્ડ માઉન્ટબેટન આ દિવસ માટે જ મક્કમ હતા. આથી એવો વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે ૧૪ ઓગસ્ટના મધરાતે આઝાદી આપવી કેમ કે ભારતીય માન્યતા મુજબ દિવસની શરૂઆત સૂર્યના ઊગવા સાથે થાય છે, જ્યારે અંગ્રેજો મધ્યરાત્રિના તારીખ બદલે છે, પરિણામ બન્ને માન્યતા જળવાઈ રહેશે.

૧૫મી ઓગસ્ટ જ કેમ?ઃ આ તારીખ લોર્ડ માઉન્ટબેટન માટે બહુ જ નસીબવંતી હતી. બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાની સેનાએ ૧૫મી તારીખે જ તેમની સામે શરણાગતિ સ્વીકારી હતી.

નેહરુજીનું યાદગાર પ્રવચનઃ આઝાદીની પૂર્વસંધ્યાએ જવાહરલાલ નેહરુએ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ નામનું યાદગાર પ્રવચન આપ્યું હતું. આ સમયે તેઓ સત્તાવાર રીતે ભારતના વડા પ્રધાન નહોતા. તેમણે ૧૫મી ઓગસ્ટના શપથ ગ્રહણ કર્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter