અદાણી ગ્રૂપ પણ રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રેઃ ૨૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે

Friday 01st October 2021 05:17 EDT
 
 

અમદાવાદઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જૂથના ગ્રીન વિઝનને રજૂ કરતાં જણાવ્યું હતું કે જૂથ આગામી ૧૦ વર્ષોમાં રિન્યૂએબલ એનર્જી જનરેશન તથા કોમ્પોનન્ટ મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે ૨૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે.
જેપી મોર્ગન ઈન્ડિયા ઈન્વેસ્ટર સમિટને સંબોધતા દેશના બીજા નંબરના ધનવાન અદાણીએ જણાવ્યું હતું કે આગામી ચાર વર્ષોમાં જૂથ તેમની રિન્યૂએબલ પાવર જનરેશન ક્ષમતાને ત્રણ ગણી વધારશે. તેમજ ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ક્ષેત્રે પ્રવેશ કરશે. તમામ ડેટા સેન્ટર્સને રિન્યૂએબલ ઊર્જા ચલિત બનાવશે. તેમજ જૂથના પોર્ટ્સને ૨૦૨૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો બનાવશે. ગ્રૂપ ૨૦૨૫ સુધીમાં તેના કુલ મૂડી ખર્ચના ૭૫ ટકા હિસ્સો ગ્રીન ટેક્નોલોજિસ પાછળ ખર્ચશે એમ અદાણીએ ઉમેર્યું હતું.
રિલાયન્સ જૂથે ક્લિન પાવર અને હાઈડ્રોજન ફ્યુઅલ ક્ષેત્રે ત્રણ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર રોકવાની જાહેરાત કર્યાંના સપ્તાહોમાં જ ગૌતમ અદાણીએ આ જાહેરાત કરી છે. અંબાણી દ્વારા કરાયેલી જાહેરાતને રિન્યૂએબલ્સ ક્ષેત્રે ઘણા વર્ષોથી સક્રિય અદાણી સાથે સીધી સ્પર્ધા તરીકે જોવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter