BAPSના વડા સુધીની પ્રમુખ સ્વામીની યાત્રા

- નીતિનભાઈ પલાણ અને કમુબેન પલાણ Wednesday 02nd June 2021 06:20 EDT
 
 

૧૮ વર્ષની વયે શાંતિલાલથી નારાયણસ્વરૂપદાસ બન્યા

ગયા મહિને આપણે વાંચ્યુ કે શાંતિલાલ અમદાવાદમાં આંબલીવાળી પોળમાં આવ્યા. તે થાકી ગયા હતા અને તેમની તબિયત સારી ન હતી. શાસ્ત્રીજી મહારાજ તેમને જોઈને ખૂબ ખુશ થયા હતા અને તેમની તબિયત સારી થાય તેવા આશીર્વાદ આપ્યા.

એક જ દિવસમાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા અને શરૂઆતમાં તેમને પાર્ષદ તરીકે દીક્ષા અપાઈ. ત્રણ મહિના પછી ૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ ગોંડલમાં તેમને ભાગવતી દીક્ષા આપવામાં આવી અને તેમને નારાયણસ્વરૂપદાસ સ્વામી નામ અપાયું. હવે પછી આપણે તેમનો સ્વામીશ્રી તરીકે ઉલ્લેખ કરીશું.

પ્રારંભિક વર્ષો - સેવા અને સંસ્કૃત અભ્યાસ

તેઓ સેવામાં ઓતપ્રોત થયા હતા અને બોચાસણ, ગોંડલ અને અટલાદરામાં બાંધકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. સેવા કરતા કેટલીક વખત તેમને વાગ્યું પણ હતું. એક વખત તેમની આંગળી પર ઈજા થઈ અને બીજી વખત ભરગરમીની ઋતુમાં અટલાદરામાં બાંધકામ દરમિયાન ચૂનો તૈયાર કરતી વખતે તેમના આખા શરીર પર ફોલ્લા પડી ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે યુવાન નારાયણસ્વરૂપદાસને તરત જ તેમની પાસે આવવા કહ્યું. શાસ્ત્રીજી મહારાજ તેમને જોતાવેંત તેમને ભેટી પડ્યા અને ખૂબ ધીમેધીમે તેમનો હાથ તેમના ચહેરા, હાથ અને પગ પર ઘસવા લાગ્યા અને તેમને પડેલા ફોલ્લા મટી જશે તેવા આશીર્વાદ આપ્યા. સાત જ દિવસમાં તેમના નાક પરના એક ફોલ્લાને છોડીને બાકીના બધા ફોલ્લા મટી ગયા. બાકી રહેલો એક ફોલ્લો વર્ષો સુધી એમ જ રહ્યો હતો.

તેઓ ગોંડલ, ભાદરણ, ખંભાત અને અમદાવાદ સહિત ઘણાં સ્થળોએ ભણ્યા હતા. તેમને યોગ્ય ગુરુ પાસેથી જ્ઞાન મળે તે શાસ્ત્રીજી મહારાજ સુનિશ્ચિત કરતા હતા. ભોજન બનાવવા માટે તેઓ સાધુઓની પ્રણાલિગત પદ્ધતિ - ભિક્ષા - માગવાનું શીખી ગયા. તે તેમના ઘડતરમાં મદદરૂપ થયું. તેમને સાધુતાના ગુણોના પાઠ સ્વરૂપે શિક્ષણ પ્રાપ્ત થયું. શાસ્ત્રીજી મહારાજ પાસેથી તેઓ ઘણાં પાઠ શીખ્યા તેમાં એક હંમેશા બન્ને હાથ જોડીને નમસ્કાર કરવાનો, આજ્ઞા પ્રત્યે ધ્યાન આપવાનો અને તેનું પાલન કરવાનો, વાતચીત કેવી રીત કરવી અને ધ્યાનપૂર્વક તથા કરુણાપૂર્વક વાત સાંભળીને વિવાદનો ઉકેલ લાવવામાં કેવી રીતે મદદરૂપ થવું તે હતો. શાસ્ત્રીજી મહારાજ યુવા શિષ્યમાં મેનેજમેન્ટની કલાનું નિરુપણ પણ કરતા હતા. સખત પરીશ્રમ કરવા છતાં સ્વામીશ્રી વક્તવ્યની કળામાં નિપુણ થયા. તેઓ મોટા અવાજે તથા દ્રઢ વિશ્વાસ સાથે પરંતુ, ખૂબ મધુર અવાજમાં પ્રવચન આપતા હતા જેથી શ્રોતાઓના મન તેમાં લીન થઈ શકે.

૨૫ વર્ષની વયે સારંગપૂરના વડા બન્યા

સ્વામીશ્રીથી શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ પ્રભાવિત હતા અને ૧૯૪૬માં તેમની સારંગપૂરના મંદિરના વડા તરીકે નિમણુંક કરી દીધી. તેઓ નાની ઉંમરના હોવા છતાં સૌના સન્માનીય બની ગયા. તેમના સમયગાળા દરમિયાન સંસ્થાને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્વામીશ્રી ખૂબ કપરી અને જોખમકારક સ્થિતિમાં મૂકાઈ ગયા. તેમણે આ દારુણ પરિસ્થિતિ દૂર થાય તે માટે પ્રાર્થના કરવા ગોંડલ, દ્વારકા અને ભાદ્રાના પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો નિર્ણય લીધો. આ પરિસ્થિતિ વિશે સાંભળીને શાસ્ત્રીજી મહારાજે તેમને હિંમત બંધાવી.

૨૮ વર્ષની વયે BAPSના વહીવટી વડા તરીકે નિમણુંક

આ દરમિયાન શાસ્ત્રીજી મહારાજની તબિયત સતત કથળતી રહી. તેમણે નિર્ણય કર્યો કે સ્વામીશ્રીની સંસ્થાના વહીવટી વડા તરીકે એટલે કે પ્રમુખ તરીકે નિમણુંક કરવાનો સમય આવી ગયો છે. સ્વામીશ્રી તો આ વાત સાથે સહેજ પણ સંમત ન હતા.જોકે, ત્રણ પત્ર અને વરિષ્ઠ હરિભક્તો તરફથી સંખ્યાબંધ સંદેશા મળ્યા પછી તેમણે આ હોદ્દો સ્વીકાર્યો હતો. ૨૧ મે ૧૯૫૦ના રોજ તેની વિધિ ફરીથી અમદાવાદની આંબલીવાળી પોળમાં યોજાઈ હતી. તે સ્થળે જ દસ વર્ષ અગાઉ સ્વામીશ્રીએ પાર્ષદની દીક્ષા લીધી હતી. આ પ્રસંગે અદાજે ૭૦થી ૧૦૦ હરિભક્તો એકત્ર થયા હતા. તેમણે ભોજન માટે ઉપયોગમાં લીધેલા વાસણો પર સ્વામીશ્રીની નજર પડી.તેઓ તરત જ બધા વાસણો ધોવા પહોંચી ગયા. આમ નવા પ્રમુખ તરીકે તેમના ભવ્ય પ્રકરણનું પ્રથમ પાન લખાયું હતું. તેમને ઉદારણરૂપ સેવક બનવામાં જરાપણ સમસ્યા ન હતી. તે દિવસથી તેઓ પ્રમુખ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા.

શાસ્ત્રીજી મહારાજનું અક્ષરધામગમન

પોતાની બીમારી દરમિયાન શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને કહ્યું, '

હવે મહારાજ મને ધામમાં બોલાવી લેશે. તેથી હું આ નારાયણસ્વરૂપદાસની જવાબદારી તમને સોંપુ છું. તમે એમનું ધ્યાન રાખજો.' સારંગપુરમાં આરામ કરી રહેલા શાસ્ત્રીજી મહારાજે તેમની અંતિમ ઈચ્છા તરીકે ગઢપુરની મુલાકાત લેવાની વાત કરી.ત્યાં પહોંચીને સ્વામીશ્રીએ ત્યાં કરેલું કાર્ય જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મંદિરમાં જે મૂર્તિઓ પધરાવવાની હતી તેની તેમણે સમગ્ર પ્રતિષ્ઠાવિધિ કરી. તે પછી તેઓ બોલ્યા,' પ્રતિષ્ઠા સંપૂર્ણ થઈ. મારી વિધિ હવે પૂરી થઈ. યોગી મહારાજ આવશે અને આરતી ઉતારશે.' થોડા દિવસ પછી સારંગપુરમાં યોગીજી મહારાજ અને અન્ય સાધુઓ સાથે શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા. સ્વામીશ્રીને સંબોધીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું,' યોગીજી મહારાજ આ સત્સંગમાં સૌથી વરિષ્ઠ છે. દરેકે તેમની આજ્ઞા મુજબ વર્તન કરવું જોઈએ. તેનાથી મને રાજીપો થશે.'

તે પછી થોડા સમયમાં જ ૧૦મે, ૧૯૫૧ના રોજ શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા. તેમના દિવ્ય દેહને ફાલ્ગુ નદી અને ઉતાવળી નદીના કિનારે લવાયો હતો. સ્વામીશ્રીએ અશ્રુભીની આંખે અને ભારે હૈયૈ શાસ્ત્રીજી મહારાજની અંતિમક્રિયા નિહાળી. જોકે, તેમનામાં અક્ષરપુરુષોત્તમ તત્વજ્ઞાન સંપૂર્ણપણે દ્રઢ હોવાથી તેઓ સારી રીતે જાણતા હતા કે શાસ્ત્રીજી મહારાજ જતા રહ્યા નથી, તેઓ યોગીજી મહારાજમાં હાજર છે.

તેનો સંદેશ એ છે કે ખૂબ નાના ગામનો નાનો બાળક એ જ વ્યક્તિ હતી જે રાતોરાત વિશાળ સંસ્થાના વડા પદે પહોંચી ગઈ. આ કારણે જ તેમણે જન્મ લીધો હતો તેવું લાગે. તેમની ખૂબ ઝડપી પ્રગતિ હકિકતે તેમની કુદરતી યોગ્યતા અથવા દિવ્ય હેતુનો પુરાવો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter