‘પરદેશગમનનું પાપ આચરનાર’ ગાંધીજીને કન્યાકુમારીના ભગવતી અમ્મા મંદિરમાં પ્રવેશ નહોતો મળ્યો!

Tuesday 01st October 2019 12:14 EDT
 
 

થિરુવનંથપુરમ્ઃ દક્ષિણ ભારતના ઘણા-ખરા મંદિરોમાં આજે પણ ચોક્કસ જાતના ડ્રેસકોડ વગર પ્રવેશ મળતો નથી. એક સમયે તો મંદિરોમાં જ્ઞાતિ અને અન્ય સામાજિક બંધનોના આધારે પણ પ્રવેશની મનાઈ કરાતી હતી. બીજા બધા તો ઠીક પણ સમાનતા માટે આજીવન લડનારા મહાત્મા ગાંધીને પણ મંદિરના કડક નિયમોનો અનુભવ થયો હતો. 

૧૯૨૫માં કેરળના કન્યાકુમારીમાં આવેલા ભગવતી અમ્મા મંદિરે ગાંધીજીને પ્રવેશ આપ્યો નહોતો, કેમ કે તેમણે દરિયાપારના દેશમાં જવાનું પાપ આચર્યું હતું. તેઓ પરદેશ (ઈંગ્લેન્ડ) જઈને પરત ફર્યા હતા. જોકે બાદમાં એ પ્રથા બંધ કરાઈ હતી અને ગાંધીજીને ફરીથી બોલાવીને મંદિરમાં ભવ્ય રીતે પ્રવેશ અપાયો હતો.
ગાંધીજીએ પોતાના સામાયિક ‘નવજીવન’માં આ અનુભવ ‘કન્યાકુમારીના દર્શન’ નામના લેખમાં લખ્યો છે. એ પ્રમાણે મંદિરના સંચાલકોએ કહ્યું હતું કે તમે બહાર રહીને દર્શન કરી શકો છો. મંદિરની પ્રદક્ષિણા પણ કરી શકો છો, પરંતુ પરદેશ જઈને આવ્યા હોવાથી (એટલે કે અપવિત્ર થઈને આવ્યા હોવાથી) મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકાશે નહીં. એ વખતે ગાંધીજી ત્રાવણકોર રાજ્યની મુલાકાતે હતા.
ગાંધીજીએ આ પ્રથા અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે પોતાના લેખમાં એવો સવાલ પણ કર્યો હતો કે કે શું મારા મંદિરમાં પ્રવેશવાથી કન્યાકુમારી પ્રદૂષિત થઈ જવાનું હતું? શું આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હશે?
એ વખતની પરંપરા પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ દરિયો પાર કર્યો હોય તો પછી તેના પર શુદ્ધિકરણની કાર્યવાહી થાય તો જ એ મંદિરમાં પ્રવેશ કરી શકે. આ લેખની હકારાત્મક અસર થઈ અને ત્રાવણકોરના મહારાજાએ મંદિર પ્રવેશ પ્રતિબંધની પ્રથા બંધ કરાવી હતી. એટલું જ નહીં, ત્રાવણકોર સ્ટેટમાં આવતાં તમામ ૧૫૨૬ મંદિરમાં આ પ્રવેશ પ્રતિબંધની પ્રથા બંધ કરી હતી.
એટલું જ નહીં, ૧૨ વર્ષ પછી ફરીથી ગાંધીજીને ખાસ ત્રાવણકોરમાં બોલાવી ભવ્ય કાર્યક્રમ યોજી મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે અગાઉ આ મંદિર જે જ્ઞાતિઓ માટે પ્રતિબંધિત હતું તેમના માટે પણ ખૂલ્લું મુકી દેવાયું હતું.
કે. અપ્યપ્પન પિલ્લઇ નામના ૧૦૬ વર્ષના દાદાજી એ સમય યાદ કરતાં કહે છે કે આજે જ્યાં યુનિવર્સિટી સ્ટેડિયમ છે ત્યાં ગાંધીજીનો કાર્યક્રમ યોજાયો હતો. અમે સૌ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગાંધીજીએ એ પછી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોકની પણ મુલાકાત લીધી હતી જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન-તપ કર્યું હતું. ગાંધીજીએ કુલ પાંચ વખત કેરળના વિવિધ પ્રાંતોની મુલાકાત લીધી હતી.

પુરીના જગન્નાથ મંદિરમાં પણ નો એન્ટ્રી

ઓડિશાના પુરીમાં આવેલા અને રથયાત્રા માટે પ્રખ્યાત જગન્નાથ મંદિરે પણ ગાંધીજીને પ્રવેશવાનો ઇન્કાર કરી દેવાયો હતો. આ મંદિરની પરંપરા છે કે માત્ર હિન્દુ હોય તે વ્યક્તિ જ પ્રવેશ કરી શકે. ૧૯૩૪માં ગાંધીજી પોતાના મુસ્લિમ-ખ્રિસ્તી સાથીદારો સાથે ત્યાં ગયા હતા. મંદિરે ગાંધીજીને એકલા આવવાનું કહ્યું, પણ ગાંધીજી બધા સાથીદારો સાથે મંદિરમાં જવા માંગતાં હતાં. આથી મંદિરે તેમને પ્રવેશ આપ્યો ન હતો. આ મંદિર પોતાના નિયમોનું બહુ કડકાઈપૂર્વક પાલન કરે છે, એટલે ગાંધીજી તો ઠીક પરંતુ આખા હિન્દુસ્તાન પર જેની હકૂમત ચાલતી હતી એ વાઈસરોય કર્ઝનને પણ (હિન્દુ ન હોવાના કારણે) પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.

ગાંધીજીને નાતે પણ બહાર મૂક્યા હતા

એક સમયે ભારતમાં એવી વ્યાપક માન્યતા હતી કે સમુદ્ર પાર કરીને પરદેશ જવું એ પાપ છે. માટે જે કોઈ એવું સાહસ કરે તેને દુષ્કૃત્ય ઠરાવીને નાત બહાર મૂકવાની અને વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવાની પરંપરા હતી. ગાંધીજીએ જ્યારે સૌથી પહેલી વખત પરદેશ ભણવા જવાનું નકકી કર્યું ત્યારે પણ તેમને તેમની જ જ્ઞાતિએ નાત બહાર મૂક્યા હતા. જોકે આફ્રિકાની ધરતી પર સફળતાના વાવટા ફરકાવીને ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરનાર એ જ મોઢ વણિક જ્ઞાતિએ તેમનું સન્માન કર્યું હતું.

આફ્રિકામાં ચળવળ સમયથી જ ગાંધીજીને ચીન સાથે નાતો

વિશ્વભરમાં ગાંધી જયંતિએ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે અને આ ઉજવણીમાં ચીન પણ સહભાગી બન્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગાંધીજી સાથે અમારો જૂનો નાતો છે. તેમણે ઈતિહાસ યાદ કરાવતાં કહ્યું હતું કે આફ્રિકામાં ગાંધીજીએ સૌ પ્રથમ વાર ચળવળ કરી ત્યારે તેમના સાથીદારો ચાઈનીઝ લોકો જ હતા.
આફ્રિકામાં ગાંધીજીની લડત એશિયનો વિરુદ્ધ દાખલ કરાયેલા અન્યાયી કાનૂન સામે હતી. આ કાનૂનમાં ભારત અને ચીનના લોકોનો સમાવેશ થતો હતો. આથી ગાંધીજીની લડતમાં આફ્રિકામાં રહેતા ચીની લોકો પણ ભાગીદાર બન્યા હતા.
ચીને કહ્યું હતું કે ભારત અને ચીનની વિકાસ યાત્રા લગભગ સાથે સાથે જ ચાલે છે. બંને દેશો ગાંધીચિંધ્યા માર્ગે ચાલીને એકબીજાના સહયોગી બની શકે એમ છે. ૨૦મી સદીમાં ચીનને વિકાસની દિશામાં મહત્ત્વનો ધક્કો મારનારા નેતા માઓ ઝેદોંગ પર ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. તો વળી ચીનમાં ૨૦૦૫માં ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે અહીં કાર્યક્રમ પણ યોજાય છે.

દુબઈમાં ગાંધી વોક યોજાશે

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની દુનિયાભરમાં ઉજવણી થઈ રહી છે. દુબઈસ્થિત ભારતીય દૂતાવાસે પણ ગાંધીજીની ૧૫૦મી જયંતિ નિમિત્તે ૪ કિલોમીટર લાંબી વોક, તસવીર પ્રદર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. દુબઈ મ્યુનિસિપાલિટી, દુબઇ સ્પોર્ટસ કાઉન્સિલ વગેરે સ્થાનિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. દુબઈમાં ગાંધીજી અંગેના વર્કશોપ, સ્ટુડન્ટ માટે વિવિધ સ્પર્ધાઓ વગેરે ચાલુ રહેશે. આ ઉજવણી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ચાલતી રહેવાની છે. ઉલ્લેખનીય છે કે દુબઈના ગાંધી-ઝાયેદ સંગ્રહાલયે ખાસ ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. દુબઈસ્થિત ભારતના કોન્સલ જનરલે જણાવ્યું હતું કે ગાંધીજીના શાંતિ, અહિંસા, ભાઈચારાના વિચારો સર્વત્ર ફેલાય અને નવી પેઢી તેનાથી વાકેફ થાય એ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાથે સાથે આવા કાર્યક્રમમાં ઓછામાં ઓછી ઊર્જા વપરાય એટલા માટે રિન્યુએબલ એનર્જીનો પણ ઉપયોગ કરાઇ રહ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter