26 નવેમ્બર 2008 – મુંબઇને હજુ ન્યાય મળ્યો નથી

ભારત મુંબઇ હુમલાના ઘા ક્યારેય વિસરી શકશે નહીં. હવે ભારત નવી નીતિ અને વિકલ્પો સાથે આતંકવાદ સામે લડી રહ્યો છે. – વડાપ્રધાન મોદી

કપિલ દૂદકિયા Wednesday 23rd November 2022 05:07 EST
 
 

26 નવેમ્બર 2008ના ગોઝારા દિવસને આપણે ક્યારેય ભૂલવો જોઇએ નહીં. આ દિવસે પાકિસ્તાની પીઠબળ ધરાવતા આતંકવાદીઓએ મુંબઇમાં નિર્દોષ લોકો પર હુમલા કર્યા હતા. પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન લશ્કર એ તોયબાએ મુંબઇના વિવિધ વિસ્તારોમાં બોંબ વિસ્ફોટ અને અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. આ હુમલાઓમાં 165 નિર્દોષ જિંદગીઓ હોમાઇ ગઇ હતી અને 300થી વધુને ઇજા પહોંચી હતી. છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન, લિઓપોડ કાફે અને હોસ્પિટલો પર પણ આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. યહૂદી છાબડ નરિમાન હાઉસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ અને તાજ મહલ પેલેસ તથા તાજ હોટેલ પર પણ આતંકવાદીઓ ત્રાટક્યા હતા. થોડા જ કલાકોમાં આ હુમલાઓનો અંત આવ્યો હતો. એક દાયકા પછી પણ મારા મનમાં એક જ સવાલ ઘુમરાઇ રહ્યો છે કે શું મુંબઇને ન્યાય મળ્યો છે ખરો...

કેટલીકવાર આપણે કેટલીક કડવી વાસ્તવિકતાઓ સ્વીકારવી પડે છે. 2008માં ભારત એક નિઃસહાય, આત્મવિશ્વાસ વિહોણો અને નાહિંમત દેશ હતો. ભારતે પોતાને વિશ્વ અને પોતાના જ નાગરિકોની દ્રષ્ટિમાં નપાણીયો પૂરવાર કર્યો હતો. ઘણા લોકો આ સત્ય સ્વીકારવામાં નાનમ અનુભવે છે.

આધુનિક ભારતના ઇતિહાસમાં 2014માં પહેલીવાર એવી આશા જાગી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભૂતકાળના દુઃસાહસો જેવા હુમલાઓને જડબાતોડ જવાબ આપશે. ભલે આ દિશામાં ધીમી ગતિએ પ્રગતિ થઇ રહી હોય પરંતુ ઓછામાં ઓછું તે એક એવી સાચી દિશામાં છે જેને આપણે સમર્થન આપી શકીએ છીએ.

જોકે 2022માં હું ફરીવાર એ જ સવાલ પૂછી રહ્યો છું કે શું મુંબઇને ન્યાય મળ્યો છે ખરો.. અને તેનો જવાબ છે ના..

હું એક એવી વિચારધારાને વરેલો છું જે કહે છે કે તમારા દુશ્મનને તેણે તમને આપેલી પીડા કરતાં 10 ગણી પીડા આપો. ભારતે હજુ આવું કશું કર્યું નથી. ન્યાય મળવામાં સતત વિલંબ થઇ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે તેનો અર્થ એ થાય કે પીડિતોને હજુ ન્યાય મળ્યો નથી.

શું પાકિસ્તાને ફરી એકવાર એ જ ભૂલ કરવી જોઇએ..મને આશા છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનો જવાબ એવો હશે કે પાકિસ્તાનના તમામ પાયા હચમચી જાય. પાકિસ્તાનની બર્બરતાનો આવો આકરો પ્રત્યાઘાત આપવા માટે હું માફી માગુ છું. આપણે એ ન ભૂલવું જોઇએ કે 2008માં ભારતે તેના પાડોશી દેશના પાગલપનનો પહેલીવાર અનુભવ કર્યો નહોતો. તેનો પ્રારંભ 1947માં થયો હતો જ્યારે ભારતના ટુકડા કરીને પાકિસ્તાનની રચનાકરાઇ અને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર કબજો જમાવવા ભારત પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની સરકારો દ્વારા પ્રયોજિત આવા તો ઘણા હુમલા પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાંથી ભારત પર થઇ ચૂક્યાં છે. આપણામાંના ઘણાને યાદ હશે કે 1990માં કાશ્મીરમાં હિન્દુઓનો નરસંહાર કરાયો હતો. તે સમયે મસ્જિદો પરથી જાહેરાત કરાતી હતી કે ઇસ્લામનો અંગીકાર કરો, કાશ્મીર છોડીને જતા રહો અથવા તો મોતને ભેટો. ગયા સપ્તાહમાં જ હાઉસ ઓફ લોર્ડ્સમાં લેબર લોર્ડ્સ દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. આ ભયાનક જનસંહારનો મુદ્દો ચગાવવાનું બંધ કરવાનો સમય આવી ગયો છે. આતંકવાદના આ રાક્ષસને આપણે જ વધવા દીધો છે. ભારતે જ પીછેહઠ કરીને પાકિસ્તાન દ્વારા પ્રયોજિત આતંકવાદને વકરવા દીધો હતો. આ પાગલપનને અટકાવવા માટે ભારતે એવો પ્રચંડ જવાબ આપવો જોઇએ કે દુશ્મન ફરી ક્યારેય ભારત પર હુમલાની કલ્પના પણ ન કરી શકે. અર્જુનની જેમ ભારત પણ આત્મનીરિક્ષણના સમયગાળામાંથી પસાર થઇ ચૂક્યો છે. ભારતે ધર્મને સમજવા અને ધર્મરક્ષક બનવામાં ઘણો સમય વીતાવી દીધો છે. તેમાંથી એક જ પાઠ શીખવા મળે છે કે ન્યાય મેળવવાના તમામ શાંતિપૂર્ણ પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે તમારી પાસે અધાર્મિક પરિબળોને નેસ્તોનાબૂદ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી રહેતો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter