‘ધ કેરાલા સ્ટોરી’ મૂવી રીલીઝ થવા સાથે જ માત્ર ભારતમાં નહિ, સમગ્ર વિશ્વમાં કબૂતરોના ઝૂંડમાં બિલાડી આવી જાય ત્યારે થતી હાલત પ્રવર્તી રહી છે. આ ફિલ્મ કેરળના અલગ અલગ વિસ્તારમાંથી આવતી ત્રણ યુવા છોકરીઓના જીવન અને ઈસ્લામમાં તેમનાં ધર્માન્તરણના અનુભવોની વાત કહે છે. ફિલ્મનું મુખ્ય ફોકસ અપહરણ કરાયા પછી ઈસ્લામમાં ધર્માન્તરણ કરાયેલી શાલિની પર છે. આ પછી, તેને કટ્ટરપંથી બનાવી ટેરરિસ્ટ તરીકે ISISમાં જોડાવાની ફરજ પડાય છે. આ મૂવી ઈસ્લામિસ્ટો અસલામત અને યુવા છોકરીઓને ફોસલાવી ધર્માન્તરના નેટવર્કમાં ખેંચી લાવવા વિવિધ ટેક્નિક્સનો કેવો ઉપયોગ કરે છે તેનો પર્દાફાશ કરે છે. આ ફિલ્મ ભારતીય છોકરીઓના અનુભવોનું પ્રતિબિંબ પાડે છે ત્યારે વિશ્વભરમાં આવી ઘટનાઓ વધુ વ્યાપક છે જેની ઘણાં લોકોએ કલ્પના પણ ન કરી હોય. ફિલ્મના ડાયરેક્ટરે શોષણ અને નિયંત્રણના સાધન સ્વરૂપે હિંસા અને જાતીય દુરુપયોગનો આ ઈસ્લામિસ્ટો દ્વારા દુરાચાર દર્શાવ્યો છે. તેમના માટે અશક્ય કશું નથી અને તેમના જ શબ્દોમાં કહીએ તો આ તેમના ધર્મ માટે કરાય છે.
યુકે માટે સૌથી પ્રસિદ્ધ કેસીસમાં એક ચોક્કસપણ શમીમા બેગમનો હતો જેણે તેની બે મિત્ર સાથે ISISમાં જોડાવા સીરિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તેમને બેથનાલ ગ્રીન ત્રિપુટી તરીકે ઓળખાવાય છે. આ કેસમાં તો તે મુસ્લિમ છોકરી હતી જેને ફોસલાવી કટ્ટરપંથી બનાવાઈ હતી. આ તબક્કે, કોઈ પણ સમજદાર વ્યક્તિ એમ વિચારશે કે આવું મૂવી તો જોવું જ જોઈએ. તેમાં ઈસ્લામિસ્ટો યુવતીઓને ફોસલાવવા-લલચાવવા, બળજબરી ધર્માન્તર કરાવવા કેવી પદ્ધતિઓ ઉપયોગમાં લે છે તેમજ તેમને અંકુશમાં લેવા અને કટ્ટરપંથી બનાવવા જાતીય શોષણ અને હિંસાનો ઉપયોગ કરાય છે તેનો પર્દાફાશ કરાયો છે. સમગ્ર વિશ્વમાં આ મુદ્દો ઉઠ્યો છે અને તેથી સામાન્યતઃ એમ વિચારાય કે અસલામત છોકરીઓ અને યુવા મહિલાઓને રક્ષણ આપવાનું તમામ લોકો માટે સૌથી પ્રાધાન્ય ધરાવતા મુદ્દાઓમાં એક હોય. જોકે, આ સાચું હોય તે આવશ્યક નથી. આપણે તો કેટલાક લોકોની મરી પરવારેલી માનવતા નિહાળી છે, કેટલાક રાજકારણીઓ અને ખુદ સેન્સર બોર્ડ્સ પણ આપણી છોકરીઓનું રક્ષણ કરવાના બદલે ઈસ્લામિસ્ટોનું તુષ્ટિકરણ કરવા માગે છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનાં વલપણનું જ ઉદાહરણ લઈએ જેમણે આ મૂવી પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ કેવી વાહિયાત વાત કહેવાય કે ભારતના કેટલાક રાજ્યોમાં લોકો ભારતમાં જ નિર્માણ કરાયેલી આ મૂવી નિહાળી શકે પરંતુ, અન્ય કેટલાક રાજ્યોમાં નહિ. સ્થાનિક રાજકારણીઓએ તુષ્ટિકરણના રાજકારણથી આ મૂવી પર પ્રતિબંધ લાદવાનો ખેલ પાડી દીધો. સદ્નસીબે, સુપ્રીમ કોર્ટમાં વધુ શાણપણ હતું અને તેણે આ પ્રતિબંધ ઉઠાવી લીધો.
યુકેમાં આ ફિલ્મને 18 સર્ટિફિકેશન અપાય તે પહેલા ભારે વિલંબ જોવા મળ્યો છે. આની સામે ભારે વિરોધ પણ ફાટી નીકળ્યો પરંતુ, મારા હિસાબે અંશતઃ ભૂલ તો ડિસ્ટ્રિબ્યુટરના પક્ષે હતી. મારો તર્ક એમ કહે છે કે જો આપણે 12 મેએ આ ફિલ્મ નિહાળવા જવાના હોઈએ તો સર્ટિફિકેશન પ્રોસેસ તો ઓછામાં ઓછાં થોડાં સપ્તાહ અગાઉ શરૂ થઈ જવી જોઈતી હતી. આના માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો નહિ અને દેખીતી રીતે જ તેના પરિણામે ભારે ગૂંચવાડો સર્જાયો. બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન કદાચ સમય પસાર કરવા ઈચ્છતું હશે પરંતુ, આખરે તેમણે સર્ટિફિકેશન આપી દીધું અને હું જાણું છું ત્યાં સુધી કોઈ જ કાપકૂપ વિના અપાયું હતું. સંપૂર્ણ મૂવી, જે ડાયરેક્ટર દ્વારા નિર્માણ કરાયું હતું તેવું સંપૂણ મૂવી તમે નિહાળી શકો તેવા વિશ્વના જૂજ સ્થળોમાં એક અહીં છે.
સમગ્ર યુકેમાં 30થી વધુ સ્થળોએ આ મૂવી દર્શાવવામાં આવશે. કમનસીબે, બર્મિંગહામમાં જાણીતા કટ્ટરવાદી અને ઈસ્લામિસ્ટ સમર્થક શકીલ આફસરે શાંતિપૂર્ણ ઓડિયન્સ સામે તમામ પ્રકારની આક્ષેપબાજી સાથે બૂમબરાડા શરૂ કરી દીધા. આ એ જ વ્યક્તિ છે જે ઈસ્લામિસ્ટો દ્વારા હિન્દુઓ સામે હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે લેસ્ટરની શેરીઓમાં ફરતો દેખાયો હતો. હું જાણું છું ત્યાં સુધી પોલીસે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારા અને પોતાના ઘૃણાસ્પદ બખાળાથી ઓડિયન્સને ભયભીત કરનારા આ તોફાની તત્વ સામે કોઈ પગલાં લીધા નથી.
સમગ્ર વિશ્વ આજે પોતાની જ માનવતાના ત્રિભેટે આવીને ખડું છે. અપરાધો આચર્યા પછી ઈસ્લામોફોબિયાના શિકાર બન્યા હોવાના રોદણાંના અંચળા પાછળ છુપાઈ જનારા ઈસ્લામિસ્ટોના સકંજામાં એક પછી એક દેશ ફસાતા જાય છે. આપણે હવે એવાં તબક્કે પહોંચી ગયા છીએ જ્યાં, પીડિત શિકારનો અવાજ બહાર આવે તેનો પણ કટ્ટરપંથીઓ અને ઈસ્લામિસ્ટો વિરોધ કરી રહ્યા છે. આપણી સમક્ષ સમગ્ર વિશ્વના એવા રાજકારણીઓ છે જેઓ તેમની ઈચ્છાઓ પાર પાડવામાં સહાય કરી રહ્યા છે. પીડિત લોકો આપણી નજર સામે જોઈ શકાતા નથી, ભલે તે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેન્ગ્સના શિકાર હોય, નરસંહાર અને સેક્સ્યુઅલ ગુલામીના બચી જનારા યેઝિદી હો, અત્યાચાર-જુલ્મના શિકાર હઝારા કોમ્યુનિટી હોય, સાચા કાશ્મીરીઓનો જનસંહાર હોય, બોકો હરામ દ્વારા છોકરીઓ પરના બળાત્કારો હોય અને આ યાદીનો તો જાણે અંત જ નથી. સમગ્ર વિશ્વ સત્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવવાની પોતાની કાયરતાની ખાળકૂંડીમાં સબડી રહ્યું છે.
મારું અનુમાન એવું છે કે આ મૂવી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી ભારે નફો રળી રહ્યું છે તે અંધકારમાં રુપેરી કોર છે. ઈસ્લામિસ્ટો અને તેમના તુષ્ટિકરણમાં રચ્યાપચ્યા રહેતા લોકોએ આ મૂવી પર પ્રતિબંધ લદાવવાના પ્રયાસમાં તેને શક્ય તેટલી વધુ પ્રસિદ્ધિ અપાવી દીધી છે. હવે હું આગામી ફિલ્મ ‘બેંગાલ ફાઈલ્સ’ની વધુ રાહ જોઈ શકીશ નહિ. તેને નિહાળવા સામે કોણ પ્રતિબંધ લગાવશે તેનું આશ્ચર્ય થશે!
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)